નિર્ધાર

માઇક્રોફિક્શન : શબ્દ સંખ્યા: ૧૪3
શીર્ષક: નિર્ધાર – લેખક: રોહિત વણપરિયા (કેશોદ-રાજકોટ)

ફ્લશ કરવામાં બેદરકારી, મુકેલી વસ્તુ ક્યાં મુકી હતી તે ભુલી જવું, ટુવાલ, રૂમાલ, પેનડ્રાઇવનું ન મળવું, વ્યવસ્થિત હોવું ગમવું પણ બધું અવ્યવસ્થિત રાખવું, વૈભવી કાર હોવા છતાં પેટ્રોલ ખતમ થાય ત્યાં સુધી ખબર ન રાખવી, ઓફિસે પહોંચ્યા પછી પેનડ્રાઈવ કે લેપટોપનું યાદ આવવું … પોતાની આ બધી મર્યાદાઓ, કુટેવો હિમેશને નિકિતાનાં ચાલ્યા ગયા પછી જ નજર આવવા લાગી.

રાત્રે બેમતલબ ટીવી ચાલુ કર્યુ તો ગીત ચાલી રહ્યું હતું, ‘ તુમ મુજે યુ ભુલા ન પાઓગે ‘, ને હિમેશ નિકિતાને યાદ કરીને…

સોફ્ટવેર એન્જિનિયર તરીકે અતિસફળ હિમેશને ગીત સાંભળતા ભાન થયું કે નિકિતાનું સ્થાન અંકિતા નહિ જ લઇ શકે. વ્યવસ્થિત તૈયાર થઇને બહાર ઓફીસ, બગીચા કે હોટલમાં મળવું અને સાથે રહીને સતત બીજાની કાળજી લેવી એમાં જમીન-આસમાન જેટલો તફાવત હોય છે.

વહેલી સવારે જ હિમેશે પોતાની તમામ મર્યાદાઓ સુધારવાનો અને કોઇપણ ભોગે સમાધાન કરીને પણ નિકિતાને મનાવીને આજીવન તેની સાથે રહેવાનાં ઈરાદા સાથે મોબાઇલ હાથમાં લીધો.

તા. ૯-૫-૨૦૧૯ લોકસંસાર દૈનિકમાં પ્રકાશિત

શરણાગતિ

માઇક્રોફિક્શન:  શબ્દ સંખ્યા : ૧૬૪

શીર્ષક: *શરણાગતિ*

લેખક: *રોહિત વણપરિયા*

મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતો દીપ ભારત પ્રત્યેનાં લગાવથી નોકરી છોડીને અમેરિકાથી આવ્યો ત્યારે ખુબ ઉત્સાહમાં હતો કેમ કે યોગાનુયોગ તેની કુટુંબી બહેનનાં લગ્ન પણ ત્યારે જ હતાં. લગ્નમાં બહેનની સહેલીને ખુરશીમાં બેઠેલી જોઇ અને દીપને પ્રથમ નજરનો પ્રેમ થઇ ગયો.

અમેરિકન કલ્ચર મુજબ એણે તેને ડાન્સ માટે જોડીદાર બનવાનું આમંત્રણ આપી દીધું અને બધા જ કુટુંબીઓ ગુસ્સે ભરાયા.

મારો ઇરાદો કોઇને હર્ટ કરવાનો ન હતો એમ કહીને દીપે બધાની માફી માગી. થોડીવાર પછી દીપને એ બધાનાં ગુસ્સાનું કારણ સમજાયું. કેમ કે શ્રેયા અપંગ હતી.

પછી તો દીપે સામે ચાલીને સુલેહ કરી લીધી, અને સમયાંતરે શ્રેયા સાથે લગ્ન માટેનો પ્રસ્તાવ પણ મુક્યો.

શ્રેયાને કોઇની મહેરબાની જોઇતી ન હતી અને તેનાં માતા-પિતાએ પણ જીવનભર શ્રેયાની જવાબદારી લેવાનું સ્વીકારી લીધુ હતું. દીપની ઘણી મથામણ પછી પણ શ્રેયા તૈયાર ન થઇ.

ચાર મહિના પછી દીપે એના નવા ઘરે આવવા શ્રેયાને આમંત્રણ આપ્યું, ત્યાં જઇને શ્રેયાએ જોયુ કે ઘરનું તમામ ઇન્ટીરીયર એક અપંગ છોકરીને બધી રીતે અનુકૂળ પડે એ રીતનું હતું.

આખરે શ્રેયાએ શરણાગતિ સ્વીકારી જ લીધી.

બદલો

માઇક્રોફિક્શન
શીર્ષક: બદલો
શબ્દ સંખ્યા: 134
લેખક: રોહિત પટેલ (રાજકોટ)

સતત વીસ વર્ષથી સરપંચ તરીકે ચૂંટાતો ગોપાલ ગામનાં જ કરશનનાં વિરોધ અને ગામનાં લોકોમાં કરશન પ્રત્યેનાં આદરને કારણે જ્યારે ના ચૂંટાયો ત્યારે તેનામાં બદલાની આગ ભભૂકી ઊઠી.

કોઈપણ ભોગે તે હવે કરશનને કાયમ માટે રસ્તામાંથી હટાવી દેવા મરણીયો થયો હતો. તો સામે કરશન પણ ચેતી ગયો હોય એમ હંમેશા સાવધ રહેતો.

ઘણાં સમય પછી આજે એ મોકો મળી જ ગયો. બહેનનાં ગામમાં એક લગ્ન પતાવીને રાત્રે એ એકલો જ સીમ બાજુએથી આવવાનો હતો એવા ગોપાલને વાવડ મળ્યા હતાં. ‘આજે તો કરશનનો ખેલ ખતમ જ’ એવા નીર્ધાર સાથે ગોપાલ સીમમાં બેસીને અંધારામાં કરશનની વાટ જોઇ રહ્યો હતો.

કરશન દેખાયો, સાથે એની નાની દીકરી પણ હતી. કરશને ગોપાલને હાથમાં બંદૂક સાથે જોયો અને એમ જ જડાઈ ગયો.

ગોપાલ ભરી બંદૂકે કરશનની નજીક આવ્યો અને ભીની આંખે કરશનની નાની દીકરી માથે હાથ મૂકીને ગામ તરફ દોડી પડયો.

— લોકસંસાર દૈનિકમાં પ્રસિદ્ધ વાર્તા

છેલ્લું દ્રશ્ય

માઇક્રોફિક્શન
શીર્ષક: છેલ્લું દ્રશ્ય
ટાસ્કચિત્ર: બંગલાની બારી, દરિયાકિનારો, અંતરિક્ષયાન
શબ્દ સંખ્યા: 💯
📘 લેખક: ✒રોહિત પટેલ

અંતરિક્ષયાત્રી તરીકે પસંદ થનાર સંયમ તેના એકમાત્ર સાથીદાર સાથે છેલ્લી તૈયારીમાં હતો. અંતરિક્ષયાત્રાએથી પાછા ફરવાનું નક્કી ન પણ હોય એ જોખમોથી એ વાકેફ હતો જ. પ્રિય પત્ની કામિની પ્રત્યેની ભાવિ જવાબદારીઓ એ સમજતો હતો તેથી એ સહેજ બેચેન હતો, તો બીજીતરફ દેશપ્રેમ હતો.

અંતરિક્ષયાનનાં ઉડાનસ્થળથી થોડે દુર દરિયાકિનારે આવેલ એને મળેલ સરકારી બંગલાની બારીએ કદાચ કામિની જોવા મળી જાય એ આશાએ સંયમે એ તરફ દૂરબીન માંડ્યું.

કામિનીને જોતા જ એની તમામ બેચેની ગાયબ થઈ ગઇ. હવે કદાચ પાછા ફરવા ના મળે તો એને કોઇ અફસોસ ન હતો.

દુરબીનમાં જોયેલ દ્રશ્યમાં કામિની એનાં જુના પ્રેમી સાથે પ્રણયનાં ફાગ ખેલી રહી હતી.

(જામનગર દૈનિકમાં પ્રસિદ્ધ વાર્તા)

 

પ્રેમ

માઇક્રોફિક્શન: 📘 લેખક : ✒રોહિત પટેલ
શબ્દસંખ્યા: 84
—————————————-
નાના ઝઘડામાંથી પાંચ વર્ષ પહેલા જુદા થયેલ પતિપત્ની અચાનક જ ભીડ ભરેલી બસમાં ભેગા થઇ ગયા. એ સ્ત્રી ટિકિટ લેવા રૂપિયા આપવા લાગી તો કંડક્ટરે કહ્યું કે, ‘તમારી ટિકિટ પાછળ બેઠેલા પેલા ભાઈએ લઈ લીધી છે’.
‘હું મુઈ જ નાની વાતમાં ઝઘડો કરીે નીકળીને વર્ષોથી રોષ રાખીને બેઠી છું ને એ હજી પણ એટલો જ પ્રેમ કરે છે.’
ઉતરવાનું સ્થાન આવતા જ આગળ જતાં પતિને એણે ધમકાવ્યો, ‘આમ એકલા જ હાલી નીકળવું હતું તો ટિકિટ શું કામ લીધી’તી. હાલો હવે હું સાથે આવું છું.’