Feeds:
Posts
Comments

એક ગરાજ સેલ –

આજ સવારથી
મારા ઘરની સામે જ એક ગરાજ સેલ ચાલે છે

લોકો વાહનો લઈને આવે છે
અને સાઈ રોડ તેની લાઈનથી ભરચક છે.

બારી પાસે ઉભેલો હું લોકોને
રમકડાં, ઉતરેલાં કપડાં, હેટ -ટોપી , કોટ- બંડી, જૂતાં
ને વાસણો ને જાત જાતનો ભંગાર લઈને

દરેકને એક પોતાની આગવી
ટ્રોફી ખરીદવી છે -સસ્તા દામે
આમ ખૂલ્લે આમ પોત પોતાના
ખિસ્સાની સાઈઝનીને મન ગમતી

પણ બધા બધે વહેલા થોડા જ પહોંચી શકે છે ?
જેના હાથમાં જે આવે તે લઈને
ગરાજ સેલમાંથી નીકળી જવાનું સૌથી આગળ,

ને દેખાડતા જવાની
પોત પોતાની ટ્રોફી કેટલી સસ્તી મળી
તેનો જ મહીમા છે અહી તો

સોદાગરની ચાલ ચાલતા
એ બધાને જોતાં રહેવામાં
મારો તો આખો દિવસ ખર્ચાઈ ગયો !

<

સ્ટારબકની કોફી-

હવે સ્ટારબકની કોફીનો સ્વાદ
સુધરી રહ્યો છે
કે તમારી આદત
તે આ સામે બેઠેલી
વસંતની ક્રોસલેગ્ડ સવારને
તે કેમ કરીને પૂછી શકાય !
કાળી ને કડૂચી કોફીમાં ધોળું ધોળું મિલ્ક
રેડાતું જોઈને સારું તો લાગે જ
પણ આ તો શનિવારની સવાર જ છે
આખી બપોરનું શું?
સવાર તો તેનો સેલ ફોન લઈને
બેસી જાય એક ખૂણામાં
અને બે હાથે ટાઈપ કરતી રહે
સંદેશા કોઈ અધિરિયાને
ને તમે મોઢું વકાસીને જોતા રહો
તેના ટૂંકા સ્કર્ટમાંથી ફેલાઈને
ને ધોળા વાદળમાં કતારબંધ ઊડતાં
પંખીઓની હરોળ જેવી
લીલી લીલી નસો
તમે ચીઝ બરાબર ચોપડીને પછી
બેગલ ખાવાનું સાવ ભૂલી જાવ
પણ આદતવાશ તમારો જમણો હાથ
આગળ વધે ને
તમે નાનાં નાનાં બટકાં ભરતા જાવ
ને ઘડી ઘડી
પેપર નેપકીન વડે તમારા
ચીકણા હોઠને લૂછતા રહો.

ભરત ત્રિવેદી
5.2.2013

Fathar & Son

એક દલિત – પીડિત બિરજુની પરોઢ

મારી મા બિચારી
બે હાથ જોડીને કરગરતી રહી
તો પણ જીવણ શેઠની સાથે

બગલમાં લાલ ચોપડા લઈને
પડછાયાની જેમ સાથે રહેતો તેમનો મુનીમ
અમારા બંને બળદ
હીરા-મોતીને લઇ જ ગયો!

હવે વરસતા વરસાદમાં

મારા નાના ભાઈને પોતાની પીઠ પર
એક મેલી ઝૉળી લઈને
સુકાઈ ગયેલા તળાવ જેવા
અમારા ખેતરમાં
જાતે હળ ચલાવતી જોતાં જ

હું લાગલો જ
અમારા ઝુપડાની દીવાલ પર કાટખાતી
બે નાળી લઈને દોડ્યો

ને મારી મા
પોતાના બંને હાથ ફેલાવીને
બિરજુ, રુક જા ….. બીર, જુ રુક જા
કરતી મારી પાછળ દોડી, પણ

નરગિસમાંથી રાતોરાત
નિરૂપારોયમાં પલટાઈ ગયેલી
મારી મા
દોડે તો પણ કેટલું દોડી શકે !
પાછળ દોડતી તે એક ઝાડના થડને
પકડીને ઊભી રહી ગઈ !

સફેદ ધોતી અને કાળી બંડી
મારી
વરસતા વરસાદમાં લથપથ, ને
જઇ પહોંચ્યો
હું
જીવણલાલાની હવેલી પર

લાગલા જ
‘મેરી માં કે કંગન દેદે લાલા’
મેં ત્રાડ પાડી, ને
થરથર ધ્રૂજતાં લાલો કહે :
વો તો તેરા બાપ જુગાર ઔર દારૂમે …….

એક મોટો ભડાકો
ને મારી આંખ ખૂલી ગઈ
પણ લોહી નિતરતી લાલાની લાશ ક્યાં ગઈ ?

જોઉં છું કે
મારી બેડ પાસેના ડગમગતા ટેબલપર
‘મધર ઇન્ડિયાની’ એક સાવ જ જૂની
વિડીયો પડી હતી !

મહાભારત

દાદાજીની ટાલ પર
બેઠેલો સાંજનો સૂર્ય આમ તો
ઉત્તરાયણની યાદ અપાવે, પણ

બાણશૈયા પર સુતેલા પિતામહના
શ્વેત કેશ પવનમાં આછેરા લહેરાય, તો

એ માનવાને કારણ મળી રહે કે
પવન હવે તો દિશા બદલી રહ્યો છે!

કેટલાક પ્રશ્નોનો ઉત્તર શોધવા
છેક કુરુક્ષેત્રનો માર્ગ પણ લેવો પડે

પવન ઉત્તરાભિમુખ ના થાય ત્યાં સુધી
વાટ જોવા જેવી બીજી એકેય કસોટી નથી

૩/૭/૨૦૧૨

બપોર

ગમાણમાં નત મસ્તક
બેઠેલા કોઈ બળદની જેમ
બપોર બેઠી છે ચૂપચાપ

અણગમતા ને
કોઈ રખડેલ વિચારને,
હટાવવા મસ્તકને આમતેમ ધૂણાવીને
છુટકારો મેળવી શકાય, પણ

આખેઆખી ગઇકાલ જ
સામે આવીને બણબણવા લાગે
ત્યારે તો શું કરે બપોર !

બપોર ખાટલે બેસીને પણ
દીવાલ પરની ઘડિયાળના કાંટા
ગણવાની રમતમાં જીવ
પરોવી શકે તેમ હોય, છતાં એમ ના કરે

બપોરને સાંજે લંબાતા પડછાયાનો
વિચાર માત્ર એવો પરેશાન એવો કરે કે

માથૂ હલાવ્યા કરે પણ બહાર
કોઈને તેનો અણસાર સુધ્ધાં ના થવા દે

બપોર ઝૂલે તો પણ વિચારોના ઝૂલે જ
બપોરને ગળે બાંધેલી ઘૂઘરી
ખણકતી રહે એટલે બધું જ બરાબર, ને

એની કવિતા કરો તો પણ
બપોર ક્યારે ય ના પાડે નહીં એવી શાંત.

૨૫/૬/૨૦૧૨

શ્રાવણ આવી કરે ડોકિયું ત્યારે –

વરસાદ વરસે ત્યારે
દેડકાને દેકારો મારીને બધાંને
કહેવાનું મન થઈ જાય કે

જુઓ, હું કહેતો જ હતો ને કે
તેને મારા વિના ચાલશે જ નહીં !

મોર મનમાં મણ મણની તોલી રાખે
પણ પહેલાં તો સાજ સજીલે, ને
ગળું એવું ફુલાવે કે

દેડકાને તો બિસ્મિલ્લાખાન યાદ
આવી જાય !
બિચારો જીવ લઈને એવો તો કૂદે કે

ખાબોચિયાંનાં જળ ઊછળીને
છાપરે જઇ પહોંચી
નેવાં વાટે તપ ટપ ટપકવા માંડે એવાં કે
કારેલીબાગમાં આવી જાય ઘોડા પૂર

કાળા ઘોડા પરથી તો અસવાર
ઊતરવાનું નામ જ ક્યાંથી લે ?
રેલવે સ્ટેશન તરફ સુરતી પાપડીના
કરંડિયામાં કોઈ કનૈયાને લઈને નીકળી પડે તો
વ્રજવાસીઓને ચોધાર વરસાદમાં જોતાં

સરકારનો સૂબો ઊભા પગે દોડીને
ન્યાય મંદિરના પગથિયે બેસીને દાતણ લો
કોઈ દાતણ લો
કરીને સુરસાગરને ના જગાડે !

સુરસાગર જ્યારે પણ જાગે
ત્યારે સૌથી પહેલાં આંખો ચોળીને,
એક લાંબ્બુ બગાસું ખાઈને બોલે –
આઘાં મરો આઘાં મરો

મરજાદી સુરસાગર
કાચી-પાકી દુકાનો, લારીઓ, ને ઊભા પગે બેઠેલા
ફેરિયાઓને લાતે લાતે ભગાડી મૂકે, ને
મંગળ બજારમાં મંગળાની આરતી ઊતરે
એવી કે લાલ લાલ ચૂંદડીઓ લહેરાવા માંડે,ને

છેક લહેરીપૂરામાં ભેળની લારીઓ પરનાં
કાચી માટીનાં માટલાં ય ઘૂણવા લાગે

શ્રાવણનો વરસાદ આવે ત્યારે દેડકા
પેટ ફૂલાવીને આખલાની જેમ
આવી જાય તોરમાં એવા કે મોર પછી
મણ મણની બાજુએ મેલીને ભૂરી ચડ્ડી
બરાબર ઉપર ખેંચ ને ધીનક ધીન ધા..
ને સમ પર આવતાં જ આંખ મારે એવી કે

મહેલમમાં ફૈયાઝઅલી ખાં ખૂંખારો ખાઈને
મેઘ મલ્હાર વિલંબિત સ્વરોમાં છેડવા લાગે ને
છેડતા જાય એવા કે છેક ભરૂચમાં
દીર્ઘકેશા કો ક્રોધી બ્રાહ્મણને ખમણ જેવા પોચા પોચા
ને કોપરાના છીન આચ્છાદિત ઘચરકા આવવા લાગે
ને છેક નવસારી સુધી સંભળાય !

શ્રાવણ આવે એટલે કારેલીબાગમાં
રડ્યા ખડયા અછાંદસિયા કવિઓ
કરંડિયા ભરીને જલારામ પાસે બેસી જાય
ને બે બે હાથે નાના તમને મારા સમ છે
એવું એવું કહીને પટાવ્યા કરે..

૧/૭/૨૦૧૨

એક ઐતિહાસિક પળ –

ચાર પગ સ્થિર રાખીને
પુચ્છ જેવી તુચ્છ ઇચ્છાને બળે
દોડી જતી ગાયને
રેલવેના ડબામાંથી
તમે જોતાં હો
ત્યારે તે વિપરીત દિશામાં દોડતી દેખાશે
કેમકે મળવાની તેની ઇચ્છા અતિ તીવ્ર હોય છે

ઇતિહાસ તો ગવાહ છે કે
વિપરીત દિશામાં ગતિ કરતાં જીવો
આખરે તો એકમેકનો હાથ ઝાલીને ઊભા
રહી જાય છે પ્લેટફોર્મ પર
બપોરના બે વાગ્યા સુધી સાવ જ
ભૂખ્યા પેટે ગઈ કાલની જેમ જ આજે પણ
એક વાર ટ્રેન છૂટી જાય પછી
તો વાસી વડાં પણ ના મળે તમને

ઇતિહાસ એ વાત તો કરે જ નહીં
કે વનેરુ છોકરાંને પાસે ખેંચીને
ફોટોગ્રાફરની સાથે ઊભા માં-બાપ
ચીઝ કહેતાં જ આંખ નમાવી દે
ત્યારે કેમેરાના કાચમાંથી ડોકિયું કરતો
ફોટોગ્રાફરની આંગળીમાં જે
મીઠી કસક થાય

તે સરકારી દીવાલ પરના
ફોટામાં ના જ દેખાય
તમે સાકરીયા સોમવાર રાખો
કે શુક્રવારનો નકોરડો ઉપવાસ

કવિતામાં લખાયેલો પ્રત્યેક અક્ષર
અક્ષર હોય છે
ભલેને તે થોડો કમરે વાંકો વળેલો લાગે
જાણે સાબરમતિમાં ઊભી રાખેલી
બાપુજીની લાકડી!

તો કહેવાનું કેવળ એ જ કે
કવિતામાં તો બધું જ કેદ થઈ જાય
ને પછી તો કોઇની મજાલ છે કે

બોચી પકડીને ખેંચી રાખેલા
વનેરુ છોકરાંને જોડતી
એ ધાર્મિક પળનો વાળ પણ વાંકો કરી શકે ?

૨/૭/૨૦૧૨

ફોટામાંના દાદાજી –

દાદાજી જે ખાટલા પર સૂતા હતા

તેના પર હવે બાપુજી સુવે છે.

દાદાજીની જેમ તે કદી

હુક્કો ગડગડાવતા નથી

કે નથી તેમની મુંછો

દાદાજીના જેવી

ધોળી ને બ્રશ જેવી ભરાવદાર !

દાદાજીની જેમ મુછો કેમ નહીં રાખતા હોય ?

રોજ સવારે

દાઢીપર બ્રશ ફેરવી ફેરવીને

ગોટે ગોટા ફીણ બનાવતા જોતાં,

એક હાથે નાક પકડીને

ઉગવા આવેલી મુંછોને

સસ્તા ગોદરેજ રેઝરથી નિર્મૂળ કરવા મથતા

બાપુજીને જોઈને

ફોટામાંના દાદાજી શું વિચારતા હશે ?

દ્વન્દયુધ્ધ-

દિવાના આછા અજવાળામાં

તેનો પડછાયો જોતાં જ હું કૂદી પડું છું

– મારી સમુરાઈ સ્વોડ વિંઝતો

તેની સામે બાથડું છું

એક પલકારામાં જ તે ગાયબ થઈ જાય છે કાયરની જેમ, પણ

હું સજાગ રહીને તેના વળતાં હુમલાને પહોંચી વળવાસાવધાન થઈ ઊભો છું ઓરડાની બરાબર વચ્ચોવચ

ડાબો હાથ હવામાં અધ્ધર અને જમીન પર એક ઘૂંટણ ટેકવીને કોઈ પણ દિશામાં ત્રાટકવા સજ્જ થઈને

કમરામાં હવે માત્ર એક જ આદમીબચશે તે વાત નક્કી છે, છતાં દરેક વેળા અમારું દ્વદયુધ્ધ અહીં જ અટકી પડે છે.

હું જ્યારેય કવિતા કરતો હોઉત્યારે તેની ઉપસ્થિતિની મને જાણ હોય છે હું કલમને ખંજર માનીને તેના પેટમાં હૂલાવી દઉં છું, ને

તે ખડખડાટ હસતો રહી પજવતો જ રહે છે- હર હમ્મ્મેશ !

એક વાત નિશ્ચિત છે કે તેની ઉપસ્થિતિ મને કવિતા કરતો રાખે છે

એક હોય તો સમજાય પણ રોજ નવા નવા પ્રતિદ્વન્દવી સાથે કેમ આમ જ લડતા જવાનું ?

સપનું તૂટી રહ્યું છે ?

નગરને અરે કોણ લૂંટી રહ્યું છે?
ગુલોને ચમનનાં એ ચૂંટી રહ્યુ છે!

અહીં આજ લાગે આ અંધારી ભીંતે
કિરણ જેવું જાણે શું ફૂટી રહ્યું છે!

અહીં સ્વાસને ક્યાં કશુંયે નડયું છે
ભીતરમાં ભરેલું એ ખૂટી રહ્યું છે

વિચારોની હેલી ચડે ત્યારે લાગે
અમારાય મનને તે કૂટી રહ્યું છે

સમયસર તો જાગો, છતાં એમ લાગે
અધૂરું એ સપનુંય તૂટી રહ્યું છે?

ભરત ત્રિવેદી
10.10.2011

એક બિલાડી –

એક બિલાડી રોજ સવારે મારા ઘરમાં આવે છે
આવે ત્યારે એક સામટી ચીચીયારી લો ભાગે છે

પોપટ મારો સાવ એકલો પિંજરમાં છે કેદ છતાંયે
પાંખ વિંઝતો એ બિચારો અંદર અંદર લાગે છે!

કોઇ કોઈનું છે નથી તોય કેમ એવું આ લાગે કે
હું નથી હોતો ઘરમાં તોય ઘરમાં એ તો જાગે છે!

આંખો ઢાળી સપનામાં તો જંતર જેવું વાગે છે
પણ સવારે રોજ કેટ કેટલુ ધીમું ધીમું માગે છે!

કોણ આવ્યું છે સવારે આ તે કેવું આંગણ સુનું
ડાળ પર જો એક કાગડો શાને આજે કાગે છે !

ભરત ત્રિવેદી
8.9.2011

એક સસ્પેન્સ ગઝલ

હવે એક માણસ જો કાયમ મરે છે
અહીં કોઈ એવું અગોચર ફરે છે!

કબર ખોદવાથી તો કૈયે મળ્યું ના
છતાં એમ લાગે એ ધીમે સરે છે!

અહીં સાવ અંધારી ચાદર લપેટી
સિતારાની માફક એ રાતે ખરે છે!

ગઝલમાં છૂપાયું હશે કોણ એવું
કરી બંધ આંખોમાં કેવું તરે છે!

નથી કોઈ દેખાતું આજે અહીંયા
ખભે હાથ રાખી પૂછે કે: ડરે છે?

ભરત ત્રિવેદી
૧૦/૮.૨૦૧૧

રૂપીયો સવા દે!

લગાગા લગાગા લગાગા થવાદે
હવે વાતને તુંય આગળ જવાદે

અમે તો તને રોજ એવું જ કહીશું
ઇલાજો જવા દે ને જખમો નવા દે

વધી આગ એવી થવા દે થવા દે
હવે તો વધારે હવા દે હવા દે

દરદ તો અમારું મટે કે મટે ના
હવે રોજ આવી ને અમને દવા દે

બધી વાતને ભૂલી આજે કહે ને
ધરી ગોળ ધાણા રૂપીયો સવા દે!

ભરત ત્રિવેદી
૧૦/૮.૨૦૧૧

સવાસો કોસ છે –

ફુલ છે ને એટલે નિર્દોશ છે
ને હવે તો આ હવામાં જોશ છે!

ચાંદની તુંયે હવે જંપી ગઈ?
જો ચમનને કેટલો મદહોશ છે!

એ બધું મારા ગજાની વાત છે?
તો પછી શાને તમારે રોશ છે?

ભાગ્ય રેખાને કહો બદલું હવે?
આ હથેળીનો બધોયે દોષ છે!

એમને શોધી શકે આજે ચરણ?
ધામ એનું તો સવા સો કોસ છે!

ભરત ત્રિવેદી
૧૦.૮.૨૦૧૧

દુવામાં વાર શી-

ફુલ છે મેલાં થવામાં વાર શી?
કે પછી પાછાં જવામાં વાર શી?

હોય છે ટૂંકી ભલેને જિંદગી
મ્હેંકને તરતાં હવામાં વાર શી!

રોગ પરખાતો નથી એની ફિકર
શોધતાં એની દવામાં વાર શી?

એ પુરાણું છે હવે ના ચાલશે
લાવતાં એવું નવામાં વાર શી?

માગતાં ક્યારે કશું મળતું નથી
માગશું એને દુવામાં વાર શી?

ભરત ત્રિવેદી
10.7.2011

સવાસો કોસ છે –

ફુલ છે ને એટલે નિર્દોશ છે
ને હવે તો આ હવામાં જોશ છે!

ચાંદની તુંયે હવે જંપી ગઈ?
જો ચમનને કેટલો મદહોશ છે!

એ બધું મારા ગજાની વાત છે?
તો પછી શાને તમારે રોશ છે?

ભાગ્ય રેખાને કહો બદલું હવે?
આ હથેળીનો બધોયે દોષ છે!

એમને શોધી શકે આજે ચરણ?
ધામ એનું તો સવા સો કોસ છે!

ભરત ત્રિવેદી

૧૦.૮.૨૦૧૧

એક ગરબા ગઝલ

ગઝલ રસ અમારો આ ગરબે રમ્યો છે
અને તે પછીથી તો સૌને નમ્યો છે!

જે દિવસે તો ડાહ્યો બનીને સૂતો પણ
એ રાતે તો પાછોય ક્યાં ક્યાં ભમ્યો છે!

લઈ હાથ તાળી એ કેવો બન્યો કે
છકેલો છતાંયે બધાંને ગમ્યો છે!

લઈ રાત આખીય માથે છતાંયે
સૂરજનોય તડકો તો એણે ખમ્યો છે!

અરે આટલો તુંય હરખાય શાને ?
કઈ વાતથી આટલું ટમટમ્યો છે !

ભારત ત્રિવેદી

10/4/2011

અહીં તો –

અહીં તો મને એ ના ક્યાંયે જડે છે
છતાં થાય એવું કે કાયમ નડે છે

અહીં જે ચગ્યો તે પછીથી પડ્યો છે
મળ્યો દેહ કેવો કે હેઠો પડે છે!

અહીં તો અજાણી એ ક્યારે નડી છે
ઉદાસીને કાયમ ઘર મારું જડે છે!

અહીં કોઇને કોણ પરખી શકે છે?
કદી કોઈ ક્યારેય એરણ ચડે છે!

અહીં તો બધાંની ગરદન ઝૂકી છે!
ખડગ કોઈ આજે શું સૌને ધડે છે?

-ભરત ત્રિવેદી

9/30/2011