ખલસનાતન વિચારધારા- Pseudo Hinduism

આજકાલ કહેવાતા હિંદુ વિચારકોને કોઈક અલગ જ પ્રકારનું શૂળ ઉપડ્યું છે, આપણા એટલે કે સનાતન તહેવારોને પશ્ચિમની ઢબે ઉજવવાનું કહેવાનું અને પશ્ચિમના એટલે કે ખ્રિસ્તી ધર્મના તહેવારો ને સનાતન સંસ્કૃતિ સાથે બળાત્કારે જોડી એ પ્રકારે ઉજવણી કરવાનું આહ્વાન કરવાનું શૂળ. હજી બે દિવસ પહેલા જ ખ્રિસ્તી નાતાલ એટલે કે ક્રિસમસનો તહેવાર ગયો જે ભારત તો શું યુરોપ અને યુ.કે.માં પણ ધાર્મિક તહેવાર તરીકે નહીં પણ સામાજીક તહેવાર તરીકે કે પછી એક વ્યાવસાયિક (Commercial) તહેવાર તરીકે વધુ ઉજવાય છે, ખાસ કરી ને યુ.કે. અને યુ.એસ.એ.માં. છેલ્લાં ૨-૩ વરસથી વોટ્સએપ પરના ધર્મધુરંધરો અને વિચારકોએ આપણા પવિત્ર છોડ તુલસીની સરખામણી ક્રિસમસ ટ્રી સાથે કરવા માંડી છે અને નાતાલ નજીક આવતા આ નીચે જોવા મળે છે એવા સંદેશાઓ ફરતા કરી મૂકે છે.

મારી તેમને (અને જો તમે પણ આવા સંદેશા ફરતા કર્યા હોય- “ફોરવર્ડેડ એઝ રિસિવ્ડ-Forwarded as Received” ડિસ્ક્લેમર સાથે પણ) એક જ વિનંતી છે કે મારા ભાઈઓ અને બહેનો, જો તમને ક્રિસમસ ઉજવવાનો એટલો જ શોખ છે તો ક્રિસમસ ટ્રી સાથે જ ઉજવો ને? નહિતર તમને કયો ભોજીયો ભાઈ આવી ને ગધાડી પકડાવી ગયો છે કે તમારે યેનકેન પ્રકારે નાતાલ ઉજવવું જ પડે? અને એ બધા કરતા પહેલા પ્રશ્ન તો એ છે કે, કોઈ તહેવાર ઉજવવો એટલે શું? દિવાળીના દિવસે મુસલમાનો ફટાકડા ફોડે તો તો તે શું હિંદુ થઈ જાય છે? કે હોળીમાં ખ્રિસ્તીઓ રંગ અને પાણીથી હોળી રમે તો તેમને તમે હિંદુ ગણવા માંડો છો? ના ને? તો પછી તમે ક્રિસમસ ઉપર ઘરમાં ક્રિસમસ ટ્રી મૂકી પણ દીધું તો તમે શું ખ્રિસ્તી થઈ ગયા? હા, એ વાત જૂદી છે ભારતમાં ખરેખર ક્રિસમસ ટ્રી ઘરમાં મૂકવું એ ફક્ત અને ફક્ત એક ઘેલછા છે. અહિં વિદેશમાં બાળકો તેમની શાળા-કોલેજોમાં, મિત્રોનાં ઘરે કે અમે વયસ્કો અમારી ઓફિસોમાં, દુકાનોમાં, શોપિંગસેન્ટરોમાં, ક્રિસમસ ટ્રી મૂકાતું અને સજાવાતું જોઈએ એટલે ખાસ કરી ને બાળકો માટે થઈ ને ઘરમાં ક્રિસમસ ટ્રી મૂકતા હોઈએ. પણ એ ફક્ત આનંદ માટે અને બાળકો આ વિદેશની ધરતીમાં પોતાને અન્ય કરતા અલગ ન સમજે કે ચારે બાજુ થતી ઉજવણી દરમ્યાન પોતે તે ઉજવણીમાંથી બાકાત રહ્યાનો અહેસાસ ન કરે તે માટે જ. ભારતમાં એવું ન બનવું જોઈએ કે Peer Pressureમાં લોકો ને ઘરમાં ક્રિસમસ ટ્રી ગોઠવવાની ફરજ પડે. ક્રિસમસ ટ્રીને બદલે જો ઉપરના ચિત્રોમાં જણાવ્યું છે તેમ તુલસીનો છોડ મૂકીએ અને તેની નીચે દીવો કરીએ (ખરેખર લોકો ક્યારેય ક્રિસમસ ટ્રીની નીચે મીણબત્તી સળગાવતા નથી) એટલે શું આપણે ક્રિસમસ ન ઉજવ્યું એમ કહેવાય? એ તો ઉલટાનું આપણે ક્રિસમસની ઉજવણીમાં શામેલ થયા એમ ગણાય. જ્યારે ખ્રિસ્તી મિશનરીઓ અન્ય ધર્મના લોકોને વટલાવવાની પ્રવૃત્તિ આદરે છે ત્યારે તેઓ આ જ કામ કરે છે, લોકોને કહે છે કે તમારે તમારા રીતરિવાજ કે પ્રથાઓ છોડવાની જરુર નથી, ફક્ત ઈસુ ખ્રિસ્તને ભગવાન માનો. આજે પણ ગુજરાતમાં જે ગુજરાતી ખ્રિસ્તીઓ છે તેમાના મોટા ભાગનાને ઘરે નાતાલમાં લાડવા બને છે, નવા વર્ષ (૧લી જાન્યુઆરી)ના દિવસે કંસાર/લાપસી બને છે, ઘણા ખ્રિસ્તીઓ ક્રોસ સામે કે ઈસુના ફોટા/ચિત્રની સામે મીણબત્તી નહીં પણ દીવો કરતા હોય છે.
જ્યારે ખ્રિસ્તી ધર્મ યુ.કે.માં અને યુરોપમાં પ્રવેશ્યો ત્યારે અહિંના લોકો પેગન-Pegan ધર્મ પાળતા હતા, જે સનાતન-હિંદુ ધર્મને ઘણો મળતો આવતો ધર્મ હતો, જેમાં સૂર્ય, વર્ષા, ચંદ્ર જેવા કુદરતી દેવતાઓની ઉપાસના થતી અને અમુક હદે યજ્ઞ/હવન પણ થતા. એ પેગન લોકોનો મોટો તહેવાર ઉત્તરાયણ-Winter Solstice (૧૪મી જાન્યુઆરી નહીં, તે તો મકર સંક્રાંતિનો દિવસ છે. આ ઉત્તરાયણ એટલે ૨૧-૨૨ ડિસેમ્બર) હતો. જ્યારે સૂર્ય દક્ષિણ દિશામાં તેના ચરમ સ્થાને પહોંચી ગયો હોય છે અને પાછો ઉત્તર દિશા તરફ ખરવાની શરુઆત કરે છે તે દિવસને ઉત્તરાયણનો પ્રારંભ ગણવામાં આવે છે અને તે પછીના છ મહિના સુધી સૂર્ય ઉત્તર દિશામાં ક્રમશઃ તેના ટોચના બિંદુ સુધી ખસે રાખે છે. આ પેગન તહેવારની ઉજવણી જો બંધ કરાવે તો લોકો સહેલાઈથી ખ્રિસ્તી ધર્મ પાળવા તરફ ના ઢળતા એ કારણે (મોટા ભાગના ઇતિહાસકારોના મત મુજબ) એ પેગન તહેવારના દિવસને (અને શરુઆતમાં તો ઉજવણીને પણ) એમનો એમ રાખી ઇસુ ખ્રિસ્તનો જન્મ ૨૫ ડિસેમ્બરે થયો હતો તેવું જોડી નાખ્યું. આજે પણ (ખાસ કરી ને પ્રોટેસ્ટન્ટ) ખ્રિસ્તીઓનો એક એવો વર્ગ છે જે ઇસુનો જન્મ ડિસેમ્બરમાં નહીં પણ જુલાઇમાં થયો હતો તેમ દૃઢ પણે માને છે. જો તમે પણ ઇસુના જન્મની કથા સાંભળી/વાંચી હોય તો તમે સહજ જ સમજી શકો છો કે એ દિવસ શિયાળાનો તો હોઈ જ ન શકે. ખેર, તો વાત એમ છે કે ખ્રિસ્તી મિશનરીઓની આ તો જૂની અને જાણીતી ચાલ છે જેમાં તેઓ લોકો ને ખ્રિસ્તી તહેવાર તેમના (લોકોના) ધર્મ અને સમાજની માન્યતા પ્રમાણે મનાવવાની સલાહ આપે અને પછી લાગ જોઈ ને તેમને ખ્રિસ્તી બનાવી દે.

મેં મને એક બે ગ્રુપમાં જ્યારે આવા સંદેશા આવ્યા ત્યારે મેં અણગમો દર્શાવ્યો તો નીચે જુઓ છો એવી ચર્ચા થઈ, જેનો મને પ્રશ્ન કરનાય બેમાંથી એકેયએ જવાબ હજી આજે ૨૪ કલાકથી વધુ વિતી ગયા હોવા છતાં નથી આપ્યા, કેમકે તેમની પાસે કોઈ જવાબ છે જ નહી.

તો મિત્રો, જો તમે નાતાલની સવારે દેવળમાં જતા ન હોવ, આખા દિવસમાં ઈસુ ખ્રિસ્તને યાદ કરતા ન હોવ, ફક્ત આનંદપ્રમોદ માટે જ ક્રિસમસ ટ્રી મૂકતા હોવ તો ચિંતા કરશો નહિ, તમે એમ કરવાથી ખ્રિસ્તી થઈ જવાના નથી અને નથી તો તમે તમારા સનાતન ધર્મને કોઈ નુકસાન પહોંચાડવાના છો. હા, હું આ તહેવારને મારો અને સનાતન ધર્મનો તહેવાર માનતો નથી એટલે ઘેલો થઈ ને જેને ને તેને Merry Christmasના મેસેજો મોકલતો નથી. મારા ખ્રિસ્તી મિત્રો કે સહકર્મચારીઓને જ એવા સંદેશા મોકલું છું. હું તમને પણ એ સલાહ આપીશ કે એકબીજાને મેરી ક્રિસમસ, મેરી ક્રિસમસ કરવાની ઘેલછા જગાડવી નહી કેમકે એ તહેવાર તમારો નથી. શું તમે બકરા ઇદના દિવસે કે રમજાન ઇદના દિવસે તમારા હિંદુ મિત્રો અને સગાંસ્નેહીઓને ઈદ મુબારકના સંદેશા મોકલો છો? પટેટીના દિવસે Happy Patetiના સંદેશા મોકલો છો? ના ને? તો પછી ક્રિસમસના સંદેશા પણ ફક્ત ખ્રિસ્તીઓને મોકલો તે જ શોભે છે. તુલસીને દીવો કરવાનો બહુ શોખ થતો હોય તો ફક્ત ક્રિસમસ દરમ્યાન જ શું કામ, દરરોજ કરો ને? એમ કરવાથી તમારો સનાતન ધર્મ વધુ સારી રીતે આચરાશે.

આ તો થઈ પારકા તહેવારને સનાતન તહેવારનો રંગ આપવાની વાત. હવે કરું સનાતન તહેવારને આપણા સૌથી મોટા તહેવાર દિવાળીના તહેવારને ખ્રિસ્તી તહેવાર ક્રિસમસની જેમ ઉજવવાની સલાહ આપવાની. આ વર્ષે દિવાળી ઉપર એવો સંદેશો અને તેનો વિડિયો ફરતો થયો હતો કે દિવાળીની આગલી (કાળીચૌદસની) રાત્રે છાનાંછપનાં બાળકોના ઓશિકા નીચે પૈસા મૂકી દેવાના અથવા ઘરમાં એક ખૂણામાં કે નિયત જગ્યાએ (જેમકે ભગવાનના મંદિર પાસે) ભેટો મૂકી દેવાની અને દિવાળી ના દિવસે બાળકો ઊઠે ત્યારે એમને એમ કહેવાનું કે લક્ષ્મી માતા રાતના અંધારામાં આવી ને તેમના માટે રોકડ નાણું કે ભેટો મૂકી ગયા. શું આ પ્રથા તમને ખ્રિસ્તીઓના કાલ્પનિક પાત્ર સાંતા ક્લોઝ-Santa Clauseની વાર્તાથી કોઈ રીતે અલગ લાગે છે? જેમાં ખ્રિસ્તી/પશ્ચિમનાં બાળકો એમ માનતા હોય છે કે સાંતા રાતના અંધારામાં ઘરની ચિમનીમાંથી ઘુસી ને ક્રિસમસ ટ્રીની નીચે ભેટો મૂકી જાય છે. આપણી સંસ્કૃતિ એટલી તો સરસ છે કે એમાં આપણે આપણાં બાળકોને વડિલોને પગે લાગતા, વિનમ્ર થતા શીખવીએ છીએ અને એમના એ વિનય માટે થઈ ને તેમને લક્ષ્મી માતાની કૃપારુપ શુકનના પૈસા આપીએ છીએ. આપણી આવી સરસ પ્રથા બદલી ને તેને ખ્રિસ્તી પ્રથા બનાવવાની અને ખ્રિસ્તીઓના તહેવાર નાતાલને તુલસી દિવસ બનાવવાનો. આ બધા લોચા કયા પ્રકારના મગજમાંથી ઉત્પન્ન થતા હોય છે તે સમજાતું નથી.

નવદુર્ગા કે નવરાત્રિ

છેલ્લાં થોડાં વર્ષોથી એક ફેશન નીકળી છે કે નવરાત્રિના નવે દિવસ દરમ્યાન દરરોજ મા અંબા એટલે કે દુર્ગાનાં એકએક સ્વરુપની પૂજા કરવી અને દરેક દિવસને એ પ્રમાણે એકએક સ્વરુપ સાથે જોડી દેવો. અમે નાનેથી મોટા થયા ત્યાં સુધી, એટલે કે વોટ્સએપનો જમાનો નહોતો આવ્યો ત્યાં સુધી તો આવું ક્યારેય સાંભળ્યું નહોતું. બ્રાહ્મણ હોવાને નાતે મા અંબા અમારા ઘણા પરિવારોમાં મુખ્યાઅરાધ્ય દેવી ગણાય છે. આજે પણ મારા સગામાં કેટલાય પરિવારો છે જે આવતાંજતાં જેમ અમારા ઘરમાં જય શ્રી કૃષ્ણ (જેસીક્રસ્ણ) કહેવાનો સિરસ્તો છે તેમ એમના ઘરોમાં જય અંબે (જેમ્બે) કહેવામાં આવે છે. આવા અંબાઉપાસક પરિવારોમાં પણ ક્યારેય નવરાત્રિના પહેલા દિવસે શૈલપુત્રીની, બીજા દિવસે બ્રહ્મચારિણીની, ત્રીજા દિવસે ચંદ્રઘંટાની એમ નવમા દિવસે સિદ્ધિદાત્રીની પૂજા કરવી એવી આજ્ઞા કે નિયમ ન હતો. દુર્ગાનાં આ નવ નામો માર્કંડેય ઋષિ અને બ્રહ્માઉક્ત દેવ્યાં કવચમ્ (દેવી કવચ કે ચંડી કવચ)માં આવે છે. આ દેવી કવચનો પાઠ માર્કંડેય પુરાણમાંના દુર્ગા સપ્તશતી એટલે કે ચંડીપાઠની શરુઆતમાં કરવામાં આવે છે. જ્યાં આ નામોનો ઉલ્લેખ છે તેવા શ્લોકો નીચે મુજબ છે,

प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी ।
तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकम् ॥३॥
पच्चमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च ।
सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमम् ॥४॥
नवमं सिद्धिदात्री च नवदुर्गाः प्रकीर्तिताः ।
उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना ॥५॥

પ્રથમં શૈલપુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી ।
તૃતીયં ચન્દ્રઘંટેતિ કૂષ્માંડેતિ ચતુર્થકમ્ ॥૩॥
પંચમં સ્કંદમાતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ ચ ।
સપ્તમં કાલરાત્રીતિ મહાગૌરીતિ ચાષ્ટમમ્ ॥૪॥
નવમં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગાઃ પ્રકીર્તિતાઃ ।
ઉક્તાન્યેતાનિ નામાનિ બ્રહ્મણૈવ મહાત્મના ॥૫॥

(શ્લોક સંખ્યા મૂળ અધ્યાયમાં આવતી શ્લોક સંખ્યા છે, અહિં પહેલાના બે શ્લોકો જે માર્કંડેય (માર્કંડ) ઋષિની વિનંતિ અને બ્રહ્માજીના ઉત્તરની શરુઆત રુપે છે. આ ત્રણ શ્લોકો અને એના પછીના બધા જ શ્લોકો બ્રહ્માજી બોલે છે).

આ ત્રણ શ્લોકોમાં બ્રહ્માજી ફક્ત એમ જ કહે છે કે આ નવદુર્ગાના નામો મહાત્મા વેદદેવતાએ વર્ણવ્યા (કહ્યા) છે, બ્રહ્માજી એમ નથી કહેતા કે આ નવદુર્ગાઓ એક પછી એક નવરાત્રિના નવ દિવસની અધિષ્ઠાત્રીઓ છે. નવરાત્રિ દરમ્યાન નવેનવ દિવસ આ નવદુર્ગાની ઉપાસના કરવી જોઈએ. નવ દિવસને એકએક દુર્ગા સાથે જોડવામાં સહજ જ કૃત્રિમતા ત્યારે જણાય છે જ્યારે નવરાત્રિ (આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના નવ દિવસ/નવ રાતો) દરમ્યાન એકાદ તિથિ ઓછી હોય. જેમ કે આ વર્ષે (વિક્રમ સંવત ૨૦૭૭, ઇ.સ. ૨૦૨૧) નવરાત્રિમાં ફક્ત આઠ જ દિવસ હતા. તો શું આપણે આ વર્ષે આ નવદુર્ગામાંથી એકની ઉપાસના નહોતી કરવાની? યાદ રાખવા માટે આ ક્રમ બરોબર છે, પણ તે ક્રમને નોરતા કે તિથિઓ સાથે જોડવો યોગ્ય નથી. હા, જો તમે કોઈ રીતે દરરોજ આ નવેનવ દુર્ગાઓની ઉપાસના ન કરી શકતા હોવ અને સહુલિયત ખાતર રોજ એકની જ પૂજા-ઉપાસના કરવી હોય તો ગમે તે એક દુર્ગાનું ચયન કરી શકો છો. જો તમે પહેલા દિવસે સ્કંદમાતાની કે સિદ્ધિદાત્રીની ઉપાસના કરી દો તો સહેજ પણ ગભરાશો નહિં, તમે શાસ્ત્રવિધાન પ્રમાણે કશું ખોટું નથી કર્યું. પહેલા દિવસે માત્ર અને માત્ર શૈલપુત્રીની ઉપાસના કરવી કે પછી કાત્યાયનીની ઉપાસના ફક્ત અને ફક્ત છઠ્ઠા દિવસે જ કરવી એવો કોઈ નિયમ નથી.

કોઈકે એકાદ વખત નવરા બેઠા આ નવદુર્ગાઓને નવરાત્રીના એક પછી એક દિવસ સાથે જોડી ને સંદેશો વહેતો કરી દીધો હશે તે આજે ઘણાબધાં મંદિરોમાં આ ક્રમને શાસ્ત્રવિધાન ગણી ને વગરવિચાર્યે તેનું પાલન કરવામાં આવે છે. મારું કહેવું એમ નથી કે આ ક્રમનું પાલન કરવું ખોટું છે, ફક્ત એમ કહેવું છે કે એ ક્રમનું પાલન કરવું એ કોઈ શાસ્ત્રમાં વર્ણવ્યું નથી. જો શાત્રમાં ન હોય તો પછી એવું કરી ને ખોટો ચિલો શું કામ પાડવો? ખોટો આ નિયમ શું કામ બનાવવો? શું મંદિરો અને તેના પૂજારીઓ જે પોતે શાસ્ત્ર ભણેલા હોય છે તેઓ આવી પાયાવિહિન રૂઢિમાંથી બહાર આવશે?

જો તમને શાસ્ત્રની જાણકારી હોય અને તમે એવું કોઈ અધિકૃત પુરાણ જાણતા હોવ કે જ્યાં નવરાત્રિના નવ દિવસ માટે આ દેવીઓનો ક્રમ વર્ણવિત હોય અને આમ જ કરવું એવી આજ્ઞા હોય તો કૃપા કરી મને અહિં ટિપ્પણી (કમેન્ટ્સ/Comments સેક્શન) હેઠળ જણાવશો તો હું આપનો ઋણિ રહીશ.

વ્યથા કે ગુલામીની મનોદશા?

બે-ત્રણ દિવસ પહેલા પ્રજસત્તાક દિને વોટ્સએપ પર આ કવિતા ફરતી થઈ ગઈ હતી, મને નહિ નહિ તોય ઓછામાં ઓછી સાત વખત મળી. તમને બધાને મળી જ હશે… જો ના મળી હોય તો વાંચી જુઓ અને વાંચેલી હોય તો નજરઅંદાજ કરીને નીચે વાંચો:

“સારું થયું આઝાદ થઇ ગયા…!”

સારું થયું આઝાદ થઇ ગયા.
એ ગોરા સાલ્લા રસ્તા પર થુકવા દેતા નોતા,
રસ્તા પાણી થી ધોતા હતા,
આપણે કેટલા નસીબ- વાળા ?
ગમે ત્યાં થૂકી શકયા,
ગુટખા ખાઈ…. સારું થયું આઝાદ થઇ ગયા….

તે અંગ્રેજો ગધેડા અનાજ માં ભેળસેળ કરવા દેતા નોતા,
મૂરખા રાશન માં સારું અનાજ આપતા,
આપણે કેટલા ભાગ્યશાળી કે હવે દૂધ, દવા, અનાજ- માં બેફામ ભેળસેળ કરવા મુકત થયા,….. સારું થયું આઝાદ થયા. …‌

એ મૂરખ અંગ્રેજો
શિક્ષણ નો વેપાર કરવા દેતા નોતા,
સારું ઉચ્ચ ગુણવત્તા નું શિક્ષણ મફત આપતા,
હવે શિક્ષણ નો વેપાર કરી યુવાનો ની જીંદગી બરબાદ કરવા આપણે  ભાગ્યશાળી બન્યા, …..સારું થયું આપણે આઝાદ થયા……

એ જુલ્મી ધોળિયા અનાથ ગરીબ બાળકો- ને ભીખ માગવા દેતા નોતા,
એ બધા  આવા બાળકો માટે અનાથાશ્રમ બનાવતા હતા,
હવે બાળકો નું અપહરણ કરી,
અપંગ બનાવી,
ભીખ મગાવી ઉદાર આપણે થયા,……સારું થયું આઝાદ આપણે થયા……

એ ફિરંગીઓ,  લાંચ ખાવા દેતા નોતા,
એ ગધેડા લાંચ લેનાર- ને લાતો મારી કાઢી મૂકતા હતા, હવે આપણે લાંચિયા ની સમૃદ્ધિ માં સહભાગી થવા સક્ષમ થયા, ……સારું થયું આઝાદ થઈ ગયા…..

(માફી: સર્જકની કે જેનું નામ કદાચ કોઈકે મોકલ્યું હતું પણ મને યાદ નથી રહ્યું, જો કોઈ જાણતું હોય તો જણાવશો, અહિં ઉમેરી દઈશ)

આ કવિતા વાંચીને મને એવી માનસિકતાવાળા માણસોની દયા આવવા માંડી જે માને છે કે મહાન અંગ્રેજો ના હોત તો આપણે જન્મી જ ન શક્યા હોત અને જો જન્મ્યા હોત તો હજુ જંગલમાં જાનવરોને મારીને કાચું માંસ જ ખાતા હોત. ક્યારે લોકો અંગ્રેજોની ગુલામી કરવાનું છોડશે? હું એમ નથી કહેતો કે આ કવિતાના રચયિતાએ દેશની આજની પરિસ્થિતિ પ્રત્યે જે વ્યથા વ્યક્ત કરી છે તે ખોટી છે કે તેમાં અતિશયોક્તિ છે કે નથી તો હું સામાન્ય ભારતીય નાગરીકની માનસિકતાના વખાણ કરું છું (કેમકે તે તો આ કવિતાને ફોરવર્ડ કરીને લોકોએ સાબિત કરી જ દીધું છે), પરંતુ અહિં અંગ્રેજોને જે રીતે મહાન ચિતર્યા છે એની સાથે સંપૂર્ણ અસહમત છું.

ચાલો એની સામે થોડા તર્ક રજૂ કરું, સર્જક કહે છે કે ” મૂરખા રાશન માં સારું અનાજ આપતા”, શું તેમને ખબર છે કે રાશન (મર્યાદિત પ્રમાણમાં અનાજ-કરિયાણું) કેમ અને ક્યારે આપતા? શું રાશન આપવું એ ખરેખર પ્રશંસનિય કાર્ય હતું? વિશ્વયુદ્ધમાં જ્યારે એમના દેશમાં પુરવઠો ખોરવાયો ત્યારે આપણે અહિંથી અને બધેથી ભેગું કરીને મર્યાદિત પ્રમાણમાં વહેંચ્યું. જે વિશ્વયુદ્ધ સાથે આપણે કોઈ લેવાદેવા નહોતી તેમાં અકારણ આપણા સેંકડો લોકો હોમાઈ ગયા, આજે પણ અહિં બ્રિટનમાં રિમેમ્બરન્સ સન્ડે ઉજવાય અને એમાં યુદ્ધની બલિહારીઓ લેવાય ત્યારે ભારતીય સૈનિકોને ભાગ્યે જ યાદ કરાતા હોય, પણ છતાં એ રાશન આપનાર અંગ્રેજો મહાન?

” સારું ઉચ્ચ ગુણવત્તા નું શિક્ષણ મફત આપતા,” ખરેખર? ભારતની શિક્ષણપ્રથાને નેસ્તનાબુદ કરીને પોતાનું ઘુસાડ્યું તે મહાન? આપણી આરોગ્યવિદ્યા આયુર્વેદને નેસ્તનાબુદ કરીને એલોપથી જબરજસ્તીથી ઘુસાડી તે મહાન?

“એ ફિરંગીઓ લાંચ ખાવા દેતા નોતા, એ ગધેડા લાંચ લેનાર- ને લાતો મારી કાઢી મૂકતા હતા,” વાહ વાહ, શું વાત છે! લાંચ લેતા આપણને શીખવાડ્યું કોણે? લાંચની પ્રથા ચાલુ કોણે કરી? એટલા જ દૂધે ધોયેલા હતા જો તમારા એ અંગ્રેજો કે ફિરંગીઓ તો એમણે ભારતના ભાગલા કરવા માટે લાંચમાં મહમદ અલી ઝીણાને પાકિસ્તાન શું કામ આપ્યું? શું કામ રાજાઓને લાંચમાં લંડનની સહેલ કરાવીને છાનુંમાનું રાજ છીનવી લીધું? જેણે લાંચ આપતા શીખવ્યું તે અંગ્રેજો મહાન?

ધન્ય છે સર્જકને.

અંગ્રેજોએ આપણા માટે કશું નહોતું કર્યું, જે કર્યું તે તેમના પોતાના માટે કર્યું, આપણે એમની આરતિ ઉતારવાની હવે આઝાદીના લગભગ ૭૦ વરસે તો બંધ કરવી જ જોઈએ. અંગ્રેજોને આપણી કોઈ દયા નહોતી આવતી, કે નહોતા તો તે કોઈ ધર્માદાનું કે પરોપકારનું કામ કરવા નીકળ્યા. એ ફક્ત ધંધો કરવા અને આપણી જાહોજલાલીને લુંટવા આવ્યા હતા જ્યારે આપણે નીચોવાઈ ગયા ત્યારે એ લોકો દેશને કંગાળ હાલતમાં છોડિ ને જતા રહ્યા અને નહેરુ-ઝીણા જેવા લાલચુ નેતાને લાંચ આપતા ગયા.

તા.ક. (સ્પષ્ટતા): કવિતા મારી નથી, તેના વ્યાકરણ અને જોડણી સુધાર્યા નથી, જે રૂપમાં મળી હતી તે જ રૂપમાં પ્રસ્તુત કરી છે.

Design a site like this with WordPress.com
શરૂ કરો