Showing posts with label Govardhanram Tripathi. Show all posts
Showing posts with label Govardhanram Tripathi. Show all posts

Wednesday, October 21, 2026

સાયા ભી જો તેરા પડ જાયે, આબાદ હો દિલ કા વીરાના....

વિજયા દશમી અને 20 ઓક્ટોબર- આ તિથિ અને તારીખનો સુયોગ ગઈ કાલે હતો. સાક્ષરવર્ય ગોવર્ધનરામ ત્રિપાઠીનો તિથિ અને તારીખ એમ બન્ને અનુસાર જન્મદિવસ. વર્ષ 1855.
પણ નડિયાદને સાક્ષરભૂમિ અમથી નથી કહી. અનેક સમકાલીન સાક્ષરોએ નડિયાદને આ ઓળખ આપી છે. અને એમાંના મોટા ભાગના સાક્ષરોનાં નિવાસસ્થાનની ઓળખ શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકની સહાય લઈને પ્રો. હસિત મહેતાએ કરેલી છે. એ મકાનો પર જે તે સાક્ષરની તસવીર અને સંક્ષિપ્તમાં ગુજરાતી તેમજ અંગ્રેજીમાં પરિચય આપતી તકતી પણ લગાવેલી છે. નડિયાદના શ્રી ગોવર્ધનરામ સ્મૃતિમંદિરની મુલાકાતે આવતા મુલાકાતીઓનાં રસરુચિ અને સમયાવધિની અનુકૂળતા મુજબ તેમને આ સ્થળોની મુલાકાત પણ કરાવવામાં આવે છે. ક્યાંક મૂળ મકાન જળવાયેલું છે, અને માલિક બદલાઈ ગયા છે, તો ક્યાંક માલિકના વંશજો નિવાસ કરે છે, ક્યાંક મૂળ મકાનને સ્થાને નવું મકાન બની ગયું છે- છતાં એ સ્થળે જે તે સાક્ષરનો નિવાસ હતો એ હકીકતની જાણકારીની ખરાઈ કરીને ત્યાં તકતી લગાવાયેલી છે.
ગોવર્ધનરામની 171મી જન્મજયંતિ નિમિત્તે સાંજના સાડા પાંચે 'વૉક વીથ સાક્ષર'નું આયોજન કરાયું હતું, અને આગલા દિવસે કરાયેલી ઘોષણાના પ્રતીસાદરૂપે ઠીક ઠીક સંખ્યામાં લોકો આવ્યા હતા. એમાંથી આઠ- દસ તો અમે- સ્વયંસેવકો હતા. ઊપરાંત બીજા સાહિત્યરસિકો પણ ખરા.
નડિયાદના નવા બસ સ્ટેન્ડ પાસેના ત્રિભેટે આવેલી ગોવર્ધનરામની અર્ધપ્રતિમા પાસે સૌ એકત્રિત થયા. ડાહીલક્ષ્મી લાયબ્રેરી (સ્થાપના 1898 અને હજી ધમધમતી)નાં ગ્રંથપાલ ગીતાબહેને ગોવર્ધનરામની અર્ધપ્રતિમાને ફૂલહાર પહેરાવ્યો. ગીતાબહેન ચાર દાયકા જેટલા લાંબા સમયથી ગ્રંથપાલ તરીકે સંકળાયેલાં છે, અને લાયબ્રેરીના અસંખ્ય વાચકો અને પુસ્તકોની વિગત તેમને જબાની યાદ છે. લાયબ્રેરીના એવા જ વરિષ્ઠ સ્વયંસેવક શ્રી રાજુભાઈ ઊપરાંત હર્ષાબહેન, પૂનમબહેન પણ હાજર હતાં.
પ્રો. હસિત મહેતાએ ગોવર્ધનરામને અંજલિ આપીને નડિયાદની ઓળખ સાક્ષરભૂમિ તરીકે શી રીતે ઊપસી તેની ભૂમિકા આપી. એ પછી સૌ ચાલતાં ચાલતાં નીકળ્યાં. રસ્તે નડિયાદના જ દિગ્દર્શક ગોવિંદ સરૈયા દ્વારા નિર્મિત-દિગ્દર્શીત ફિલ્મ 'સરસ્વતીચંદ્ર'નાં ગીતો રેલાઈ રહ્યાં હતાં.
વચ્ચે વચ્ચે યોગ્ય ઠેકાણે ઊભા રહીને હસિતભાઈએ એ સમયની કેટલીક વિગતો આપી. સુધારા યુગ પછી આવેલો એ પંડિત યુગ, સંગમ યુગ કેવો હતો એની ઝલક બહુ રસપ્રદ હતી. એમાં સાંસ્કૃતિક મિથ્યાભિમાન નહીં, પણ નક્કર માહિતી અને તથ્યાત્મક વિગતો હોવાથી એ સાંભળવાની બહુ મજા આવતી હતી. નડિયાદના આ વિસ્તારની ભૂગોળમાં હજી ખાસ ફેરફાર થયો નથી, એટલે સો-દોઢસો વરસ પહેલાંનાં સ્પંદનો હજી અનુભવી શકાય.
'વૉક વીથ સાક્ષર'ની પદયાત્રામાં આ વખતે એક વિશિષ્ટ ઊપક્રમ પણ રખાયેલો. સૌ અલગ અલગ સાક્ષરના ઘરે જઈએ, એ મકાનમાં હાલ રહેતા મકાનમાલિકને બહાર આવવા વિનંતી કરીએ, તેઓ આવે એ દરમિયાન હસિતભાઈ એ સાક્ષરના પ્રદાનનો પરિચય આપે, અને હાલ એ મકાનમાં રહેનાર વ્યક્તિનું ફૂલહારથી સન્માન કરવામાં આવે તેમજ બાકીના સભ્યોને ગુલાબનું ફૂલ અર્પણ કરવામાં આવે. આ સન્માન અને અર્પણ વિધિ વિવિધ સ્વયંસેવકો/મુલાકાતીઓના હસ્તે કરાય. આ તમામ મકાનમાલિકો સાથે હસિતભાઈ સતત સંપર્કમાં રહેતા હોવાથી એ સૌને પોતાના વારસા અંગે જાણ, અને વખતોવખત આવી ચડતા મુલાકાતીઓને પણ તેઓ આવકારે.
સાક્ષરોનાં મકાન તો ખરાં જ, પણ વચ્ચે આવતાં અમુક મહત્ત્વનાં સ્થળો વિશે પણ જાણકારી મળતી જાય. જેમ કે, હાલ નડિયાદની સમજુલક્ષ્મી હોસ્પિટલ છે તેનું મૂળ મકાન રસ્તામાં આવ્યું, જેનું નામ 'આનંદ ભુવન' હતું. બાળકોને જન્મ આપતા સ્થળનું કેટલું સૂચક નામ!
આમ, સાક્ષરોનો જ નહીં, પણ જે ભૂમિમાં તેઓ વસ્યા એ ભૂમિનો ઈતિહાસ પણ ખરો. આ પદયાત્રાનું અંતિમ સ્થળ હતું ઝઘડીયા પાડામાં આવેલું ગોવર્ધનરામ ત્રિપાઠીનું નિવાસસ્થાન 'શ્રી ગોવર્ધનરામ સ્મૃતિમંદીર'. આ સ્થળ અત્યારે તો અનેક પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યું છે, અને અહીં અનેક યુવાઓ વિવિધ રીતે સંકળાયેલા છે. અહીં ગોવર્ધનરામનું સંગ્રહાલય તેમજ 19મી સદીનાં દુર્લભ પુસ્તકો તથા સામયિકોનું અનન્ય કહી શકાય એવું પુસ્તકાલય છે. આ સ્થળ વિશે વિગતો આપ્યા પછી અહીં તેને લગતી નાનકડી ડોક્યુમેન્‍ટરી દર્શાવવામાં આવી. આમ, એકવીસમી સદીના આ પૂર્વાર્ધમાં જાણે કે ટાઈમ ટ્રાવેલ કરીને ઓગણીસમી સદીના ઊત્તરાર્ધમાં પહોંચી ગયાં હોઈએ એવી અનુભૂતિ થઈ.
આ પ્રસંગની તસવીરો જાણીજોઈને મૂકી નથી. વાંચનાર આ ઉપક્રમને પોતાના મનની ચિત્રપટ્ટી પર કલ્પીને નિહાળે એ અનુભૂતિ વધુ તીવ્ર બની રહેશે.
(નડિયાદનું ગોવર્ધનરામ સ્મૃતિમંદિર અને ડાહીલક્ષ્મી પુસ્તકાલય બુધવાર સિવાયના દિવસોએ સવારના 9.00થી સાંંજના 6.00 સુધી ખુલ્લું હોય છે. વ્યક્તિગત મુલાકાતીઓ આ સમય દરમિયાન ગમે ત્યારે આવી શકે છે. કોઈ શૈક્ષણિક સંસ્થા વિદ્યાર્થીઓને લઈને આવવા ઈચ્છે તો આગોતરી જાણ કરવી જરૂરી, જેથી અમારા પક્ષે કશી વ્યવસ્થાની જરૂર હોય તો થઈ શકે.‌
તમે નડિયાદમાં રહેતા હો અને આ સ્થળ વિશે ખ્યાલ ન હોય તો શરમાવાની જરૂર નથી. શરમ ત્યાગીને પણ મુલાકાતે આવી શકો છો. નડિયાદની બહારના મિત્રો આગોતરી જાણ કરે તો સારું, જેથી અમે જરૂરી વ્યવસ્થા કરી શકીએ. અલબત્ત, આ ઈચ્છનીય છે, અનિવાર્ય નથી.)

Sunday, September 14, 2025

મેરે કદમ જહાં પડે...

"આ દેવાલય રાજેશ્વર મહાદેવનું હતું. તે સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનના પૂર્વજોનું બંધાવેલું હતું. દેવાલયની આસપાસ ફરતો ફરસબંધી ચોક હતો અને તેની આસપાસ છાપરીવાળી ઓસરી હતી. ઓસરીમાંથી પછીતમાં એક બારી પડતી હતી, તેની પાછળ એક વાડો હતો જેમાં મહાદેવને ઉપયોગમાં આવે એવાં ફળફૂલના છોડ તથા બીલીનું એક વૃક્ષ હતું. જમણી બાજુએ એક નાનું સરખું આરાવાળું તળાવ હતું જેનું નામ રાજસરોવર રાખેલું હતું. દેવાલયની સામી બાજુએ એક કૂવો પણ હતો."

(સુવર્ણપુરનો અતિથિ, સરસ્વતીચંદ્ર, ભાગ 1)
"મહાદેવની પાછળના વાડામાં થોડા દિવસ થયા મોગરો, ગુલાબ, ચંપો, અને એવાં એવાં કુલની વાડી જેવું બનાવવા યત્ન કરવામાં આવ્યો હતો. મૂર્ખદત્તનો એક સુતળીનો ભરેલો ઉંચાનીચા પાયાવાળો ખાટલો વચ્ચોવચ પડ્યો રહેતો, તેમાં એકલો હોય ત્યારે તે ચત્તો સુતો સુતો કઠોર ગાયન કરતો અથવા અશુદ્ધ શ્લોક ગાતો."
(વાડામાં લીલા, સરસ્વતીચંદ્ર, ભાગ 1)
સર્જક કોઈક કાલ્પનિક વિશ્વ રચે ત્યારે તેમાં ઘણી વાર તેના સ્વાનુભવો પડઘાતા જોવા મળે છે. એમ થવું અનિવાર્ય નથી, પણ એમ થવાની શક્યતા પૂરેપૂરી રહે છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની મહાનવલ 'સરસ્વતીચંદ્ર' સંપન્ન થયાનું આ સવાસોમું વર્ષ ચાલી રહ્યું છે. ત્રણેક વર્ષથી હું નડિયાદના 'ગોવર્ધનરામ સ્મૃતિમંદિર' સાથે સંકળાયો છું. (અહીં થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓ વિશે એક વારમાં લખી શકાય એમ નથી. એ ઉપક્રમ ફરી ક્યારેક). આ સ્થળ એટલે ગોવર્ધનરામનું નિવાસસ્થાન. અહીં તેમણે બાલ્યાવસ્થા તેમજ ઉત્તરાવસ્થા ગાળી હતી. 'સરસ્વતીચંદ્ર'નો ચોથો ભાગ તેમણે આ જ મકાનમાં લખેલો. આ કૃતિને ઘોળીને પી ગયા છે એવા મિત્ર પ્રો. હસિત મહેતા અવારનવાર આ મકાન અને તેના આસપાસના સ્થળોનો 'સરસ્વતીચંદ્ર'માં અપાયેલો સંદર્ભ આપતા હોય છે. પ્રો. નીરજ યાજ્ઞિક પણ આ સમગ્ર બાબતે જાણકાર. શબ્દશ: નહીં, પણ ગોવર્ધનરામે અમુક દૃશ્યો લખ્યાં ત્યારે તેમના મનમાં કયું લોકેશન હશે એનો કંઈક અણસાર આ રીતે મળતો રહે છે.
'ગોવર્ધનરામ સ્મૃમંદિર'નું મુખ્ય પ્રવેશદ્વાર નાગરવાડામાં આવેલી ઝગડીયા પોળ તરફથી છે. તો તેનું પાછલું બારણું વ્યાસફળિયામાં પડે છે. અહીંથી એક નાનકડો રસ્તો સંતરામ મંદિર તરફ નીકળે છે. પણ એ પહેલાં મહાદેવનું એક મંદિર આવે છે, અને ત્યાંથી પગથિયાં ઊતરીએ કે એક તળાવ છે. તળાવ જાળવણીની આપણી પરંપરા અનુસાર તેમાં નકરો કચરો ઠલવાયેલો છે અને ગંદકીનું ઘર છે. આ તળાવનું નામ 'મલાવ તળાવ'. ગોવર્ધનરામ અહીં વાંચવા કે ટહેલવા માટે આવતા હતા. હજી આજે પણ આ વિસ્તારમાં પાંખી અવરજવર જોવા મળે છે, તો સવાસો દોઢસો વરસ પહેલાં આ સ્થળ કેવું રમણીય હશે એનો કંઈક અણસાર મળી રહે છે.

મલાવ તળાવથી આ પગથિયાં ચડીએ એટલે મહાદેવ
આવે, અને એ પછી થોડાં ડગલાં ચાલતાં
ગોવર્ધન સ્મૃતિમંદિર પહોંચાય.

ક્યારેક મારે કાર લઈને નડિયાદ આવવાનું થાય, યા કારમાં કોઈક મુલાકાતી આવે અને તેમને કાર પાર્ક કરવાની હોય તો આ તળાવ આગળ કાર પાર્ક કરાવીએ છીએ. અને તળાવના પરિચયથી જ 'ગોવર્ધનતીર્થની યાત્રા'નો આરંભ થાય છે. એ નાનકડું મહાદેવ પણ મસ્ત છે.
સરસ્વતીચંદ્ર'ના ભાગ 1ના બે પ્રકરણમાં તળાવ અને મહાદેવનું જે વર્ણન કરાયું છે એ આ સ્થળને ઘણું મળતું આવે છે. અહીંથી જેટલી પણ વાર પસાર થવાનું બને ત્યારે એ વિચારે રોમાંચ થાય છે કે ક્યારેક ગોવર્ધનરામનાં પગલાં અહીં પડ્યાં હશે.

વર્ષના બાકીના મહિનાઓમાં મલાવ તળાવ

વરસના બાકીના મહિના કચરાના ઢગ જેવું બની રહેલા આ મલાવ તળાવનું ચોમાસાનું સૌંદર્ય જોવા જેવું છે. આપણે આપણા કામની ન હોય એવી તમામ ચીજોને 'નકામી' માની લઈએ છીએ, પણ અત્યારે પાણી પર પથરાયેલી લીલ તળાવને કેટલું અદ્‍ભુત સૌંદર્ય બક્ષે છે!

ચોમાસામાં મલાવ તળાવનું સૌંદર્ય

Thursday, May 1, 2025

અન્ના કરેનીનાએ કુમુદસુંદરીને ટોલ્સ્ટોય વિશે શી ફરિયાદ કરી?

(યોગાનુયોગે આ બ્લૉગની આ સાતસોમી પોસ્ટ છે. 12 જૂન, 2011થી આરંભાયેલી આ સફરના ચૌદ વર્ષ પૂરા થવામાં છે. મનગમતા અનેક વિષયોનું આમાં ખેડાણ થઈ શક્યું એનો આનંદ છે. વાંચનારા, પ્રતિભાવ આપનારા સૌ વાચકમિત્રોનો પણ આભાર. 

  - બીરેન કોઠારી) 

આ અગાઉ પણ એક કાર્યક્રમના રીહર્સલનો અહેવાલ લખેલો. એ કાર્યક્રમમાં હાજર રહેવાનું પણ બનેલું. અને એ કાર્યક્રમનો અહેવાલ ઉર્વીશે પોતાના બ્લૉગ પર લખેલો. આ વખતે સ્થિતિ અમુક અંશે એવી જ છે. આજે થયેલા રીહર્સલનો અહેવાલ લખવાનો છે, અને કાર્યક્રમ આવતી કાલે છે.

એ પણ મુંબઈમાં, જેમાં મારે હાજર રહેવાનું નથી. આવાં, સીધેસીધાં ન ઊતરે એવાં, કાર્યક્રમને બદલે રીહર્સલનો અહેવાલ લખવાની આપણને ફરજ પડે એવાં કામ પાછળ જવાબદાર એક જ વ્યક્તિ હોય! એ વ્યક્તિ એટલે હસિત મહેતા. એકેડેમિક શૈલીમાં કહીએ તો પ્રા.ડૉ. હસિત મહેતા. શૈક્ષણિક જગતમાં એમની બહુવિધ ઓળખ છે, અને શિક્ષણેતર જગતમાં પણ. હસિતભાઈના વિશેષ પરિચયને બદલે મૂળ વાત પર આવી જઈએ.
અંધેરી, મુંબઈના ભવન્સ ખાતે 2, 3 અને 4 મેના રોજ 'વ્યાપન પર્વ' નામનો સાહિત્યિક કાર્યક્રમ છે. સાહિત્ય અને સંસ્કૃતિ જગતનાં અનેક મોટાં માથાં (પોતાના ધડ સહિત) એમાં ઉપસ્થિત રહેવાનાં છે. હસિતભાઈની દૃષ્ટિ અને અમલનું સુફળ એટલે નડિયાદની ઝગડીઆ પોળમાં આવેલું 'ગોવર્ધન સ્મૃતિમંદીર'. આ વર્ષ 'સરસ્વતીચંદ્ર' લખાયાનું સવાસોમું વરસ છે. હસિતભાઈએ વિચાર્યું કે આ નિમિત્તે 'સરસ્વતીચંદ્ર' અને ગોવર્ધનરામને લોકો સુધી પહોંચાડીએ. એનો ગુજરાતી અનુવાદ એ કે આ વિષયને પરિસંવાદમાંથી અને શૈક્ષણિક જગતમાંથી બહાર કાઢીએ. પોતે નડીયાદની અને ખરેખર તો ખેડા જિલ્લાની એક માત્ર મહિલા કૉલેજના આચાર્ય હોવાને કારણે એમને પહેલો વિચાર આમાં વિદ્યાર્થીઓને સાંકળવાનો આવે એમાં નવાઈ નથી. પણ મુખ્ય પ્રશ્ન એ હતો કે એમને સાંકળીને કરવું શું?
હસિતભાઈ પાસે આવા બધા સવાલોના એક કહેતાં અનેક જવાબ મળે. કોઈ એમને ન પૂછે તો એ જાતે જ જાતને સવાલ પૂછે અને એના જવાબ મેળવતા રહે. અહીં સુધી વાંધો નહીં, પણ પછી એના અમલીકરણમાં વિવિધ સૃષ્ટિના જીવોનો પ્રવેશ થતો જાય. આ બાબતે પણ કંઈક આવું જ થયું.
ગોવર્ધનરામ ત્રિપાઠી અને 'સરસ્વતીચંદ્ર'ને હસિતભાઈ ઘોળીને પી ગયા છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એમણે 'સરસ્વતીચંદ્ર'ના નાયક અને નાયિકાઓને વૈશ્વિક ફલક પરની, એની આસપાસના સમયગાળામાં સર્જાયેલી કૃતિઓનાં નાયકનાયિકાઓ સમક્ષ રજૂ કરવાનું વિચાર્યું. આમાંથી એમણે ત્રણ બાબત નક્કી કરી.
અન્ના (નાઝનીન) અને કુમુદ (પૂજા)
લીઓ ટોલ્સ્ટોયની 'અન્ના કરેનીના' 1878માં પ્રકાશિત થઈ. 'સરસ્વતીચંદ્ર'ના પહેલા ભાગના પ્રકાશનના લગભગ દાયકા પહેલાં. આથી એમણે અન્ના અને કુમુદસુંદરી વચ્ચેનો સંવાદ કલ્પ્યો અને એના થકી સર્જકના વિચાર શી રીતે વ્યક્ત કરાયા છે એ વિચાર્યું. આખો વિચાર એમણે આ બન્ને પાત્રો વચ્ચેના સંવાદ થકી વ્યક્ત કરીને એને લખ્યો. એમાં ક્યાંક ફ્લેશબેકની જેમ મૂળ કથાના એકાદ બે પ્રસંગ પણ આવે. આના લેખનને આખરી ઓપ અપાઈ ગયો એટલે હવે વાત આવી એની મંચ પર ભજવણીની. બે વિદ્યાર્થીનીઓ પૂજા અને નાઝનીનની પસંદગી થઈ. એ ઊપરાંત અન્ય પાત્રોમાં મિતાલી અને અલ્ફીના પણ ખરાં. આ લોકો લુણાવાડા જઈને પ્રો. કમલ જોશી પાસે એનું રીહર્સલ કરે એવી ગોઠવણ થઈ. ચાર-પાંચ દિવસ આ ચાલ્યું અને એક આખું સ્વરૂપ નજર સમક્ષ ઊઘડવા લાગ્યું. આ પહેલી વાત.

સરસ્વતીચંદ્ર (મિતાલી) અને કુમુદ (પૂજા)

બીજો મુદ્દો સ્વરૂપની રીતે સાવ જુદો. સ્વ. કુલીનચંદ્ર યાજ્ઞિક દ્વારા છેક 2013થી, એમની 86 વર્ષની વયે આરંભાયેલી એક અનન્ય પ્રવૃત્તિ તે 'ગુરુવારિયું', જે 'જી.ડી.' (ગૃપ ડિસ્કશન) કે 'સ્ટડી સર્કલ' તરીકે ઓળખાય છે. કુલીનકાકા દર ગુરુવારે સાંજના છ વાગ્યે ગોવર્ધન સ્મૃતિમંદીરમાં આવે અને વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે. પ્રો. નીરજ યાજ્ઞિક અને વિદ્યાર્થીપ્રિય પ્રો. આશિષ શાહ પણ આમાં સંકળાયા. ત્રણેક વર્ષથી ઉર્વીશ અને હું પણ આમાં સંકળાયા છીએ. અહીં મજા અનૌપચારિક ચર્ચાની. એટલે હસિતભાઈએ વિચાર્યું કે આપણે આ 'જી.ડી.'ને મંચ પર ભજવીએ અને એની ચર્ચા થકી 'સરસ્વતીચંદ્ર'ના કોઈક પાસાને ઉજાગર કરીએ. એ મુજબ રમણભાઈ નીલકંઠના નાટક 'રાઈનો પર્વત'નો રાઈ અને 'સરસ્વતીચંદ્ર'ના નાયક સરસ્વતીચંદ્રનાં પાત્રોમાં ઝીલાયેલું ભારતીય રેનેસાં (નવજાગરણ)નું પ્રતિબિંબ શી રીતે ઝીલાયું છે એ દર્શાવવું. પ્રાથમિક મુસદ્દો એમણે તૈયાર કરી દીધો, પણ એને 'જી.ડી.'ના સંવાદસ્વરૂપમાં ફેરવવાનું કામ ઉર્વીશને અને મને સોંપ્યું. એટલે આ થઈ બીજી વાત.

વાસ્તવિક 'જી.ડી.' વખતે 'ભજવાનારી જી.ડી.'નું રીહર્સલ

'જી.ડી.'ના રીહર્સલની એક ઝલક

હજી ત્રીજી વાત બાકી હતી. 'સરસ્વતીચંદ્ર'માં આવતાં અનેક ગીત પૈકીનાં અમુક તેમણે પસંદ કર્યાં. એનું સ્વરાંકન કરાવીને એની મ્યુઝીકલ ટ્રેક બનાવડાવી. અને બે વિદ્યાર્થીનીઓ આસ્થાના તેમજ પૂજા એ ગીતો 'લાઈવ' રજૂ કરે એમ નક્કી કર્યું.

આસ્થાનાના ગાયનની એક ઝલક

આમ, 'સરસ્વતીચંદ્ર' અને ગોવર્ધનરામ ખરા અર્થમાં વિદ્યાર્થીઓ થકી લોકો સુધી પહોંચાડવાનો આ પ્રયાસ કહી શકાય. આજે બપોરના સમયે ગોવર્ધન સ્મૃતિમંદીરમાં ગાયન સિવાયની બન્ને આઈટમોનું રીહર્સલ હતું. વિદ્યાર્થીનીઓ જે તલ્લીનતાથી પોતાનો પાઠ ભજવી રહી હતી, વિદ્યાર્થીઓ જે રીતે ચર્ચાને લાઈવ બનાવતા હતા એના સાક્ષી બનવાની બહુ મજા આવી. આરંભે દેવાંગ દ્વારા 'જી.ડી.'ના અપાયેલા પરિચય પછી તપન, દીપ, મોક્ષિતા, અલ્ફીના, નાઝનીન અને જીગર વચ્ચેની ચર્ચાનું સુકાન પ્રો. ઝંખનાબહેને સંભાળેલું. જૈનિક, સ્મિત, પ્રો. હરીશભાઈ, પારૂલબહેન, ડૉ. અલ્પાએ પૃષ્ઠભૂમિમાં વિવિધ જવાબદારીઓ સંભાળેલી.
આવતી કાલે પહેલવહેલી વાર આ તમામ વસ્તુઓ મંચ પર ભજવાશે, પણ એ એક જ વાર નહીં હોય. ગુજરાત આખામાં અનેકવિધ શાળા-કોલેજે આને પહોંચાડવાની નેમ છે. એ માટે બે-ત્રણ ટીમ તૈયાર થઈ રહી છે, પણ આજે આ રીહર્સલનો કંઈક અનોખો રોમાંચ છે. આવા કામનો એક નાનકડો હિસ્સો બનવાનું થાય ત્યારે જે આનંદ આવે એની વાત જ ઓર છે.
આ રીહર્સલની કેટલીક તસવીરો.

(તસવીર/વિડીયો ક્લીપ સૌજન્ય: દેવાંગ, જૈનિક, હસિત મહેતા)

Monday, May 2, 2022

ગો.મા.ત્રિ.ની ટપાલટિકિટ નિમિત્તે

(27 એપ્રિલ, 2016ના રોજ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના નામનું ફર્સ્ટ ડે કવર ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલું. એ નિમિત્તે કેટલાક કાલ્પનિક સંવાદ) 


 દૃશ્ય ૧

'આ ગોરધનભાઈ કોણ છે, યાર? બહુ મોટા માણસ હતા?'
'એવું જ હશે. એમના નામની ટપાલટિકીટ એમ ને એમ બહાર પડે?'
'ટપાલટિકીટ તો ગમે એના નામની બહાર પડી શકે એવી વ્યવસ્થા સરકારે કરી છે. બોલો, તમારી પાડવી છે?'
'ના, ભઈ. જવા દે ને! મારા ફોટા પાછળ લોકો થૂંક લગાવે એ મને પસંદ નથી.'
'હા, ભાઈ, હા. લોકો તમારા ફોટાની ઉપર થૂંકે એ રીતે તમે ટેવાયેલા છો.'

દૃશ્ય ૨
'હેય ડ્યુડ! હુઝ ધેટ ગોમેટ્રિ? આઈ સપોઝ ઈટ શુડ બી જ્યોમેટ્રી!'
'ચીલેક્સ, બ્રો! હી વૉઝ અ ગુજ્જુ રાઈટર. એમણે સરસ્વતીદેવીની નોવેલ લખેલી.'
'યુ મીન, પેલી ટીવી પર આવતી હતી એ?'
'એક્ઝેક્ટલી ધ સેમ! સંજુભાઈવાળી!'
'ઓહ રીયલી? યાર, આઈ ગૉટ મિસ્ગાઈડેડ. થોડી વાર જોઈ તો મને લાગ્યું કે ઈટ્સ બાય એકતા કપૂર. શીટ! આઈ મિસ્ડ એન અનધર એપિક ઑફ સંજુભાઈ!'

દૃશ્ય ૩
ક: 'ગોવર્ધનરામભાઈ, અભિનંદન! તમારી ટપાલટિકિટ બહાર પડી ને કંઈ! મેં લખેલું ને 'જ્યાં જ્યાં નજર મારી પડે, યાદી ભરી ત્યાં આપની!' એ તમને આટલા વરસે લાગુ પડશે એ મને ખુદને ખ્યાલ નહોતો.'
ગો: 'દુ:ખી હું તેથી શું, સુખી હું તેથી શું, સુરસિંહજી!'
મ: 'આવું કહ્યું ત્યાં શિર શૂળ ચાલ્યું, રહ્યું નહીં મસ્તક મત્ત ઝાલ્યું..'
ક: 'કંઈ સમજાય એવું કહો, મણિશંકરભાઈ!'
મ: 'એવું છે, બાપુ, કે ગોવર્ધનરામભાઈની ટપાલટિકિટ એ સમયે બહાર પડી છે કે જ્યારે ટપાલોનો ઉપયોગ નહીંવત થઈ ગયો છે. જ્યાં એ થાય છે, ત્યાં ફ્રેન્કીંગથી સ્ટેમ્પ મારવામાં આવે છે. ઈ-મેલ પર આ ટિકીટ લગાવી શકાય નહીં. એટલે ગોવર્ધનરામભાઈ દુ:ખી પણ છે ને આનંદમાં પણ છે.'
ક: 'આહા! કિંતુ કળ ઉતરી ને આંખ તો ઉઘડી એ.'

(ક કલાપિ, ગો= ગોવર્ધનરામ ત્રિપાઠી, મ= મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્‍ત')