
શ્રી વિષ્ણુપ્રભાકરજીની આવારા મસીહાને બે થી ત્રણવાર વાંચ્યા પછી ગુજરાતી અનુવાદ કરનાર શ્રી હસમુખ દવેજીને પણ વાંચ્યા અંતિમ પ્રકરણો તો હૃદયને સ્પર્શી ગયાં.
શરદબાબુ વિષે એક અદ્ભૂત વાત કહેવી રહી તેમના પત્ની ગણો કે સહિયર હિરણ્યમયીદેવી સાથે કોઈ બ્રાહ્મણો કે મંદિરના દેવદેવીઓ કે સમાજના લોકોની ઉપસ્થિતિમાં લગ્ન નહોતા કર્યા ,છતાંય તેણી પ્રત્યે તેમને હાર્દિક પ્રેમ હતો. તેણી ઓછું ભણેલી, અનેક વાતોથી અજ્ઞાત સરલ સ્વભાવની કપટરહિત નારી હતાં, તેઓની ને શરદબાબુની એક પણ તસ્વીર સાથે નથી .એકવાર બર્મામાં તૈયારી કરી હતી પણ તે જ ક્ષણે તેમના પેટમાં દુખાવો ઉપડ્યો ને તેણીએ પછી ક્યારેય ઈચ્છા જ ન કરી શરદબાબુ સમજી ગયા હતા કે આમાં તેણીને રુચી જ નહોતી. તેમણે ક્યારેય આગ્રહ પણ ન કર્યો.
શરદબાબુ તેમને બહુ કે બડીબહુ કહી બોલાવતા. શરદબાબુ તેમનાં ખૂબ વખાણ કરતાં.જ્યારે મિત્રો કે સંબંધીઓને પત્ર લખતા તો પોતાના ગૃહસ્થ જીવન વિશે સંતોષ વ્યક્ત કરતા.તેમના જીવનને તેણી કેવી સાચવતી,ખરાબ ટેવોને કેવી કાબૂમાં રાખતી તે સર્વે ને કહેતા. ઉમ્મર વધતી ગઈ બન્ને વચ્ચે પ્રેમની ઘનિષ્ટતાની
વ્યાખ્યા બદલાય ને આત્મીયતા ને હાર્દિકતા વધતી ગઈ.અંતે એ બે જ રહ્યાં હતાં કૂતરો ભેલુ પણ સાથ છોડી ગયો હતો. જેની સાથે અત્યંત લગાવ હતો.
તબિયત લથડતી ગઈ, ઘરમાં એકલતા લાગતી મૃત્યુનાં પગલાંના ભણકારા વાગવા લાગ્યા હતા. ડોક્ટરે બદલાતા રહ્યાં , ઉપચારો બદલાતા રહ્યાં. તેમના ઘનિષ્ઠ મિત્ર એવા મામા સુરેન્દ્રનાથ ગાંગુલી તેમની સાથે રહેવા આવ્યા. તેઓ શરદબાબુને કહેતા કે તારે તો ઘણું બધું કરવાનું બાકી છે! તો તેઓ માંદગીથી ત્રાસી કહેતા કે આ પરિત્રાણ ભોગવવા સિવાય કંઈ જ બાકી નથી. તેમને હવાફેર માટે લઈ જવાનું નક્કી થતાં તેમણે મક્કમ મને
રૂપનારાયણને કિનારે શાંતિથી જીવવાની ને પોતાના ભાઈ પ્રભાસની સમાધી પાસે રહેવાનું મન મનાવ્યું. આવી તબિયતે એકવાર એમનો એક ચાહક અમૃતલાલ નાગર તેમને મળવા આવ્યો તે એટલો તો ભક્ત હતો શરદબાબુનો કે પોતાના પુસ્તકોના કબાટ પર ‘શ્રી ગણેશાય નમઃ’ ની જગ્યાએ ‘શ્રી શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય નમઃ’ લખતો. એને જોઈને મળીને ખૂબ સાંત્વના થઈ એમને થયું જાણે સાહિત્યકાર થવું સાર્થક થઈ ગયું.
તેઓનો ઉપકાર માન્યો ઘડીભર આનંદ આપવા માટે.
શરીર ઘસાઈ ગયું હતું સૂકાઈને કાંટા જેવું થઈ ગયું હતું. ખાવાપીવાનું ધીરે ધીરે અટકી જવા લાગ્યું હતું.
કલકત્તા લાવવામાં આવ્યા નવી નજરોથી જોતા રહ્યાં કલકત્તાને જાણે બાળપણ પાછું આવ્યું. ફરી ડોક્ટરો ફરી પરિક્ષણ ને પરિણામ એક દિવસ સારો ને બે દિવસ ખરાબ જતાં.અંતે ડો.મોકની હોસ્પિટલમાં દાખલ કરાયા.
ત્યાંથી સુશીલના નર્સિંગ હોમમાં ,આમ શરીર સાથ નહોતું આપતું છતાં તબિયતથી હારી ગયેલા લોકોને આધીન થઈ જતાં. પત્નીને મિત્ર ઉમાપ્રસાદને સોંપી દીધાં હતાં.
અંતિમ ઈચ્છા જાહેર કરી ફૂલો તો ગમે છે, પણ બે કેનેરી પક્ષી લાવો મારી સાથે મારાં જ ઓરડામાં પીંજરું રાખો. પક્ષી આવ્યા તો આનંદથી તેની મીઠી બોલી સાંભળતા ને તેની સાથે વાતો કરતા કે આટલું મીઠું ન બોલો એક દિવસ મારી જેમ જ મધુર કંઠ બંધ થઈ જશે.
તેમને પેટમાં પાઈપ નાંખી ખોરાક અપાતો હતો. અંતમાં પાણીની તરસ ખૂબ લાગતી તેથી પાણી માંગતા.
ડોક્ટરને કહેતા કે તરસ તરસ! મરુભૂમિની છાતી પણ ફાડી નાંખે તેટલી તરસ લાગે છે ડોક્ટર! બધાં જ રડી ઉઠતાં. ફરી ૧૨મી જાન્યુઆરીએ ઓપરેશન કરવાનું નક્કી થયું. તેમની અનુમતિ જોઈતી હતી. કુમુદશંકર રોયે
અનુમતિ લખી ને તેઓએ અંગ્રેજીમાં હસ્તાક્ષર કર્યા. અંતે પોતે ઉમેર્યું કે ઓપરેશનમાં જે કંઈ પણ વિધ્ન આવે એની સંપૂર્ણસજવાબદારી મારી છે. હું ડોક્ટર કે.એસ. રોયને વિનંતી કરું છું ઓપરેશન કરે.આ પત્ર પર તા. ૧૨/૧/૧૯૩૮ ને શરદબાબુએ આડી સાહી કરી હતી ને ફરી નીચે લખ્યું હતું કે સંપૂર્ણ હોંશ અને હોંસલા સાથે…
મિત્રો, આ કાર્ય પછી બોલ્યા હતા “હાંશ બહુ સારું લાગ્યું લખવામાં મજા આવી.” જીવનભર કાગળ ને કલમને સંગી બનાવ્યા હતાં. અંતિમ વિદાય ક્ષણે આ લખાણ તેમને સંતોષી ગયું.
ઓપરેશન કરતા ડોક્ટર સમજી ગયા લીવર તો ખલાસ જ થઈ ગયું હતું. કંઈ પણ કર્યા વગર પેટ સીવી દેવાયું. લોહી પાડોશીનું ચઢાવ્યું પણ બધું વ્યર્થ ને અસફળ હતું ઓક્સિજન પણ કામ ન કરતો ને ધીરે ધીરે દીવો બુઝાતો જતો હતો.૧૪મી જાન્યુઆરીની અડધી રાત્રે ચિત્કાર કરી ઉઠ્યા,”હું મરી રહ્યો છું, બડબડતા રહ્યાં “આમાકે…આમા…આમાકે દાઓ.. આમાકે…દાઓ
(મને આપો …મને આપો..) શું આપો ?એ પ્રશ્ન જ રહ્યો. કદાચ ઈશ્વર પાસે મૃત્યું જ માંગી રહ્યાં હશે….આ યાતનામાંથી.
વૈરાગી પુરુષ, અલગારી માનવ,કલમને શબ્દોના કથાશિલ્પી બંગાળની જનતાના જન પ્રિય લેખક શરદસાહિત્યના ધનાઢ્ય માલિકે ૧૬મી જાન્યુઆરીને રવિવાર ૧૯૩૮ના દિવસે આ ધરા પરથી વિદાય લીધી.
શરીર નિશ્ચેતન થઈ ગયું. આખુ બંગાળ ચોધાર આંસુએ રડ્યું.કલકત્તાના રસ્તા પર માનવમહેરામણ ઊભરાયું,
રેડિયો પણ સમાચાર આપી રડતો હોય તેવું લાગ્યું ભારતના ખૂણે ખૂણે શોક છવાય ગયો.કેવડાતલ્લાની સ્મશાન ભૂમિમાં પાંચને પિસ્તાલીસ મિનિટે લેખક શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયનો ભૌતિક દેહ પંચતત્વમાં લીન થઈ ગયો… રહી ગયું પાનાઓમાં ફક્ત શરદસાહિત્ય.
કોઈ દિવસ હીન કે નીચ કામ ન કર્યું પૂરું જીવન નવલકથાની જેમ ક્યારેક શ્રીકાંત તો ક્યારેક દેવદાસ બની જીવી ગયાં. બંગાળની સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડી ગયાં.નારીઓને સન્માનિત કરતા ગયાં ક્યારેક
સતી બનીને તો ક્યારેક રાધોની મા બનીને ક્યારેક બડીદીદી બનીને ક્યારેક દેવદાસની પારો બની ને. કેવાં અમર થઈ ગયાં બધાં પાત્રો.
મિત્રો, વિશ્વભરમાં તેમના પુસ્તકોનો અનુવાદ થયો આજનો યુવાવર્ગ જો વાંચે તો કવિવર પછી બીજા નંબરે આ સાહિત્યના પ્રેમી બની જાય.
મિત્રો, તમારો ને મારો સાથ ઘણો જ રહ્યો. આ સાહિત્યની સફર મારાં જીવનની એક અમૂલ્ય સફર રહી છે. તેના વિશે આવતા અંતિમ અંશમાં જરૂર જાણીશું.
અસ્તું,
જયશ્રી પટેલ
૨૬/૨/૨૩



