રાજકોટ. તા.30
વિંછિયાના આંકડીયા ગામે યુવક પર કુહાડી- પાઇપથી જીવલેણ હુમલાનો બનાવ સામે આવતા રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.વાહન અથડાયા બાદ નુકશાનીના પૈસા મુદ્દે માથાકૂટ કરી યુવાન પર પાંચ શખ્સો યુવક પર તૂટી પડ્યા હતાં. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે વિંછિયાના આંકડીયા ગામે રહેતા પ્રદીપભાઈ દિનેશભાઈ ચાવડા (ઉ.વ.26) નામના યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે ગામમાં જ રહેતા ફુલજી લઘરા માલકીયા, પ્રેમજી માલકીયા, અવસર માલકીયા, ભાવેશ માલકીયા અને ગંભીર માલકીયાના નામ આપી જણાવ્યું હતું કે, તે ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇ તા. 28 ના તે પોતાનું એકટીવા લઇ મોઢુકા રોડ પર વાડીએ જતો હતો.
ત્યારે બારેક વાગ્યા આસપાસ ગામના ફુલજીભાઈનો પુત્ર બાઈક લઈને વાડીએથી ગામ બાજુ આવતો હોય ત્યારે વાડીના રસ્તે બંનેના વાહન સામસામે ભટકાતા બંને પડી ગયા હતા જેમાં યુવાનના એકટીવાનો મોરો તૂટી ગયો હતો. જેથી યુવાને આ છોકરાને નજીકમાં આવેલ તેની વાડીએ તેના પિતા પાસે લઈ ગયેલ ત્યારે તેના પિતા ફુલજીભાઈ માલકીયા હાજર હતા અને તેમને એકટીવાના નુકસાનીના ખર્ચની વાતચીત કરતા હાલ મારી પાસે પૈસા નથી તેમ જણાવ્યું હતું
બાદમાં યુવાન પોતાનું વાહન લઇ વાડીએ જતો રહ્યો હતો. તે જમીને મોઢુકા ગામે પાન માવો ખાવા ગયો હતો અને ઘરે પરત ફરતો હતો ત્યારે બપોરના ત્રણેક વાગ્યા આસપાસ આંકડીયા ગામે મેલડી માતાજીના મઢે પહોંચતા ફુલજી, પ્રેમજી, અવસર, ભાવેશ અને ગંભીર સહિતનાઓ હાથમાં કુહાડી તથા પાઇપ, લાકડી લઈ યુવાનો વાહન ઉભું રખાવી નુકસાનીના ખર્ચની વાત કરી ઉશ્કેરાઈ જઈ મારા છોકરાનું વાંક નથી. તારો વાંક છે.
તેમ કહી ગાળો આપી યુવાન પર પાઇપ વડે હુમલો કરી દીધો હતો તેમજ પ્રેમજીએ પોતાના હાથમાં રહેલ કુહાડીનો ઘા મારી દેતા યુવાને લોહી નીકળવા લાગ્યું હતું જ્યારે અન્ય આરોપીઓ લાકડી વડે માર માર્યો હતો.
દરમિયાન દેકારો થતા યુવાનના કૌટુંબીક કાકા જયેશભાઈ ચાવડા આવી જતા યુવાને વધુ મારમાંથી બચાવ્યો હતો જતા જતા આ શખસોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેણે આ અંગે આ શખસો વિરુદ્ધ વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy