બાળકો મોટા થઈને વૈજ્ઞાનિક નહીં પણ બાવાઓ ચોક્કસ બનશે!

૨૧મી સદીમાં જ્યારે દુનિયા સ્પેસ ટેક્નોલોજી અને AIની વાત કરે છે, ત્યારે આપણાં બાળકોને પાઠ્યપુસ્તકોમાં વિજ્ઞાનના નામે પૌરાણિક વાર્તાઓ કેમ ઘૂસાડવામાં આવી રહી છે? દેશનું બંધારણ નાગરિકોમાં ‘વૈજ્ઞાનિક વલણ’ કેળવવાની વાત કરે છે, જ્યારે આપણો અભ્યાસક્રમ શું શીખવી રહ્યો છે?

ધોરણ-૮ના પુસ્તકમાં અંધશ્રદ્ધા અને બંધારણીય વૈજ્ઞાનિક મિજાજ (Scientific Temper) વચ્ચેના વિરોધાભાસને ઉજાગર કરતો રમેશ સવાણીનો એક આંખ ઉઘાડનારો વિચારપ્રેરક લેખ જરૂર વાંચો…👇

બાળકો મોટા થઈને વૈજ્ઞાનિક નહીં
પણ બાવાઓ ચોક્કસ બનશે!

✍️રમેશ સવાણી

આપણા શિક્ષણમાં RSSએ અંધશ્રદ્ધાઓ ઘૂસાડી છે. તેનો પુરાવો ધોરણ-૮નું પાઠ્યપુસ્તક (GSEB) છે. ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકમાં પાઠ-૨ ‘પૃથ્વીની વાર્તા’માં અંધશ્રદ્ધાના હેવી ડોઝ આપ્યા છે.

આ પાઠમાં પૃથ્વી અને સૃષ્ટિની ઉત્પત્તિની વાર્તા છે. આ પાઠમાં બ્રહ્માજીનું ચિત્ર છે. બ્રહ્માને ચાર માથાં અને ચાર હાથ સાથે દર્શાવેલ છે. તેઓ આકાશમાં ઊભા છે; હાથમાં કમળ, વેદ (ધર્મગ્રંથ) અને અન્ય મુદ્રાઓ છે. પૃથ્વીને નીચે દર્શાવેલ છે અને આસપાસ અન્ય ગ્રહો, તારાઓ વગેરે છે. વાર્તામાં બ્રહ્માએ સૃષ્ટિનું નિર્માણ કર્યું હોવાનું વર્ણન છે.

આ પાઠ ધાર્મિક/સાંસ્કૃતિક વાર્તા તરીકે છે, જેમાં વિવિધ ગ્રહો વચ્ચે સંવાદ અને બ્રહ્માની સર્જન-પ્રક્રિયા વર્ણવેલ છે. આ વાર્તા હિંદુ પુરાણો પર આધારિત છે.

વાર્તાનો સારાંશ શું છે?

[૧] બ્રહ્મદેવ (બ્રહ્માજી) સૃષ્ટિનું સર્જન કરે છે. સૌપ્રથમ અનંત તારાઓ અને આકાશગંગાઓનું નિર્માણ કરે છે.

[૨] ત્યારબાદ તેઓ વિવિધ ગ્રહોનું સર્જન કરે છે.

[૩] ગ્રહો વચ્ચે વાતચીત થાય છે. દરેક ગ્રહ પોતાની વિશેષતાઓ વર્ણવે છે. પૃથ્વીને સૌથી અનુકૂળ ગણવામાં આવે છે, કારણ કે તેના પર જીવન ટકી શકે તેવું વાતાવરણ (હવા, પાણી, તાપમાન, ઓઝોન વગેરે) છે. તે જીવો-વનસ્પતિ-પ્રાણીઓ માટે આદર્શ છે.

અંતે બ્રહ્માજી પૃથ્વીને સૃષ્ટિની જવાબદારી સોંપે છે.

પાઠના અંતે સ્વાધ્યાય માટે પ્રશ્નો પૂછેલા છે:

સૌપ્રથમ બ્રહ્મદેવે શું નિર્માણ કર્યું? બ્રહ્મદેવ સ્વર્ગમાંથી બહાર કેમ ગયા? સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? દરેક ગ્રહને શું લાગવા માંડ્યું? આ અદ્ભુત સૃષ્ટિનું નિર્માણ કોણે કર્યું? તેમાં શું શું હતું? પૃથ્વીએ બ્રહ્મદેવને સૃષ્ટિની જવાબદારી પોતાને સોંપવાનું કેમ કહ્યું?

એક દલીલ એ થઈ શકે કે આ ગુજરાતી ભાષાનો પાઠ છે, વિજ્ઞાનનો પાઠ નથી. પરંતુ આઠમા ધોરણમાં અભ્યાસ કરતા બાળકોને આવી કાલ્પનિક વાર્તા દ્વારા પૃથ્વી અને પર્યાવરણ પ્રત્યે આદર અને જવાબદારીની ભાવના વિકસાવવાનો ઉદ્દેશ હોય તો પણ તે ઉચિત ન કહેવાય; કેમ કે ચાર મુખવાળા બ્રહ્માજી/તેમને સૃષ્ટિના સર્જનહાર માનવા વગેરે બાબતો અંધશ્રદ્ધા જ મજબૂત કરે.

બાળકો માટેના પાઠ્યપુસ્તકોમાં અંધશ્રદ્ધાને સ્થાન આપવામાં આવે તો વૈજ્ઞાનિક અભિગમ તરફ તેમની રુચિ ન કેળવાય.

બંધારણનો આર્ટિકલ 51A(h) કહે છે: “…to develop the scientific temper, humanism and the spirit of inquiry and reform – પ્રત્યેક નાગરિકનું કર્તવ્ય છે કે તે વૈજ્ઞાનિક વલણ, માનવવાદ અને તપાસ/સુધારાની ભાવના વિકસાવે.”

આ મૂળભૂત ફરજનો ખ્યાલ અભ્યાસક્રમ નક્કી કરતા GSEB (Gujarat Secondary and Higher Secondary Education Board) એ રાખવો જોઈએ.

ભારત ધર્મનિરપેક્ષ દેશ છે. ભાષાના પાઠ્યપુસ્તકમાં સાંસ્કૃતિક/પૌરાણિક વાર્તા હોઈ શકે; પરંતુ જો તે વારંવાર એક જ ધર્મની હોય અને અન્ય ધર્મોની વાર્તાઓ ન હોય, તો સમાવેશીતા (inclusivity)નો મુદ્દો ઊભો થાય છે. કોર્પોરેટ કથાકારો આવી વાર્તાઓ કરે તે સમજી શકાય, પણ શિક્ષણ વ્યવસ્થાએ આવી વાર્તાઓ ટાળવી જોઈએ.

વૈજ્ઞાનિક વાસ્તવિકતા શું છે?

પૃથ્વી સૂર્યની આસપાસ ફરતા ૮ મુખ્ય ગ્રહોમાંથી એક છે. સૂર્ય તારો છે. તે મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમથી બનેલો છે. તેના કેન્દ્રમાં ન્યૂક્લિયર ફ્યુઝન (હાઇડ્રોજનનું હિલિયમમાં બદલાવવું) થાય છે, જેનાથી અત્યંત ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. સૂર્યનો વ્યાસ પૃથ્વી કરતાં લગભગ ૧૩ લાખ ગણો મોટો છે.

આકાશગંગામાં અબજો તારાઓ અને ગ્રહો છે. સૂર્ય અને સૌરમંડળ આ જ આકાશગંગામાં આવેલાં છે. તેમાં આશરે ૨૦૦-૪૦૦ અબજ તારાઓ છે. તેનું સર્જન આશરે ૧૩.૮ અબજ વર્ષ પહેલાં થયું. બિગ બેંગ (મહા વિસ્ફોટ) થયો, તે પછી ગેસ અને ધૂળના મોટા clouds (વાદળો) બન્યા. ગુરુત્વાકર્ષણ (gravity)ના કારણે આ clouds ઘટ્ટ થતા ગયા અને ગેલેક્સીઓ બની. આશરે ૪.૬ અબજ વર્ષ પહેલાં આકાશગંગામાં એક મોટું ગેસ-ધૂળનું વાદળ (solar nebula) હતું. તેના કેન્દ્રમાં ઘટ્ટતા વધતાં સૂર્ય બન્યો. બાકીના ગેસ અને ધૂળથી ગ્રહો બન્યા.

સૂર્ય બન્યા પછી આસપાસની સામગ્રીથી નાના-નાના ખડકો (planetesimals) અથડાતા રહ્યા. આ અથડામણોમાંથી પૃથ્વી બની. પ્રારંભમાં તે અત્યંત ગરમ અને પીગળેલી હતી. પછી ઠંડી થઈ અને પાણી, વાતાવરણ તથા જીવન વિકસ્યું.

અનેક આકાશગંગાઓ છે. બોલો, આ બધું સર્જન બ્રહ્માજીએ કર્યું! આવી મૂર્ખતાભરી વાર્તા જો પાઠ્યપુસ્તકમાં હોય તો બાળકો મોટા થઈને વૈજ્ઞાનિક નહીં પણ બાવાઓ ચોક્કસ બનશે!rs [16 જૂન 2026]

✍️રમેશ સવાણી

‘ફેસબુક.કોમ’ પર તા. ૧૬ જૂન, ૨૦૨૬ના રોજ પ્રગટ થયેલ રૅશનાલિસ્ટ રમેશ સવાણીની પોસ્ટમાંથી,  લેખકના અને ‘ફેસબુક’ના  સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી રમેશ સવાણી, નિવૃત્ત IPS અધિકારી, ઇ-મેલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટિ, નવા વિચાર, નવું ચિન્તન ગમે છે? તેના પરિચયમાં રહેવા નિયમિત મારો  રૅશનલ બ્લૉગ http://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર મંગળવારે અને શુક્રવારે સવારે, આમ સપ્તાહમાં બે પોસ્ટ મૂકાય છે. તમારી મહેનત ને આતુરતા નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવિંદ મારુ, ઇ-મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : ૧૮/૦૯/૨૦૨૬

5 Comments

  1. રમેશભાઈ, ખૂબ જ સરસ અને વિચારપ્રેરક રજૂઆત. 👏
    બાળકોમાં અંધશ્રદ્ધા નહીં, પરંતુ વૈજ્ઞાનિક વિચારસરણી અને પ્રશ્ન પૂછવાની ટેવ વિકસાવવી આજની ખૂબ જ જરૂરી જવાબદારી છે. આપના લેખ અને ઇન્ફોગ્રાફિક દ્વારા આ મહત્વનો સંદેશ સરળતાથી પહોંચે છે. ગોવિંદભાઈ અભિનંદન! 🌷

    Liked by 1 person

    1. ધન્યવાદ… મહેન્દ્રભાઇ સાહેબ,

      Like

  2. બાળકો બાવા બને એવા પોચા નથી. આપણી સંસ્કૃતિથી પરિચિત થાય એમાં ખોટું શું છે ? ૨૧મી સદીના બાળકો વાંચીને પચાવશે.. એ લોકોને ખોટે રવાડે નહી ચડાવી શકાય. They are practical and using their brain, Not taking anything for granted.

    Like

  3. સુંદર આંખ ખોલનારો લેખ. રમેશભાઈ સવાણી જેવા જાગૃત નાગરીકોની
    આજે ભારતમાં તાતી જરુર છે. લોકો સમયસર નહીં જાગે તો દેશને બચાવવો મુશ્કેલ થતું જશે. હાર્દીક આભાર ગોવીન્દભાઈ આ પ્રકારની જાગૃતી માટેના આપના પ્રયાસ બદલ.

    Liked by 1 person

Leave a Reply