લગોલગ

લગોલગ…

પૂર્વ દિશા પ્રભાતમાં પલટાઈ ચૂકી હતી. સૂર્યના બે–ચાર કિરણો નહીં, આખેઆખો સૂર્ય ડોસાના ચહેરા ઉપર મંડરાઇ રહ્યો. ડોસાએ માથા સુધી રજાઈ ખેંચી અને રોજની જેમ બબડ્યો.

‘ હા, પણ હજુ તો..

ડોસાનું વાકય પૂરું થાય એ પહેલા ડોસી બોલી ઉઠી.

‘ પણ..બણ.. કંઇ નહીં. ચાલો ઊભા થાવ.

  “ આ ડોસી જીવશે ત્યાં સુધી મને જંપવા નહી દે. આજે ચાલવા નથી જવાનો એટલે  નથી જવાનો.  વધુમાં વધુ શું કરી લેશે? બબડાટ થોડી વધારે વાર ચાલશે એટલું જ ને ? એમાં કંઈ નવું ક્યાં  છે?  “

બબડતા ડોસાએ રજાઈ જોશથી પકડી રાખી. અને અધીરતાથી  ખેંચાવાની રાહ જોઈ રહ્યો. ડોસી નિર્દયી બનીને  રજાઈ ખેંચતા કોઈ દિ  અચકાતી નહીં.

પણ આ શું ? ખાસ્સીવાર પછી પણ આજે રજાઈ ન ખેંચાઇ.

રજાઈ ફગાવીને ડોસો સફાળો બેઠો થઈ ગયો. ચકળવકળ નજર ચારે તરફ ડોસીને  શોધી રહી. હમણાં તો બંધ આંખે યે દેખાઈ હતી. આટલી વારમાં ગઈ કયાં ?

તે  ઝડપથી  ઊભો થયો. રસોડામાં, ફળિયામાં તુલસીકયારે  બધે ફરી વળ્યો. ડોસી કયાંય દેખાઈ નહીં.  

પોતે દાદ ન દીધી એટલે કંટાળીને એકલી ચાલવા નીકળી ગઈ કે શું ?  

ના, ના એ તો  ન ભૂતો, ન ભવિશ્યતિ.. પોતાના બાલિશ વિચાર પર ડોસાનું મોઢું  મલકી પડયું.

પણ તો ડોસી દેખાય કાં  નહીં ? બાથરૂમ તો સામે ખુલ્લો જ પડયો હતો. ત્યાં પણ નહોતી. તો ગઈ કયાં ?

અચાનક ડોસાની નજર સામેની દીવાલ પર પડી.

હવે ડોસો ત્યાં જ બેસી પડયો. ડોસી તો હાર પહેરીને  સામેની  દીવાલ પર  બેઠી બેઠી આ મલકે.

ડોસી યે ખરી છે. બેઠી બેઠી હસે છે. પોતે હેરાન થાય છે એની યે એને ભાન નથી ? ઘરડે ઘડપણ પોતાની સાથે આવી અંચાઇ કરે છે  ?  

એકાએક એક  સાદ ડોસાના કાનમાં પડઘાઈ ઉઠ્યો.  

“ બસ.તારા જવાની રાહ જોઉ છું. ન જાણે તારી બકબકથી કયારે છૂટકારો મળશે ? કોઈ દિ બે ઘડી સખે  સૂવા યે નથી દેતી.”

 “ મરે મારા દુશ્મન. એમ કૈ  તમારા કહેવાથી હું  મરવાની નથી. એમ જલ્દી પીછો છોડે એ બીજા. હું નહીં. માટે ખોટી  આશા રાખ્યા સિવાય ઊભા થાવ.”

આ ઘરની દીવાલ વરસોથી આવા તો કેટલાયે સંવાદો  સાંભળીને, ડોસા, ડોસીના મીઠા ઝગડાની મૂક સાક્ષી બનીને  મલકાતી  રહી  હતી.

 જડ  દિવાલોને પણ એટલી સમજ પડી ગઈ હતી કે ડોસો  ભલે ગમે તેટલો બબડાટ  કરે  પણ પછી એ  માનવાનો  તો ડોસીનું જ. એમાં કોઈ મીનમેખ નહીં.

જે ભાન ઘરની નિર્જીવ દિવાલોને પડતી  હતી એની  ભાન શું ડોસીને   નહીં  હોય ? ડોસાના મનમાં સવાલ ઊઠ્યો.

  “ સ્ત્રીની  બુદ્ધિ  પગની પાનીએ”  એમ કંઈ અમથું થોડું કહેવાયું હશે ? જોકે પોતાની ડોસી કંઇ  બુદ્ધિ વિનાની નહોતી. એ તો ડહાપણનો ભંડાર. એની કોઠાસૂઝ તો ગજબની. એનો પરચો  આ પચાસ વરસોમાં ઓછામાં ઓછી પચાસ વાર તો પોતાને મળી જ ચૂકયો હતો.

તો પછી આવી કોઠાસૂઝવાળી બાઈ આમ કહ્યા, કારવ્યા વિનાની, મારો વિચાર  કર્યા  સિવાય સાવ  ઘડીકમાં  હાલી નીકળે ?

ડોસો ભીની આંખે ફોટા સામે જોતો જોતો કયાંય સુધી  ન જાણે શું યે લવારી કરી  રહ્યો.

દૂર વસતા દીકરો, દીકરી તેમના માળામાં. કદીક આવતા તો યે ડોસીને લીધે. પોતાના આકરા સ્વભાવને લીધે  એક ડોસી સિવાય કોઈ કદી ટકયું જ કયાં હતું ?  ડોસી ટકી હતી. પૂરા પચાસ વરસ ટકી હતી. લડતી, ઝગડતી,   કયારેક ધમકાવતી,  લાડ કરતી, હસતી, રડતી, ગુસ્સે થતી, રાજી થતી. નારાજ થતી, રિસાતી, મનાતી..ટકી હતી.  

બાકી પોતાના શબ્દોનો તાપ જીરવવો કંઈ સહેલો હતો ? એ તો ડોસી જ જીરવી શકે.

“ કાં એ ભાન હવે આવી ? “  

દીવાલ પર હાર પહેરીને બેસી ગયેલી ડોસી બોલી કે શું ?

“ હા, તે તું યે કંઈ બોલવામાં પાછી નહોતી પડતી હોં.  “

“ હવે રહેવા દો.. રહેવા દો. કારેલા જેવા કડવાં, ગોંડલિયા મરચાં જેવા તીખા તમતમતા તમારા  વેણ મારા સિવાય બીજુ  કોણ ખમવાનું ? બીજી કોઈ મળી હોત ને તો ? “

 ડોસી આગળ બોલવા જાય એ પહેલા પોતે ખડખડાટ હસી પડતો.  

“ દુનિયાભરની બાયડીયુને આવો વહેમ  હોવાનો, તારે આવા કોઈ વે’મ માં ન રે’વું. શું સમજી ? ભ્રમમાં જીવવાની આ  બૈરાંઓને મજા આવતી હશે.”  

 પછી તો આ મીઠા  મહાભારતથી  નાનકડું એવું ઘર  કિલકિલાટ કરી  ઊઠતું.  થોડી વારે યુધ્ધવિરામ જાહેર  થાય એટલે  બંને હીંચકે બેસીને ચા પીતા અચૂક જોવા મળે. પુરાણી વાતોનો પટારો ખૂલે. એમાંથી અલક મલકની રસાળ વાતો ટપકતી રહે. કોઈક  વાત પર  ખુશ થઈને ડોસાનો હાથ લંબાય અને બીજી જ ક્ષણે ડોસીનો હાથ એમાં તાળી આપી રહે ત્યારે હીંચકાને પણ ટહુકા ફૂટતા. બંનેના બોખા ચહેરા ઉપર રંગીન પતંગિયા ફરફરી ઊઠતા.    

 હા, બાકી ડોસી  કડક તો ખરી જ. સવારે અને સાંજે  ચાલવા જવાના નિયમમાં એ  સહેજે બાંધછોડ ન ચલાવી લે. જોકે  પોતે તો થોડું ચાલીને બાંકડે બેસી જ પડે. ડોસી લાખ કહે પણ ઊભા થાય એ બીજા.

“ મારા ટાંટિયાની કઢી થઈ ગઈ. તારામાં જોર હોય તો તું  હાલ. ભાઈ સા’બ હવે મને જરીક  જંપીને બેસવા દે. તું તો હલાવી હલાવીને મારી ઠૂંસ કાઢી નખાવે છે. “

એવે સમયે ડોસીને દયા આવતી કે પછી ડોસા સામે હારી જતી, કે પછી કયાં સુધી તાણી શકાય એનું તેને ભાન હતું. જે હોય તે. પણ ડોસી નમતું  જોખીને   ઠાવકાઈથી કહેતી

“ ઠીક ત્યારે, તમે કંઇ  માનવાના નહીં. હું થોડે  આગળ જઈ આવું. પણ જોજો, અહીથી ખસતા નહીં. હમણાં તમને જરીક ઓછું ભળાય છે એ તમને યાદ છે ને ?  “

ડોસો, ડોસીના ફોટા સામે તાકી રહ્યો.

“  તારા વિના મને ઓછું ભળાય છે  એની ખબર હતી તો યે આમ એકલી એકલી મને સૂતો મેલીને હાલી નીકળી ?

ડોસાની આંખ  ફરતે પાતળું ઝાકળ છવાયું. ભીતરમાં કેવો તો ખળભળાટ મચી રહ્યો.

 બગીચામાં હાલતી ડોસી અને બાંકડા પર બેસી ગયેલો  પોતે… 

બગીચામાં પોતે એક બાંકડા પર બેસી જાય. અને હલવાનું નામ ન લે ત્યારે  ડોસી થાકીને એકલી આગળ જાય.

જેવી ડોસી દેખાતી બંધ થાય એટલે પોતે રાજાપાઠમા આવીને ત્યાં ફરતા ચણાની દાળવાળા ભૈયાને બોલાવે. તીખી તમતમતી દાળ બનાવડાવે. સિસકારા મારતો મારતો  ઝડપથી ચોકઠાવાળા મોઢામાં દાળ  ઓરતો જાય. 

જલ્દી જલ્દી બૂકડા મારી,  ડાહ્યો ડમરો બની, મોઢું લૂછીને બેસી જાય. પણ ડોસી કયાં ઓછી હતી ? આવતાની સાથે જ…  

“ ચણા ફાકયા કે દાળ ? “

ડોસાએ ચાર એલચી ચાવી હોય તો યે ડોસીને ડુંગળીની ગંધ આવી જ જાય.  

 પછી તો  અપરાધીની જેમ ચૂપચાપ બેસીને ડોસીનું  ભાષણ સાંભળી લીધા  સિવાય કંઈ ડોસાનો છૂટકો થોડો થાય ?

ચણાની દાળ ડોસાને અંત વહાલી. જયારે  ડોસીને ને દાળને બાપે માર્યા વેર.

પોતે તો કદી ન ખાય, પણ ડોસાને યે ન ખાવા દે.  

 બધી વાતમાં ડોસીનું માનતો ડોસો બસ આ એક ચણાની દાળ જેવી મામૂલી  વાતમાં નમતું ન જોખે. ભૂતકાળમાં ડોસો એની  બાલસખી સાથે રોજ દાળ ખાતો. ડોસાએ જ  તો એ વાત મલાવી મલાવીને કેટલી યે વાર ડોસીને સંભળાવી હતી.

પછી એકમેકને તાળી દેતા બંને  ખડખડાટ હસી પડતા

 જોકે આ દાળની વાતમાં તો ડોસો ખરેખર ગંભીર હતો

એ હમેશા કહેતો..

હું મરુ  ત્યારે મારા બોડી પર ફૂલ, બૂલ ન જોઈએ.. સરસ મજાની, તીખી તમતમતી, લીંબુ મસાલાથી ભરપૂર એવી ચપટીક ચણાની દાળ ભભરાવવાની અને   મારા મોઢામાં ગંગાજળને બદલે દાળનો એકાદો દાણો મૂકવાનો. બસ..બંદા રાજી  રાજી..  

 ડોસી તાડૂકી ઉઠતી.

બસ.બસ.. હવે…

ડોસીનો મિજાજ પારખી  સમય વરતે  સાવધાનની જેમ ડોસો ચૂપ થઈ જતો. 

પણ આ ડોસી આજે ચૂપ કાં ? એ તો નિરાંતે ફોટામાં બેઠી બેઠી દાંત કાઢે છે.  

ડોસો ખીજવાઈને ઊભો થયો.

“ મારો તમાશો જોવો છે ? તારા વિના મારે નહીં ચાલે એમ ?  હવે જો હું  કેવા જલસા કરું છું. મને ગમશે એમ જ કરીશ જા. આફૂડી દોડતી આવીશ.”  

ડોસામાં  ન જાણે કયું ઝનૂન ઉભરાઇ આવ્યું. સમજે છે શું એના મનમાં ?

તે ઊભો થયો. રસોડામાં ગયો. આજે તો ચામાં પૂરી ચાર ચમચી ખાંડ નાખશે. ડોસી ભલે ફોટામાં  બેઠી બેઠી જીવ બાળે. એ છે જ એ લાગની.

 કોણે કહ્યું ‘તુ આમ  હાલી નીકળવાનું ?

 રહી રહીને ડોસાના દિમાગમાં બાજની જેમ  આ એક જ વાત ચકરાવા લેતી હતી. બધી વાત એક જ બિંદુ પર અટકી ગઈ હતી.  

ડોસાએ પૂરી ચાર ચમચી ખાંડ નાખી. ચા બનાવી. ફ્રીઝ ખોલ્યું.  બ્રેડ અને અમૂલ માખણનું પેકેટ દેખાયું. ડોસાએ બ્રેડનું પેકેટ ખોલ્યું. બ્રેડની સ્લાઈસ પર દોથો  ભરી ભરીને માખણ લગાવ્યું. હવે તો ડોસીને આવ્યે જ છૂટકો.

બ્રેડ અને ચા લાવીને ડોસીના ફોટા સામે એ  નિરાંતે ગોઠવાયો.

“ જો કેવો ટેસડો કરું છું. ટોકી કે રોકી શકે તો રોકી લે આજે.”  

ફોટા સામે જોતા જોતાં , વાતો કરતા  ડોસાએ  પોચી, મજાની ગરમાગરમ  ભાખરીને યાદ કર્યા સિવાય બિન્દાસપણે વાસી બ્રેડના ટુકડા  ગળા નીચે ઉતાર્યા. જોકે ડબ્બામાંથી હાઉકલી કરતી પોતાની પ્રિય ચણાદાળને તો આજે ડોસાએ હાથ સુધ્ધાં ન અડાડયો.

 વારે વારે ચૂઈ પડતી આંખોને પણ બહાદુર બનીને રોકી રાખી.

 ડોસીની વિદાય પછી વિદેશમાં વસતા  દીકરા, દીકરીએ સાથે આવવા ખૂબ આગ્રહ કર્યો. પણ ડોસો તો જિદ્દી ખરો ને. કોઈનું માનવાનો થોડો ?

માને પણ કેવી રીતે ? આ ઘરમાં ડોસીની સુગંધ હતી.

બપોરે  ડોસીના ફોટા સામે જોતા જોતા ડોસાએ ટેબલ પરનું ટેબલ કલોથ ખેંચીને કાઢી નાખ્યું. હવે ડોસી ચોક્કસપણે ખીજાવાની. પોતાને ટેબલ કલોથ કયારેય દીઠું ન ગમતું. પણ હોંશથી લીધેલું મોંઘું દાટ ટેબલ બગડે કે એના કાચ પર લીસોટા પડે એ ડોસીથી કેમે ન ખમાય.

આજે એ ભલે જતું. ડોસી યે  જતી રહી ને ? હવે એ યે ધરાર પોતાને ગમશે એ જ કરશે.

થાકીને એણે ટીવીનું રિમોટ અને મોબાઈલ હાથમાં લીધા. ફોટા સામે જોતાં જોતાં બંને  રમકડાંથી ખાસ્સી વાર રમ્યા કર્યું. વચ્ચે બે ચાર વાર તો ડોસીના ઘાંટા એને ચોક્કસપણે સંભળાયાં. ડોસો નબળી આંખે ટીવી જુએ કે મોબાઇલમાં ગેઇમ રમે એ ડોસી થોડી સહન કરી શકે ?

થોડીવારે ખીજાઈને એણે એ  રમકડાનો ઘા કર્યો.  એ તો ડોસી ઘાંટા પાડે તો જ રમવાની મજા આવે.

હવે ? હવે શું કરવું એ ડોસાને કંઈ સૂઝતું નહોતું. ત્યાં અધખુલ્લા બારણાંમાંથી ડોસીની હેવાયી, માનીતી બિલાડી અંદર ધસી આવી. એને  જોતા ડોસાની આંખમાં ચમક ઉભરી  આવી.

‘ જા,  તારી મા, કાકી, માસી જે સગી થતી હોય એની પાસે. આ ફોટામાં બેઠી બેઠી દાંત કાઢે. હું કઈ દૂધ બુધ આપવાનો નથી. બોલાવ જા એને.’ 

બિલાડી કંઈ અવાજ કર્યા સિવાય ઘરમાં એક આંટો મારી આવી.

‘ કેમ, ન દેખાણી ને તને યે ? એ આ બેઠી દીવાલે.. બોલાવ..જા, એને  બોલાવ. ‘

ડોસાને ન જાણે શું યે ગાંડપણ ઉપડયું હતું. કયાંય સુધી બોલાવ, બોલાવ કહ્યા કર્યું.

પણ બિલાડીએ જાણે આજે મૌન વ્રત લીધું હતું. મ્યાઉ મ્યાઉ ન જ કર્યું.

હવે ડોસાનો પિત્તો છટક્યો.

એણે ખૂણામાં પડેલી  લાકડી ઉઠાવી અને બિલાડી ભાગે એ પહેલા તો બે ચાર ઠપકારી દીધી.

મ્યાઉ મ્યાઉ ગજવતી બિલ્લી બહાર દોડી ગઈ.

 લાકડી ફેંકીને ડોસો ધબ્બ દઈને સોફા પર બેસી પડયો.  

 થોડી વારે ઘડિયાળમાં છ ડંકા પડયા. હવે તે સફાળો બેઠો થયો.

આ તો ડોસીનો સાડલો બદલવાનો સમય. ડોસી અંદર સાડલો બદલતી હશે. હમણાં બોલાવશે. થોડી સૂચનાઓ આપશે. અને બંને  નીકળી પડશે બાજુના બગીચામાં ચાલવા માટે.

પણ આ ડોસી હજુ કાં આવી નહીં ? ડોસીનું તો બધું કામ  સમયસર અને   નિયમસર. માપમાં ખાવું, માપમાં સૂવું, માપમાં ચાલવું, બધુ સમયસર. ડોસાનું વજન એકાદ કિલો પણ વધે કે ફાંદ મોટી થયેલી લાગે તો ડોસી ઊંચી નીચી થઈ જાય. કંઈ કેટલી યે પરેજી આવી પડે. કેટલાયે નિયમો નવેસરથી ગોઠવાય.

પોતે તો સાવ બેજવાબદાર. મરજી પડે તે આચરકૂચર ખાઇ લે. ડોસીનું ધ્યાન ચૂકવીને ડબ્બામાથી દાળ, ગાંઠિયા કે ચેવડાના  બે ચાર ફાકા મારી  લેવાની કેવી મજા પડી જાય.

ડોસાને માપસર જીવવું કદી કદી ગમ્યું કે ફાવ્યું નથી. એ બધું તો ડોસીનું કામ.  

અચાનક વીજળીના ચમકારે  ડોસાના મનમાં કોઈ મોતી ફટ કરતાં પરોવાઈ ગયું. કોઈ મોટી શોધ કરી લીધી હોય એમ એ   સોળે કળાએ મહોરી ઊઠયો. જાણે વરસાદનો એક છાંટો પડયો અને કાળમીંઢ ખડકને તોડીને એક  લીલુછમ તરણું કોળી ઊઠયું. 

યસ..પોતે પણ ડોસી કરતી એમ જ, એ જ  બધું  કરે, એની જેમ જ માપસર જીવે  તો કદાચ પોતે યે ઉપર ડોસી પાસે જલ્દી જઇ  શકે.

 બસ..ડોસો ખીલી ઊઠયો. આ જ ઘડીથી પોતે પણ ડોસીની જેમ જ  નિયમસર જીવશે. રોજ  વહેલો ઉઠશે, તીખું તળેલું બંધ. સવારે ખાલી  ફ્રૂટ અને દૂધી, ટામેટા કે આમળાનો  જયુસ.

પોતાને ન ભાવતું સલાડ પણ  હોંશે હોંશે ખાશે. સાંજે ડોસીની  જેમ  ફકત ખીચડી ને દૂધ..નિયમિત  ચાલવા જશે. ડોસી કરતી હતી એ બધું  જ, એમ જ કરશે.

 પોતાને સૂઝેલ આ મહાન વિચારથી ડોસો ખુશખુશાલ. બધી સમસ્યાનો ઉકેલ હવે હાથવેંતમાં. જાણે ગોરંભાયેલું આકાશ એકાએક ચોખ્ખું ચણાક બની ગયું.

 હવે ડોસાએ જરાયે આળસ કર્યા સિવાય ફટાફટ બૂટ પહેર્યા. ડોસી ચાલતી હતી એવી અને એટલી જ સ્પીડથી બહાર નીકળ્યો.બાંકડો આવ્યો કે દાળ વાળો..કોઈ સામે નજર ન નાખી. એક   ધૂનમાં ને ધૂનમાં આગળ ને આગળ બસ ચાલતો જ રહ્યો. ચાલતો જ રહ્યો. હમણાં પહોંચી જશે ઉપર  ડોસી પાસે.  

 ડોસીને અંગૂઠો બતાવીને કહેશે.. 

“ જો અહી યે પીછો કર્યો ને ? લે, લેતી જા.. એકલા  જવું હતું ને ?  આ હું યે આવી પહોંચ્યો તારી લગોલગ.”

પછી  બંને એવા તો ખડખડાટ હસી પડશે,  એવા હસી પડશે કે ચાર આંખોના તળાવ  છલક..છલક..

મનગમતા દ્રશ્યોમાં ખોવાઈને ડોસો ન જાણે કયાં સુધી ચાલતો રહ્યો.

આખરે પગે જવાબ દઈ દીધો.

હવે ડોસો એક બાંકડા પર બેસી પડયો. ભીની  આંખો આસમાનને તાકી રહી. ન ઉજાસ, ન અંધકાર. સૂરજદાદા પોતાનું આખરી કિરણ સંકેલી ચૂકયા હતા.  માળામાં પાછા  ફરેલા પંખીઓએ ઝાડવે ઝાડવે કલરવના દીવા પેટાવ્યા હતા.

ડોસો મૌન.. એકદમ મૌન. ન જાણે કયાં સુધી તે શૂન્ય નજરે આસમાનને તાકતો બેસી  રહ્યો.  

ત્યાં અચાનક પાછળથી કોઈ એક નાજુક  હાથ ડોસાના ખભ્ભા પર મૂકાયો.

ડોસાએ ચમકીને આશાભરી આંખે  પાછળ જોયું.

 ખિલખિલ હસતી એક  બાળકીએ  ડોસા સામે હાથ ધર્યો.

અને ડોસાની ધૂંધળી આંખો એ નાનકડા  હાથમાં  રહેલી ચણાની દાળને  તાકી રહી.

****************                      *******************     

3 thoughts on “લગોલગ”

પ્રતિસાદ આપો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.