આશ્ર્વર્ય

આશ્વર્ય….
નરેશનો સ્વભાવ આમ તો પહેલેથી જ ગુસ્સાવાળો હતો. જેમ મોંઘવારીએ માઝા મૂકી હતી તેમ હમણાં નરેશના ગુસ્સાએ પણ જાણે માઝા મૂકી હતી. જોકે આમ તો એમાં એના દોષ કરતાં સંજોગોનો દોષ કદાચ વધારે કાઢી શકાય તેમ હતો. ટૂંકી આવક, ઘરમાં નાના બે બાળકો, બીમાર મા..પાંચ પાંચ જણાના પેટની આગ ઠારવી કયારેક અઘરી થઇ પડતી હતી. અને ત્યારે ગુસ્સાનો ભોગ બનતી હતી પત્ની અથવા બાળકો.. એમાં પણ કયારેક નાની દીકરીથી કશુંક ઢોળાઇ જાય કે તૂટી જાય ત્યારે તેનો હાથ અચૂક ઉપડી જ જાય. જોકે સંતાનો માટે તેને સ્નેહ નહોતો એવું નહોતું. માર્યા પછી તેના પસ્તાવાનો પાર નહોતો રહેતો. પરંતુ થોડું યે નુકશાન થાય તે તેનાથી સહન નહોતું થતું.
આજે પણ એવું જ થયું. દૂધ પીતાં પીતાં નાની પુત્રીના હાથમાંથી ગ્લાસ પડી ગયો. અને બધું દૂધ ઢોળાઇ ગયું. એક તો માંડ માંડ દૂધ મળતું હતું. એમાં આમ ઢોળાઇ જાય એ કેમ ચાલે ? નરેશનો મિજાજ છટકયો…તેનો હાથ પુત્રીને મારવા ઉંચો થયો. ત્યાં……… ત્યાં તેની નજર સમક્ષ ઉભરી આવ્યું..ગઇ કાલનું એક દ્રશ્ય…..
ગઇ કાલે હોટેલમાં રોજની જેમ પોતે પીરસતો હતો… જમ્યા પછી કોઇએ જયુસનો ઓર્ડર આપ્યો હતો. તેણે જયુસનો ગ્લાસ બધાને ધર્યો. તેમની સાથે એક નાની છોકરી પણ હતી..બરાબર પોતાની દીકરીની જેવડી જ… તે છોકરીને તેની મમ્મી સાથે કશોક વાંધો આવ્યો હતો. તેથી ગુસ્સામાં હતી. જયુસનો ગ્લાસ તેના હાથમાં આપતા જ તેણે ઘા કર્યો. ગ્લાસ પણ તૂટયો અને જયુસ ટેબલ પર ઢોળાઇ ગયો. નરેશને મનમાં તો એવો તો ગુસ્સો આવ્યો. પરંતુ અહીં કંઇ તે પોતાના ઘરમાં નહોતો..કે અહીં તે એક પિતા નહોતો. તે હતો માત્ર એક વેઇટર…જેને સખત હિદાયત આપવામાં આવી હતી કે ગ્રાહકો સાથે કઇ રીતે વર્તન કરવું. અને કશું પણ થાય તો ગ્રાહકો પર ગુસ્સો કરવાનો નહીં. એની તાલીમ આપવામાં આવી હતી.
આજે મનમાં ગુસ્સો તો આવ્યો..પરંતુ પાપી પેટનો..નોકરીનો સવાલ હતો. ગ્રાહકની સામે ગુસ્સો કરવો મતલબ નોકરીથી હાથ ધોવા એ સત્યથી તે પરિચિત હતો. જ. અને નોકરી જાય એ તો કોઇ રીતે પોષાય તેમ કયાં હતું ? ગુસ્સાને ગળી જઇ અવાજમાં મીઠાશ ઘોળી તેણે ધીમેથી કહ્યું,’ કશો વાંધો નહીં. અને હસીને ચૂપચાપ ટેબલ સાફ કરવા લાગ્યો. આખું ટેબલ જયુસથી ખરડાયું હતું. બધી પ્લેટો ઉઠાવી, ખરાબ થઇ ગયેલ ટેબલકલોથ બદલાવી નવું ટેબલકલોથ પાથર્યું. નીચે ઢોળાયેલ જયુસવાળું સાફ કર્યું. પોતું માર્યું. બધું ચોખ્ખુંચણાક કરવામાં સારો એવો સમય ગયો. પછી જયુસનો બીજો ગ્લાસ લાવી હસીને બેબીને આપ્યો.
અચાનક આ ક્ષણે તેના મનમાં ગઇ કાલનું એ દ્ર્શ્ય નજર સમક્ષ તરવરી રહ્યું.મનમાં વીજળીની જેમ વિચાર ઝબકી ઉઠયો. પારકી છોકરીને તે કેવા પ્રેમથી…. અને પોતાની દીકરીની જરાક અમથી ભૂલ થતાં……. નુકશાન થયું તો ભલે થયું. મારવાથી કંઇ એ નુકશાન થોડું ભરપાઇ થવાનું હતું ? છોકરા તો બધાના સરખા..નાનાના હોય કે મોટાના….
તેની નજર પોતાની દીકરી સામે ગઇ. દીકરી ભયભીત બનીને પિતા સામે જોઇ રહી હતી. હમણાં પોતાને માર પડશે જ..એની તેને જાણ હતી. ત્યાં મારવા માટે ઉગામેલ હાથ ધીમે ધીમે નીચો થયો. નરેશે હસીને પુત્રીને તેડી લીધી…અને વહાલ કરી રહ્યો. દીકરીની આંખોમાં પરમ આશ્ર્વર્ય અંજાયું હતું. અને પત્ની પણ તેની સામે તાકી રહી હતી. આ બદલાવ ? કારણની તો કોઇને ખબર પડી શકી નહીં. મારવા માટે ઉગામેલ હાથ અચાનક આમ નીચો કેમ થઇ ગયો..અને વહાલનું ઝરણું કેમ ફૂટી નીકળ્યું એ તો ન સમજાયું. પર્ંતુ જે કંઇ થયું તે સારું જ થયું હતું. એટલું પત્નીને ચોક્કસ સમજાયું. પુત્રી વહાલથી પિતાને વળગી રહી. નરેશની આંખ ન જાણે કેમ થોડી ભીની બની રહી. અને બે ચાર ક્ષણ પછી અચાનક આખું કુટુંબ એકી સાથે કોઇ કારણ સિવાય ખડખડાટ હસી ઉઠયું. ઘરની દીવાલોએ પણ જાણે તેમાં સાથ પૂરાવી રહી.

ચીસ ( દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત ) 

“ બેટા, હવે કેમ છે મારા લાલાને ? હજુ તાવ કેમ નથી ઊતરતો ? “

લાડકા પૌત્રની તબિયતની ચિંતા દાદાના અવાજમાં ઊભરી રહી.

 “ પપ્પા, ખબર નહીં, ડોકટરને પણ સમજાતું નથી કે બધી દવા બરાબર અપાય છે. છતાં…. અને હા, પપ્પા દવા પણ આપણી કંપનીની જ અપાય છે. 

“ હેં ? આપણી કંપનીની ? “ 

અને દુલેરાયની ચીસ ગળામાં જ અટવાઈ રહી. 

ફેસબુક.કોમ

ફેસબુકના ઓવારે થયેલો પરમ અને અમીનો પરિચય બે વર્ષમાં મૈત્રીની સરહદો ઓળંગીને પ્રેમની પગદંડીએ પાપા પગલી પાડી રહ્યો હતો.
આજે પહેલીવાર પર પરમે મળવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
કંઈક અચકાતી નવ્યા આખરે તૈયાર થઈને સાંજે નક્કી કરેલી જગ્યાએ પહોંચી ત્યાં..
નિશાંત ? પરમ? તું ?
અને તું ?અમી ? નવ્યા?
પતિ પત્ની બંને ડઘાઈને એકમેક સામે જોઈ રહ્યા.

ત્રિશંકુ

ત્રિશંકુ

ઓપરેશન પછી પણ તમારા પતિના બચવાના ચાંસીસ ત્રીસ ટકા ગણાય.
ડોકટરના શબ્દો રેવતીની ભીતર ખળભળી રહ્યા હતા.
ત્યાં..
બેન, અહીં સહી કરો.
એક કર્કશ અવાજ તેના કાનમાં રેલાયો.
ધડકતા હૈયે ખોરડું ગિરવે મૂકવાના કાગળો હાથમાં લેતા રેવતીની નજર ખાટલીમાં સૂતેલી નાનકડી બે દીકરીઓ પર પડી.
અને..સહી કરવા જતો તેનો હાથ ત્રિશંકુ બનીને લટકી રહ્યો.

માતૃદિન

❤
તું છે દરિયો
ને હું છું હોડી…!
મા, મને કેમ
ખબર પડી મોડી…?

આખું આકાશ
એમાં ઓછું પડે,
એવી વિરાટ
તારી ઝોળી…!

મા, મને કેમ
ખબર પડી મોડી…?

તડકાઓ પોતે
તેં ઝીલી લીધા,
ને છાંયડાઓ
આપ્યા અપાર,
એકડો ઘૂંટાવીને
પાટી પર દઈ દીધો
ઈશ્વર હોવાનો આધાર…

અજવાળાં અમને
ઓવારી દીધાં ને,
કાળી ડિબાંગ
રાત ઓઢી…!

મા, મને કેમ
ખબર પડી મોડી…?

વાર્તાઓ કહીને
વાવેતર કીધાં,
અને લાગણીઓ
સીંચી ઉછેર,
ખોળામાં પાથરી
હિમાલયની હૂંફ,
ને હાલરડે
સપનાંની સેર,
રાતભર જાગી
જાગીને કરી તેં
ઈશ્વર સાથે જીભાજોડી…

મા,
મને કેમ
ખબર પડી મોડી…?
❤
દરેક દિવસ માતૃદિવસ. માતૃત્વ ને વંદન.

 

અજ્ઞાત
🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹

micro stories

 

1 ગુડ ટચ બેડ ટચ..

છ વરસની પુત્રીને નિકિતા ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજાવી રહી હતી.

દીકરી ધ્યાનથી મમ્મીની વાત સાંભળી રહી હતી.

બેટા, સમજાયું તને ? ખબર પડી ને ?

હા, મમ્મા..એટલે કે દાદાજી કરે છે એ બેડ ટચ અને તું કરે છે એ ગુડ ટચ..રાઈટ મમ્મા ?

નિકીતા સ્તબ્ધ..

2

છેલ્લી વોર્નીગ

“ આ છેલ્લી વોર્નીંગ છે. આ પેપર પર સહી કર અને ચાલી જા, મારી જિંદગી અને મારા ઘરમાંથી. “

અને અમરે દીવાલ પરથી નીતુની તસ્વીર ઉતારી જોશથી ઘા કર્યો.

ફરશ પર કાચના ટુકડાઓ વેરાઈ રહ્યા.

નીતુ પતિ સામે જોઈ રહી.પણ આજે તેના આંસુ પણ અમરને પીગળાવી ન શકયા.

આખરે નીતુ ઘરની બહાર નીકળી.

તે આંખોથી ઓઝલ થઈ ત્યાં  સુધી અમર તેને નીરખી રહ્યો.

પછી નીચા નમી વેરાયેલા કાચના ટુકડાઓ એકઠા કરી તેને જોડવાનો પ્રયાસ કરતા ભીની આંખે તેણે કબાટમાંથી પોતાના રીપોર્ટની ફાઈલ કાઢી.

 

 

 

 

 

 

 

આજનો અનુભવ..

આજનો અનુભવ..
ગઈ કાલે ડેલસ આર્ટ મ્યુઝીયમ જોવા ગયા હતા. અહીં અમેરિકામાં જોવાલાયક સ્થળો સામાન્ય રીતે અતિ ભવ્ય જ હોય છે. મારે અહીંના સ્થળોની વાત નથી કરવી. એ બધી વિગતો તો ગૂગલ પરથી આંગળીના ટેરવે મેળવી શકાય છે. મારે તો અહીંના એ અનુભવોની, એ સંવેદનાની વાત કરવી છે જે ભીતરના ગૂગલને સ્પર્શે છે. અને એ આંગળીના ટેરવે નહીં, પણ દિલના દરવાજે ટકોરા દેવાય તો જ મળી શકે.
મ્યુઝીયમ જોયા પછી બાજુના જ એક રળિયામણા અને વિશાળ એવા કલાઇડ વોરન પાર્કમાં ગયા હતા.
ત્યાં લગભગ સીતેરેક વરસનો એક પુરુષ એક મોટી કાર્ટમાં બાળકો માટેની જાતજાતની રમત લઈને કશું બોલ્યા સિવાય બાળકોને મોજ કરાવતો હતો. તેની સામે વીસેક જેટલા બાળકો ખુશખુશાલ બનીને દોડાદોડી કરતા હતા. મસમોટા બબ્બલ કરીને હવામાં ઊડે અને બાળકો જમ્પ કરી કરીને એને ફોડે. ખાસ્સી વીસેક મિનિટ એ ચાલ્યું. પછી એકી સાથે બે ચાર ફ્રીઝ બી હવામાં ફંગોળે અને બાળકો દોડે. જેના હાથમાં આવે એ ફ્રીઝ બી એ બાળકની થઈ જાય. બધા બાળકો લગભગ ત્રણથી છ, સાત વરસની ઉંમરના હતાં. ફરીથી સાબુના ફીણ જેવા બબ્બલસનો વારો આવે.
એકાદ કલાક બાળકોને રમાડયા પછી પાંચેક મિનિટનો વિરામ લઈ ચૂપચાપ એ પાર્કની બીજી બાજુએ જયાં બાળકો દેખાય ત્યાં પહોંચે અને ફરીથી ત્યાં એ રમત ચાલુ થાય.

ત્યાં બીજા કોઈ સાથે વાતચીત કરતા ખબર પડી કે એ રોજ અહીં પાર્કમાં આવી જે બાળકો હોય તેની સાથે આ રીતે આખી સાંજ વીતાવે છે. કોઈ મોટી મોટી વાતો નહીં, બસ મૌન રહીને સાવ અજાણ્યા બાળકોને મોજ કરાવ્યે જાય છે. બાળકોના ચહેરા પરનું હાસ્ય જોઈને એ ખુશખુશાલ.

આપણે ત્યાં પણ સીનીયર સીટીઝનોનો કયાં તોટો છે ? આ દ્રશ્ય જોઈને ઘણાં વિચારો મનમાં ઉમટી પડયા. પણ તેજીને ટકોર જ હોય. અને મિત્રો બધા તેજી છે જ ને ?

સમસ્યા સંક્રાન્તિકાળની..

મારા પુસ્તક સાસુ વહુ ડોટ કોમમાંથી..

સ્ત્રીના..કેટકેટલા સ્વરૂપો…તેમાં સૌથી પ્રેમાળ..પાવન સ્વરૂપ એટલે સ્ત્રીનું માતૃસ્વરૂપ…એક મા કે એક દીકરી તરીકે સ્ત્રી હંમેશા પ્રેમાળ જ હોય છે. એ સહજ સ્વીકારાયેલી વાત છે. પરંતુ એ જ સ્ત્રી જયારે સાસુ કે વહુ બને છે ત્યારે એ પ્રેમ, એ લાગણીનું ઝરણું બંનેમાંથી કયાં અદ્ર્શ્ય થઇ જાય છે..એ જલદી સમજાતું નથી. કયું રસાયણ બંનેને બદલી નાખે છે ?

એક પ્રેમાળ મા, કઠોર સાસુ કેમ બની જાય છે કે દીકરીનો વહાલનો દરિયો ખારો કેમ બની જાય છે ? કયા સંજોગો..કઇ પરિસ્થિતિ..કયું અજ્ઞાત તત્વ બંનેમાં બદલાવ લાવે છે..એના કારણો..પરિણામો કે ઉપાયોની શોધ થઇ શકે તો ઘણાં અનિષ્ટ પરિણામોથી બચી શકાય. આ એક સંબંધ સમાજની સૂરત બદલી શકે…આ એક સંબંધને મહેકાવી શકાય તો સમાજમાં વૃધ્ધાશ્રમોની આવશ્યકતા ન રહે. એક સ્ત્રી જો બીજી સ્ત્રીને સમજી શકે…તો આનો ઉપાય અશકય નથી જ..એમ માનું છું. જોકે દરેક વાતની માફક અહીં પણ તેર મણનો “તો “ આડો આવે છે..જેને હટાવવો કઠિન બની રહે છે.

કોઇ પણ ઘરમાં લગ્નપ્રસંગ આવે ત્યારે બંને પક્ષે તેની અનેક તૈયારીઓ થતી રહે છે. પરંતુ કોઇ પક્ષે માનસિક તૈયારી થતી નથી. ખાસ કરીને દીકરી..જે વહુ થવાની છે..અને મા જે સાસુ થવાની છે તે બંનેએ પોતાની માનસિકતા અંગે વિચાર કરવો જોઇએ…એમ મને તો લાગે છે. બની શકે કોઇને આ વાત હાસ્યાસ્પદ લાગે..કોઇને તુચ્છ કે વેવલી વાતો લાગે..કોઇને અર્થહીન જણાય..પરંતુ મને તો બહું પ્રામાણિકતાથી લાગે છે કે આજના સમયમાં આવી કોઇ તૈયારી ખૂબ જરૂરી છે. હું જાણું છું..આ કંઇ ધારીએ છીએ તેટલી સહેલી વાત નથી જ. પરંતુ જો બંને પક્ષે નિષ્ઠા હશે તો એ અશકય પણ નથી જ.
સાસુ, વહુના સંબંધોમાં બદલાવની આવશ્યકતા એ આજના સમયની માંગ છે.આ સંબંધને એકવીસમી સદીના વાતાવરણને અનુલક્ષીને એકવાર ફરીથી મઠારવાની જરૂર છે.
કારણ એટલું જ કે પહેલાના જમાનામાં સ્ત્રીનું સ્થાન મોટે ભાગે ઘરમાં જ હતું. કુટુંબમાં તેનું ખાસ કોઇ આર્થિક યોગદાન નહોતું. પુરૂષ કમાય અને સ્ત્રી ઘર ચલાવે..એ સહજ હતું. પરિણામે આજના જેવા પ્રશ્નો ઉપસ્થિત થતા નહીં..કે પ્રમાણમાં ઓછા થતા.. આજે પરિસ્થિતિ બદલાઇ છે. છોકરી વધારે ભણતી થઇ છે, કમાતી થઇ છે. બહારની દુનિયામાં એણે પ્રવેશ કરી લીધો છે. ત્યારે સ્વાભાવિક રીતે જ એ પોતાના અધિકાર વિશે જાગૃત બની હોય. અને જયારે એ અધિકાર ન મળે ત્યારે એનું મન વિદ્રોહ કરી ઉઠે છે કે એ ગૂંગળાઇ રહે છે.
આ ક્ષણે હીરાબહેન પાઠકના એક સુંદર કાવ્યની પંક્તિઓ મનમાં રમી રહી છે.

“ હવે તો માળામાંથી ઊડું !
બસ, બહું થયું
કયાં લગી આમ ભરાઇ રહેવું ?
સાવ ઘરકૂકડી !

આ જ કાવ્યમાં હીરાબહેન પાઠક આગળ કહે છે

હા, માળામાં છે
મારા સુંવાળા સુખ શાંતિ,
પણ આ દૂરનું આકર્ષણ
તો છે આભ,
મારી ગતિ હવે એ જ સન્મતિ,
હું જીવું મારા વતી..
પાંખોમાં વિધ્યુત સંચાર
અડધા ચરણ માળામાન્હ્ય,
અડધા કેવા ઉંચકાય!
ચંચુ ને ચક્ષુ આભે ધાય
કરું ગતિ ઉતાવળી
આ હું ઊ…..ડી ચલી! “

એક પગ ઘરમાં અને બીજો બહાર જવા તત્પર..દ્રષ્ટિ વિશાળ ગગન તરફ..
આવા સંક્રાંતિકાળે પ્રશ્નો તો આવવાના જ. એ પ્રશ્નના સાચા જવાબ શોધવાની આ આપણી જાગૃત મથામણ બની રહેશે.
એક ચિનગારી જલી શકે અને વધારે નહીં તો ચપટીક ઉજાસ ફેલાઇ શકે તો પણ ઘણું. સાસુ, વહુના સંબંધોને શકય તેટલા મીઠાં બનાવી એક સ્વસ્થ કુટુંબના અને એ દ્વારા એક સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી થવાનો આ એક સંનિષ્ઠ પ્રયાસ માત્ર.
હું તો ઇચ્છું.. આપણી સાસુ, વહુની આ સહિયારી યાત્રામાં અનેક લોકો સહભાગી થાય. અને આ યાત્રા ફકત આપણા બેની ન બની રહેતા સહુની સહિયારી બની શકશે તો વધારે આનંદ થશે.
આ ક્ષણે સઘળી આશંકાઓથી મુકત..કોઇ જ પૂર્વગ્રહો સિવાય ખુલ્લા દિલથી તને આવકારવાની તૈયારી સાથે……

સાસુમા..સાસુ +મા

ખોવાયેલા સ્મિતની શોધ..

ખોવાયેલા સ્મિતની શોધ…

 

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસોનું 
મનને છે કેવું ઘેલું, જર્જરિત આ જણસનું ?


શૈશવમાં સ્વજનો અનેક વાર એક પ્રશ્ન પૂછતા, ‘ બેટા, મોટા થઇને તારે શું થવું છે ? “ ત્યારે મનમાં આવે એવા જવાબ હું આપી દેતી. દરેક વખતે સાવ જુદો જ જવાબ આવતો. આજે આ ક્ષણે વિચાર આવે છે કે હવે કોઇ પૂછે કે તારે શું થવું છે ? તો મારો જવાબ શું હોય ?
બની શકે અસંખ્ય લોકોની જેમ મારો જવાબ હોય કે મારે ફરી એકવાર બાળક બની જવું છે. વરસતા વરસાદમાં કાગળની હોડીઓ તરાવવી છે, હાઇડ એન્ડ સીક નહીં પણ થપ્પો દાવ, લાકડા દાવ ,લંગડી, સાતતાળી રમવા છે. મોબાઇલની રમતોમાં નહીં પણ શેરીની સહિયારી રમતોમાં ખોવાવું છે. છાનામાના સંતાઇને આંબલીના કાતરા ખાવા છે, લાલ ચટ્ટક ચણીબોર જાતે તોડીને, એમાં મરચું, મીઠું નાખીને આરામથી આરોગવા છે,અથાણાની સૂકાતી હળદર મીઠાવાળી કેરીના ચીરિયા કોઇ ન જુએ એમ ઉપાડીને ભાગવું છે અને દોસ્તો સાથે વહેંચીને ખાવા છે. બે મોટા ચોટલા આગળ ઝૂલાવી, તેમાં મોગરાના મઘમઘતા ફૂલની વેણી ગૂંથી બહેનપણીઓ સામે રોફ મારવો છે. પેપર ડીશમાં નહીં છાપાના કાગળમાં બે આનાની ભેળ લઇને દોસ્તારો સાથે ઝાપટવી છે. એવું તો કેટલું યે કરવું છે. પણ હવે કોઇ પૂછતું જ નથી કે તારે શું બનવું છે ? 


કોઇ પૂછે કે ન પૂછે , પણ અનાયાસે શૈશવની એ કુંજગલીમાં ઘૂમવાનું ભાગ્ય ફરી એકવાર મળ્યું ત્યારે આજનો લ્હાવો લીજિયે, કાલ કોણે દીઠી છે ની જેમ એ લહાવો કેમ ચૂકાય ? અંતર દાબડીમાં તળિયે છૂપાઇને બેસેલા એ સમયની ક્ષણોનો ઘૂઘવાટ આજે પણ ભીતરમાં એવો જ અકબંધ પડયો છે એનું ભાન જયારે ફરી એકવાર અહીં ગુજરાતમાં આવવાનું થયું ત્યારે અનાયાસે થયું. અને ખૂલ જા સિમસિમ કરતા મનના સઘળા યે આગળિયા ફટાક દેતા ખૂલી પડયા. એમાંથી હરખઘેલી બનીને કૂદી પડી ખળખળ કરતી વહી ગયેલી ક્ષણો. આજે એ ક્ષણનો સાદ કોઇ આયાસ સિવાય શબ્દ ઝરણું બની વહી રહ્યો છે આ પાનાઓમાં. 


વરસો સુધી ધરાઇને બંગાળના ઉપસાગરના ઘૂઘવતા મોજાઓના નાદને ઝિલ્યા પછી ફરી એક વાર અરબી સમુદ્રને ભેટવા, એનાથી ભીંજાવા ગુજરાતમાં પહોચાયું એનો આનંદ, રોમાંચ તન મનને ઉત્સાહથી છલકાવી રહ્યો છે. ગુજરાત અને એમાં પણ વહાલા વતન, જન્મભૂમિ પોરબંદરના અંજળ પાણી હજુ ખૂટયા નથી, હજુ એના દાણા પાણી નસીબમાં લખાયા છે એનો અહેસાસ થઇ રહ્યો છે. ગુજરાતમાં આવવાનું તો ઘણાં સમયથી વિચારાતું હતું, જોરશોરથી ગાજતા હતા પણ એમાં દૂર દૂર સુધી કયાંયે સૌરાષ્ટ્ર, પોરબંદરનું તો શમણું યે નહોતું આવ્યું. પણ જીવનમાં અનેક વાત કલ્પના બહારની બનતી જ રહે છે ને ? સમયે કરવટ બદલી અને અમે અચાનક.. સાવ અચાનક આવી ગયા મારી જન્મભૂમિમાં જે હવે બની છે અમારી કર્મભૂમિ. 


ભીતરમાં શબ્દો ગૂંજી ઉઠે છે..
“
એક પુરાના મૌસમ લોટા,યાદભરી પૂરવાઇ ભી “


છ મહિના પહેલાનો જન્મભોમકાનો એ પહેલો દિવસ.. પૂરા ચાર દાયકા, ચાલીસ વરસ પછી વતનની ધરતીમાં પ્રવેશીએ ત્યારે કેવી અનુભૂતિથી મન ભર્યું ભર્યું બની રહે ?

આંખો ચકળવકળ બનીને ચારે તરફ ફરતી રહે. શું બદલાયું છે અને શું નથી બદલાયું એના લેખા જોખા મનમાં અનાયાસે ચાલતા રહે. આંખો કશુંક જૂનું શોધવા ઝંખી રહે. જૂના દ્રશ્યો પણ નવા વાઘા પહેરીને સામે આવે ત્યારે આશ્વર્ય ચકિત બનીને જોઇ રહેવા સિવાય શું બીજું શું થઇ શકે ? મારી આંખોમાં પણ શૈશવ સમું વિસ્મય અંજાઇ રહે છે. ઘણું બદલાયું છે. અલબત્ત બદલાયું છે એનો અફસોસ ન થયો. બલ્કે ગૌરવ જ અનુભવ્યું કે ના, મારું શહેર પણ સમયની સાથે પરિવર્તન પામ્યું છે ખરું. એ સમયથી પાછળ કે પછાત નથી રહી ગયું. પ્રગતિ ભણી પાપા પગલી તો જરૂર ભરી છે. બહું દોડયું નથી પણ ચાલ્યું જરૂર છે એની ઝાંખી ચારે તરફ જોવા મળી રહી છે. જે બદલાય નહીં એ કાળની ગર્તામાં વિલીન થઇ જાય. પણ મારું શહેર તો ખાસ્સું બદલાયું છે. અલબત્ત હજુ મોલ કે મલ્ટી પ્લેક્ષ કલ્ચર વિકસ્યું નથી. પણ ફકત મોલ કે મલ્ટી પ્લેક્ષ થીયેટર જ શું બદલાવની સાબિતી છે ?

 

કેટકેટલા દ્રશ્યો પરિવર્તનની એંધાણી આપી રહ્યા છે ! જે ગલીઓમાં અસંખ્ય વાર ઘૂમી હતી એ ગલી આજે અપરિચિતની જેમ મારી સામે તાકી રહી છે. એની આંખોમાં કયાંય ઝાંખો પાંખો ઓળખાણનો અણસાર સુધ્ધાં નહીં ? જોકે એમાં એનો કોઇ દોષ પણ કેમ કાઢી શકાય ? એણે તો જોઇ છે ટચુકડું ફ્રોક પહેરીને ઘૂમતી એક નાદાન છોકરી, એની ઓળખાણ તો એ છોકરી સાથેની. આ પ્રૌઢ સ્ત્રીને એ ગલીઓ કયાંથી ઓળખવાની ? એ જાણવા છતાં મનમાં થોડું ઓછું તો જરૂર આવી જાય છે. આંખમાં ભીના ભીના વાદળ તરવરવા લાગે છે. 


ત્યાં તો..ના, ના , બેન એમ મનમાં ઓછું ન આણીએ..અમે છીએ ને તને હોંકારો દેવા.
એકાદી જૂની શેરીમાંથી ટહુકો ફૂટી નીકળે છે અને મારે રોમ રોમ જાણે દીવા પ્રગટે છે. મન વરસો કૂદાવીને શૈશવનો મધમીઠો રોમાંચ માણવા તલપાપડ બની ગયું. થોડું જૂનું પણ હજુ અડીખમ ઉભું છે એનો આનંદ પણ કયાં ઓછો છે ? ચાલીસ વરસ પહેલાની જૂની દુકાન પરના બોર્ડમાં હજુ પણ એ જ શબ્દો દેખા દે છે અને મારે માટે તો જાણે શબ્દે શબ્દે ઝિલમિલ દીપ પ્રજવલી ઉઠે છે. 


આમ પણ નથી તેની વાત છોડીને , જે છે તેનું સુખ માણવું એ જ તો જીવન કહેવાય ને ? એ ન્યાયે જે થોડા જૂના સંભારણાઓ બચ્યા છે એનો આનંદ માણી રહું છું.


જઇને વતનમાં એટલું જોયું અમે મરીઝ
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત્..


જોકે મારે મરીઝની જેમ એવો અફસોસ નથી કરવાનો કેમકે શૈશવના કોઇ દોસ્ત હવે અહીં છે જ કયાં ? 


અમને મળેલા કોલોનીના ઘરમાં હજુ કલરકામ અને એવું બીજું નાનું મોટું ઘણું કામ ચાલતું હતું તેનો પરોક્ષ લાભ  થયો. કેવી રીતે ?

ઘૂઘવતા સમુદ્રની સામે વરસોથી અડીખમ ઉભેલા રાજમહેલ જેવા દીસંતા “ વીલા”  જેના પગથિયા ઉતરચડ કરવાની સ્પર્ધા શૈશવમાં અનેક વાર કરેલી એ જ વીલામાં અત્યારે એક બે મહિના માટે અમારો મુકામ ગોઠવાયો.

 

મારે માટે  એ કંઇ ઓછા રોમાંચની વાત છે ? મને તો હજુ એક શમણાં જેવું જ ભાસે છે. ટચુકડું ફ્રોક પહેરીને, જે પગથિયા કૂદતા હતા એ આ જ પગથિયા છે ? આ વીલા ત્યારે રાજમહેલ બનીને અમારી કલ્પના સૃષ્ટિમાં વિહરતા. મસમોટા દેખાતા આ મહેલ અંદરથી કેવા હશે તેની માત્ર કલ્પના જ કરેલી. કોઇ દિવસ એમાં રહીશું એની કયાં ખબર હતી ? વાહ નસીબ ! ભાગ્યની બલિહારી જ કે બીજું કંઇ ?

 

અહીં ઘૂઘવતા સમુદ્રની સામે, ડૂબતા સૂર્યનારાયણની સાખે પપ્પાએ અનેક વાર ગાયત્રી મંત્રના જાપ કરાવ્યા હતા.આજે પણ મનમાં આપોઆપ એ જાપ ચાલુ થઇ ગયો. કદાચ પરમ લોકમાંથી પપ્પા સાંભળે તો કેવા ખુશ થાય ! મન ન જાણે કેવી યે આસ્થાથી છલોછલ થઇ ઉઠયું.
વીતેલા વરસોની ભરતી હજુ ભીતરમાંથી કયાં ઓસરી છે ? 


દરિયાના મોજા સામે બાથ ભીડતા આ કાળમીંઢ ખડકોને શૈશવમાં અનેક વાર દોડી દોડીને કૂદાવ્યા હતા. આજે આધેડ ઉંમરે, જીવનના આ પડાવે ધીમે ધીમે સાચવીને એક એક ડગ ભરીને ઉતરી રહી છું ત્યારે મારી અંદર સૂતેલી છોકરી મને આશ્વર્યથી નીરખી રહી છે. કદાચ મારી ઉપર હસી રહી છે.

 

‘જો, કેવી ભાગતી હતી. “ બેટા, ધીમે ધીમે “ માબાપ એમ બૂમો પાડતા હતા ત્યારે એમનું કહ્યું કદી માન્યું હતું ? આજે વગર કહ્યે ગતિ પર બ્રેક લાગી ગઇને ? ‘

 

હા, સમય ભલભલાની ગતિ પર બ્રેક લગાવી દે છે. એ સત્યથી હું બાકાત કેમ રહી શકું ?
પણ જે બ્રેક લાગી છે તે તો પગની ગતિ પર જ. મનની ગતિ પર કાળ પણ જલદીથી બ્રેક લગાવી શકતો નથી. આજે મારા પગ ધીમા પડયા છે , એની ગતિ ચોક્કસપણે ધીમી પડી છે પણ મનની ગતિમાં કોઇ ફરક કયાં પડયો છે ? કેટકેટલા દ્રશ્યો નજર સામેથી પસાર થઇ રહ્યાં છે. સમયની સાથે દરેક વસ્તુને ઘસારો લાગે છે. અનેક રંગો અતીતની ગર્તામાં ઝાંખા પડતા જતા હોય છે. પણ મનના રંગોને જલદી કાટ નથી લાગતો. ભીતરમાં એ દ્રશ્યો આજે પણ એવા જ સદા બહાર…


મારી વરસો જૂની ચોપાટીએ હજુ ખાસ કોઇ નવા શણગાર સજયા નથી. વીલાનો પણ એ જ લીલો રંગ આજે યે જળવાયો છે. મરીનાનું એજ ભેળ હાઉસ હાઉકલી કરી રહ્યું છે. પણ હવે એમાં ભેળને બદલે પીઝા અને પાઉંભાજી મળે છે. જયાં બેસીને દર રવિવારે ભેળ ખાધી છે ત્યાં પીઝા ખાવાનું મન ન જ થયું. પતિદેવના કહેવા છતાં ધરાર ખાધા સિવાય પગથિયા ઉતરી ગઇ. સહજતાથી બધા પરિવર્તન સ્વીકાર્યા પછી પણ આ ક્ષણે, આ જગ્યાએ મન ન જાણે કેમ અવળચંડુ બની બેઠું. ના, અહીં પીઝા તો નથી જ ખાવા. આમ પણ મનના કારણ સાવ અકારણ જ હોય ને ? કયાંક વાંચેલી પંક્તિ મનમાં રમી રહે છે. 


મન મતવાલું માને શેણે ?
ઘાવ ઝિલે એ વજ્જ્રરના,
ને ભાંગી પડે એક વેણે..


ચોપાટીનો દરિયો છોડીને હવે અમારી કાર પૂ.બાપુના જન્મ સ્થળ તરફ દોડી રહી. ના, ના દોડી નહીં પણ ધીમી ગતિના સમાચારની જેમ ચાલી રહી. ડ્રાઇવરને ગાડી સાવ ધીમી ગતિએ ચલાવવાનું કહ્યું હતું જેથી કોઇ પણ દ્રશ્ય ચૂકી ન જવાય. આમ તો ચાલીને પગપાળા જ આ બધા રસ્તેથી પસાર થવું હતું પણ સાંજ થવા આવી હતી અને અધીરા મનને આજ ને આજ બધાને મળી લેવું હતું. પાછા સૂર્યદેવતા કંઇ મારે લીધે રોકાય એમ નહોતા. એ તો પોતાની કેસરિયાળી રંગ છટા વેરતા ઝડપભેર પશ્વિમ આકાશ તરફ દોડી રહ્યા હતા.
“
દેવ, ધીમા તપો..એમ નહીં પણ દેવ જરા ધીમા ચાલો “ એમ કહું તો પણ એ કંઇ મારી વાત થોડી સાંભળવાના ? મહાભારતના યુધ્ધમાં કૃષ્ણ ભગવાને તેના પ્રિય સખા અર્જુન માટે થઇને થોડી ક્ષણો વાદળમાં સૂર્યદેવને સંતાડી રાખ્યા હતા પણ મારું એવું ગજું, એવી પાત્રતા કયાં ?
શૈશવમાં કીર્તિમંદિરની લાઇબેરીમાંથી જ પહેલીવાર શબ્દોનો પરિચય પામી હતી. એ મને કેમ વિસરે રે ?  એ  નાદાન ઉંમરે સમજાય કે ન સમજાય તો પણ કેટકેટલા પુસ્તકો વાંચ્યા હતા ! ગ્રન્થપાલ અનંતાબહેનનો ગૌરવર્ણો ચહેરો આજે પણ નજર સામે તરવરી ઉઠયો. અમુક દ્રશ્યો કાળના ઘસારાથી પર હોય છે. 


કીર્તિમંદિરમાં આજે વરસો પછી ફરી એકવાર પૂ.બાપુના ફોટામાં રેંટિયા સાથેના એ પ્રસન્ન હાસ્યને મન ભરીને માણી રહી. ઇતિહાસના પાનાઓમાં વાંચેલી ગાથા નજર સામે તરતી રહી. કેવા પુનિત દ્રશ્યો સર્જાયા હશે ? એ ક્ષણે..કેવા કેવા સંભારણાઓ..કેવા કેવા સંવાદો રચાયા હશે એ બધી વિભુતિઓ વચ્ચે ? કેવી ઐતિહાસિક ક્ષણો સર્જાઇ હશે ? કલ્પના માત્રથી મન અભિભૂત થઇ રહ્યું. ભર્યા ભર્યા મન સાથે સ્મરણોની કુંજગલીમાં એક ભીની લટાર માર્યા બાદ ત્યાં રાખેલા ચોપડામાં મનની સંવેદના શબ્દોમાં પણ ટપકાવી. 


“
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાવો..” 


ઢળતી સાંજ આંખમાં અઢળક યાદ આંજી રહી હતી. હવે અમારી સવારી ઉપડી સુદામા મંદિર તરફ. સુદામા મંદિર, કીર્તિમંદિર અને ચોપાટી આ ત્રણ તો પોરબંદરની આગવી ઓળખાણ છે. ( હવે એમાં સાંદિપનીનું નામ ઉમેરાયું છે. ) સુદામા મંદિરના ચોગાનમાં પહોંચતા જ સ્મૃતિઓના પારેવા ઘૂ ઘૂ કરી ઉઠ્યા. અહીં પાંચ પૈસાની જુવારના દાણા નાની નાની હથેળીમાં રાખીને બહેનપણીઓ સાથે કલાકો તપ કરીને આ ગભરુ પંખીડાઓની પ્રતીક્ષા કરી છે. અમારો વિશ્વાસ કરતા તે કદી અચકાયા નથી. ઘડીકમાં ખભ્ભા પર, તો ઘડીકમાં હાથ પર બેસીને જુવારનો દાણો લઇ ઝટપટ ભાગી જતા એ પારેવાઓ આ ક્ષણે પણ ભીતરમાં પાંખો ફફડાવી ઉઠયા. આજે એ કબૂતરો કયાંય દેખાયા નહીં. તે પંખીની ઉપર કોઇએ કદીક પથરો ફેંકી દીધો હશે કે શું ? તેથી તેઓ પણ અમારામાંથી, માનવજાતમાંથી શ્રધ્ધા ગુમાવી બેઠા છે કે શું ? અને એક વાર શ્રધ્ધા, વિશ્વાસ ગુમાવ્યા પછી તો..


રે રે શ્રધ્ધા ગત થઇ, પછી કોઇ કાળે ન આવે રે..


કલાપી આવું કોઇ અનુભવ પરથી જ ગાઇ ઉઠયા હશે ને ? સ્મૃતિઓ કિનારા વિનાના દરિયા જેવી હોય છે. કયારે, કઇ પળે ઉછળીને મોજારૂપે બહાર વિસ્તરશે એ કોણ કહી શકે ?


એક છાનો નિશ્વાસ નાખી અમે સુદામાના મંદિરમાં પ્રવેશ્યા. ખાસ કોઇ ફરક ન વર્તાયો. ભાવથી નમીને,પૌંઆનો પ્રસાદ લઇને હું તો દોડી..ભૂલભૂલામણીમાં.. વાહ..કેટકેટલી વાર આ ભૂલભૂલામણીમાં ફરી વળ્યા હતા. આજે પણ ફરી એકવાર એમાં ઘૂસ્યા. એ જ ઉમંગ અને ઉત્સાહથી, જરા યે અટવાયા સિવાય એમાંથી બહાર આવ્યા. સંસારની ભૂલભૂલામણીમાં અનેક વાર અટવાયા છીએ.પણ અહીં તો વિના વિઘ્ને પસાર થઇ જવાયું. શૈશવનો આનંદ ફરી એકવાર અંકે કરી હવે અમે ઉપડયા બજાર તરફ. 


ધીમી ગતિએ ચાલતી કારની બારીમાંથી કુતૂહલભેર રસ્તા પરના બોર્ડ વાંચતી રહી. અચાનક નજર એક બોર્ડ પર પડી. “ અરૂણ ફોટો સ્ટુડિયો..” 


યાદોની વાવના પગથિયે ટહુકા ફૂટી નીકળ્યા. ઓહ..માય ગોડ..આ એ સ્ટુડિયો હતો.. જેમાં જિંદગીનો પહેલો ફોટો પડાવ્યો હતો.પપ્પા હોંશે હોંશે ત્યાં ફોટો પડાવવા લઇ ગયા હતા. એ દિવસે પહેલી વાર નાનકડા ચણિયા ચોલી પહેર્યા હતા. છ કે સાત વરસની એ ઉંમર..એ વખતના ફોટોગ્રાફરના શબ્દો આજે પણ ભૂલાયા નથી.


‘
બેટા, સરસ મજાનું હસવાનું. હસીએ ને તો ફોટો સરસ આવે.’
ઓહ..ફોટો સરસ આવવાનો ઉપાય આટલો સીધો સાદો અને સહેલો..!
હું તો ખડખડાટ હસી પડી હતી. અને ફોટો બહું મજાનો આવ્યો હતો એમ બધાએ એકી અવાજે કહ્યું હતું. આજે પણ જૂના આલ્બમમાં કેદ થયેલો ફોટો એ વાતની સાક્ષી પૂરે છે. આ બોર્ડ જોતાની સાથે જ અસ્તિત્વમાં જાણે કશુંક ઓગળી રહ્યું.

“ વહી ગયેલ કો ક્ષણ ઓગળે ,
ભીતર ભીના સ્મરણ ઓગળે”

ત્યારે સાવ સહેલો લાગતો આ ઉપાય જીવનના દરેક પડાવે એવો સહેલો નથી બનતો હોતો એ વાત અનુભવે સમજાવી છે પણ સાથે સાથે એ પણ અચૂક સમજાવ્યું છે કે એ ઉપાય જો કરી શકીએ, જીવનમાં સાચુકલું હસી શકીએ તો હમેશા સુંદર જ લાગીએ અને જીવનપથના અનેક વિઘ્નો આસાનીથી પાર કરી શકાય. જોકે કહેવું કે લખવું સહેલું છે, પરંતુ કોઇ પણ વાતનો અમલ જીવનમાં કયાં એટલો સહેલો હોય છે ? હસવા જેવી સામાન્ય વાત પણ જીવનમાં કેવી અઘરી બની ગઇ છે. એ માટે પણ સજાગ રહીને પ્રયત્ન કરવા પડે છે. એ જીવનની એક વિડંબના જ કહેવાય ને ? સહજ રીતે હસવાનું જાણે ભૂલાઇ ગયું છે.જે હસાય છે એ પણ પ્લાસ્ટીકિયું, ફોર્મલ સ્માઇલ..


એ ખોવાયેલા સ્મિતની શોધ મારે કરવી છે. મારી આ જૂની ગલીઓમાં.. મારી આ જન્મભૂમિ, ગાંધીના ગામમાં. ગાંધીજીના ગામનું ગૌરવ તો એને જરૂર મળ્યું છે પણ એ ગૌરવ જાળવવું એ તો ખાંડાના ખેલ. આજકાલ તો એવા ખેલનાર કયાં મળવાના ? પણ છતાં યે આશા ગુમાવવી કેમ પાલવે ? આશાની ઉજમાળી લકીર અને શ્રધ્ધાના તાંતણા તો જીવનના અવલંબનો..આજે નથી એ આવતી કાલે પણ નહીં હોય એવો નેગેટીવ વિચાર શા માટે ? 


આખરે તો જીવનનું એક માત્ર સત્ય..


હસતે હસતે કટ જાયે રસ્તે, જિંદગી યૂં હી ગુઝરતી રહે.
ખુશી મિલે યા ગમ, દુનિયા ચાહે બદલતી રહે..


Published in navchetan

 

 

જીવન જયાંથી પુનઃ શરૂ થયું.

જીવન જયાંથી પુનઃ શરૂ થયું. ( નવચેતન દીપોત્સવી અંકમાં પ્રકાશિત લેખ )


“
લાગે છે જયારે જીવનમાં કંઇ જ બચ્યું નથી
જીવનની એ જ નવી શરૂઆત હોય છે. “ 


નવચેતન તરફથી દિવાળી અંકમાં લખવાનો વિષય મળ્યો. બહું ગમી ગયો.અને રઇશ મણિયારની ઉપરની પંક્તિ મનમાં રમી રહી. વિષયના અનુસંધાને જીવનકિતાબના પાના મનઃચક્ષુ સામે ફરફરી રહ્યાં. વીતેલા વરસોની હારમાળા એક પછી એક પસાર થતી રહી. જીવન પુનઃ કયાંથી શરૂ થયું ? આ ક્ષણે તો તંત્રીશ્રીનો મજાનો પ્રશ્ન મનને મૂંઝવી રહ્યો છે.
જીવનના છઠ્ઠા દાયકામાં પ્રવેશવાની ઘડી હવે બહું દૂર નથી. ત્યારે પાછળ વળીને જોઉં છું, તો મને પોતાને પણ આશ્વર્ય થાય છે. સાચું કહું તો ઇશ્વર કૃપાથી આજ સુધી જીવન મોટે ભાગે સીધી રેખા પર સરળતાથી વહ્યું છે. એવો કોઇ મોટો વળાંક, કોઇ મોટો સંઘર્ષ જીવનમાં આવ્યો નથી. હા, કદીક નાના, મોટા પ્રસંગો બનતા રહ્યા, એવા કોઇ પ્રશ્નો આવતા રહ્યાં જે પીડાની અનુભૂતિ કરાવી ગયા. પરંતુ જેને જીવનનો ટર્નીંગ પોઇન્ટ કહી શકાય, જે બિંદુથી સમગ્ર જીવન પલટાઇ ગયું હોય એવી કોઇ મોટી ઘટના તો જીવનમાં બની જ નહીં ? મને પોતાને પ્રશ્ન થાય છે.આ વિષય મળ્યો ત્યારે જ જાણે આ વાતનું ભાન થયું. આને ઇશ્વર કૃપા ગણું ? સદનસીબ સમજું કે કમનસીબ ?
દરેકના જીવનમાં આવો કોઇ ટર્નીંગ પોઇન્ટ આવતો જ હશે અને હું જ એક માત્ર એનાથી વંચિત રહી છું ? ફરી એકવાર જીવનયાત્રા પર નજર નાખું છું. અડધી સદી જેવડા જીવનમાં સાવ કશું જ ન બન્યું હોય એવું થોડું હોય ? 
સૂર્યોદયની સાથે રોજ એક નવી સવાર ઉઘડે છે અને સાથે સાંપડે છે ઇશ્વરની કૃપા સમો અણમોલ એવો એક વધારે દિવસ..પળપળનું બનેલું એક નવું જીવન રોજ સવારે શરૂ થતું હોય છે પરંતુ આપણે એનો અહેસાસ કરી શકતા નથી. દુનિયામાં અનેક લોકો સૂતા પછી સવારે ઉઠી શકતા નથી , જીવનલીલા કયારે, કેવી રીતે, કઇ પળે સમાપ્ત થઇ જાય છે એ કોણ કહી શકે છે ? એથી જ તો રોજ સવારે આપણને જીવતદાન મળ્યું છે એમ વિચારી શકીએ તો એ દિવસને વેડફી શકીએ ખરા ?
જીવન છે તો ખુશીની, સુખની, આનંદની ક્ષણો પણ છે અને પીડા, વેદના અને સંઘર્ષની કપરી પળો પણ આવવાની જ. આશા અને નિરાશાની આવનજાવન જીવનભર ચાલતી રહેવાની. 
જીવન ઝરણું કદી સીધી લીટીમાં નથી વહેતું. એમાં નાના મોટા અનેક વળાંકો તો આવતા જ રહેવાના. કોઇ વળાંક જીવનમાં કશુંક ઉમેરે છે તો કોઇ વળાંક કશુંક બાદ પણ કરી જાય છે. જીવન શારીરિક, માનસિક આર્થિક, સામાજિક વગેરે કેટકેટલા આયામોમાં પથરાયેલું હોય છે. એમાં કોઇ પણ ક્ષેત્રે અચાનક કોઇ મોટો ફેરફાર થાય ત્યારે થોડી વાર માટે જાણે જીવન થંભી ગયું હોય એવો આભાસ, એવી અનુભૂતિ મનને ઘેરી વળે છે. જેમાંથી સમયસર જો બહાર ન નીકળી શકાય તો હતાશાની ઘેરી લાગણી ફરી વળે છે જે ડીપ્રેશન તરફ લઇ જાય છે. માનવીમાત્રનો પિંડ ભાવનાના અર્કથી બંધાયેલો છે. ખુશીથી એ હસી ઉઠે છે તો પીડાથી એ રડી પણ પડે છે.


2005
માં આવી જ કોઇ હતાશા ભીતરમાં ઘેરી વળેલી. દીકરી લગ્ન કરીને અને દીકરો આગળ ભણવા માટે અમેરિકા ગયા. સ્નેહથી કલબલતો માળો ખાલી થઇ ગયો. પરંતુ મારી સાથે મારી સ્કૂલ, મારા સંતાન જેવા વહાલા વિધ્યાર્થીઓ હતા તેથી વાંધો ન આવ્યો. પરંતુ એ જ અરસામાં શારીરિક તકલીફ એવી શરૂ થઇ કે દસ મિનિટ પણ બેસી ન શકાય. ગુજરાત અને મુંબઇ બંનેના અનેક ડોકટરો પાસે ફરી વળ્યા.પરિણામ શૂન્ય. આ પીડા સાથે જ જીવતા શીખવું પડશે એ એક માત્ર ઉપાય. હાઇસ્કૂલની મારી અતિ પ્રિય નોકરી , મારા પ્રિય વિધ્યાર્થીઓને છોડવા પડયા.બહું વસમું લાગ્યું.


દુકાળમાં અધિક માસની જેમ વરસો સુધી ગુજરાતમાં રહ્યા બાદ અચાનક અમારી બદલી વેસ્ટ બેંગાલમાં કોલકત્તા પાસે આવેલા હલ્દિયામાં થઇ. નવી જગ્યાએ પતિદેવ એક્દમ બીઝી..દેશ, વિદેશમાં સતત ફરતા રહેવાનું. નરી એકલતા. આખી કોલોનીમાં હું એક જ ગુજરાતી.  નવા પુસ્તકો પણ ન મળી શકે. ઘરમાં હોય એ વારંવાર વાંચ્યા કરવાના. ન મળે કોઇ ગુજરાતી છાપા. કશું જ ન મળે. અનેક પાર્ટીઓમાં જવાનું ફરજિયાત અને મળે ભાત, માછલા, ચીકન, મટન અને શરાબની રેલમછેલ.. એમાં ખાવું શું ? તમે તો ઘાસફૂસ ખાવાવાળા… એવી કોમેન્ટ સાંભળવા મળે. 

 દીકરો, દીકરી કહે મમ્મી, તું કોમ્પ્યુટર શીખી લે. પણ બેસવાની તકલીફ મોટી. એકી સાથે અડધો કલાક જ બેસી શકાય. પણ એમ નિરાશ થઇને બેસી રહું તો તો આજ સુધીનું વાંચેલું, અન્યને કહેલું બધું નકામું જ કહેવાય ને ? 
કોમ્પ્યુટરનો ક પણ નહોતી જાણતી. દીકરા, દીકરીએ ઇ મેઇલ કેમ કરાય એ સમજાવ્યું. ધીમે ધીમે હું મેઇલ કરતી તો થઇ. રોજ કોમ્પ્યુટર ખોલીને કંઇક ને કંઇક શીખતી રહી. એવામાં રીડ ગુજરાતીના મૃગેશભાઇ ( હજુ પણ એમના નામની આગળ સ્વ. લખતા જીવ નથી ચાલતો.)નો પરિચય થયો. તેમણે બ્લોગ બનાવતા શીખવાડયું. ગુજરાતી ફોન્ટ શીખવ્યા. બ્લોગમાં શું લખવું એ સમજ નહોતી પડતી. પણ દીકરીને બહું મીસ કરતી હતી.તેથી એના શૈશવના સ્મરણો લખવા ચાલુ કર્યા. ભાષાનો કે અભિવ્યક્તિનો કોઇ પ્રશ્ન ન નડયો. કેમકે શૈશવથી વાંચનનો અતિશય શોખ, પાગલપનની હદે શોખ હતો એ બીજરૂપે ભીતરમાં સંઘરાયું હશે. જેનો મને પોતાને પણ ખ્યાલ નહોતો.


વહાલના દરિયા જેવી દીકરી સાથેના એ સ્મરણો બ્લોગ પર મૂકવા માંડયા.મારા આશ્વર્ય અને આનંદ વચ્ચે વાચકોનો અસાધારણ પ્રતિભાવ સાંપડવા લાગ્યો. ઉત્સાહ વધતો ગયો. લખાતું ગયું. જીવનસાથી હરીશે સૂચન કર્યું કે બહું સરસ રીતે લખાયું છે. અનેક લોકોને સ્પર્શશે. આનું પુસ્તક કર. 


આખરે પુસ્તક થયું. “ દીકરી મારી દોસ્ત “ પુસ્તકનું નામકરણ કરીને ફૈબા બન્યા તરૂબેન કજારિયા. પુસ્તકની આજે તો પાંચ આવૃતિ થઇ ચૂકી છે.અંગ્રેજી  આવૃતિ પણ થઇ છે.  (મરાઠી આવૃતિ અત્યારે પ્રેસમાં છે. )
બસ. મને લાગે છે જીવનનો ટર્નીંગ પોઇન્ટ કહેવો હોય તો આને જ કહી શકું. એકલતા દૂર થઇ શકી. જીવન સ્થિર થઇ જશે કે શું ? એવા કોઇ અદીઠ ભયના ઓથારમાંથી બહાર આવી શકાયું. ફરી એકવાર જીવન ઝરણું ખળખળ કરતું વહી રહ્યું. ફરી એકવાર ઉત્સાહ અને આશાનો સંચાર થયો. એકલતા રળિયામણા એકાન્તમાં પરિણમી રહી. એક પછી એક પુસ્તકો લખાતા ગયા. કુલ પુસ્તકોની સંખ્યા આજે 20 થઇ ચૂકી છે. જેમાંથી ચાર પુસ્તકોને વરસના શ્રેષ્ઠ પુસ્તક તરીકેના એવોર્ડ પણ મળ્યા. સંદેશ, જનસત્તા, લોકસત્તા, ગુજરાત ગાર્ડિયન જેવા છાપાઓમાં તથા ઘણાં મેગેઝિનોમાં નિયમિત કોલમ પણ શરૂ થઇ. આમ સાહિત્યના ક્ષેત્રમાં સાવ અનાયાસે પદાર્પણ થયું એને જીવનનો ટર્નીંગ પોઇન્ટ ન કહેવાય ?  બાકી અમારી સાત પેઢીમાં કોઇને શબ્દો કે પુસ્તકો સાથે દૂર દૂરનો પણ કોઇ નાતો નહીં. અને આજે સાહિત્ય, પુસ્તકો મારું જીવન બની ચૂકયા છે.. સાહિત્ય તો દરિયો છે પણ એક ટીપું બનીને એમાં ભળી શકાયું છે એનો આનંદ છે. શબ્દોએ જ મને નવું જીવન આપ્યું છે. અને હું સભર બનીને જીવી ગઇ છું. જીવનસાથી હરીશનો પૂરેપૂરો સાથ, સહકાર અને પ્રોત્સાહન મારા ઉત્સાહને વધારતા રહ્યાં છે. અનેક પરિચિત, અપરિચિત લોકોનો પણ હૂંફાળો સાથ અને સહકાર સાંપડયા છે.એ કંઇ ઓછા નસીબની વાત છે ? મારી પાત્રતા કરતા ઇશ્વરે મને વધારે જ આપ્યું છે .બે વરસ પહેલાં પૂરા બાર મહિના બે પગ અને એક હાથ પ્લાસ્ટરમાં રહ્યાં. ફ્રેકચર થતા રહ્યાં, શારીરિક મર્યાદાઓ આવતી ગઇ. ઓળંગાઇ તો નથી શકાઇ પણ એને મારી ઉપર હાવી પણ નથી થવા દીધી. શારીરિક તકલીફને લીધે અમુક કોલમ સામેથી બંધ કરવી પડી. પણ એનો ઝાઝો અફસોસ કર્યા સિવાય ગુજરાતથી દૂર બંગાળ અને ઓરીસ્સામાં વરસો સુધી એકલા થઇ ગયાની કે  શારીરિક પીડાની કોઇ ફરિયાદ કર્યા સિવાય શબ્દોને સહારે જીવન જિવાતું રહ્યું.
સંતાનો અમેરિકામાં ડોકટર છે એથી મેડીકલ ક્ષેત્રે જે પણ નવી શોધખોળ થાય એનો લાભ લેવાય છે એ ઇશ્વરની કૃપા જ ને ?  અનેક મિત્રોની હૂંફાળી લાગણીથી જીવન સભર સભર.. અને સૌથી મોટું વરદાન એટલે એ જ કે મને જીવનમાં માણસો હમેશા બહું મજાના મળ્યા છે એનો સંતોષ અને આનંદ છે. કદાચ જીવનની સૌથી મોટી ખુશી જ એ છે. 
બે વરસથી  ફરીથી ગુજરાતમાં, વતનમાં આવી શકાયું છે એનો આનંદ પણ ઓછો નથી. જીવનયાત્રામાં ઇશ્વર હમેશા સતત સાથે રહ્યો છે, દરેક સમયે માર્ગ મળ્યો જ છે. એક પછી એક દરવાજા એની કૃપાથી જ ખૂલતા રહ્યા છે.
આજે પણ અનેક શારીરિક મર્યાદાઓ અકબંધ છે. પણ સાથે સાથે અનેક સગવડો મળી છે, કોઇ આર્થિક, સામાજિક પ્રશ્નો નથી. જીવન સાથી સાચા અર્થમાં મિત્ર  છે.સહજીવન સખ્ય જીવન બનીને પાંગરી ઉઠયું છે. કોઇ જ અપેક્ષા વિના તેના હમેશના શબ્દો..
“ મારા જીવનનું એક માત્ર ધ્યેય..એટલે તારી ખુશી..”

દિલની પૂરી સચ્ચાઇથી બોલાતા આવા શબ્દો સાંભળીને દુખનો તો ઓછાયો પણ કેમ સ્પર્શી શકે ?
સંતાનોનો સ્નેહ સતત અમારી સાથે જ છે. ભૌતિક રીતે દૂર છીએ પણ મન જુદા નથી થયા એનો આનંદ છે. બધી જવાબદારીઓ પૂરી થઇ ચૂકી છે. વિદેશ જઇએ ત્યારે ડોકટર દીકરો આજે પણ પગ દબાવી આપે છે એથી વિશેષ બીજું શું જોઇએ ? દીકરીનો સ્નેહ તો હોય જ. જમાઇ અને વહુરાણીના પણ એવા જ સ્નેહથી સભર છીએ..એ જ તો જીવનની મૂડી છે જે અમારી પાસે મબલખ છે અને કદી ખૂટે એમ નથી. 

ટર્નીંગ પોઇન્ટ કહેવો હોય તો મારી પાસે તો આ જ છે. પાછળ ફરીને જોઇને યાદ કરવા મથું છું તો પણ બીજો કોઇ એવો મોટો ટર્નીંગ પોઇન્ટ મારી જિંદગીમાં તો દેખાતો નથી. અને હવે કોઇ  નય મોટો ટર્નીંગ પોઇન્ટ આવે એવું લાગતું નથી.  અને આવી જાય તો સ્વીકારવાની માનસિક પુખ્તતા આવી શકી છે. બાકી કોઇ પણ પળે જીવન પર ધ એન્ડનું પાટિયું લાગી જાય તો પણ  તૈયારી છે જ. મારી પોતાની શ્રધ્ધાંજલિ, મારી આખરી ઇચ્છાઓ પણ લખીને જાહેરમાં બ્લોગ પર મૂકી દીધી છે. કોઇ એવી ઇચ્છાઓ અધૂરી નથી. મરવાની કોઇ ઉતાવળ પણ નથી. ભરપૂર જીવવું છે, માણવું છે. પણ ઇશ્વરનું તેડું આવે તો કોઇ વિરોધ પણ નથી. પણ જીવન છે ત્યાં સુધી તો..બાકી કઇ ક્ષણે કાળ કરવટ બદલે છે એ કોણ જાણી શકયું છે ? સમયની એક વામન ક્ષણમાં વિરાટ શકયતાઓ સંતાયેલી હોય છે એ તો જીવનનું પરમ સત્ય..માટે ક્ષણ ક્ષણને માણવી જ રહીને..?
અને આ ક્ષણે તો..
શાના દુઃખ ને શાની નિરાશા ? મુકુલે મુકુલે મુખરિત આશા, 
નિયતિ કેરા અદભૂત પાસા..શ્રધ્ધાની નવ જાગી પિપાસા..
અસ્તુ..