સ્વાધ્યાય: ભૂમિસ્વરૂપો

Solutions for GSEB Class 11 bhugol Chapter bhumiswarupo Exercises.

Q-1. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો :

1. પર્વતની વ્યાખ્યા આપી, તેના પ્રકારો વિશે વિસ્તૃત નોંધ લખો.

સમુદ્રસપાટીથી આશરે 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા, ઊંચા-નીચા ઢોળાવો અને સાંકડાં શિખરક્ષેત્રો ધરાવતાં ભૂમિસ્વરૂપને પર્વત કહે છે. – ઊંચાઈ એ પર્વતની મુખ્ય લાક્ષણિકતા છે. નિર્માણ-પ્રક્રિયા અનુસાર પર્વતના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવ્યા છે : – 1. ભૂગર્ભિક પર્વતો અને 2. અવશિષ્ટ પર્વતો 1. ભૂગર્ભિક પર્વતો : પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલના કારણે જે પર્વતોનો ઉદ્ભવ થયો હોય તેવા પર્વતોને ભૂગર્ભિક પર્વતો કહેવામાં આવે છે. – આ પ્રકારના પર્વતોના મુખ્ય ચાર પ્રકારો નીચે મુજબ છે (i) ગેડ પર્વતો, (ii) ખંડ પર્વતો , (iii) ઘુમ્મટાકાર પર્વતો અને (iv) જ્વાળામુખી પર્વતો (1) ગેડ પર્વતો : પ્રસ્તર ખડકોવાળા ભૂ-સન્નતિ ધરાવતા પ્રદેશો પર ભૂ-સંચલનને કારણે પેદા થયેલું અને ક્ષતિજ દિશાઓથી લાગતું દબાણ તેમાં લહેર આકારની ગડીઓ પાડે છે અને તે દબાણ બળ લાંબા સમય સુધી ચાલુ રહેતાં અને ઊંચકાવની પ્રક્રિયા થતાં તેમાંથી કેટલાક ભાગ ગડી સ્વરૂપે ઊંચા ઊપસી આવે છે, તેને ગેડ પર્વત કહે છે. – ગેડ પર્વતોનો ઉદ્ભવ સમુદ્રોમાંથી થયેલો છે. હિમાલય, ઍન્ડિઝ, રૉકીઝ અને આલ્પ્સ ગેડ પર્વતો છે. નીચેની આકૃતિ ગેડીકરણની પ્રક્રિયા દર્શાવે છે (ii) ખંડ પર્વતો : પૃથ્વીનાં આંતરિક બળોને કારણે કેટલીક વાર ભૂ-સપાટીના ખડકોમાં ફાટ કે સ્તરભંગ થાય છે. – બે ઊભા સમાંતર સ્તરભંગની વચ્ચેનો ભૂમિભાગ ભૂ-સંચલનને કારણે ઊંચકાઈ આવે અથવા તો બે સ્તરભંગની વચ્ચેનો ભૂમિભાગ સ્થિર રહે અને આસપાસનો ભૂમિભાગ નીચે બેસી જાય ત્યારે ત્યાં ખંડ પર્વત રચાય છે. – યુરોપમાં હાઇન નદીની ફાટખીણની પશ્ચિમે ‘વોસજિસ’ અને પૂર્વમાં ‘બ્લૅક ફૉરેસ્ટ' ખંડ પર્વતનાં દૃષ્ટાંત છે. (iii) ઘુમ્મટાકાર પર્વતો : પૃથ્વીના પેટાળમાં રહેલો મૅગ્મા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેની ઉપર આવેલા નક્કર ખડકો તેમાં અવરોધરૂપ બને છે. – જેથી મૅગ્માના દબાણથી જ ભૂ-સ્તરો ઘુમ્મટ આકાર ઊંચા ઊપસી આવે છે, તેને ઘુમ્મટાકાર પર્વત કહે છે. – યૂ.એસ.ના યુટાહ રાજ્યમાં આવેલો હેન્રી પર્વત તેનું દૃષ્ટાંત છે. (iv) જ્વાળામુખી પર્વતો : જ્વાળામુખીના પ્રસ્ફોટન સમયે પૃથ્વીના પેટાળમાંથી બહાર ફેંકાતા લાવા, રાખ, ખડકના ટુકડા વગેરે પદાર્થો જ્વાળામુખીની આસપાસ જમા થવાથી સમય જતાં ઊંચા શંકુ આકારનો ઢગ રચાય છે, તેને જ્વાળામુખી પર્વત કહે છે. – વિસુવિયસ, એટના, કિલિમાન્જરો, ફુજિયામા, મેયોન, ક્રાકાટોઆ, પોપોકેટિપેટલ, કોટોપેક્સી તથા ચિમ્બોરાઝો વિશ્વના જાણીતા જ્વાળામુખી પર્વતો છે. 2. અવશિષ્ટ પર્વતો : પર્વતો, ઉચ્ચપ્રદેશો વગેરે ભૂમિસ્વરૂપો ઘસારણનાં પરિબળો દ્વારા ઘસાઈને શંકુ આકારના બની જાય છે ત્યારે તેને અવશિષ્ટ પર્વતો કહે છે. – વિંધ્યાચલ, પશ્ચિમઘાટ, પૂર્વઘાટ, પારસનાથ, વૅલ્સ અને ઓઝાર્ક તેનાં દૃષ્ટાંત છે.

2. ભૌતિક ખવાણ એટલે શું? તેના પ્રકાર વર્ણવો.

તાપમાન, વરસાદ, હિમ, વનસ્પતિઓ, પ્રાણીઓ, જીવજંતુઓ, માનવી વગેરે દ્વારા ખડકો તૂટવાની પ્રક્રિયા થાય છે. તેમાં ભૂમિસ્વરૂપોનું ભૌતિક સ્વરૂપ બદલાય છે, પરંતુ રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી, તેથી તેને ભૌતિક ખવાણ કહે છે. (1) ખંડ-વિભંજન : સૂર્યની ગરમીના કારણે ખુલ્લા ખડકો તપે છે. તેથી તેમનું કદ વધે છે. રાત્રે તાપમાન ઘટે છે. તેથી તેમનું કદ ઘટે છે. – આમ, આ ક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. પરિણામે ખડકોમાં તિરાડ પડે છે. – કાળક્રમે ખડકોના નાના-મોટા ટુકડા થવા લાગે છે, જેને ખંડ-વિભંજન કહે છે. (2) સ્તર-વિભંજન-એક સ્તર ઉપર બીજું સ્તર ગોઠવાયેલું હોય તેવા ખડકોમાં એક સ્તર પછી બીજું સ્તર અલગ થાય છે, જેને સ્તર વિભંજન કહે છે. (3) કણ-વિભંજન : ખૂબ ઊંચાઈ ધરાવતા પર્વતોની તિરાડોમાં તેમજ ઊંચા અક્ષાંશના ઠંડા પ્રદેશોમાં આવેલા પર્વતોની તિરાડોમાં ભરાઈ રહેલ પાણીનું રાત્રે હિમમાં રૂપાંતર થાય છે. – પાણી કરતાં હિમ વધારે જગ્યા રોકે છે. તેથી તે ખડકોની બાજુ પર દબાણ કરે છે. – જેથી તિરાડો ક્રમશઃ વધુ ને વધુ પહોળી બને છે. – કાળક્રમે સખત ખડકોમાં ખંડ-વિભંજન અને છિદ્રાળુ ખડકોમાં કણ-વિભંજન થાય છે. વરસાદ કે પવનના સતત ઘસારણથી ખડકો પોતાની મૂળ જગ્યાએ વિભંજન પામે છે. – વનસ્પતિનાં મૂળ ખડકોની તિરાડમાં પ્રવેશી ખડકોને તોડે છે. – જીવજંતુઓ અને પ્રાણીઓ જમીન તથા ખડકોને કોતરીને પોતાના દર બનાવે છે. તેમજ માનવી ખનીજો મેળવવા ખડકોનું વિભંજન કરે છે.

3. પવનનું ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ-કાર્ય સમજાવો.

ગતિશીલ બળોમાં પવન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઊંચા તાપમાનવાળા, નહિવત્ વરસાદવાળા, શુષ્ક કે અર્ધશુષ્ક પ્રદેશોમાં પવનનું ઘસારણ વધુ થાય છે. – ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ કાર્ય દ્વારા પવન અવનવાં ભૂમિસ્વરૂપોનું સર્જન કરે છે. – ઘસારણ કાર્ય : પવન પોતાના વહનમાર્ગમાં આવતા પદાર્થોને પોતાની સાથે આગળ લઈ જઈને તેને પોતાનાં ઓજાર બનાવી, માર્ગમાં આવતા ખડકોનું ઘસારણ કરી અનેક ભૂમિસ્વરૂપોનું નિર્માણ કરે છે. – તે મુખ્યત્વે ઊડણપાત્ર, ભૂ-છત્ર ખડક, ઇન્સેલ્બર્ગ ગ્રુગેન, યારડંગ, વગેરેનું સર્જન કરે છે. – પરિવહન કાર્ય : પવન વહનબોજને સપાટી ઉપરથી ઊંચકીને આગળ લઈ જાય તે ક્રિયાને પવનનું પરિવહન કાર્ય કહે છે. – નિક્ષેપણ કાર્ય : પવને ઘસારણ કાર્યથી પ્રાપ્ત કરેલો વહનબોજ વધવાથી તેનો વેગ ઘટે છે. – પરિણામે જ્યારે પવનના માર્ગમાં ઝાડી ઝાંખરાં, વૃક્ષો કે ઊંચા ખડકાવ ભાગો વગેરે અવરોધો આવે છે ત્યારે તે નિક્ષેપણ કરે છે. – જેનાથી રેતીના હૂવા (ઢગલા), બારખન્સ (બીજના ચંદ્ર આકારના રેતીના ઢગલા) અને લૉએસનાં મેદાનો બને છે.

Q-2. નીચેના આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ લખો :

1. મુખ્ય ભૂમિસ્વરૂપો કેટલાં છે? કયાં કયાં?

મુખ્ય ભૂમિસ્વરૂપો ત્રણ છે : (1) પ્રથમ શ્રેણીનાં ભૂમિસ્વરૂપો, (2) દ્વિતીય શ્રેણીનાં ભૂમિસ્વરૂપો અને (3) તૃતીય શ્રેણીનાં ભૂમિસ્વરૂપો.

2. ઘુમ્મટાકાર પર્વત વિશે ટૂંક નોંધ લખો.

– પૃથ્વીના પેટાળમાં રહેલો મૅગ્મા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેની ઉપર આવેલા નક્કર ખડકો તેમાં અવરોધરૂપ બને છે. – જેથી મૅગ્માના દબાણથી જ ભૂ-સ્તરો ઘુમ્મટ આકારે ઊંચા ઊપસી આવે છે, તેને ઘુમ્મટાકાર પર્વત કહે છે. – રાજસ્થાનમાં સુન્ધામાતાની પાસે આ પ્રકારના પર્વત આવેલા છે.

3. ઘસારણનાં મેદાનોની રચના સમજાવો.

તિશીલ બળોના સતત ઘસારણ કાર્યથી પર્વતો, ઉચ્ચપ્રદેશો ઘસાઈને સમતલ બને છે. આવાં મેદાનોને પેની પ્લેઇન (Pene plain) કહે છે. – નદીના ઘસારણ કાર્યથી આવાં મેદાનો રચાય છે. દિલ્હીની પશ્ચિમે આવેલો અરવલ્લી પ્રદેશ. – સૂકા અને અલ્પ વરસાદવાળા રણપ્રદેશોમાં પવન દ્વારા રચાયેલાં ઘસારણનાં મેદાનો આવેલાં છે.

4. ભૂમિગત જળનું નિક્ષેપણ કાર્ય લખો.

– વરસાદ દ્વારા પ્રાપ્ત થયેલું પાણી છિદ્રાળુ ખડકોના સ્તરોમાં જમા થાય છે. – આ પાણીને ભૂમિગત જળ કહે છે. વરસાદનું દ્રાવણયુક્ત પાણી ધીમે ધીમે નીચેના ખડક-સ્તરોમાં ઊતરે છે અને માર્ગમાં આવતા ખડક પદાર્થોનું ધોવાણ કરે છે. – ચૂનાના ખડકોવાળા પ્રદેશોમાં વિશિષ્ટ ભૂમિદશ્યો રચાય છે, જેને કાર્સ્ટ ભૂ-દૃશ્યાવલી કહે છે. – ચૂનાના ખડક સ્તરોમાં યુવાલા, ડોલાઇન્સ અને પોલ્કેની રચના થાય છે. – વધુ ઊંડાઈએ ઊતરેલા ભૂમિગત જળને લીધે અધોગામી અને ઊર્ધ્વગામી સ્તંભની રચના થાય છે.

Q-3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યમાં આપો :

1. પ્રથમ શ્રેણીનાં ભૂમિસ્વરૂપો જણાવો.

ભૂમિખંડો અને મહાસાગરો પ્રથમ શ્રેણીનાં ભૂમિસ્વરૂપો છે.

2. પર્વતના મુખ્ય બે પ્રકારો કયા છે?

પર્વતના મુખ્ય બે પ્રકારો છેઃ (1) ભૂગર્ભિક પર્વતો અને (2) અવશિષ્ટ અથવા શેષ પર્વતો.

3. સમથળ-સ્થાપક બળોના મુખ્ય બે પ્રકાર ક્યા છે?

સમથળ-સ્થાપક બળોના મુખ્ય બે પ્રકાર છે : (1) સ્થાયી બળો અને (2) ગતિશીલ બળો.

4. હિમ-અશ્માવલી કોને કહે છે?

હિમનદી જ્યારે હિમરેખાથી વધુ નીચે ઊતરે છે ત્યારે હિમ પીગળવા લાગે છે.તેથી હિમનદીમાં જકડાઈ રહેલો બોજ વહનમાર્ગમાં જુદી જુદી જગ્યાએ પથરાઈ જાય છે. હિમનદી દ્વારા થતા આ નિક્ષેપણ કાર્યથી રચાતા ભૂમિસ્વરૂપને હિમ-અશ્માવલી કહે છે.

Q-4. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

1. દ્વિતીય શ્રેણીનું ભૂમિસ્વરૂપ કયું છે?

(A) ભૂમિખંડ
(B) ભૂ-સ્થંભ
(C) મેદાન
(D) જળધોધ

Correct Answer: મેદાન

2. નીચેનામાંથી કયો પર્વત ગેડ પર્વત છે?

(A) ફુજિયામા
(B) હિમાલય
(C) હૅન્રી
(D) વિંધ્યાચલ

Correct Answer: હિમાલય

3. (3) મેદાનો કુલ ભૂમિ ખંડોનો કેટલો ભાગ રોકે છે?

(A) 41%
(B) 33%
(C) 29%
(D) 21%

Correct Answer: 41%

4. બાહ્ય બળોનો આદિસ્રોત કયો છે?

(A) નદી
(B) પવન
(C) સૂર્ય
(D) વનસ્પતિ

Correct Answer: સૂર્ય

5. સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે?

(A) તળાવ
(B) બંધારા
(C) લગૂન
(D) ખાડી

Correct Answer: લગૂન

On this page, you will find the Gujarat Board (GSEB) Textbook solutions for Standard 11, subject bhugol, Chapter - bhumiswarupo. These Svadhyay solutions are prepared by expert teachers.

શાળા મિત્ર • https://shalamitra.in