આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: September 2014

ઉમરેઠમાં રક્તદાન તેમજ નેત્ર નિદાન કેમ્પ યોજાયો


raktdan

ઉમરેઠના કાછીયાવાડ દાદાના દરબાર ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે લાયન્સ કલબ તેમજ આણંદ રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે રક્તદાન કેમ્પ તેમજ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરવા માટે મોટી સંખ્યામાં યુવાનો આવ્યા હતા જ્યારે નેત્ર નિદાન કેમ્પનો પણ લગભગ ૨૦૦ જેટલા લોકોએ લાભ લીધો હતો.

ઉમરેઠ ઓડ માર્ગ પર બિસ્માર ઓવર બ્રીજ પ્રજાએ બંધ કર્યો.!


વડોદરા તરફ જતો ટ્રાફિક ખોરવાયો.

છેલ્લા બે ત્રણ મહીનાથી ઉમરેઠ ઓડ માર્ગ પર આવેલ ઓવરબ્રીજ બિસ્માર બની ગયો છે. આ અંગે પ્રજાજનો તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા પણ તંત્રને બ્રીજ રીપેર કરવા રજૂઆત કરી હોવા છતા કોઈ નક્કર પગલા ન ભરાતા આખરે પ્રજાજનોની ધીરજ ખૂટી પડતા ઉમરેઠ ઓડ માર્ગ ઉપર આવેલા હમિદપુરા,ઓડ, અને ઉમરેઠના રહીશો દ્વાર બ્રીજ ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને ઓવર બ્રીજ રીપેર ન થાય ત્યાં સુધી વાહન વ્યવહાર બંધ રાખવાની ચિમકી ઉચ્ચારી હતી. આ અંગે ઉમરેઠ પાસેના હમિદપુરાના સરપંચ રોહીતભાઈ સોલંકીએ જણાવ્યું હતુ કે ગતરાત્રીના હમિદપુરાનો યુવાન રાત્રિના સમયે ઓવર બ્રીજ પરથી પસાર થતા બાઈક પરથી પડી ગયો હતો. આ અંગે ભૂતકાળમાં પણ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતા તંત્ર સદર મુદ્દે આળશું અભિગમ દાખવી રહ્યું છે. આજે બપોરના સમયે હમિદપુરા,ઓડ તેમજ ઉમરેઠના કેટલાક રહીશો ઓવર બ્રીજ ઉપર ઘસી આવ્યા હતા અને ઓવર બ્રીજ બંધ કરી દીધો હતો જેના કારણે વડોદરા તરફ જતો ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. ઉમરેઠ ઓવર બ્રીજ પર ટ્રકો અને કારની મોટી લાઈન થઈ ગઈ હતી. આ અંગે ઉમરેઠ પોલીસને જાણ થતા પોલીસ ઉમરેઠ ઓવર બ્રીજ પર આવી ગઈ હતી અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આખરે લોકોએ શાંત રહેવા ખાતરી આપી હતી પરંતુ ઉમરેઠના પી.એસ.આઈ યુ.વી.ડાભીની ગાડી પણ ઓવરબ્રીજ પરથી પસાર થઈ ન હતી ત્યારે તેઓને જરૂરી મિટીંગમાં મામતલદાર કચેરીએ પહોંચવાનું હોવ સ્થાનિક બાઈક ચાલકનો સહારો લેવો પડ્યો હતો.

ઓવરબ્રીજ પર બાઈક ફસાયું..!

આજે ઉમરેઠ ઓડ ઓવર બ્રીજ પર પૂન એક બાઈક ફસાયું હતું. નવું નક્કોર બાઈક લઈ ઓવર બ્રીજ પરથી યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂલના સાંધા વચ્ચે બાઈકનું આગલું વ્હીલ ફસાઈ ગયું હતુ, ત્યારે ઉપસ્થીત અન્ય લોકોની મદદથી આ બાઈક ચાલકે પોતાનું બાઈક બહાર નિકાળ્યું હતું.

હમિદપુરાના સરપંચે કલેક્ટરશ્રીને જાણ કરી.

ઉમરેઠ ઓડ માર્ગ પર આવેલા ઓવર બ્રીજ પર લોકો એકઠા થઈ જઈ સળિયા ઉચા કરી દેતા પ્રજાનો ઈરાદો પારખી ગયેલા હમિદપુરાના સરપંચ રોહીતભાઈ સોલંકીએ તુરંત કલેક્ટરશ્રી રાહુલ ગુપ્તાને ફોન પર પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા અને તુરંત આ મુદ્દે કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી.

કલેક્ટરશ્રીએ તુરંત પગલા લેવા બાંહેધરી આપી.

હમિદપુરાના સરપંચ રોહીતભાઈ સોલંકીને કલેકટરશ્રીએ જણાવ્યું હતુ કે ઉમરેઠ ઓડ માર્ગ પર ઓવરબ્રીજની ખરાબ હાલતથી તંત્ર વાકેફ છે અને તે માટે કાર્યવાહી ચાલું છે પરંતુ પરિસ્થિતિની ગંભીરતા જોઈ રેલ્વે ઓથોરીટીને આ કામ સત્વરે ઝડપથી કરવા નોટીશ પાઠવવા તેઓએ બાહેધરી આપી કાયદો વ્યવસ્થા જાળવી રાખવા જણાવ્યું હતું.

ઉમરેઠ પોલીસની જીપ પણ સલવાઈ..!

ઉમરેઠ ઓડ ઓવરબ્રીજ બધ કરવામાં આવતા ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ યુ.વી .ડાભીની જીપ પણ સલવાઈ હતી, પી.એસ.આઈને મામલતદાર કચેરી ખાતે જરૂરી બેઠકમાં પહોંચવાનું હોવાથી સ્થાનિકોના બાઈક પર તેઓ મામલતદાર કચેરી જવા રવાના થયા હતા જ્યારે આ પહેલા ઓવરબ્રીજ પર વિફરેલા લોકોને પી.એસ.આઈ ડાભીએ કાબુમાં કર્યા હતા અને શાંતિ દાખવવા જણાવ્યું હતું, અને ઉમરેઠ થી વડોદરા તરફ જતા વાહનોને બેચરી ફાટકના માર્ગ તરફથી આગળ જવા સુચનો કર્યા હતા.

ઉમરેઠ બાર એશોશિયેશનના હોદ્દેદારોની વરણી કરાઈ.


ઉમરેઠ બાર એશોશિયેશનની તાજેતરમાં મળેલ બેઠકમાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદે સિનિયર એડવોકેટ રશ્મીભાઈ જે.શાહ, ઉપ-પ્રમુખ પદે સિનિયર એડવોકેટ હુસેનમીયા એસ.શેખ, તેમજ સેકરેટરી પદે જય.એમ.શાહ(ભીમનાથવાળા) અને જો.સેક્રેટરી પદે શ્રેણિક એચ.શુક્લની વરણી કરવામાં આવી હતી. તમામ હોદ્દેદારોને વકીલ મિત્રો તેમજ શુભેચ્છકો ધ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ઉમરેઠના રૂદ્ર ગૃપ દ્વારા ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના – ગુફામાં પ્રકૃતિના દર્શન.


સતત ત્રીજા વર્ષે રૂદ્ર ગૃપ દ્વારા ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરાઈ.

ઉમરેઠના રૂદ્ર ગૃપ દ્વારા સતત ત્રીજા વર્ષે નગરના ગાયત્રી મંદિર પાસે ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, તેમજ ગણેશજી પર્વતની કોતરમાં બિરાજમાન હોય તેવા પંડાલનું સર્જન કરવામાં આવ્યું છે, ગુફામાં પ્રવેશ કરી ગુફામાં પ્રકૃતિના દર્શન સાથે ગુફાની બહાર ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે આ દિવ્ય દર્શનનો ઉમરેઠના ભક્તો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.

ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનો આગ્રહ રાખતા રૂદ્ર ગૃપ દ્વારા દર વર્ષે પંડાલ કાંઈ અલગ પ્રકારે જ બનાવવામાં આવે છે, અને નગરમાં હંમેશા તે આકર્ષનનું કેન્દ્ર રહે છે ચાલુ વર્ષે પણ આ પરંપરા રૂદ્ર ગૃપ દ્વારા યથાવત રાખી પર્વતની તટેલીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હોય તેવો પંડાલ બનાવવામાં આવ્યો છે અને ગુફામાં કુદરતનું સૌદર્ય પણ દર્શાવવામાં આવ્યું છે, રૂદ્ર ગૃપના જલ્પન વ્યાસે જણાવ્યું હતુ કે, ઉમરેઠના જયંત પેઈન્ટર દ્વારા ગણેશજીની માટીની પ્રતિમાં બનાવવામાં આવી છે,તેમજ પર્વત જેવો પંડાલ ઉભો કરવામાં આવ્યો છે. તેઓએ ઉમેર્યું હતુ કે હાલમાં પી.ઓ.પીની આકર્ષક ગણેશજીની મૂર્તિઓ ખરીદવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે પરંતુ તેઓ સતત છેલ્લા ત્રણ વર્ષથી ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવી પ્રકૃતિને અનુકૂળ થઈ રહ્યા છે. રૂદ્ર ગૃપના આકર્ષીત પંડાલના તેમજ ઈકો ફ્રેન્ડલી ગણેશજીના દર્શન કરવા ઉમરેઠના ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

ગોહેલ ફળીયામાં ઈકો-ફ્રેન્ડલી ગણેશજી

વાંટા વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ પુવારે માત્ર દશ દિવસમાં માટીથી ગણેશજીની પ્રતિમાં બનાવી પોતાના ફળીયામાં તેની સ્થાપના કરી શ્રધ્ધાભેર ગણેશ મહોત્સવ ઉજવણી કરી રહ્યા છે તેઓએ જણાવ્યું હતુ કે હાલમાં વાતાવરણને અનુકુળ પ્રતિમાંનું નિર્માણ કરવું જરૂરી બની ગયું છે, પી.ઓ.પીની પ્રતિમાને કારણે તળાવ અને અન જલસ્ત્ર્રોત પ્રદૂષિત થાય છે અને તેની પ્રતિકૂળ અસર થાય છે જેથી તમામ ગણેશ મંડળો દ્વારા ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાંની પુજા અર્ચના કરવાનો આગ્રહ રાખવો જોઈયે, અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરેઠમાં સૌ પ્રથમ ગણેશ મહોત્સવ શરૂ કરનાર કાછીયાવાડ વિસ્તારમાં પણ વર્ષો સુધી ઈકો-ફ્રેન્ડ્રલી ગણેશજીની પ્રતિમાંની સ્થાપના કરવામાં આવતી હતી. કાછીયાવાડ (દાદાના દરબાર)માં રહેતા ઈન્દ્રવદનભાઈ કાછીયા પોતાના હસ્તે માટી થી ગણેશજીની પ્રતિમાં બનાવતા હતા અને ગણેશ મહોત્સવ દરમ્યાન સદર પ્રતિમાંની પુજા અર્ચના કરવામાં આવતી હતી. હાલમાં પણ ઉમરેઠના કેટલાક વિસ્તારોમાં ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાં સ્થાપવામાં આવી છે ત્યારે વાતાવરણ પ્રેમીઓમાં સદર પહેલને આવકારી રહ્યા છે અને વિધ્નહર્તાની આરાધનામાં મગ્ન બની ગયા છે.