અમદાવાદ તા.1
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ખાદીના વિચારને ખરા અર્થમાં જીવંત રાખવા તથા ખાદી દ્વારા રાજ્યના હજારો કારીગરોને સતત રોજગારી મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા ગાંધી જયંતી નિમિત્તે એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રજાભિમુખ નિર્ણય લેવામાં આવ્યો છે.
જે અંતર્ગત ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા તા. 2 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર, 2026 સુધી ખાદી અને પોલિવસ્ત્રની માન્ય સંસ્થાઓ-મંડળીઓ દ્વારા ઉત્પાદિત ખાદી અને પોલિવસ્ત્રની ઉત્પાદનની કિંમત પર 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો સીધો લાભ ગ્રાહકોને ખાદી વેચાણ કેન્દ્રો મારફત ખરીદી પર મળનારા વળતર સ્વરૂપે થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ પહેલ ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન, વોકલ ફોર લોકલ તેમજ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીની થીમને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામે આગામી ધાર્મિક તહેવારો, જાહેર તેમજ સામાજિક પ્રસંગોમાં નાગરિકો સ્વદેશી ખાદી તરફ વધુ આકર્ષાશે અને તેના વેચાણમાં નોંધપાત્ર વધારો થશે.
રાજ્યમાં ખાદીનું વેચાણ વધવાથી ગુજરાતની KVICનું પ્રમાણપત્ર ધરાવતી અને ખાદી બોર્ડના ઈ-કુટીર પોર્ટલ પર નોંધણી થયેલ અંદાજિત 220 થી વધુ માન્ય ખાદી સંસ્થા/મંડળીઓના ખાદી અને પોલિવસ્ત્રના ઉત્પાદનની કામગીરી સાથે સંકળાયેલ અંદાજે 16 હજારથી વધુ કાંતનાર અને વણનાર કારીગરોને સતત રોજગારી મળતી રહેશે. આ સહાય યોજના અંતર્ગત ઉત્પાદિત આસન, શેતરંજી, રેશમ પટોળા, ઊની સ્વેટર, જર્સી, શાલ અને ખાદીના વિવિધ રેડિમેઇડ ગારમેન્ટ્સ જેવાં ઉત્પાદનોની બહોળા પ્રમાણમાં ખરીદી થવાથી સ્થાનિક ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી મળશે.
આ ઉપરાંત, ખાદીના વેચાણને વ્યાપક પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ શહેરોમાં ખાસ પ્રદર્શન-સહ-વેચાણ મેળાઓનું દર વર્ષે આયોજન પણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે ગાંધી જયંતી નિમિત્તે તા. 02 થી 07 ઓક્ટોબર દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે, તા. 01 થી 10 ઓક્ટોબર દરમિયાન ભરૂચ ખાતે અને તા. 11 થી 17 ઓક્ટોબર દરમિયાન વડોદરા ખાતે ખાદી પ્રદર્શન-સહ-વેચાણ મેળાઓ યોજાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy