દીવો બળે છે
દૂર અંધારામાં
સંભળાય છે એનાં બળવાનો અવાજ
શિયાળવાનો રડવાનો અવાજ
ક્યાંક ભૂખથી કણસતું કૂતરું
અંધારાને વધારે અંધકાર અર્પે છે
મંદ મંદ વાતા વાયરામાં ઘૂવડને ગીત ગાવાની ઈચ્છા જાગે છે અને મજા પણ પડે છે
ને
કાન સરવા કરીને સાંભળવા મથતું આભામંડળ ધરતી પર થોડીક ઘડી થંભી જાય છે
કશુંક કાને પડે છે
જે પડે તેને
કાન સાચવી રાખવા મથે
સાચવી રાખેલું સઘળું અંધારાનું તેજ તારલાઓ વિખેરી નાખે
વિખેરાયેલુ ભેગું કરવા
સપ્તર્ષિ ધ્યાનમગ્ન થઈને પ્રયાસ કરે છે
એ પ્રયાસમાં આકાશગંગાને પ્રસવવેદના થાય
ને
જન્મે છે
સર્વેને પ્રાપ્ત થયેલું……
ભરત પ્રજાપતિ