ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નટવરલાલ પ્ર.બુચ, N.P.Buch


N.P.Buch_5“મેં હોટેલો મહીં જઈ જઈ પેય કૈં ચાખી જોયાં,
યાચે શું ચિનગારી,મહાનર, યાચે શું ચિનગારી ?…..મહાનર.

——

ચકમક-લોઢું મેલ્ય પડ્યું ને બાકસ લે કર ધારી;
કેરોસીનમાં છાણું બોળી ચેતવ સગડી તારી 

”જૂનું છો થયું,દેવળ,જૂનું છો થયું,
એમાં થઇ શું ગયું?”

–

–

_______________________

જન્મ

21 ઓક્ટોબર –  1906 , પોરબંદર , વતન – ગોંડળ

અવસાન

જાન્યુઆરી 9 – 2000, અમદાવાદ

વ્યવસાય

  • નાનાભાઇ ભટ્ટની સંસ્થાઓમાં નિયામક

N.P.Buch

તેમના વિશે વિશેષ

  • જણીતા હાસ્યકવિ, હાસ્ય લેખક – ખાસ કરીને પ્રતિકાવ્યોના સર્જક
  • ખુદ જ્યોતિન્દ્ર દવે એ એમને ઉત્તમ હાસ્યકાર કહીને નવાજ્યા હતા.

મુખ્ય રચનાઓ

  • રામ રોટી –  ભાગ ૧,૨,૩. , બનાવટી ફૂલો, છેલ વેલ્લું,  હળવાં ફુલ,  કાગળનાં કેસુંડાં , વિ.

 સન્માન

  • ૧૯૮૯ – ગુ.સાહિત્ય પરિષદનું  સ્વ. જ્યોતિન્દ્ર દવે હાસ્ય-પારિતોષિક
  • ૧૯૯૬ – ‘દર્શક’ -શિક્ષણ એવોર્ડ

સાભાર

શ્રી. જુગલ કિશોર વ્યાસ

10 responses to “નટવરલાલ પ્ર.બુચ, N.P.Buch”

  1. Pingback: 21- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

  2. Pingback: 9 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  3. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’- પુસ્તક પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય

    • સુરેશ's avatarસુરેશ મે 7, 2018 પર 10:28 એ એમ (am)

      સ્વ. ન .પ્રા બુચ પાસે સણોસરામાં શિક્ષણ પામેલા શ્રી. જુગલકિશોર વ્યાસે આ માહિતી પૂરી પાડી છે.
      તેમનો ઈમેલ જવાબ આ રહ્યો….
      જન્મ પોરબંદર, વતન ગોંડલ, તા. ૨૧,૧૦,૧૯૦૬.
      તેમની આત્મકથામાં તેઓ લખે છે –
      “ગાંધીજીનું જન્મસ્થાન એ જ મારું ને તેમનો જન્મ માસ તે જ મારો જન્મમાસ એટલું તો ગાંધીજી અને મારી વ સરખાપણું છે. જન્મસથાન એમના જન્મસથાનથી દક્ષિણે સીધું જોતાં માંડ અરધો કિલોમીટર, ને જન્મતારીખ તેમની તારીખ પછી ૧૯ દિવસે ૨૧મી. ત્યાં જ ફેર પડ્યો ને ! પછી તો એ ફેર ક્યાંય વધી ગયો.” (“મારા વિશે હું અને એક વી.આઇ.પીની આત્મકથા” સંપા. જુગલકિશોર)માંથી. (વી.આઇ.પી.નો એમનો કરેલો અથ ઃ “વેરી ઇન્સિગ્નિફિકન્ટ પર્સન” ) – જુ.

  6. સુરેશ's avatarસુરેશ ડિસેમ્બર 18, 2025 પર 11:08 પી એમ(pm)

    ન.પ્ર.બુચ સ્મૃતિવંદના – ૭
    –––––––––––––––––––

    (જુગલકિશોર વ્યાસ સંપાદિત ‘મારે વિશે હું અને એક વી.આઈ.પી. આત્મકથા’ની સંપાદકની પ્રસ્તાવના.)
    ––––––––––––––––––––––––––––––––––

    એ મહાપુરુષના જીવનમાં ડોકિયું

    ગુજરાતી સાહિત્યમાં હાસ્યલેખક તરીકે માનભર્યું સ્થાન ધરાવનાર સ્વ. નટવરલાલ પ્રભુલાલ બુચ (ન.પ્ર.બુચ)નો વિશેષ પરિચય નઈતાલીમને સાચા અર્થમાં સર્વાંગી રીતે અપનાવનાર મુઠ્ઠી ઊંચેરા શિક્ષક તરીકે આપી શકાય. નઈતાલીમની સંસ્થાઓમાં શિક્ષક, અધ્યાપક, પ્રાધ્યાપક, આચાર્ય અને ઉપનિયામકનાં સ્થાનો પર રહ્યા તે ખરું પરંતુ તેઓ ઉચ્ચ કોટિના શિક્ષક રૂપે જ સૌ વિદ્યાર્થીઓ, સહકાર્યકર્તાઓમાં સન્માનિત રહ્યા છે.

    મોરારિબાપુ જ્યારે તેમને ‘સાધુચરિત’ કહે કે ‘દર્શક’ તેમને ‘સદેહે વિદેહી’ કહીને તેમની વંદના કરે ત્યારે તેમનો સવિશેષ પરિચય થાય છે. સમગ્ર જીવન તેઓ જે રીતે જીવ્યા એનાથી તેઓ વિરલ વ્યક્તિ જ બની રહ્યા.

    તોય એમના જીવનની ધ્યાન ખેંચનારી બાબત તો એ છે કે જીવનમાં ક્યાંય તેઓ ભારેખમ જણાતા નથી. રમૂજ અને ગાંભીર્ય બન્ને આટલાં પાસે પાસે, કહો કે સાથે સાથે જેમનામાં રહ્યાં હોય એવું જીવન ભાગ્યે જ જોવા મળે. એમનો થોડો પણ પરિચય પામનારને એમના જીવનની ઊંચાઈ અને ફૂલ જેવી હળવાશભરી સુગંધનો અનુભવ થયા જ કર્યો છે. પોતાના જીવનના પંચાશીમા વર્ષ–પ્રવેશ અંગે તા. ૨૧–૧૦–’૯૦ના રોજ એમણે લખેલા કાવ્ય ‘પંચાશીમે પડાવે’માં તેમની જીવન વિષેની ફિલસૂફી સચોટ વ્યક્ત થઈ છે.

    ‘પંચાશીમે પડાવે’ (સોરઠા)
    ––––––––––––––––––––
    ચાર વીહું ને ચાર વરહું ઘોડો હાંકિયો,
    ‘જીવાજી’ અસવાર ! અવ તો હેઠા ઊતરો;
    થનગનતો તોખાર ! ગધ્ધાપચ્ચીસી તણો
    ખેંચી ખેંચી ભાર હવે થયો છે ટારડું.
    હવે લાગતો ભાર, ઈન્દરિયું મોળી પડી,
    ઘોડાનો શો વાંક ? ચોરાશી પૂરાં કર્યાં.
    લીધો–દીધો પ્રેમ વાટ વટ્યા હળવે મને,
    પ્રેમ જ આપણ ક્ષેમ,એના ધરવ ન સાંભળ્યા.
    આમ કહો તો એકલા, દુનિયાને વહેવાર
    પણ છૈયેં અન્–એકલા સ્નેહાવરણ વચાળ.
    જીવનસૌરભ સાર ‘પુષ્પ’ જમા મૂકી ગયું
    સમરી વારંવાર ભર્યાં ભર્યાં મન રાખીએ.
    જાવાને તૈયાર, રે’વામાં વાંધો નથી,
    ‘જીવાજી’ અસવાર, હળવે હૈયે હાલશું.
    લગામ રાખી હાથ, હાંક્યે રાખો ટારડું
    નટનાગરના નાથ ! ઈશારે અટકી જશું.

    એમના પિતાશ્રીએ જૂના ગોંડલ રાજ્યના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટની જગ્યા પર રહીને કડક શિસ્ત અને ઊંચી પ્રામાણિકતા સિદ્ધ કરી હતી. પોતાના એકના એક પુત્ર અને પુત્રીઓ પ્રત્યે તો તેઓ અત્યંત માયાળુ હતા. સ્વ. બુચભાઈએ પિતાજીના જીવનની શિસ્ત અને પ્રામાણિકતા પોતાનામાં હાડોહાડ વણી લઈને એની સૂક્ષ્માતીસૂક્ષ્મ કક્ષા જીવી બતાવી હતી.

    જીવનને એની પૂરી ગંભીરતાપૂર્વક સ્વીકારીને જીવનાર સ્વ. બુચભાઈમાં સૌ કોઈને, આગળ કહ્યું તેમ, ફૂલની કોમળતા અને સુગંધ ઉપરાંત સહજ હળવાશ જોવા મળી છે. અને તેથી જ વિશ્વાસપૂર્વક કહી શકાય કે એમના પરિચયમાં આવનાર એવું કોઈ જ નહીં હોય જે તેમના વિષે સહેજ પણ નકારાત્મક અભિપ્રાય ધરાવતું હોય કે એમને ચાહતું ન હોય !

    ઉંમરના વધવા સાથે તેમને સૌ બુચભાઈ, બુચકાકા અને બુચદાદા કહેતાં. એમનાં લાડકાં વિદ્યાર્થી–વિદ્યાર્થીનીઓના તો તેઓ ‘દાદૂ’ પણ હતા.

    પોતાનાં મર્માળાં કાવ્યોમાં એમણે સાવ હળવાશથી પોતાનો પરિચય આપ્યા કર્યો છે પણ તે પરિચય તો હાસ્યલેખકો જેમ રમૂજભરી રીતે પોતાની જાતને દર્શાવતા હોય છે, તે જ રીતનો છે. વાસ્તવિક જીવનમાં તો તેમની ઊંચાઈનું માપ લેવા માટે તે કાવ્યો ટૂંકો ગજ પણ ન બની શકે અને એટલે જ કદાચ અવારનવાર તેમની પાસેથી આત્મકથા મેળવવાનો પ્રયાસ થતો રહ્યો છે જેમાં મોટા ભાગે સૌને તેમણે નિરાશ જ કર્યા હતા.

    છેક ૧૯૯૨માં એમને મનાવી શકાયા. એમના બેચાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એમને આત્મકથા લખવા તૈયાર કર્યા ત્યારે “હું મારાં વિદ્યાર્થીઓને એ રીતેય ઉપયોગી થઈ શકતો હોઉં તો” આત્મકથાય લખીશ એમ કહીને તેમણે, પછી તો એકને બદલે બે આત્મકથનાત્મક વૃત્તાંતો આપ્યાં !!

    જોકે આ બંને આત્મવૃત્તાંતો આપીને પણ તેમણે પોતાને, આત્મકથા છપાવીને પ્રગટ થવા દેવા જેવા માન્યા નથી તે તેમની અત્યંત નમ્રતા બતાવે છે. બીજા વૃત્તાંતનું શીર્ષક તેમણે “એક વી.આઈ.પી..ની આત્મકથા” એવું આપીને પછીય V.I.P.ને કેપીટલ અક્ષરોમાં લખવાને બદલે બીજી એબીસીડીના અક્ષરોમાં લખવાનું ગોઠવીને v.i.p.નો અર્થ આ રીતે ઘટાવ્યો છે : “વેરી ઈન્સિગ્નિફિકન્ટ પર્સન !”

    જ્યારે પ્રથમ વૃત્તાંતમાં તો તેઓ પોતાને ગમે તેમ કરીને લખવા માટે મનાવી લેનારાઓને સંબોધીને જણાવે છે –

    “મારું જીવન જેને અંગ્રેજીમાં અનઈવેન્ટફુલ કહીએ એવું કશા નોંધપાત્ર બનાવો વિનાનું છે…પ્રસિદ્ધ ઉર્દૂ શાયર અકબર ઈલાહાબાદીએ આજના ગ્રેજ્યુએટ વિષે કહ્યું છે તે અક્ષરશઃ મને લાગૂ પડે તેમ છે એમ હું કશાય અભિમાન વિના કહું છું –

    ‘હમ ક્યા કહેં, અહબાબ ક્યા કારેનુમાર્યાં કર ગયે;
    બી.એ. હુએ, નૌકર હુએ, પેંશન મીલી ઔર મર ગયે.’

    હું પણ મૃત્યુ પામવા સિવાયનાં પ્રથમ ત્રણ મહાન કામો કરી ચૂક્યો છું. છેલ્લું કાર્ય કરીશ ત્યારે તે કહેવા માટે નહીં હોઉં…તે જણાવવા જેવાઓને જણાવવું.”

    ને છેવટ આ વૃત્તાંતો વિષયક ભલામણ પણ કરે છે, “પણ પછી તે લખાણોનો ઉપયોગ કરવા, તમે બંધાયેલા નથી – માત્ર હું જે કાંઈ લખું તેની બે’ક ઝેરોક્ષ કરાવી મને મોકલશો. પછી મૂળ લખાણનું જે કરવું હોય તે કરવા મુક્ત છો.”

    અને જાણે એમની ઇચ્છા મુજબ જ થયું ન હોય એમ, એમની હયાતીમાં આ વૃત્તાંતો ન જ છપાયાં ! એમણે લખેલા પ્રથમ વૃત્તાંતને પૂરું કર્યાની તા. ૦૧–૦૧–’૯૨ છે. જ્યારે બીજું વૃત્તાંત લખવાનો આરંભ છેક તા. ૨૫–૧૦–’૯૭ને શુક્રવારે કર્યો છે. એમના કષ્ટવાચ્ય અક્ષરોથી જણાય છે કે આ વૃત્તાંત તેમણે ઘણું જલદી પૂરું કરી આપ્યું હતું.

    પ્રથમ લખાણમાં તેમણે પોતાના કૉલેજકાળના શિક્ષણની વાતો કરતાં કરતાં પોતાના કેટલાક અધ્યાપકોનાં અને પોતાના નજીકના સહાધ્યાયીઓનાં આછાં રેખાચિત્રો દોર્યાં છે. જ્યારે ગાંધીજીના રાષ્ટ્રીય કાર્યક્રમો અને તેની અસરો વિષે પણ વિગતે બતાવવા પ્રયત્ન કર્યો છે.

    બીજા લખાણમાં તેમણે મોટા ભાગે પોતાના સાવ નજીકના સંબંધીઓ – માતા, પિતા, મામા–મામી અને માસા–માસી વિષે ઘણી અને ઝીણી ઝીણી વીગતો સાથે લખ્યું છે.

    આ બંને લખણોમાં તેમણે પોતાના કરતાંય પોતાની સાથેનાઓ વિષે વધુ લખ્યું છે. જેમનો જેમનો પરિચય તેમણે આપ્યો છે તેમાનું ભાગ્યે જ કોઈ ‘નબળું પાત્ર’ હશે ! જ્યારે ‘પોતાના વિષે’, તો ગોવર્ધનરામ ત્રિપાઠીના એક કાવ્યની પ્રથમ પંક્તિ ટાંકીને કહ્યું છે, “મુજ વૃત્તમાં નથી કો’ નવાઈ !”

    પોતાના જીવનમાં રહેલી કેટલીક નબળાઈઓ દર્શાવવા પણ તેમણે ભરપૂર પ્રયત્નો કર્યા છે. પણ શોધી શોધીનેય તેઓ અતિ સાધારણ એવી યુવાનીના આરંભ સુધીની જ ક્ષતિઓને દર્શાવી શક્યા છે, જે સાવ નગણ્ય જ કહેવી રહી !

    પોતાની સારપ બતાવવામાં તો તેઓ નર્યા સંકોચશીલ જણાય છે. બે–ચાર બાબતો માંડ બતાવી ત્યારે પણ તેની લાંબી પ્રસ્તાવના કરીને તેમણે તેમાં આત્મશ્લાઘાનો ભય વ્યક્ત કર્યા કર્યો છે !

    પણ એક બાબત એવી છે, જેને તેમણે હસવામાં કાઢીને હાંસિયામાં ધકેલી દેવા પ્રયત્ન કર્યો છે. અને તે એક બાબત તો ખાસ એવી છે જે અ–લૌકિક ગણાય. પૂર્વ–પુનર્જન્મમાં માનવા ન માનવાની વાતને કોરાણે મૂકીનેય એટલું તો અવશ્ય કહી શકાશે કે એ અલૌકિક લાગતી વાત જ એમના અ–લૌકિક જેવા અતિ પવિત્ર જીવનને સમજવા માટેનું એક મહત્ત્વનું ઇંગિત છે.

    તેમણે બેએક વાર અછડતા ઉલ્લેખરૂપે જણાવ્યું છે કે તેમના પિતાજી એવું દૃઢપણે માનતા હતા અને નજીકની એક વિશ્વાસુ વ્યક્તિને તો ભારપૂર્વક તેમણે તે માન્યતા જણાવી પણ હતી કે એમનો પુત્ર ‘નટુભાઈ’ પૂર્વજન્મનો કોઈ યોગભ્રષ્ટ આત્મા છે !!

    ‘નટુભાઈ’ તો જોકે ‘યોગભ્રષ્ટ’ શબ્દના ઉત્તરપક્ષ ‘ભ્રષ્ટ’ને જ સાચો માનવાનું કહીને પિતાજીની આ એકમાત્ર વાતને ચાતરવા પ્રયત્ન કરે છે – એ એમની નમ્રતાનું સહજ લક્ષણ છે – પરંતુ બુચભાઈની જીવનીનું રહસ્ય પણ, એમના પિતાજીની માન્યતામાંથી દૃઢતાપૂર્વક આપણે સ્વીકારી શકીએ તો જ કાંઈક પામી શકીએ !

    અને એટલે જ સંકોચ સહ પણ કહેવાનું મન થાય છે, કે તેમણે આ બંને વૃત્તાંતોમાં જીવનની ઘટનાઓનો ઉલ્લેખ ભલે વિગતે કર્યો હોય પરંતુ આટલામાં એમનો પૂરો પરિચય મળતો નથી !

    નર્યું પવિત્ર જીવન જીવી જનાર આ મહાપુરુષનો પરિચય નવી પેઢીને કરાવવાનું તો ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ એમનું જીવનચરિત્ર લખે. તા. ૨૧–૧૦–૨૦૦૫થી ૨૦–૧૦–૨૦૦૬ એમનું જન્મશતાબ્દીવર્ષ હતું. સમગ્ર વર્ષ દરમિયાન એમનાં આ બંને વૃત્તાંતો પ્રગટ કરવાનો ભાવ ઊભરતો રહ્યો. જ્યાં જ્યાં પણ વાત મૂકી ત્યાં ત્યાંથી અનુકૂળ પ્રતિસાદ સાંપડ્યો. બધા પ્રકારનો સહયોગ આપવાની તત્પરતાય ટહૂકતી રહી, છતાં છેક તેમના ૧૦૧મા વર્ષે આ બંને લખાણોનું સંકલન પુસ્તિકા આકારે પ્રગટ થઈ શક્યું.

    એમના લગભગ અવાચ્ય કહી શકાય એવા અક્ષરો; ઝેરોક્ષની કેટલીય ઝેરોક્ષ થઈને હાથ લાગેલી પ્રતો પરથી લેવાએલી વિગતો વગેરે કારણોસર કેટલુંક છોડી દેવું પડ્યું હોય એમ પણ બન્યું છે. છતાં સંતોષ તો રહ્યો જ છે, કે વાંચનારને તો આ આત્મકથનાત્મક લખાણો પારાવાર આનંદ અને સંતોષ આપશે જ.

    હવે પછી બુચદાદાનું સંપુર્ણ જીવનચરિત્ર કે છેવટ એમના જીવનનાં વિવિધ પાસાં પર કંઈક લખાય અને પ્રગટતું રહે તે આજની ક્ષણે બહુ જ જરૂરી બાબત ગણાય. બુચદાદાને પ્રગટ કરવામાં કોડિયુંનો વિશેષાંક અમૂલ્ય છે. એની તો કિંમત આંકી શકાય તેમ નથી. પણ તેટલાથી ધરપત થાય તેમ નથી. દાદામાં રહેલો શિક્ષક, તેમનો સૌ સાથેનો જીવંત સંપર્ક, વ્યક્તિ સાથેનો એમનો વિશેષ નાતો અને તે અંગેની તેમની વિશેષ રીતિ, એમની વહીવટી કુશળતા, ઘડિયાળના કાંટા સાથે તાલ મિલાવતી તેમની નિયમિતતા અને ચુસ્ત છતાં સાવ સહજતાભરી જીવનશિસ્ત, એમનું વર્ગશિક્ષણ, એમનું સાહિત્ય, ને ખાસમ્ ખાસ તો એમનું મર્માળું, નિર્દંશ, સૌને વીંટી વળતું સ્નેહપાશશુ હાસ્ય – આ બધાં પર લખી શકાય તેમ છે.

    બુચભાઈને કોઈ એક વિશેષણથી ઓળખાવી શકાય તેમ નથી. એમને પામવાનું કે એમને પગલે ચાલવાનું સહેલું નથી. સમાજ વચ્ચે ને શિક્ષણક્ષેત્રે સાચે જ ધૂપસળી જેવું જીવી જનારા બુચભાઈના જીવનની જેવી ને જેટલી મળી તેવી આ પુસ્તિકામાંની સુવાસ સૌમાં વ્યાપી વળે એવી આશા સાથે – સંપાદક.

Leave a comment

Design a site like this with WordPress.com
શરૂ કરો