શોધ
મૂલાકાતીઓ
- 46,915
-
Join 72 other subscribers
-
નવી રચનાઓ
राख नहि के ना कशे पण धूम थोडोक – मराठी गझल अनुवाद
राख नहि, ना कशे पण धूम जराक राख नाही, ना कुठेही धूर थोडासा
वीत्या वर्षोने हुं वागोळुं छुं, भूतकाळाची उजळणी चालली आहे,
मारां लोहीमां वहे छे तुं छतां, वाहतो आहेस तू रक्तातूनी माझ्या,
गुम ते आपेली छूटाछेडानी प्रत- तू दिलेली सोडचिठ्ठी हरवली आता-
कोईना पगमां नथी पडतो हवे, थेट लोटांगण अताशा घेत नाही मी,
बहु उतावळ नहि कर सांत्वननी, सांत्वनाची फार घाई चांगली नाही,
राख नहि के ना कशे पण धूम थोडोक राख नाही, ना कुठेही धूर थोडासा
वीत्या वर्षोने हुं वागोळी रह्यो छुं, भूतकाळाची उजळणी चालली आहे,
तुं वहे छे रक्तमां मारां छतांपण, वाहतो आहेस तू रक्तातूनी माझ्या,
ते दीधेलुं फारगत-खत गुम थयुं छे- तू दिलेली सोडचिठ्ठी हरवली आता-
आजकल हुं दंडवत करतो नथी एम, थेट लोटांगण अताशा घेत नाही मी,
सांत्वनानी बहु उतावळ सारी नही, सांत्वनाची फार घाई चांगली नाही,
Posted in અનુવાદ, ગઝલ
7 ટિપ્પણીઓ
एकलो सागरकिनारो एकलो — चित्तरंजन भटनी मराठी गझलनो अनुवाद
मराठीना आद्यगझलकार श्री सुरेश भटना पुत्र चित्तरंजन भट पण सुंदर गझलो लखे छे. एमनी एक गझलनो अनुवाद पोस्ट करुं छुं. मराठी वाचकोनी सुविधा माटे लिपि देवनागरी राखी छे.
एकलो सागरकिनारो एकलो
जन्म ओसरवानो आखो एकलो
केटला अबजो छे तारा आभमां
वेगळो प्रत्येक तारो एकलो
बोल क्यां लग आपवानो छांयडो
मेघ ए लहेरातो फरतो एकलो
डाबला काढ्या तो समजायुं मने
हुं नथी अहि दोडनारो एकलो
मोरचो वीखरायो पण गांडो हजु
आपे छे त्यां क्षीण नारो एकलो
दोडनारा दोडता’ता झुंडमां
चालतो’तो चालनारो एकलो
कोण कणसे छे गभारामां जुओ
साव अनाथ अगतिक बीचारो एकलो
– अनुवाद हेमंत पुणेकर
मूळ गझलः-
एकटा सागरकिनारा एकटा
जन्म ओसरणार सारा एकटा
केवढे अब्जावधी तारे नभी
वेगळा प्रत्येक तारा एकटा
सांग ना देणार कुठवर सावली?
मेघ तो उंडारणारा एकटा
काढली झापड तसे कळले मला
मीच नाही धावणारा एकटा
पांगला मोर्चा, तरी वेडा तिथे
देत आहे क्षीण नारा एकटा
धावणारे धावले झुंडीमध्ये
चालला तो चालणारा एकटा
कण्हत आहे कोण गाभाऱ्यामधे?
पोरका, अगतिक, बिचारा, एकटा…
– चित्तरंजन भट
मूळ गझल अहीं वांची शको छोः http://sureshbhat.in/content/एकटा-सागरकिनारा-एकटा
સૂકાં વૃક્ષમાં ફરફરી છે ઉદાસી
પીળું પાન થઈને ખરી છે ઉદાસી
અજંપો ગયો, જ્યારથી આશ ગઈ છે
હવે બસ હૃદયમાં ભરી છે ઉદાસી
કહું જા, તો આંખોમાં જોયા કરે બસ!
ન બોલે, ન ચાલે, ખરી છે ઉદાસી!
ખુશીનું અટૂલું આ મોજુંય શું છે?
સપાટી ઉપર થરથરી છે ઉદાસી
વધુ ઓગળી ના શકી રક્તમાં તો
હવે આંખથી ઊભરી છે ઉદાસી
– હેમંત પુણેકર
છંદોવિધાનઃ- લગાગા X ૪
હાઈકુ – વ્યાપક ગેરસમજણનો ભોગ બનેલો એક ચિત્રાત્મક/દૃશ્યાત્મક કાવ્યપ્રકાર
શાળામાં પહેલીવાર હાઈકુ કાવ્યપ્રકાર સાથે થયેલો પરિચય અતિસુખદાયી હતો. પાંચ-સાત-પાંચ અક્ષરોનું બંધન પાળો એટલે થઈ ગઈ કવિતા. પ્રાસનો ત્રાસ નહીં. છંદનો ફંદ નહીં. બસ ૫-૭-૫. કવિ થવા માટે થનગનતા જીવને આથી વધુ શું જોઈએ. એ કાળમાં ઘણાં હાઈકુ ઘસડી કાઢ્યાં હતાં પણ (મારાં અને તમારાં સદભાગ્યે) કાળનો પ્રવાહ એ ખજાનાને પોતાની સાથે ઘસડી ગયો. વર્ગમાં કોઈકે લખેલું કે ક્યાંકથી સાંભળવા મળેલું એક હાઈકુ આજેય યાદ છે.
પવન વાયો
ચૂંદડી ઊડી ગઈ
માથે ટકલુ!
– અજ્ઞાત
ગુજરાતી બ્લૉગજગત અને પછી ફેસબુક પર વિચરતા મારાં ધ્યાનમાં આવ્યું કે હું મુગ્ધવયે જે ગેરસમજથી પીડાતો હતો એનાથી ઘણા લોકો પુખ્તવયે પણ પીડાય છે! કોઈ રચના હાઈકુ બને એ માટે ૫-૭-૫ અક્ષરોના સ્વરૂપમાં લખવું અનિવાર્ય તો છે પણ પર્યાપ્ત નથી. તો શું ખૂટે છે એમાં? એનો જવાબ છે – “ચિત્રાત્મકતા/દૃશ્યાત્મકતા”. હાઈકુના સત્તર અક્ષરોનું કામ છે કે તેઓ એક દૃશ્ય ઊભું કરી આપે અને એના થકી કાવ્ય સિધ્ધ થાય. સ્નેહરશ્મિનાં આ હાઈકુ જુઓઃ
છાપરું ચુવે,
ભીંજે ખોળામાં બાળ
માનાં આંસુથી.
ઝાપટું વર્ષી
શમ્યું, વેરાયો ચંદ્ર
ભીના ઘાસમાં.
૫-૭-૫ના સ્વરૂપમાં ભાવ કે વિચાર મૂકવાથી હાઈકુ સિધ્ધ થતું નથી. ગઝલ જેવા વાર્તાલાપ પ્રધાન કાવ્યપ્રકારના અતિરેકના પરિણામે વાતચીત લાગે એવા હાઈકુ પણ જોવા મળે છે, જે કોઈ ચિત્ર ઊભું કરતાં નથી અથવા કરે તોય એ ચિત્રો બહુ સ્પષ્ટ હોતાં નથી. ફેસબુક પર આવા અ-હાઈકુઓ અનરાધાર વરસે છે તો બીજી બાજુએ બાળકોએ ફક્ત ગમ્મત ખાતર બનાવેલું (હાસ્ય?)હાઈકુ ચિત્રાત્મકતાની કસોટીએ પાસ થાય છે!
હાઈકુ ઉપર એક સુંદર લેખમાળા શ્રી જુગલકિશોર વ્યાસે લખી હતી. એની લિન્ક આ છે. હાઈકુ લખવાના અખતરા કરતા પહેલા એક વાર એ વાંચવા જેવી તો છે જ. આ લેખની પૂર્ણાહુતિ કરતા પહેલા થોડાક સુંદર હાઈકુ માણીએ.
બળ્યો ઝળ્યો હું
આવ્યો ઘરે, માંડવે
મધુમાલતી
– મુરલી ઠાકુર
મોટર ચાલી
હવા ગૂંગળાવતી
ગાડા પરથી
-વિવેક મનહર ટેલર
થાકી હરણ
બેઠું ખજૂરી તળે,
પીવા છાયડો
– પ્રીતમ લખલાણી
– હેમંત પુણેકર
આ જ, આ જ, આ જ નજર
બીજી ત્રીજી નહિ બસ આ જ, આ જ, આ જ નજર
મળી છે જ્યારથી, દિલ પર કરે છે રાજ નજર
બસ એક વાર મળે તોય વીંધી નાખે દિલ
તમારી પાસે છે કેવી નિશાનેબાજ નજર!
શું દાવપેચ અને હોય છે શું શેહ ને માત?
ખબર પડે જો મિલાવે એ ચાલબાજ નજર
તું ચાર માણસો વચ્ચે ન ઘૂર એને આમ
કહ્યું મેં જાતને, તો પણ ન આવી વાજ નજર
નજીક આવે નહીં તોય જાણે દિલનો હાલ
કે ચહેરો દૂરથી વાંચે છે એની બાજનજર
ક્ષણાર્ધમાં થતી નજરાનજરનું દર્દ છે આ
મિલાવી રાખ કે જેથી બને ઈલાજ નજર
છે મારી પાસે ફકત દિલ જે તમને સોંપું છું
જો હોત તો હું કરી દેત તખ્તોતાજ નજર!
– હેમંત પુણેકર
છંદોવિધાનઃ- લગાલ ગાલલગા ગાલગાલ ગાગાગા/ગાલલગા
Posted in ગઝલ
4 ટિપ્પણીઓ
હોઠ ચુપ ને આંખમાં એક ચીસ છે
હોઠ ચુપ ને આંખમાં એક ચીસ છે
કંઇક તો બોલો કે શાની રીસ છે?
હોય જો બે ચાર તો સંતોષીએ
માગણીઓ આપની પચ્ચીસ છે
સ્વપ્નના મહેલો છે મારા લાખના
ને સમયના હાથમાં માચીસ છે
તું ચગાવે છે પતંગ તો ધ્યાન રાખ
કોનાકોના હાથમાં લંગીસ છે
બહાર છે માણસ અને મનમાં વિચાર
બેય બાજુથી ચગદતી ભીસ છે
– હેમંત પુણેકર
છંદોવિધાનઃ ગાલગા ગાગાલગા ગાગાલગા
જેને તું ગણાવે છે ઇબાદતથી વધારે
જેને તું ગણાવે છે ઇબાદતથી વધારે
શક છે મને એ કંઈ નથી એક લતથી વધારે
સહસા જે કરે રાઈને પર્વતથી વધારે
ચુપ કેમ છે આજે એ જરૂરતથી વધારે?
જે પ્રશ્ન સરળતાથી ઉકેલાઈ ગયો હોત
ગુંચવાયો છે એ તારી કરામતથી વધારે
કિસ્મત કને આથી વધુ શું માગવું બોલો?
છું આપની નજદીક હું નિસ્બતથી વધારે
સંબંધનો આધાર છે વિશ્વાસ પરસ્પર
પાયો ચણો મજબૂત ઇમારતથી વધારે
– હેમંત પુણેકર
છંદોવિધાનઃ- ગા ગાલલગા ગાલલગા ગાલલગા ગા
એવી ચઢી છે ચાનક
એવી ચઢી છે ચાનક
આપદમાં જોઉં છું તક
નાહક હણે જે માનવ
એના શું માનવી હક?
ખાલીપો ઓર વકર્યો
જીવવા ગયો જો ભરચક
તરવાનું શીખવા દો
ખમ્મા કરો હે તારક!
દિલ દેતી હોય દઈ દે
એમાં તે હોય રકઝક?
હું ખુશ છું જે છે એમાં
તારું તને મુબારક!
– હેમંત પુણેકર
છંદોવિધાનઃ- ગાગા લગાલ ગાગા
Posted in ગઝલ
4 ટિપ્પણીઓ
પછી કેવી તું શરમાઈ ગયેલી
પછી કેવી તું શરમાઈ ગયેલી
મને જોતાં તું પકડાઈ ગયેલી
ઉઘાડેછોગ સપનામાં મળી ગઈ
જે ઈચ્છા મનમાં ધરબાઈ ગયેલી
હું ઝંખવાઈ ગયેલો એ જ વાતે
કે તું અન્યોથી અંજાઈ ગયેલી
બધા ચુપ થઈ ગયા એ વાત પર જે
ન’તી કહેવી ને કહેવાઈ ગયેલી
બહુ હસવાનો એ અંજામ આવ્યો
કે મારી આંખ ભીંજાઈ ગયેલી
– હેમંત પુણેકર
છંદોવિધાનઃ- લગાગાગા લગાગાગા લગાગા
Posted in ગઝલ
7 ટિપ્પણીઓ
વધારે નહીં બસ જરી તો જરી
વધારે નહીં બસ જરી તો જરી
તમે મારી ઊપર નજર તો કરી!
please do not copy paste
તને જોઈને થાય છે ખાતરી
ખુદાનેય ફુરસત મળે છે ખરી!
instead give link of this page
અમસ્તો જતો’તો, તું સામી મળી
ખરીદ્યા વગર લાગી ગઈ લૉટરી
please do not copy paste
છે શૃંગાર તારો અજબ કૉકટેલ
કે ઠસ્સો લઈ સાદગી અવતરી!
instead give link of this page
ફગાવીને જોઈ લીધી તારી યાદ
જરી દૂર ગઈ ત્યાં તો પાછી ફરી
please do not copy paste
– હેમંત પુણેકર
છંદોવિધાનઃ લગાગા લગાગા લગાગા લગા
Posted in ગઝલ
17 ટિપ્પણીઓ
કોઈ લાંબી લાંબી લખાવટ નથી
કોઈ લાંબી લાંબી લખાવટ નથી
ગઝલ છે ઇશારો, છણાવટ નથી
એ જીરવી નથી શકતો એકાંતને
સ્વયં સાથે આ દુશ્મનાવટ નથી?
તું પોતાને રોકીને ઊભો છે બસ!
જગતમાં બીજી કંઈ રુકાવટ નથી
પછી ચડજે ટોચે, તું પહેલા તપાસ
કે મૂલ્યોમાં કોઈ ગિરાવટ નથી
હું જેવો છું એવો છું તારી સમક્ષ
બનાવટ નથી કંઈ સજાવટ નથી
રદિફ, કાફિયા, છંદ ફાવી ગયા
ગઝલમાં હજુ એવી ફાવટ નથી
– હેમંત પુણેકર
છંદોવિધાનઃ લગાગા લગાગા લગાગા લગા
Posted in ગઝલ
23 ટિપ્પણીઓ
મહેર મારી ઉપર કરે ન કરે
મહેર મારી ઉપર કરે ન કરે
એની મરજી, નજર કરે ન કરે
આંખો બોલી ગઈ છે દિલની વાત
ભૂલ એવી અધર કરે ન કરે
લોકો શું કહેશે એની ચિંતા સતત
મારાં મનની ફિકર કરે ન કરે
એ જ અવઢવમાં ચુપ રહી જઉં છું
શબ્દ ધારી અસર કરે ન કરે
એને મહેલોની ટેવ છે હેમંત
તારા દિલમાં એ ઘર કરે ન કરે
– હેમંત પુણેકર
છંદઃ ગાલગા ગાલગાલ ગાગાગા/ગાલલગા
હવે શક્યતા નથી
થોડીક શું જરાય હવે શક્યતા નથી
તારા વગર જીવાય હવે શક્યતા નથી
ગુસપુસ છે આખા ગામમાં જ્યાં આપણા વિશે
મન ફાવે ત્યાં ફરાય હવે શક્યતા નથી
અડધી ઢળેલી પાંપણે છૂટ્યું નજરનું તીર
વાર એનો ખાલી જાય હવે શક્યતા નથી
તારા ગયાનાં દર્દનો બીજો તો શું ઈલાજ?
તું આવે એ સિવાય હવે શક્યતા નથી
સંભવ છે હું છું કોણ મને યાદ ના રહે
તમને ભૂલી જવાય હવે શક્યતા નથી
હેમંત પુણેકર
છંદોવિધાનઃ ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા
Posted in ગઝલ
15 ટિપ્પણીઓ
અન્યત્ર પ્રકાશિત બે ગઝલો
કંઈ નથી, જ્યાં સુધી કોઈ જોતું નથી
એક દર્શક વગર દૃશ્ય બનતું નથી
એટલે આંખની આંખમાં રહી ગઈ
ખારા જળની નદી, કોઈ લોતું નથી
એકબીજાના સહારે ટક્યા આપણે
હું સમુ કંઈ નથી, જો કોઈ તું નથી
સ્વપ્નની રાખ સાથે વહી જાય છે
અશ્રુ કારણ વગર ખારું હોતું નથી
એક ડૂસકું દબાવ્યું મેં એ કારણે
અહીંયા કારણ વગર કોઈ રોતું નથી
ખૂબ શોધો છતાં શક્ય છે ના જડે
જે બધે હોય છે, ક્યાંય હોતું નથી
– હેમંત પુણેકર
છંદઃ ગાલગા ગાલગા ગાલગા ગાલગા
આ ગઝલ લયસ્તરો પર પ્રકાશિત થઈ હતી.
————————
બંધિયાર જગા છે, જરી વિસ્તાર કરી દે
મારી આ દીવાલોથી મને પાર કરી દે*
આંખો મળી, એ તો થયો નાનકડો અકસ્માત
એક સ્મિતથી એને વધુ ગમખ્વાર કરી દે
એ રીતે ઘણા દાબે છે ભીતરના તમસને
બસ બહારથી પોતાને ચમકદાર કરી દે
અવઢવમાં હું આવી તો ગયો ઊંબરે તારા
બોલાવી લે અંદર કે હવે બહાર કરી દે
– હેમંત પુણેકર
છંદઃ ગા ગાલલગા ગાલલગા ગાલલગા ગા
* ગૌરાંગ ઠાકરની પંક્તિ
આ ગઝલ ઊર્મિસાગર.કૉમ પર પ્રકાશિત થઈ હતી.
Posted in ગઝલ
6 ટિપ્પણીઓ
હવે થાકી ગયો છું હું
એ રીતે રોજ મન મારી હવે થાકી ગયો છું હું
તને જીતાડવા હારી હવે થાકી ગયો છું હું
કદી વારું, કદી ડારું, કદી પુચકારું, ફટકારું
આ મન ઊપર મગજ મારી હવે થાકી ગયો છું હું
રુદનને ઊગતું ડામો, અધર પર સ્મિત ફરકાવો
આ રોજેરોજ અદાકારી, હવે થાકી ગયો છું હું
બધા તકલાદી સંબંધોની તકવાદી ગણતરીમાં
સતત રાખી તકેદારી હવે થાકી ગયો છું હું
તમારી સાથે ગાળેલી એ હળવીફૂલ સાંજોના
સ્મરણનો ભાર વેંઢારી હવે થાકી ગયો છું હું
– હેમંત પુણેકર
છંદઃ- લગાગાગા X ૪