RSS

કલાપી..

કલાપી…”પ્રેમ,પરવશતા અને સાહિત્ય ની ત્રિવેણી”

કલાપી…”પ્રેમ,પરવશતા અને સાહિત્ય ની ત્રિવેણી”
નામ

સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ

ઉપનામ

કલાપી

જન્મ

26 જાન્યુઆરી – 1874, લાઠી

અવસાન

9 જૂન – 1900, લાઠી
———————————
અભ્યાસ

1882-1890 રાજકુમાર કોલેજ – રાજકોટ માં અંગ્રેજી પાંચ ધોરણ સુધી
અંગત શિક્ષકો પાસે સંસ્કૃત, ઉર્દૂ, ફારસી સાહિત્યનો અભ્યાસ
વ્યવસાય

1895- લાઠી(ગોહિલવાડ, સૌરાષ્ટ્ર)ના રાજવી
પ્રદાન

પ્રજાત્સલ રાજવી
ખુદવફાઇવાળા ઊર્મિકવિ જેણે ગુજરાતી કલા સાહિત્યને સમૃધ્ધ કર્યું
પ્રવાસ લેખન
મુખ્ય કૃતિઓ

કાવ્યસંગ્રહ- કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહેલ (દીર્ઘકાવ્ય )
વર્ણન – કાશ્મીરનો પ્રવાસ
નિબંધ- સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર

જીવન

21 વર્ષની વયે રાજ્યાભિષેક (21 જાન્યુઆરી 1895)
નાનપણથી જ લાગણીપ્રધાન, સાહિત્ય અને કુદરતી સૌન્દર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઇચ્છા
માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ તેવો જ પ્રેમ રાખતા
આનંદીબા પ્રત્યે કદી પ્રેમ રાખી શક્યા નહીં પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી
રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં 20 વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો
શોભના સાથેના પ્રણયને કારણે રાજખટપટ અને ગાદીત્યાગનો વિચાર
વરિષ્ટ સાહિત્યકારોની સાથે મિત્રતા
સ્વીડનબોર્ગના વિચારોની ઊંડી અસર

16 થી 26 વર્ષની ઉંમરનાં 10 વર્ષના ગાળામાં જ 500થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને 250 થી ઉપર ગુજરાતી સાહિત્યના ઘ્રેણા જેવી રચનાઓ કરેલી (કાવ્યસર્જન 1892થી શરૂ થયેલ)
મહત્તમ કાવ્યો, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા; ઘણાં કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા; કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હ્રદયના ભાવો રહેલા છે; પત્ર સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃધ્ધ કર્યું છે;
મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રો પણ તેમની માનવતાને મઘમઘાવે છે.

26 વર્ષની યુવાન ઉંમરે મૃત્યુ (કહેવાય છે કે રમાબાએ યુક્તિથી ઝેર પાયું હતું)

સન્માન

‘રાજવી કવિ કલાપી’ નામનું એમનાં જીવન વિશેનું પુસ્તક

એમના નામથી કુમારનો ‘કલાપી’ એવોર્ડ – ગઝલ માટે
——————————————
“જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!”

“એ હું જ છું નૃપ, મને કર માફ બાઇ!
એજ હું છું નૃપ, મને કર માફ ઈશ !

…
હા ! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે!”

“તુને ન ચાહું ન બન્યું કદી એ, એને ન ચાહું ન બને કદી એ,
ચાહું તો ચાહીશ બેયને હું, ચાહું નહીં તો નવ કોઇને હું!”

“તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!”

“પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.”

“વ્હાલી બાબા! સહન કરવું એ ય છે એક લ્હાણું!
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !”

“હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !
મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?”

“કટાયેલું અને બુઠું ઘસીને તીક્ષ્ણ તેં કીધું
કર્યું પાછું હતું તેવું, અરે દિલબર! હ્ર્દય મારું
——————————————
રે ભોળી! જલઝુલતી કમલિનિ! કાં ભૂલ? વ્હાલી સખી,
જોઈ પૂર્વદિશામુખે પ્રસરતી લાલાશ આ ઊજળી?

આશા વ્યર્થ ધરે રવિ સુકરની સંધ્યા સમે, બાપલા!
એ તો હિમપતિ શશી નિકળશે, ના ના પતિ, હે હલા!

એ પોચું દિલ તું સમું સુનમન છે, તેણે ગૃજી આશ’તી:
જાણ્યું સૂર્ય થઈ પ્રફૂલ્લ કરશે પ્રેમી તણી પ્રીતડી;

ના તે તે નિકળી હતી શશી સમી, હિમે હણ્યું કાળજું;
જૂઠી આશ દઝાડતી સુમનને, ભુલે ન તે ઝાળ તું!

ધીમે ધીમે કુંપળ કુંપળે પત્ર પત્રે વળીને,
ટીશી ટીશી તરુવિપટમાં ગૂંથણી કાંઇ ગૂંથે;
મીઠી વેલી ! તુજ વળ દિસે નિત્ય નિત્યે નવીન!
તહારૂં હૈયું વધુ વધુ સદા સ્નેહમાં થાય લીન !

ન્હાની ન્હાની તુજ ગતિ સમો રાહ આ ઝિન્દગીનો,
તોફાનો કે ભભક રવિની કોઇ દી માત્ર ભાસે;
તહારી પાસે ગણગણ થતા જંતુઓ નિત્ય ગુંજે,
મ્હારી પાસે જગત સઘળું નિત્ય ગુંજયા કરે છે.

પણૉ તાજાં ચડી, ખરી, ચડે એકની એક ડાળે,
ને આલમ્બે તરુવર તણો નિત્યનો એક તહારે;
ટેકો મ્હારો મુજ હદયની એક મૂતિ પરે છે,
તે પાસેથી સુખદુ:ખ સદા જાય ચાલ્યાં ઝપાટે.

તું પત્રો ના તુજ કદિ ગણે, હું ય મ્હારાં ગણું ના,
કિંતુ તેનો કુદરત મહીં કાંઇ છૂપો હિસાબ;
કયાં? શા માટે? પ્રભુ વિણ નકી કોઇ જાણી શક્યું ના,
ઊડાં કાવ્યો, ફિલસુફી વળી કાંઇ શંકા જ માત્ર !

તુંમાં હુંમાં …અરરર! પણ આ કાંઇ જુદું જ ભાસે,
તહારા મ્હારા પથ મહીં દિસે ભિન્નતા એક ઊંડી;
તું ચાલે છે સતત ગતિએ, કૂદતો ચાલતો હું,
ધક્કા મારે કુદરત મને, દોરતી માત્ર તુંને.

હું ચોટું છું મુજ જિગર જ્યાં એક દી શાંતિ પામે,
નિ:શ્ર્વાસો સૌ જનહદયના ભૂત કાલે વિરામે;
નિમૉયો છે તુજ જીવનને એકલો વતૅમાન,
’ઊંચે જાવું’ તુજ હદયને એટલું માત્ર ભાન.

-સુરસિહંજી તખ્તસિહંજી ગોહેલ ‘કલાપી’
————————————–
કમળ ભોળું, કુમુદ ભોળું, ભમર ભોળો, દીવાનાં છે
જે જેનું ન તે તેનું, પ્રેમી પ્રેમી જુઠાનાં!

ભ્રમર ગૂંજે કમલ કુમુદે, ન જેને છે કદર તેની,
દિલ તો તણાં નભમાં, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ પ્રેમી રવિનું જે, કુમુદ બાઝ્યું શશી ને જે,
ફરે ઊંચા તે બેપરવા, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ, ભમરા. કુમુદ જેવું હ્ર્દય મારૂં ખરે ભોળું,
કુદે, બાઝે, પડે પાકુ, પ્રેમી પહાડ પાણો છે!

ઈચ્છે દાસ થવાને, ન કોઈ રાખતું તેને,
બિચારૂં આ દિલ કહે છે, “પ્રેમી પહાડ પાણો છે!”

મનુની પ્રીત દીઠી મેં, ઝાકળમોતી જેવી તે,
લાડું-લાકડાનો સ્નેહ , પ્રેમી પહાડ પાણો છે!

હવે મનજી મુસાફર તું, બહેતર જા બિયાબાને,
કરી લે પ્રીત પક્ષીથી, પ્રેમી પહાડ પાણો છે!

નિ:શ્વાસે ભર્યું હૈયું, અશ્રુથી ભર્યાં ચક્ષુ,
મગજ બળતું કહે છે: “હા! પ્રેમી પહાડ પાણો છે!”

-કલાપી

ફુલ વીણ સખે! ફુલ વીણ સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત, સખે!

અધુના કળી જે વિકસી રહી છે,
ઘડી બે ઘડીમાં મરતી દિસશે.
સુમહોજ્વલ આ કિરણો રવિનાં,
પ્રસરે હજુ તો નભ ઘુમ્મટમાં;

ન વિલમ્બ ઘટે, કંઇ કાલ જતે,
રવિ એ પણ અસ્ત થવા ઢળશે,
નમતાં શિર સૌ કુસુમો કરશે,
પછી ગંધ પરાગ નહીં મળશે,
ફુલ વીણ સખે! ફુલ વીણ સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત સખે!

નકી ઉત્તમ અગ્રિમ કાળ સખે!
ભર યૌવન આ હજુ રક્ત સખે!
ગતિ કાલની ચોક્કસ ન્હોય સખે!
ભરતી પછી ઓટ જ હોય સખે!
ફુલ વીણ, સખે! તક જાય, સખે!

ઢળતી થઇ તો ઢળતી જ થશે,
રજની મહીં ચંદ્ર ઉગે ને ઉગે;
હજુ દિવસ છે,ફુલડાં લઇ લે,
ફરી લે, રમી લે, હસી લે તું સખે!

મૃગલાં રમતાં,
તરુઓ લડતાં,
વિહગો ઉડતાં,
કલીએ કલીએ ભ્રમરો ભ્રમતા;
ઝરણું પ્રતિ હર્ષ ભર્યું કૂદતું,
ઉગતો રવિ જોઇ ન શું હસતું?
પછી કેમ વિમાસી રહ્યો તું સખે!
ફુલ વીણ, સખે! ફુલ વીણ, સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત સખે!

– કલાપી
————————————–
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી,
અનેજ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર;
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું;
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી;
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)
—————————————

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.
—————————————
(શાર્દૂલવિક્રીડિત)
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !
(માલિની)
મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે;
કમલવત્ ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !
(અનુષ્ટુપ)
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !
(વસંતતિલકા)
ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !
(મંદાક્રાન્તા)
ધીમે ઊઠી, શિથિલ કરને, નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા, નયન નબળાં, ફેરવીને જુએ છે;
ને તેનો એ, પ્રિય પતિ હજુ, શાંત બેસી રહીને, જોતાં ગાતો, સગડી પરનો, દેવતા ફેરવે છે.
(અનુષ્ટુપ)
ત્યાં તો આવી પહોંચ્યો એ, અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે ‘આવો, બાપુ !’ કહી ઊભો.
(શાર્દૂલવિક્રીડિત)
‘લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને’
બોલીનેઅશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ;
‘મીઠો છે રસ ભાએ! શેલડી તણો’ એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !
————————–
(વસંતતિલકા)
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.
(અનુષ્ટુપ)
‘બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા,’
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું.
(મંદાક્રાન્તા)
કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
‘શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં
(અનુષ્ટુપ)
‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.
(વસંતતિલકા)
એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’
(શાર્દૂલવિક્રીડિત)
‘પીતો’તો રસ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું,
આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈં નહીં સમો, તે હું વધારું હવે,
શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?
(ઉપજાતિ)
રસ હવે દે ભરી પાત્ર બાઈ ! પ્રભુક્રુપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ! સુખી રહો સૌ, તમારી તો આશિષ માત્ર માગું !’
(વસંતતિલકા)
પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !
————————-
વીત્યા ભાવો હજુ મ્હારા છે :
આગ મહીં થંડા ક્યારા છે :
આંસુ તો સુખની ધારા છે :

આ હૈયાને બીજું શું ?

તું એ મીઠા ભાવો સ્મરજે :
તેને સ્મરતાં સ્મરતાં મરજે :
હૈયાફાટ સદા વા રડજે :

રે રે ! બીજું શું?

-સુરસિહંજી તખ્તસિહંજી ગોહેલ ‘કલાપી’

પાણી બની ઢોળાઉં છું
હું દમ બદમ ગમને કુવે
અંધાર છે, લાચાર છું
સિંચો-હવે સિંચો સનમ!

હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે
પાપી તેમાં ડુબકી દઈને પુણ્યશાળી બને છે

 

પ્રતિસાદ આપો

 
Create your own website, free on WordPress.com.Create your own website.
Start free