આજ થી 10 વર્ષ પહેલા ધરતીકંપ આવ્યો અને કચ્છ આખું ધ્રુજી ઉઠ્યું અને તબાહી સર્જાઇ તેને શબ્દો દ્વારા વાચા આપવાનો પ્રયાસ માત્ર….
કંપન ધરતીનું,આજ અનુકંપા વિશ્વને
ડોલાવી ગયો સુત્રધાર ,નિરાધાર કરી જગતને
આંદોલનોનો થડકાર,મીટાવી ગયો ધબકાર
ત્રસ્ત બનાવી ગયો જીવનને,મચ્યો હાહાકાર
નામશેષ કર્યા કુટુંબ, ક્યાંક નિરાધાર એક સંતાન
બાવીસ દિવસનો કૂળદિપક,વંચિત થયો સ્તનપાન
લાખો લોકોની કુંડળી,શું ઠગારી નિવડી આજ
કે ઘૂટણ ટેકવો જ્યોતિષી,ઇશ્વરે કર્યા નિરાધાર
ઇશ્વરીય શક્તિએ કસકસતી મારી છે આજ થપાટ
જણાવી દીધુ જગતને ,હું છું હજી, આતમ આજ જગાડ
કોણ શું લઇને ગયું સાથે, મડદાં આજ ગંધાય
તારા-મારાના ચક્કરમાં,બે ભાઇમાં શું શું રંધાય
કુબેરનગરી ભૂજને પળમાં કરી દીધું રાખ
જાગી સફાળા થઇ ગયાં, મચી ભાગં ભાગ
અશ્રુઓનો છુટ્યો ધોધ,વિસરાયાં જાતી ભેદભાવ
કોંક્રેટોના ખંડેરોમાં,લાખો ચીસો છે ગરકાવ
સામૂહીક સ્મશાનભૂમિ બની કાલની મહેલાતો
26મીનો ગણતંત્ર, કાળો દિવસ હવે કહેવાતો
જીવનના શું પારખાં,કોનું કેટ્લું શું કહેવાય ?
કંપનનો આ ત્રસ્ત વિચાર, હવે વધુ નહી સહેવાય