ખલકતની સાહ્યબી તો તમારે રહી ગઈ,
સહુ અલ્પતા જ ભાગે અમારે રહી ગઈ !
આહો, રુદન અમારા છુપાયા ન રાતથી,
ઝાકળ રૂપે નિશાની સવારે રહી ગઈ !
સારું થયું હે કાળ ! સમય સાચવી ગયો,
અમ આબરૂ તો તારા પ્રહારે રહી ગઈ !
કહેવી ઘણી ય વાત હતી કિંતુ હે ખુદા,
જીવન-કિતાબ મારી મઝારે રહી ગઈ !
લાવીને માંડ આયખું મંઝિલ ઉપર ‘સમીર’,
જોયું તો હસરતો જ ઉતારે રહી ગઈ !
–મહેન્દ્ર ‘સમીર’
ખલકત= સૃષ્ટિ, દુનિયા
સૌજન્ય : આસ્વાદ ડોટ વર્ડપ્રેસ ડોટ કોમ
પ્રતિસાદ આપો