નવી દિલ્હી, તા. 1
કેન્દ્ર સરકારનાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા પેસેન્જર વાહનો માટે ’કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ ઇકોનોમી’ (CAFE-3) ના ત્રીજા તબક્કાના નિયમોની સત્તાવાર સૂચના બહાર પાડી છે. આ નવા નિયમો 1 એપ્રિલ 2027થી અમલમાં આવશે અને 31 માર્ચ 2032 સુધી એટલે કે આગામી પાંચ વર્ષ માટે લાગું રહેશે. આ નીતિનો મુખ્ય હેતુ દેશમાં વાહનો દ્વારા થતું પ્રદૂષણ ઘટાડવાનો અને ઇંધણ કાર્યક્ષમતા વધારવાનો છે.
નવા નિયમો હેઠળ કાર ઉત્પાદક કંપનીઓએ પોતાનાં તમામ મોડેલોના સરેરાશ ઇંધણ વપરાશની સીમા નક્કી કરેલાં ધોરણો મુજબ જાળવવી પડશે. જો કંપનીઓ પોતાનાં નિર્ધારિત લક્ષ્યાંક કરતાં ઓછું પ્રદૂષણ કે ઇંધણ વપરાશ રાખશે તો તેમને ક્રેડિટ પોઈન્ટ્સ મળશે, જ્યારે લક્ષ્યાંક ચૂકવા પર ડેબિટ પોઈન્ટ્સ મળશે. ક્રેડિટ મેળવનારી કંપનીઓ અન્ય ઉત્પાદકોને પોતાની ક્રેડિટ વેચી પણ શકશે.
સરકારે દેશમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ના વપરાશને વેગ આપવા માટે વિશેષ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. ગણતરી કરતી વખતે એક બેટરી ઇલેક્ટ્રિક વાહનને 3 વાહનો જેટલા સુપર ક્રેડિટ પોઈન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત પ્લગ-ઇન હાઇબ્રિડ વાહનોને 2.5 ગણા, સ્ટ્રોંગ હાઇબ્રિડને 1.6 ગણા અને ફ્લેક્સ ફ્યુઅલ ઇથેનોલ વાહનોને 1.1 ગણા પોઈન્ટ આપવામાં આવશે, જે કાર ઉત્પાદકોને વધુમાં વધુ ઇલેક્ટ્રિક મોડેલો લોન્ચ કરવા પ્રોત્સાહિત કરશે.
બાયોફ્યુઅલ અને પર્યાવરણને અનુકૂળ ઇંધણને પ્રોત્સાહન આપવા માટે સરકારે કાર્બન ન્યુટ્રાલિટી ફેક્ટર પણ નક્કી કર્યા છે. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20 કે તેથી વધુ) પર 8 ટકા અને ફ્લેક્સ ફ્યુઅલ વાહનો પર 22.3 ટકા સુધીની કાર્બન ડિસ્કાઉન્ટ રાહત આપવામાં આવશે. આ સિવાય ઈગૠ વાહનો પર 5 ટકા કે સરકાર દ્વારા નિયત કરેલ સીબીજી મિશ્રણ ટકાવારી મુજબ રાહત મળશે.
જો કાર ઉત્પાદક કંપનીઓ પોતાનાં વાહનોમાં ચોક્કસ પ્રકારની ઇંધણ બચાવતી ટેકનોલોજીનો ઉપયોગ કરશે, તો તેમને વધારાની કાર્બન ક્રેડિટનો લાભ મળશે. ઓટો-સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ, ટાયર પ્રેશર મોનિટરિંગ, રિજનરેટિવ બ્રેકિંગ, 6 કે તેથી વધુ ગિયર ટ્રાન્સમિશન, LED લાઇટિંગ, એડવાન્સ એર ક્ધડીશનીંગ અને સોલર-રિફ્લેક્ટિવ પેઇન્ટ જેવી 12 ટેકનોલોજીને આ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે.
નવા નિયમનકારી માળખા હેઠળ પાંચ વર્ષનાં સમયગાળાને બે બ્લોકમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ બ્લોક 2027-28 થી 2029-30 (ત્રણ વર્ષ) અને બીજો બ્લોક 2030-31 થી 2031-32 (બે વર્ષ) નો રહેશે. જો કોઈ કંપની પાસે પોતાની ખાધ કે ડેબિટ પૂરી કરવા ક્રેડિટ નહીં હોય, તો તેઓ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) પાસેથી નિર્ધારિત કિંમત ચૂકવીને ક્રેડિટ ખરીદી શકશે, જેની કિંમત વર્ષ દર વર્ષે વધતી રહેશે.
કંપનીઓએ દર વર્ષે પોતાનાં દરેક મોડેલની CO2 ઉત્સર્જન માહિતી MIDC અને WLTP એમ બંને ટેસ્ટિંગ પદ્ધતિઓ મુજબ સબમિટ કરવાની રહેશે. આ સાથે રાજ્યવાર વેચાણનો ડેટા પણ આપવો પડશે. આંકડાકીય સરખામણી અને ટ્રેડિંગ માટે દર વર્ષે 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન 30 દિવસની વિન્ડો આપવામાં આવશે.
નાના ઉત્પાદકો માટે આ નિયમમાં મોટી રાહત આપવામાં આવી છે.
જે કંપનીઓ સમગ્ર વર્ષ દરમિયાન 1,000 થી ઓછા વાહનોનું નિર્માણ કે આયાત કરે છે, તેમને ચોક્કસ ઇંધણ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે તેમણે પણ પોતાના વાહનોના સરેરાશ ઇંધણ વપરાશની માહિતી સરકારને નિયમિતપણે સુપ્રત કરવાની રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy