કેવાં તમે છો કે તમે સૌને ગમી ગયાં,
જગને ઝુકાવનાર પણ તમને નમી ગયાં.
આછી શરમથી આપનાં નયનો નમી ગયાં,
મારી નજરમાં ઈન્દ્રધનુ છમછમી ગયાં.
આકાશ રૂપે આપનો પાલવ મળી ગયો.
આંસુ અમારા તારલા થઈ ટમટમી ગયાં.
આભાર તુજ જુદાઈનો કે એને આશરે,
જીવનના સૌ અભાવના દુ:ખો શમી ગયાં.
સૌ આપના સમા જ છે શમણાં ય આપના,
તે પણ અમારી જિન્દગી સાથે રમી ગયાં.
એ મારી નમ્રતા કે તમારો અહમ હતો,
હું ચૂપ રહું એ જોઈ તમે સમસમી ગયાં.
‘બેતાબ’ અંધકારનો પર્યાય છું, મગર
સૂરજ તમે હતાં છતાંય આથમી ગયાં.
– રિષભ મહેતા ‘બેતાબ’