નવી દિલ્હી તા, 30
ભારતીય શેરબજારમાં વર્ષ 2026 વિદેશી રોકાણકારો માટે ભારે મંદીનું વર્ષ સાબિત થઈ રહ્યું છે. અમેરિકી ડોલરના સંદર્ભમાં ગણતરી કરતા સેન્સેક્સમાં 20.6 ટકા અને નિફ્ટીમાં 18.6 ટકાનો તીવ્ર કડાકો નોંધાયો છે. છેલ્લા 15 વર્ષોમાં વિદેશી ફંડ્સ માટે ભારતીય બજારનો આ સૌથી મોટો ઘટાડો છે, જેના કારણે ભારત હાલ ઇન્ડોનેશિયા પછી સમગ્ર એશિયામાં વિદેશી રોકાણ માટે બીજા ક્રમનું સૌથી ખરાબ પ્રદર્શન કરતું બજાર બની ગયું છે. આ પહેલાં વર્ષ 2011માં બંને સૂચકાંકોમાં ડોલરના ધોરણે આશરે 36 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
વિદેશી રોકાણકારો (FPIs) પોતાનાં રોકાણનું વળતર હંમેશાં ડોલરમાં જ માપે છે. આ વર્ષે ભારતીય રૂપિયો ડોલર સામે 6.4 ટકા જેટલો નબળો પડ્યો છે. સ્થાનિક ચલણ રૂપિયાનાં હિસાબે સેન્સેક્સ આ વર્ષે 14.9 ટકા અને નિફ્ટી 13.1 ટકા ઘટ્યો છે, પરંતુ રૂપિયો ગગડવાના કારણે જ્યારે વિદેશી રોકાણકારો પોતાનાં પૈસા પાછા ડોલરમાં બદલે છે ત્યારે તેમને વધારાનો કાપ વેઠવો પડે છે. આમ, શેરોના ભાવ ઘટવા અને રૂપિયો નબળો પડવો - આ બંને પરિબળો ભેગા થતાં વિદેશી રોકાણકારોનું કુલ નુકસાન 20 ટકાની ટેકનિકલ ‘બેઅર માર્કેટ‘ (મંદી)ની સીમાને વટાવી ગયું છે.
ભારતીય શેરોમાંથી વિદેશી નાણાં પાછા ખેંચાવવા પાછળ ભારતીય કંપનીઓની ધીમી પડેલી કમાણી અને ગંભીર વૈશ્વિક પરિબળો મુખ્યત્વે જવાબદાર છે. સપ્ટેમ્બર 2024 પછી વિદેશી રોકાણકારોનો ભારતીય બજાર પ્રત્યે મોહભંગ થયો છે, કારણ કે વૈશ્વિક ફંડ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેક્ટર ધરાવતાં સાઉથ કોરિયા (72 ટકા ગ્રોથ) અને તાઇવાન (61 ટકા ગ્રોથ) જેવા બજારો તરફ વળ્યાં છે. આ સિવાય પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો વિસ્ફોટક વધારો અને અમેરિકી ટેરિફ નીતિઓની અસર પણ ભારતીય બજાર પર પડી છે.
વિશ્વનાં અન્ય અગ્રણી શેરબજારોની સરખામણીએ ભારતીય બજાર આ વર્ષે ખૂબ પાછળ રહી ગયું છે. અમેરિકામાં SP 500 માં 12.2 ટકા, નાસડેકમાં 15 ટકા અને ડાઉ જોન્સમાં 7 ટકાનો સુધારો નોંધાયો છે. એશિયન બજારોમાં પણ જાપાનનો નિફ્ટી ઇન્ડેક્સ 30 ટકા જેટલો ઊંચકાયો છે, જ્યારે ચીનનો શુનઝેન ઇન્ડેક્સ 0.8 ટકા વધ્યો છે. તેની સરખામણીમાં ભારતીય બજારમાં જ સપ્ટેમ્બર મહિનાની સિરીઝ છેલ્લા 25 વર્ષમાં સૌથી ખરાબ સાબિત થઈ છે અને સેન્સેક્સ પોતાની મહત્વની ટેકાની સપાટીઓ તોડી રહ્યો છે.
જોકે, વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી સામે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ (DIIs) અને સામાન્ય રોકાણકારોએ બજારને મોટો ટેકો આપ્યો છે. છેલ્લા એક વર્ષમાં વિદેશી રોકાણકારોએ બજારમાંથી રૂ. 2.17 લાખ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે, જેની સામે ભારતીય સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સે રૂ. 4.98 લાખ કરોડનું નવું રોકાણ કર્યું છે. સ્થાનિક રોકાણકારો દ્વારા થયેલા આ ભારે રોકાણના કારણે જ ભારતીય બજાર વધુ ઊંડા અને ભયાનક કડાકામાંથી બચી શક્યું છે.
બજારમાં થયેલા આ વ્યાપક ધોવાણને કારણે સેન્સેક્સની કુલ સંપત્તિ (માર્કેટ કેપિટલાઇઝેશન) માં ડોલરના મૂલ્ય મુજબ આશરે 372 અબજ ડોલર (રૂ. 31 લાખ કરોડથી વધુ)નું નુકશાન થયું છે. ચોંકાવનારી બાબત એ છે કે આ નુકસાનનો 80 ટકા હિસ્સો દેશની માત્ર 10 મોટી કંપનીઓનો છે.
જેમાં સૌથી વધુ નુકસાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને (70 અબજ ડોલર), એચડીએફસી બેન્કને (54 અબજ ડોલર) અને ટીસીએસ ને (52 અબજ ડોલર) થયું છે. આ સિવાય ઇન્ફોસિસ (32 અબજ ડોલર), આઈટીસી (22 અબજ ડોલર), મારૂતિ સુઝુકી (19 અબજ ડોલર), ભારતી એરટેલ (19 અબજ ડોલર), હિન્દુસ્તાન યુનિલીવર (15 અબજ ડોલર) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (15 અબજ ડોલર) ના મૂલ્યમાં પણ ભારે ધોવાણ નોંધાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy