વિપુલ ભારતવર્ષનાં વિરાટ જનસમાજમાં બીજા એક વર્ગનાં લોકો છે જેઓ જપ, તપ, ઘ્યાન ધારણા કરવા ખાતર માણસનો ત્યાગ કરીને, દારિદ્રય અને દુ:ખનાં હાથમાં સંસારને છોડી દઇને ચાલ્યા જાય છે, એ અસંખ્ય ઉદાસીન મંડળીનાં મુક્તકામીઓને અન્ન તો તેમણે પૂરૂ પાડ્યું છે, જેમને એ લોકો મોહગ્રસ્ત અને સંસારાક્ત માને છે.
એકવખત કોઇ એક ગામમાં એવા એક સન્યાસી સાથે મારો ભેટો થયો હતો. મેં તેમને કહ્યું હતું, ‘ગામમાં દુષ્કર્મ કરનાર, દુ:ખી, પીડાગ્રસ્ત જેઓ છે તેમનાં માટે તમે લોકો કેમ કશું કરતાં નથી?’ મારો આ પ્રશ્ન સાંભળીને તેઓ નવાઇ પામ્યા હતાં અને ચિડાઇ ગયાં હતાં. તેમણે કહ્યું હતું, ‘શું? જેઓ સંસારનાં મોહમાં સપડાયેલા છે, તેઓની ચિંતા મારે કરવાની? હું તો સાધક રહ્યો. વિશુધ્ધ આનંદને ખાતર એ સંસારનો ત્યાગ કરીને આવ્યો છું, અને હું પાછો તેની ઝંઝાળમાં પડુ?’
આ શબ્દો જેમણે ઉચ્ચાર્યા હતાં તેમને અને તેમનાં જેવા બીજા બધા સ્પૃહા વગરનાં ઉધાસીનોને બોલાવીને પૂછવાનું મન થાય છે કે, તેમનાં ગોળમટોળ દેહની સુંવાળી ચકચકિત ક્રાંતિ કોને આભારી છે? જેમને તેઓ પાપી અને હીન ગણીને છોડી આવ્યા તે સંસારી લોકોએ જ એમને અન્ન પૂરૂ પાડ્યું છે. પરલોક તરફ જ સતત દ્રષ્ટિ રાખવાને લીધે કેટલી બધી શક્તિ વેડફાઇ ગઇ છે તે કહી શકાય તેમ નથી. અનેક સૈકાઓ થયાં ભારતમાં આ નબળાઇ ચાલતી આવી છે. — “રવિન્દ્રનિબંધમાલા”માંથી… – રવિન્દ્રનાથ ટાગોર



