►યુપીઆઈને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-યુપીઆઈ ડે: 600થી વધુ વ્યાપારી સંગઠનો-પેટ્રોલપંપ ડીલર એસો. જોડાશે
નવી દિલ્હી: આવતીકાલે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ મનાવી રહી હશે તે સમયે દેશમાં કેન્દ્રની મોદી સરકાર સામે રાજકીયથી વ્યાપારી આંદોલનની હારમાળા છેડાઈ રહી છે તથા એક તરફ SIR મુદે મુખ્ય ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમારની ‘મનમાની’ના અહેવાલ બાદ કાલથી વિપક્ષોનું એક સપ્તાહ લાંબુ ‘જ્ઞાનેશકુમાર હટાવો’ આંદોલન શરૂ થશે અને જંતર મંતર પર સફળતા બાદ હવે કોકરોચ જનતા પાર્ટીએ પણ કાલથી દુબઈમાં મુખ્ય ચુંટણી કમિશનર સામે આંદોલનના શ્રીગણેશ કરવા જાહેરાત કરી છે તો બીજી તરફ કેન્દ્ર સરકારે તા.15 ઓકટો.થી યુપીઆઈમાં જે 0.40% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટના અમલની જાહેરાત કરી છે .
તેની સામે કાલે એક દિવસ દેશભરના વ્યાપારી સંગઠનોએ ‘નો-યુપીએ-ડે’ મનાવવા જાહેરાત કરી છે અને આગામી દિવસોમાં આ લડાઈ વધુ વ્યાપક બનશે. ગઈકાલે દિલ્હીમાં ‘ઈન્ડીયા’ ગઠબંધનની મળેલી બેઠકમાં વધુ એક વખત ‘વોટ-ચોરી’નો મુદો દેશ સમક્ષ લઈ જવા જાહેરાત કરી છે. તા.2થી8 સુધી વિપક્ષો આ મુદે સરકાર તથા ચુંટણીપંચને ઘેરશે અને તા.6ના ચુંટણી કમિશનરની ઓફીસને ઘેરાબંધી કરવાની જાહેરાત કરી છે.
એક તરફ આ મુદે સુપ્રીમકોર્ટમાં પણ કાનુની જંગ શરૂ થયા છે તો માર્ગો પર પણ હવે આ મુદે જબરા દેખાવો-ઘેરાવ થશે તો બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીએ આજથી જ મુંબઈના આઝાદ મેદાનમાં એકત્ર થવા આહવાન કર્યુ છે તથા તા.2થી કોકરોચ જનતા પાર્ટીનું જેલ ભરો આંદોલન શરૂ થશે અને તે તબકકાવાર દેશના અનેક ભાગોમાં લઈ જવાશે.
યુપીઆઈ ચાર્જ મુદો દેશભરમાં આક્રોશ સર્જી રહ્યો છે. રૂા.2000થી વધુના યુપીઆઈ વ્યવહાર પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ એ વ્યાપારીએ ભરવાનો રહેશે જે તેમના માર્જીન (નફા) પર મોટી અસર પહોંચશે તેવા કારણે દેશભરના 600થી વધુ વ્યાપારી સંગઠનોએ કાલે ‘નો-યુપીએ-ડે’ની જાહેરાત કરી છે. કાલે કોઈ યુપીએ પર પેમેન્ટ સ્વિકારશે નહી અને તેના કારણે કાલે આ વ્યવહાર ઠપ્પ થશે.
જો કે સરકાર યુપીએ ચાર્જ યથાવત રાખવા મકકમ છે તેથી તા.15થી તે વિધિવત રીતે અમલી બને તે પુર્વે વ્યાપારી આંદોલન વિસ્તરશે. દેશભરમાં પેટ્રોલપંપ ડીલર એસો.ને તો તા.15થી યુપીએ પર પેમેન્ટ નહી સ્વીકારવા જાહેરાત કરી જ દીધી છે. યુપીઆઈ પેમેન્ટ પર 18% જીએસટી પણ આવશે જે પણ બોજો વધી જશે તેથી આ ચાર્જ નહી સ્વીકારવા વિપક્ષો મકકમ છે.
‘નો યુપીએ ડે’: વ્યાપારીઓમાં તડા! બે સંગઠનોએ એલાન પાછુ ખેંચ્યુ
નાણાંમંત્રીને મળ્યા બાદ બદલાવ: યુપીએ ચાર્જ તહેવારો સુધી મુલત્વી રાખવા સહિતની ત્રણ માંગણીઓ પર હકારાત્મક પ્રતિભાવનો દાવો
નવી દિલ્હી તા.1
આવતીકાલે દેશભરમાં વ્યાપારી સંગઠનો દ્વારા ‘નો યુપીએ ડે’ની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ગઈકાલે જ બે મોટા સંગઠન ઓલ ઈન્ડીયા ક્ધઝયુમર પ્રોડકટસ ડીસ્ટ્રીબ્યુશન ફેડરેશન તથા ઓલ ઈન્ડીયા મોબાઈલ રિટેલ એસો. એ નાણાંમંત્રી નિર્મલા સીતારામન સાથે બેઠક યોજી હતી અને બાદમાં બંને સંગઠનોએ તેઓ આવતીકાલના નો યુપીએ ડેમાં જોડાશે નહી તેવી જાહેરાત કરતા જ હવે વ્યાપારી સંગઠનોમાં આ મુદે તડા હોવાનું બહાર આવ્યુ છે અને આવતીકાલે આ ‘નો યુપીએ ડે’ના અમલ પહેલા વધુ સંગઠનો પણ તેમાં જોડાઈ તો આશ્ચર્ય થશે નહી.
ગઈકાલે નાણામંત્રીને મળેલા બંને સંગઠનોના પ્રતિનિધિએ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટનો અમલ તા.15 થી થઈ રહ્યો છે તે મુલત્વી રાખવા વિનંતી કરી છે. તેઓનો દાવો છે કે તહેવારોના દિવસો આવી રહ્યા છે અને તેને કારણે આ પ્રકારે યુપીએ ચાર્જથી વ્યાપાર-ધંધાને અસર થશે અને બીજી માંગણી જે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ 0.40 ટકા નિશ્ર્ચિત થયો છે તેના બદલે 0.20 ટકા કરવા અને પછી એક વખત આ ચાર્જ સ્થિર થઈ જાય અને વ્યાપારી સંગઠનો પણ તેમાં પોતાની વ્યાપારી વ્યવસ્થા બરાબર ગોઠવી લે ત્યારબાદ તબકકાવાર ચાર્જ વધારવાની સિસ્ટમ ગોઠવવા માંગણી કરી છે.
આ ઉપરાંત હાલ જે રૂા.1 લાખના ટર્નઓવરની મર્યાદા છે તે વધારીને રૂા.5 લાખ સુધી કરવાની માંગણી કરી છે. હવે નાણામંત્રાલયે તેમાં હકારાત્મક જણાવ્યુ હોવાનો દાવો આ બંને સંગઠનોએ કરીને પોતાનું આવતીકાલનું નો યુપીએ ડે એલાન પાછુ ખેંચ્યુ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy