સિંગાપોર : સિંગાપોરમાં નાગરિકોનાં મોડા લગ્ન કરવા અથવા અવિવાહિત રહેવાનાં વધતાં વલણને ધ્યાનમાં રાખીને સરકારે એક રસપ્રદ પહેલ કરી છે. સિંગાપોર સરકારે 21થી 35 વર્ષની વયનાં સરકારી કર્મચારીઓ માટે ’ફર્સ્ટડેટ’ નામનો એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સામાન્ય ડેટિંગ એપ્સમાં વારંવાર પ્રોફાઇલ સ્વાઇપ કરવાથી થતાં કંટાળાને દૂર કરીને મુલાકાતીઓ વચ્ચે અગત્યના અને ગંભીર સંબંધો સ્થાપિત કરવાનાં હેતુથી આ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે.
આ પ્લેટફોર્મ પર સાચો અને યોગ્ય મેચ મેળવવા માટે ઉપયોગકર્તાઓએ દેશની અધિકૃત ડિજિટલ આઇડેન્ટિટી સિસ્ટમ દ્વારા સાઇન-ઇન કરવાનું રહેશે. ત્યારબાદ તેમણે પોતાની પસંદગીઓ, ટેવો, મૂલ્યો અને જીવનશૈલી સંબંધિત એક પ્રશ્નાવલી પૂર્ણ કરવાની રહેશે.
આ પ્રયોગ માટે અરજી કરવાની અંતિમ તારીખ 5 ઓક્ટોબર રાખવામાં આવી છે. સિંગાપોરમાં જન્મદર અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે, જેને અધિકારીઓ દેશ માટે એક મોટો પડકાર માની રહ્યા છે અને તેને સુધારવા માટે જ આ પગલું ભરવામાં આવ્યું છે.
સિંગાપોરમાં સરકાર દ્વારા આવી મેચમેકિંગ અથવા સંબંધો જોડવાની પહેલ નવી નથી. આ પહેલાં વર્ષ 1984માં સોશિયલ ડેવલપમેન્ટ યુનિટની સ્થાપના કરવામાં આવી હતી, જે ઉચ્ચ શિક્ષિત અવિવાહિતોને ડિનર, ડાન્સ અને પ્રવાસ દ્વારા એકબીજા સાથે જોડવા પ્રોત્સાહિત કરતી હતી. તાજેતરમાં વડાપ્રધાન લોરેન્સ વોંગે પણ દેશમાં જન્મદર વધારવા અને પરિવારોને મદદરૂપ થવા માટે સસ્તા સરકારી આવાસ સહિતની કેટલીક આકર્ષક યોજનાઓની જાહેરાત કરી હતી.
માત્ર સિંગાપોર જ નહીં, પરંતુ એશિયાનાં અન્ય દેશો પણ ઘટતાં જન્મદરની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે અને આ પ્રકારનાં પ્રયોગો કરી રહ્યાં છે. વર્ષ 2024માં જાપાનની ટોક્યો મેટ્રોપોલિટન સરકારે પોતાની સત્તાવાર ડેટિંગ એપ લોન્ચ કરી હતી, જ્યારે દક્ષિણ કોરિયામાં પણ સ્થાનિક સરકારો દ્વારા ડેટિંગ ઇવેન્ટ્સનું આયોજન કરવા ઉપરાંત લગ્ન કરવા માટે આર્થિક પ્રોત્સાહન પણ આપવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy