ખોબો ધરો !

Posted in Navesar on ડિસેમ્બર 11, 2008 by DR.MAHESH RAWAL

yayavar_logo

આંખના ઉંડાણ દઉં, ખોબો ધરો
જળસભર ખેડાણ દઉં, ખોબો ધરો !

જ્યાં વિહરતાં સ્વપ્નપંખી, બે-ધડક
આગવું પોલાણ દઉં, ખોબોધરો !

શબ્દ જેવો શબ્દ જ્યાં થીજી ગયો
મૌન, આરસપ્હાણ દઉં ખોબો ધરો !

ટેરવે ઘૂઘવે સમંદર સાતમો
સામસામું તાણ દઉં, ખોબો ધરો !

કાં ત્વચા ઝોલે ચડી, બરછટપણે ?
જાગતાં જોડાણ દઉં, ખોબો ધરો !

હા કહીને ના કહું તો, ફટ્ મને !
મૂળસૉતા પ્રાણ દઉં, ખોબો ધરો !

ડો.મહેશ રાવલ
નવેસર/૯૦ 

શું બોલશો ?

Posted in Navesar on ડિસેમ્બર 10, 2008 by DR.MAHESH RAWAL

img_1663

પગલું ભરો ‘ને રણ મળે, શું બોલશો ?
પડખું ફરો ‘ને રણ મળે, શું બોલશો ?

કઈ ધારણા લઈ ગઈ નજરને, જળ સુધી
નક્કી કરો ‘ને રણ મળે, શું બોલશો ?

એ, ખાસ બારી સળવળે વરસો પછી
શ્રીફળ ધરો ‘ને રણ મળે, શું બોલશો ?

અનુમાન છે – ક્યારેક ખોટું પણ પડે !
સાચા ઠરો ‘ને રણ મળે, શું બોલશો ?

ઘર કોણ માને, છત વગરની ભીંતને
માગો વરો ‘ને રણ મળે, શું બોલશો ?

સારૂં થયું, કે બંધ છે મુઠ્ઠી  હજૂ
ખોબો ધરો’ ને રણ મળે, શું બોલશો ?

દરિયો ગણે છે વિશ્વ, એને તાગવા
અડધું તરો’ ને રણ મળે, શું બોલશો ???

ડો.મહેશ રાવલ
નવેસર/૮૯

પૂછ મા !

Posted in Navesar on ડિસેમ્બર 8, 2008 by DR.MAHESH RAWAL
 
img_6893

અઢળક સવાલો પૂછ મા
ઉભડક હવાલો પૂછ મા !

છે રાતનો છેલ્લો પ્રહર
ક્યાં ગઈ મશાલો પૂછ મા !

જે હોય છે, તે હોય છે
ભરચક રસાલો પૂછ મા !

છે અંધહસ્તિ ન્યાય, ત્યાં
નક્કર ખયાલો પૂછ મા !

જાગીર છે બસ, ફૂંકની
ક્યો શ્વાસ વ્હાલો, પૂછ મા !

અંધેર ગણમાં દેરને
આડશ, દિવાલો પૂછ મા !

કણ મણ બને, મણ કણ બને
“એના” કમાલો પૂછ મા !

ડો.મહેશ રાવલ
નવેસર/૮૮

ઓળખીતાં છે…

Posted in Navesar on ડિસેમ્બર 6, 2008 by DR.MAHESH RAWAL

img_66333

સમય સરવાના કારણ ઓળખીતાં છે
સમંદર જેટલાં, રણ ઓળખીતાં છે !

પ્રસંગોપાત બદલે ક્ષેત્ર તેથી શું ?
અધિકત્તર, કણ અને મણ ઓળખીતાં છે !

સમસ્યા એ નથી કે, આંખ ભીની થઈ
કઠે છે એ, કે આંજણ ઓળખીતાં છે !

રગેરગ હું ય જાણું છું, અરીસાની
મળેલા હર વિશેષણ ઓળખીતાં છે !

વિચારી રાખવા પડશે નવા કિસ્સા
જુનાં તો પાળિયા પણ ઓળખીતાં છે !

નકામા વેડફો મા ડંખ, રે’વા દ્યો !
અસર નહીં થાય, મારણ ઓળખીતાં છે !

અમારે શું હવે નિસ્બત, જગત સાથે ?
તમે છો, ‘ને ખુદા પણ ઓળખીતાં છે !

ડો.મહેશ રાવલ
નવેસર/૮૭

રાત કાઢી છે….

Posted in Navesar on ડિસેમ્બર 4, 2008 by DR.MAHESH RAWAL

img_6091

સ્મરણ તમને કરીને, રાત કાઢી છે
સ્વયંને છેતરીને રાત કાઢી છે !

જવાબી કાર્યવાહીના શકટ સાથે
સવાલો જોતરીને, રાત કાઢી છે 

તમારા ફૂલ જેવા નામનો વૈભવ
હૃદયપર કોતરીને, રાત કાઢી છે 

મળેલી ભેટના કિસ્સા ઉલેચ્યાં,પણ
બધાં પાછા ભરીને, રાત કાઢી છે !

જગત સામે, જગતની રાવ શું કરવી?
ખુદાને કરગરીને, રાત કાઢી છે 

ન આવ્યું એકપણ સપનું, તમારા સમ !
જુના,આગળ ધરીને રાત કાઢી છે 

સરળ ક્યાં હોય છે મૂલ્યાંકનો, ખુદનાં ?
મથામણ આદરીને, રાત કાઢી છે 

ડો.મહેશ રાવલ
નવેસર/૮૬

એક સરખાં છે !

Posted in Navesar on ડિસેમ્બર 3, 2008 by DR.MAHESH RAWAL

img_5531

તરસ માટે, બધાં રણ એક સરખાં છે
જુદા વૈશાખ, શ્રાવણ એક સરખાં છે

તફાવત, શક્ય છે નીકળે તફાવતમાં
નહીંતર, કઈ ઘડી ક્ષણ એક સરખાં છે ?

ઉઘડવું -બંધ થાવું, બેય કિસ્સામાં
અટકવું ‘ને મથામણ એક સરખાં છે !

મળે વૈવિધ્ય, તો છાતી ઉપર મળશે
અહીં સૌ પીઠના વ્રણ, એક સરખાં છે !

જરૂરત જોખશે તો ભેદ પરખાશે
ન જોખે ત્યાંસુધી, જણ એક સરખાં છે !

વજનમાં હોય વધઘટ એ અલગ છે, પણ
ઘસાતી કાંધ, ભારણ એક સરખાં છે !

ગમે ત્યાં જઈ પડે, ફેંકાય તો પથ્થર
સમયવર્તુળ, ગોફણ એક સરખાં છે !


ડો.મહેશ રાવલ

નવેસર/૮૫

આપજે !

Posted in Navesar on ડિસેમ્બર 1, 2008 by DR.MAHESH RAWAL

img_4708

નીકળે હિસાબે, એજ કેવળ આપજે
તાળો મળે એ રીતનું છળ આપજે !

છેદી શકું ઊંડાણના ભેદી કવચ
ઓકાત એવી, એટલું બળ આપજે !

એકાદ એવું સ્વપ્ન, જેને નામ હો
એ નામને ઉપનામ, અંજળ આપજે !

શું થઈ શકે ઘટતાં જવાના ક્રમ વિષે ?
દે ત્યાંસુધી, હર શ્વાસ નિર્મળ આપજે !

સૂરજ નથી, કે અસ્ત થઈ ઊગી શકું
અસ્તિત્વને અજવાળતી પળ આપજે !

મારા થકી, ‘ને કાં પછી તારા થકી
ટાણે ઉઘડતી મર્મ સાંકળ આપજે

ડો.મહેશ રાવલ
નવેસર/૮૪

વિસ્તરણ…

Posted in Navesar on નવેમ્બર 24, 2008 by DR.MAHESH RAWAL

img_6185

વિસ્તાર તો  વળગણ તરફ  વિસ્તારજે
સંબધને,  સમજણ  તરફ  વિસ્તારજે !

શું   પાંગરે,  અતિરેકના  આશ્લેષમાં ?
વૈશાખને   શ્રાવણ   તરફ  વિસ્તારજે

ખાલીચડેલી   જીભ,   લોચા  વાળશે
શબ્દાર્થ,  ઉચ્ચારણ તરફ  વિસ્તારજે 

મારે  કશું   ક્યાં  જોઇએ છે, સામટું
આસ્તેકથી કણ, મણ તરફ વિસ્તારજે

ભીંતો  ય  રાખે  છે  રજેરજની ખબર
અફવા,સુખદ પ્રકરણ તરફ વિસ્તારજે

ઉંડાણ    રસ્તાનું    ચરણને    છેતરે
એવી પળે,આંગણ તરફ વિસ્તારજે

લે,આજ આપું છું તને આ જાત પણ
કાં ખેસ,કાં ખાપણ તરફ વિસ્તારજે !

ડો.મહેશ રાવલ
નવેસર/ ૮૩

મિરાત ગોરંભાય છે !

Posted in Navesar on નવેમ્બર 18, 2008 by DR.MAHESH RAWAL
img_60071

વરસાદ આખી રાત ગોરંભાય છે
શબ્દો અહીં, ત્યાં વાત ગોરંભાય છે

આકાશના પર્યાય જેવી આંખમાં
સંદર્ભ લઈ, જઝબાત ગોરંભાય છે

મુઠ્ઠી બની ગઈ બંધ પાપણ આખરે
અંદર  હજુ કલ્પાંત ગોરંભાય છે

બાઝી ગયા છે પોપડા શેવાળના
સંબંધ ભીની જાત ગોરંભાય છે

ઉત્સુક થયું જળ,પૂર્વવત્ જળ થઈ જવા
સંદિગ્ધતા પર, ઘાત ગોરંભાય છે

રસ્તો જ રસ્તામાં પ્રવેશે-નીકળે
પગના ફણે ઓકાત ગોરંભાય છે

અજમાવ તો, અજમાવજે દુષ્કાળમાં
ત્યારે જ તો મિરાત ગોરંભાય છે !

 

ડો.મહેશ રાવલ

નવેસર/૮૨

માન્યતા….

Posted in Navesar on નવેમ્બર 8, 2008 by DR.MAHESH RAWAL

img_39381 

ધારાવગરના કોઇ ધોરણ માન્ય નહીં રાખું હવે
અવસર વગરના કોઇ તોરણ માન્ય નહીં રાખું હવે

ઈચ્છા જ કારણ નીકળે છે આખરે, ઉત્પાતનું
આશય વગરના કોઇ ભારણ, માન્ય નહીં રાખું હવે

ખુલ્લી હથેળી જેમ જીવ્યો છું ઉઘાડેછોગ, હું
આંટી ચડેલા કોઇ વિવરણ, માન્ય નહીં રાખું હવે

નક્કી કરેલી હદ સુધી જો હોય તો ક્યાં પ્રશ્ન છે ?
પણ એ પછી, દરિયો અને રણ માન્ય નહીં રાખું હવે

મારાવગર ક્યાં શક્ય છે પ્હોંચી જવું મારા સુધી ?
અંગતપણામાં  ખોડખાપણ માન્ય નહીં રાખું હવે

હું માન્યતા આપી શકું કેવળ, સમયના ચક્રને
મોસમવગરના કોઇ શ્રાવણ, માન્ય નહીં રાખું હવે

ઇશ્વરગણાતું સત્ય છે મારા પરિઘના કેન્દ્રમાં
નાસ્તિકપણાના કોઇ પ્રકરણ માન્ય નહીં રાખું હવે

અપવાદના કિસ્સા તરીકે શબ ઉઘાડું રાખજો
ઓળખવગરના કોઇ ખાપણ માન્ય નહીં રાખું હવે  !

કાં ઝેર જેવી હો અસર, ‘ને કાં પછી મારણ અચૂક
મિશ્રણ ગણાતા કોઇ દ્રાવણ માન્ય નહીં રાખું હવે !

ડો.મહેશ રાવલ
નવેસર/૮૧

 

Design a site like this with WordPress.com
શરૂ કરો