हमारे बच्चें एआई से कम हैं क्या ?
શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાય અને આપણાં બાળકો પોતાના નવતર વિચારોથી લઈને
વેસ્ટમાંથી બેસ્ટ ૧૦૦ કરતાં પણ વધુ કૃતિઓ
- અરે ના કૃતિ શબ્દ તે માટે નાનો પડે ! - ૧૦૦ કરતાં પણ વધુ નવા આઈડિયા [ નવા એટલા માટે કે એમના માટે તો આ નવું જાણીને નવું
બતાવવાનો પ્રસંગ છે ] જાતે તૈયાર કરીને શાળા
કેમ્પસમાં ધૂમ મચાવે, ત્યારે શાળામાં એક અદ્ભુત અને જીવંત માહોલ સર્જાતો હોય
છે. પુસ્તકીય જ્ઞાન અને ગોખણપટ્ટીની દુનિયાથી
પર થઈને, જ્યારે
બાળકો કોઈ પણ વડીલ કે શિક્ષકની મદદ વગર જાતે આઈડિયા વિચારે, આજુબાજુથી નકામી વસ્તુઓ ભેગી કરે અને પોતાના
જ્ઞાનથી એક નવું મોડેલ ઊભું કરે, ત્યારે સાચા અર્થમાં શિક્ષણ સાર્થક બને છે.
એક શિક્ષક અને વાલી તરીકે જ્યારે આપણે વિચારીએ છીએ કે આખી પ્રક્રિયામાં બાળકોને
કેટલો મોટો ફાયદો થાય છે, ત્યારે
હૃદય ખુશ
થઈ જાય છે. ઘણીવાર આપણને એમ થાય કે બાળક ભણવામાં જ ધ્યાન આપે તો સારું, પરંતુ જ્યારે બાળક પોતાની જાતે કોઈ મોડેલ બનાવવા માટે મથામણ
કરે છે, ત્યારે
તેના મગજની સાચી કસરત થાય
છે. તેને સમજાય છે કે પુસ્તકમાં ભણેલો વિજ્ઞાનનો નિયમ વાસ્તવિક જીવનમાં કેવી રીતે કામ કરે છે. વસ્તુઓ કાપવી, જોડવી, કલર કામ કરવું અને સમયસર પ્રોજેક્ટ પૂરો કરવો
જેવા કામોથી
બાળકમાં હાથની કુશળતા અને સમયનું આયોજન કુદરતી રીતે આવી જાય છે.
આ પ્રક્રિયા માત્ર એક વિજ્ઞાન પ્રદર્શન પૂરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ બાળ મનોવિજ્ઞાન અને તેમના માનસિક વિકાસના
ઊંડાણ સુધીની એક
સુંદર સફર બની જાય છે. જ્યારે આપણે જોઈએ છીએ કે બાળકોએ કોઈના દબાણ વગર પોતાની
સૂઝબૂઝથી કૃતિઓ
બનાવી છે, ત્યારે
માતા-પિતા તરીકે અને શિક્ષક તરીકે આપણી છાતી ગર્વથી ફૂલી જાય છે કે આપણાં બાળકો હવે પરવશ નહીં, પણ પોતાના વિચારોના સાચા માલિક બની રહ્યા છે. આ
સ્વયંસ્ફુરિત અને
અનુભવાત્મક અભિગમથી બાળકો જ્યારે જાતે પ્રયોગો કરે છે, ત્યારે તેમનામાં સર્જનાત્મકતા અને નવીન વિચારસરણી તો ખીલે જ છે, સાથે-સાથે ગહન નિરીક્ષણ શક્તિ, કલ્પનાશીલતા અને વિષયવસ્તુને ઊંડાણથી સમજવાની ક્ષમતા જેવા અનેક સૂક્ષ્મ
કૌશલ્યો વિકસે છે.
જ્યારે કોઈ વ્યવહારિક મુશ્કેલી ઊભી થાય અને બાળક કોઈની રાહ જોયા વગર જાતે જ "પ્રયોગ અને ભૂલ" ના ધોરણે રસ્તો શોધે છે, ત્યારે તેનામાં તાર્કિક વિશ્લેષણ કૌશલ્ય તથા અડગ
મનોબળ મજબૂત બને છે. નિર્ણાયકો કે
મુલાકાતીઓ સામે પોતાની કૃતિ આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરતી વખતે બાળકોના ચહેરા પરનો એ માલિકીભાવ અને ગર્વ જોઈને વાલીઓ અને શિક્ષકોની
બધી જ મહેનત સાર્થક થઈ જાય છે. આ પ્રક્રિયા દરમિયાન તેમનામાં વાણી પર પ્રભુત્વ, વિચારોની સ્પષ્ટતા અને સંચાર કૌશલ્ય અદ્ભુત રીતે ખીલે છે. જૂથમાં કામ કરતી વખતે એકબીજાના વિચારોનો
આદર કરવો, સાધનોનો
સાચો ઉપયોગ કરવો અને
પરસ્પર સહકારની ભાવના કેળવવી—આ બધું બાળકના માનસમાં એક અદભુત આત્મવિશ્વાસ અને
જવાબદારીની ભાવના
રોપી દે છે. શિક્ષક અને વાલી તરીકે આપણો એપ્રોચ પણ એવો હોવો જોઈએ કે આપણે બાળકોને તૈયાર જવાબ આપવાને બદલે હંમેશાં તેમને જાતે
વિચારતા કરીએ.
આજે દુનિયા જે ઝડપે બદલાઈ રહી છે, તેની સાથે આપણી આખી શિક્ષણ પદ્ધતિ અને બાળ ઉછેરનો
દ્રષ્ટિકોણ પણ બદલાઈ રહ્યો છે.
ભૂતકાળમાં જ્યારે આપણે બાળકો નાના હતા ત્યારે એવું અચૂક પૂછતા કે, बड़े होकर क्या बनोगे ? પૂછીને
સિલેક્ટેડ વ્યવસાયોની રેસમાં બાળકને દોડાવ્યા
કર્યું છે. પરંતુ હવે સમય બદલાયો છે અને દુનિયા એક નવી ક્રાંતિ તરફ આગળ વધી રહી છે, જ્યાં હવે વાલી તરીકે આપણે બાળકને એવું નથી પૂછવાનું કે તું શું બનીશ, પરંતુ આપણે તેને શીખવવાનું છે કે "बड़े होकर क्या बनाओगे ? " (દીકરા, મોટો થઈને તું શું નવું સર્જન કરીશ, શું નવું બનાવીશ?)
આજના આ કૃત્રિમ બુદ્ધિમત્તા (Artificial
Intelligence) અને ટેકનોલોજીના યુગમાં વસ્તુઓ બનાવવાનું કે
પ્રોસેસ કરવાનું કામ
તો AI મોટાભાગે
જાતે જ કરી લેશે, પરંતુ
મૂળભૂત રીતે વિચારવાનું
કામ અને તે વિચારીને કોઈ
નવો આઈડિયા આપવાનું કામ માત્ર
માનવીય મન જ કરી શકશે. ભવિષ્યની દુનિયામાં એ જ લોકો મહત્વ ધરાવશે અને જીવંત ગણાશે જેઓ મૌલિક
રીતે વિચારી શકવા સક્ષમ હશે. પ્રાથમિક કક્ષાએ આવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો, કોઈ કૃતિનું નિર્માણ કરવું, નવો આઈડિયા શોધીને એના માટે મથામણ કરવી—આ બધી જ માનસિક કસરતો
બાળકોમાં નવા વિચારોને જન્મ આપે છે.
વિચારો કે બાલવાટિકામાં ભણતું એક બાળક પોતે પૂંઠામાંથી એક 🏠 ઘર બનાવે છે, ત્યારે તેમાં તેને કેટ કેટલી માનસિક
પ્રક્રિયામાંથી પસાર થવું
પડે છે. કેટકેટલું વિચારવું પડે છે. - AI ને કહીએ કે પૂંઠામાંથી કેવી
રીતે ઘર બનાવાય ત્યારે
AI ઉપલબ્ધ
ડેટા સોર્સમાંથી કોઈના વિચારેલા
વિચારો આપણા સુધી પહોંચાડે છે, જ્યારે
આપણું બાળક પોતે નવા નવા વિચાર આપી શકે
છે ! આ
જાણીને સૌને દંગલનો એ ડાયલોગ યાદ આવશે - જેમાં
એક પિતા પોતાની દીકરીઓ માટે કહે છે - मेरी लड़कियाँ लड़कों से कम हैं क्या ? - हमारे बच्चें एआई से कम हैं क्या ?
ચાલો માણીએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકોના નવા નવા આઈડિયા - અને માણીએ તેમની મથામણ ને !
મોટા થઈ "શું બનાવશો?" નો યુગ આવી રહ્યો છે, શું બનીશ? ને બદલે શું બનાવીશ તરફ વળીએ..
ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકોની ભાગીદારી અને આપણું શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન !!
આપણું શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન !!
રીડિંગ રીલ્સ : જ્ઞાન એ બહારથી તૈયાર પીરસવાની વસ્તુ નથી, પણ બાળક પોતાના હાથ, હૈયા અને મસ્તકના સમન્વયથી જાતે જ્ઞાનનું નિર્માણ કરે છે. -સૈમ પિયર


































































































