આજે વહેલી સવારે ઊઠી જવાયુ. સાથે જ મનમાં નક્કી કર્યુ કે ચાલો પાર્ક માં થોડું ફરી આવીએ. પરંતુ આ મન એવું કે સાથે આળસ પણ દેખાડે. તુરતજ વિચાર આવે કે આજે જરા ઊંઘ ઓછી થઈ છે , થોડો આરામ કરતા કરતા ટી.વી જોઈએ તો સારૂ લાગે. સમાચાર પત્ર નિરાંતે વંચાશે . રાત્રે ઉજાગરો થયો છે તેથી ઘેન જેવુ પણ લાગે છે. વગેરે વગેરે બહાના હોય જ .
પાછુ બીજી બાજુ એવું પણ બતાડે કે રોજ નકકી કરીએ છીએ પણ જવાતું નથી. પણ આજે કશું સાંભળવું નથી .આજે જવુ જ છે. એટલે જે તરફ આપણો નિશ્ચય વધે તે તરફ જઈ શકાય એવું સમજાયું . જો ન જવાનો નિશ્ચય કરીએ તો સાચેજ ન જઈશકાય અને જવુ છે એવો નિશ્ચય કરી એ તો ચોક્કસ જવાય જ .અને થયુ પણ એવુ , નજીકના પાર્કમાં જવાયું .ચાલવાનો આનંદ મળ્યો. તાજી ફ્રેશ હવા સાથે કુમળો તડકો ફ્રી મળ્યો. બંધ બારણે જે ચૂકી જવાય તે ખુલ્લા આકાશ નીચે પામી શકાયું. રંગબેરંગી પોષાક પહેરેલા લોકોને જોઈને હળવાશ તો લાગે પણ સાથે આપણને રોજ આવવું છે તેમ મનને મજબૂત કરવાનો મોકો પણ મળે. વહેલી સવારે ઊઠીને આવવું એટલે હિંમત વાળુ કાર્ય છે. કારણ બધા આળસ ખંખેરીને આવેલા હોય છે. એ લોકોને ખબર નથી હોતી પરંતુ આપણા જેવા એમને અનુસરનારા જાણે છે,કે એ લોકો નિશ્ચય વાળા છે.
જીવનને અહિતકારી સિરિયલો કે દુઃખી કરે એવા સમાચારો જોવા કરતા કુદરતની સાથે થોડૉ સમય ગાળવામાં કેટલો ફાયદો થાય છે ,એ સમઝાયું. પાર્કમાં બે ચકકર માર્યા. ચાલતા ચાલતા આગળ ચાલી રહેલી વ્રૂધ્ધોની વાત તરફ લક્ષ ગયું .બંને ઉમર લાયક હતાં .હાથમાં લાકડી હતી. સ્વેટર થી પૂર્ણ પણે લપેટાયેલા હતાં.એક બોલ્યા
“આ જમણા સોલ્ડરનો દુખાવો બહુ જ રહે છે. લાકડી પકડવામાં તકલીફ થાય છે. કસરત કરવાનુ કહેલ છે. હવે આ ઉંમરે કસરત.”
બીજા વ્રૂધ્ધ બોલ્યા” આ ઉંમર જ એવી છે ,પેલા રમણભાઈ ખરાને એમને બાયપાસ કરવી પડી .હું ગઈ કાલે ખબર કાઢી આવેલ”
પછી બંને મૌન ચાલતા હતા .ચૂપચાપ .મને ક્યાંય સુધી કંઈ જ ન સંભળાયુ.
પણ મને વિચાર આવ્યો .શું ઉંમર વધતા માણસ ખરેખર મૌન થઈ જતો હશે ? એ લોકો યુવાન હશે ત્યારે બિઝ્નેસની પોતાના છોકરાઓની સગાસબંધીઓ ની ફિલ્મની વાતો કર્યા કરતા હશે. વાતો કરતા થાકતા નહી હોય .પણ એક સમયે એમની વાતો ખૂટી જતી હશે કે એમને રસ નહી હોય ?અથવાતો અનુભવના તારણથી જીવનનુ સત્ય સમજાય જતું હશે. હવે એ તો ત્યારે જ સમજાય જ્યારે આપણે પોતે એ અનુભવી એ. ચાલો થોડા વર્ષો રાહ જોઈશુ . સત્ય એ છે કે દરેક વ્યકિએ દરેક ઉંમર માથી પસાર થવાનુ જ છે. ત્યાં કોઈની લાગવગ નહી ચાલે.
આનંદ એ થયો કે વહેલી સવારે સત્ય સાંપડિયું . સાથે રોજ ફરવા જવા માટે શરૂઆત પણ થઈ
—————————————————————————–
વાચક મિત્રોના પ્રતિભાવો