પત્ર લેખન

તમે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરો છો. તમારો દૈનિક કાર્યક્રમ જણાવતો પત્ર તમારા પિતાજીને લખો.

ગુજરાતી Std 9-10
પ્રશ્ન / વિષયવસ્તુ:
તમે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરો છો. તમારો દૈનિક કાર્યક્રમ જણાવતો પત્ર તમારા પિતાજીને લખો.

દિક્ષિત પટેલ વિદ્યાર્થી છાત્રાલય, સુરેન્દ્રનગર – 363 001. તા. 1 – 8 – 24

પૂજ્ય પિતાજી,

    તમારો પત્ર મળ્યો. તમને મારી સતત ચિંતા રહ્યા કરે છે તે જાણ્યું. પરંતુ હવે મને છાત્રાલયમાં રહેવું ગમે છે. અમારા છાત્રાલયનો દૈનિક કાર્યક્રમ જ એવો છે કે અમે સતત પ્રવૃત્તિમય રહીએ છીએ.

    દરરોજ સવારે પાંચ વાગે ઊઠવાનું. દૈનિક ક્રિયા પતાવીને પ્રાર્થનામાં જોડાવાનું. પછી સફાઈકાર્ય કરવાનું. તેમાં મેદાનસફાઈ ઉપરાંત બાથરૂમ અને શૌચાલય સફાઈ પણ ખરી જ. પછી સ્નાન કરવાનું. સ્નાન પછી નાસ્તો. સવારે 7.30 થી 10.00 વાગ્યા સુધી અભ્યાસ કરવાનો. જમીને અગિયાર વાગે નિશાળે જવાનું. શાળામાં ભણવાના વિષયો ઉપરાંત સંગીત, ચિત્ર, કમ્યુટર જેવા વિષયો શીખવાના અને રમવાનું તો ખરું જ.

    સાંજે સાડા પાંચ વાગે છાત્રાલય પર આવવાનું. હાથપગ – મોં ધોઈ થોડો આરામ કરવાનો. સાંજે સાત વાગે જમીને ફરવા જવાનું. આઠ વાગે સમૂહપ્રાર્થના. તેમાં દરરોજ પાંચ – દસ મિનિટની ચિંતનિકા. પછી 10.30 સુધી અભ્યાસ કરી સૂઈ જવાનું. રવિવારે કે રજાના દિવસે બપોર પછી મિત્રો સાથે દૂરના સ્થળે ફરવા જવાનું.

    આમ, અહીં નિયમિત અભ્યાસ સાથે સુટેવોનું ઘડતર થાય છે. તમે મારી જરાય ચિંતા કરશો નહિ.

    મમ્મીને મારી યાદ. દાદા – દાદીને મારા પ્રણામ.

લિ. તમારો પુત્ર દિક્ષિતના પ્રણામ.

મિત્રો સાથે શેર કરો:

શાળા મિત્ર • https://shalamitra.in