આપણું હોવું પ્રથમ કેવું હતું !
કયાંક તું ને કયાંક હું, એવું હતું!
ને પછી કેવું મળ્યાં આ આપણે!
-ના કંઇ લેવું હતું, દેવું હતું !
શું હતું કે દૂર લગ દેખ્યા કર્યું!
કૈં નતું, બસ એક પારેવું હતું!
એમ નહીં, તું વાતનો વિસ્તાર કર!
હા, વરસતાં આભનું નેવું હતું !
કેમ ઉડાડી દીધી તેં વારતા !
કયાં બધું સંભારવા જેવું હતું!
રાજેન્દ્ર શુક્લ