જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતાં ચૂંટણી પંચનું ડેમેજ કંટ્રોલ, BLOને ફરી ઘરે-ઘરે દોડવાનો આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Election Commission of India: ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને (CEOs) એક મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. જે રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અથવા ચાલી રહી છે, ત્યાંના અધિકારીઓને પૂર્વ-એસઆઈઆર મતદાર યાદીઓની વર્તમાન યાદી સાથે સરખામણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે જે યોગ્ય મતદારોના નામ યાદીમાંથી છૂટી ગયા છે, તેમને આગામી એક મહિનાની અંદર ફરીથી યાદીમાં સામેલ કરવામાં આવે.
બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) દ્વારા ઘર-ઘર મુલાકાત
આ અભિયાન હેઠળ તમામ બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) એવા મતદારોની યાદી તૈયાર કરશે જેના નામ યાદીમાંથી રહી ગયા છે. આ યાદી તૈયાર કર્યા બાદ બીએલઓ ઘર-ઘર જઈને સંબંધિત નાગરિકોની વર્તમાન સ્થિતિની ચકાસણી કરશે. જો સંબંધિત વ્યક્તિ મતદાર બનવા માટે પાત્ર જણાશે, તો ફોર્મ 6 ભરાવીને તેમનું નામ મતદાર યાદીમાં જોડવાની પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં આવશે.
ફોર્મ ભરવા અને સબમિટ કરવા માટે બૂથ લેવલ કેમ્પ્સનું આયોજન
ચૂંટણી પંચના પત્ર અનુસાર, BLOs દર અઠવાડિયે ઓછામાં ઓછા 20થી 25 મતદારોના ઘરોને આવરી લેશે, જેથી આ સમગ્ર પ્રક્રિયા એક મહિનાની અંદર સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે. આ સાથે જ નાગરિકો સરળતાથી અરજી કરી શકે તે માટે બૂથ લેવલ કેમ્પ્સનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, નાઈટ શેલ્ટર, મજૂર વસાહતો તેમજ બેઘર અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે પણ વિશેષ શિબિરો યોજવામાં આવશે જેથી કોઈ પાત્ર મતદાર વંચિત ન રહે.
SIR પ્રક્રિયા અંતર્ગત અત્યાર સુધીની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે જે રાજ્યોમાં એસઆઈઆર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, ત્યાં અત્યાર સુધીમાં મતદાર યાદીમાંથી આશરે 13.3 કરોડ નામો કમી (Deletion) કરવામાં આવ્યા છે. 26 સપ્ટેમ્બરના રોજ મળેલી બેઠકમાં ચૂંટણી પંચે નવા મતદારોની નોંધણી માટે વિશેષ અભિયાનની પહેલેથી જ જાહેરાત કરી દીધી છે. પંચના જણાવ્યા મુજબ મતદાર નોંધણી એ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને જે વ્યક્તિનું નામ યાદીમાં નથી કે કમી થઈ ગયું છે તે ગમે ત્યારે અરજી કરી શકે છે. આ વિશેષ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આવા યોગ્ય મતદારોને શોધીને તેમને યાદીમાં જોડવાનો છે.




