
આ પાંપણનો…
બાપ, બેટા અને બે-કારની વાત
બાપ, બેટા અને બે-કારની વાત
તારે માટે હું એક પહાડ
પથરાળ કેડી ને કેટલીક બીજી તકલીફોવાળો
ઊંચો પણ ઈચ્છે તો ઓળંગી શકાય એવો. -સિતાંશુ યશશ્ચંદ્ર
‘દીકરાને…’ કાવ્ય એક દીકરાને એનો પિતા કેવો લાગતો હશે? અને દીકરો જો ઈચ્છે તો શું કરી શકે?- એની બાપજુબાની છે. પણ દરઅસલ પિતાની હાલત હંમેશા કફોડી હોય છે. પિતા વગડાનો-વા-તે-વગડાનો-વા તરીકે કહેવતોમાં સિદ્ધ થતો હોય છે. એક તરફ દીકરાની માંગ ક્યારેય પૂરી થતી નથી અને બીજી તરફ બાપ બિચારો ચિંતિત છે કે આનું શું કરવું? એમાંય આ જીદ બડી બેરહમ ચીજ છે. અને એ જીદમાં જો ગુસ્સો ભળે તો કોઈ ન કરવાનું કરી બેસે. અને એમાં ય એ કોઈ બિગડે દિલ શાહજાદો હોય, રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો હોય, પાણી માંગે તો દૂધ હાજર-ની ટેવવાળો હોય તો એવો દીકરો બિચારો કરે ય શું? હરિયાણાનાં યમુનાનગરમાં રહેતા એક જાગીરદારનાં બેટાની આ વાત છે. સમાચાર છે કે એને જોઈતી’તી જગુઆર પણ બાપાએ દીધી બીએમડબ્લ્યૂ. દીકરાને આવ્યો ગુસ્સો. કાર નાંખી દીધી નદીમાં. લો બોલો! અને પાછો એનો વિડીયો બનાવ્યો અને એ મુક્યો ફેસબૂક પર. આ તે કેવો બાપ છે, દીકરાને જીવન જરૂરી ચીજ દેતો નથી. દાખલા તરીકે જગુઆર…
સમાચાર વાંચીને અમે હતપ્રભ થયા છીએ. ગરીબ હોય કે પૈસાદાર, બાપ કાયમ બાપડો હોય છે. અમે જો કે બંને કારનાં ભાવની તપાસ કરી. આમ બંને કારનાં ભાવ ૩૫-૪૦ લાખથી કમ તો નથી. હાયર મોડેલ્સનાં ભાવ બે ત્રણ કરોડ પણ હોય છે. જગુઆર લો કે બીએમડબલ્યૂ, બંને લગભગ સરખી મોંઘી છે. તો દીકરાને પસંદીદા ચીજ અપાવી હોત તો…પણ આ બાપ લોકો પણ વિચિત્ર જાત છે. એ ય જીદ્દી છે. પોતાના વિચારો દિકરા ઉપર થોપવાનો પ્રયાસ કરે છે. એ ભૂલી જાય છે કે દીકરાને પણ પોતાનું અસ્તિત્વ છે. એના પોતાના વિચાર છે. એણે સ્વયમ્ પાળી પોષીને મોટાં કરેલા ગમાઅણગમા છે. બાપો માની બેઠો છે કે દીકરા માટે બીએમડબલ્યૂ જ સારી. કાલે ઊઠીને બાપો દીકરાને એમ પણ કહે કે તારી પસંદગીની છોકરી સારી નથી, મેં તારા માટે પસંદ કરી છે એને તું પરણ. અરે ભાઈ, બંને છોકરી દેખાવે સરખી સુંદર છે, ધનવાન પણ છે. સરખી ભણેલીગણેલી ય છે તો પણ ના…ફરમાન છે કે મારી પસંદગીની કન્યા સાથે જ તારે પરણવું પડશે. હવે કહો, તમે જ કહો, દીકરાને ગુસ્સો આવે કે નહીં? અને ગુસ્સામાં ને ગુસ્સામાં….
મારું માનો તો આ બાપ અને બેટા બેય ખોટા છે. ભૌતિક વસ્તુઓમાં સાતા નથી. કાર કોઈ પણ હોય એનું સુખ ક્ષણજીવી છે. જે નથી એનું દુ:ખ અનંતજીવી છે. દુ:ખ તો ચોઈસ-ઓફ-પ્લેન્ટીનું પણ છે. હનુમાનજીનાં પહાડ જેવું. સંજીવની ક્યાં છે? એ તો સુષેણ વૈદ્ય જ જાણે. અને આખા પહાડનો ભાર માથે મુકીને આખી જિંદગી આપણે ફરતા રહીએ છીએ. ગોકુળઆઠમનાં મેળામાં એક સસલું એવું જે આંખો મીંચે, પૂછડી વીંઝે, જાણે લેવા જેવું, પણ બેટાને લેવું’તું બેટ. હવે બાપ બેટ જો અપાવે તો સસલું પછી નહીં આવે. પણ… કોઈ બાપની બંને લેવાની કેપેસિટી હોય તો? અરે સાહેબ, બેટ અને સસલું બંને રમકડાં અઠવાડિયુંભંગુર છે. તૂટે એટલે ફરી ત્યાંનાં ત્યાં. પણ જો પૈસા હોય અને ઉપલબ્ધ વિકલ્પ દેખાવે અને સ્વભાવે સરખા હોય તો ફ્રીડમ-ઓફ-ચોઈસ દીકરાને દેવી યોગ્ય કહેવાય. અને માની લો એમ ન થાય. પૈસા તો અલબત્ત બાપાના જ છે. અને એ બીએમડબલ્યૂ જ અપાવે તો દીકરાએ પોતાની જીદને મ્યાન કરીને, ગુસ્સો ટાઢો કરવો જોઈએ.
કહે છે કે ગુસ્સો અને પ્રેમ એ બેમાં એક સામ્યતા છે. બંનેની કોઈ લિમિટ હોતી નથી. તમારી ચોઈસ છે. તમે ગુસ્સો પસંદ કરો છો કે પ્રેમ? જગુઆર નથી મળી એ દીકરાનો ગુસ્સો છે. બીએમડબલ્યૂ એ બાપનો પ્રેમ છે. જે પોતાની લિમિટ જાણે છે એ સુખી થાય છે. પણ આવા લોકો અલબત્ત લિમિટેડ હોય છે. ઇતિ.

Filed under Uncategorized
અમર પાલનપુરી : ઉઝરડાથી રૂઝ સુધીની ગઝલયાત્રા
અમર પાલનપુરી : ઉઝરડાથી રૂઝ સુધીની ગઝલયાત્રા
જૂની પરંપરાના વિદ્યમાન શહેનશાહ અમર પાલન પૂરી આજે ૯૨માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેમને ખૂબ ખૂબ પ્રણામ અને શુભકામનાઓ.
ગુજરાતી ગઝલના આકાશમાં કેટલાક એવા શાયર છે જેમણે ગઝલને માત્ર લખી નથી, પરંતુ જીવી છે, ગાઈ છે અને લોકોના હૃદય સુધી પહોંચાડી છે. અમર પાલનપુરી એ આવી જ એક આગવી પ્રતિભા છે.
તેમનું મૂળ નામ પ્રવીણચંદ્ર મણિલાલ મહેતા. પાલનપુરની ધરતી પર તેમનું બાળપણ વીત્યું. ‘અમર પાલનપુરી’ નામ તેમને તેમના ગુરુ અને ગુજરાતી ગઝલના અગ્રણી શાયર શૂન્ય પાલનપુરી પાસેથી મળ્યું. શૂન્ય સાથેનો તેમનો સંબંધ માત્ર ગુરુ-શિષ્યનો નહોતો; એ સંબંધે પ્રવીણના જીવનને જ નવી દિશા આપી.
શૂન્ય પાસેથી મળેલી ગઝલની દીક્ષા:
બાળપણમાં પ્રવીણ તોફાની સ્વભાવના હતા. પરંતુ શૂન્ય પાલનપુરીના સંપર્કમાં આવ્યા પછી તેમની એ જ ઉર્જા ધીમે ધીમે શબ્દની સર્જનશક્તિમાં પરિવર્તિત થઈ. શૂન્યની શાયરી સાંભળતાં સાંભળતાં ગઝલ તેમના જીવનનો અભિન્ન હિસ્સો બની.
એસ.એસ.સી. પછી તેઓ મુંબઈ ગયા. ત્યાંના જીવનસંઘર્ષ અને અંગત લાગણીના આઘાતોએ તેમના અંતરમાં જે વેદના જગાવી, તે પછી તેમની ગઝલોમાં વહેવા લાગી. તેમની કાવ્યયાત્રાનો એક મોટો પડાવ આ આંતરિક વેદનામાંથી જન્મેલા પ્રથમ ગઝલસંગ્રહ ‘ઉઝરડા’માં જોવા મળે છે. ‘ઉઝરડા’ નામ જ જાણે તેમની કવિતાની ઓળખ બની ગયું—
“ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ
જાન ગયો છે એક ઉઝરડે.”
આ બે પંક્તિમાં અમરનો આખો કાવ્યસ્વભાવ સમાઈ જાય છે દર્દને રડવું નહીં, પરંતુ તેને શેર બનાવી દેવું.
અમરનો અવાજ અને તરન્નુમ:
અમર પાલનપુરી માત્ર ગઝલકાર નથી, તેઓ તરન્નુમમાં રજૂઆત કરીને મુશાયરાઓને દાયકાઓ સુધી ડોલાવતા રહ્યા છે. તેથી તેમની ગઝલ માત્ર વાંચવામાં નથી આવતી, સાંભળવામાં, અનુભવવામાં અને યાદ રાખવામાં આવે છે.
તેમની લોકપ્રિયતાનું સૌથી મોટું કારણ તેમની ભાષાની સરળતા છે. તેઓ ભારે-ભરખમ શબ્દોથી ભાવ ઊભો કરતા નથી. સામાન્ય ગુજરાતી શબ્દોને જ એવી રીતે ગોઠવે છે કે એક સરળ વાક્ય અચાનક ઊંડા જીવનસત્યમાં ફેરવાઈ જાય. તેમની રચનાઓની સરળતા, પ્રવાહિતા અને અર્થસંક્રાંતિને તેમની લોકપ્રિયતાનું મહત્વનું કારણ ગણાવવામાં આવ્યું છે.
અમર પાલનપુરીની ઓળખ બની ગયેલી રચના છે, અમર હમણાં જ સૂતો છે, ભાવકોએ દાયકાઓથી સાંભળી છે.
“પવન ફરકે તો એ રીતે ફરકજે, પાન ના ખખડે;
કોઈને સ્વપ્નમાં માંગી, અમર હમણાં જ સૂતો છે.”
મૃત્યુને લઈને લખાયેલી આ ગઝલમાં મૃત્યુનો ભય નથી; છે તો એક અદ્ભુત કોમળતા. જાણે કવિ કહે છે—મૃત્યુ પણ આવે તો ઊંઘની જેમ આવે, પ્રિયજનની ઊંઘ ન તૂટે એવી કાળજી રાખીને.
આ ગઝલની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી પણ આવે છે કે ગુજરાતી સાહિત્યના સંદર્ભગ્રંથ ગુજરાત વિશ્વકોષમાં પણ આ શેરને અમરની સંવેદનશીલતાના ઉદાહરણ તરીકે ટાંકવામાં આવ્યો છે.
અમરની બીજી અત્યંત નોંધપાત્ર ગઝલ છે ‘કોનું મકાન છે?’
“રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે,
નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે.”
અને—
“દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,
આવી શકે તો આવ, આ ખાલી મકાન છે.”
અહીં ‘મકાન’ માત્ર મકાન નથી. ક્યારેક તે દિલ બને છે, ક્યારેક દુનિયા, ક્યારેક જીવન અને ક્યારેક માનવીનું અસ્તિત્વ. આ જ અમરની કળા છે—એક સામાન્ય શબ્દને વારંવાર નવા અર્થમાં ખોલતા જવું.
‘ઉઝરડા’ પછી ‘રૂઝ’:
અમરની સર્જનયાત્રામાં સૌથી સુંદર પ્રતીકાત્મક બાબત લાગે છે—‘ઉઝરડા’થી ‘રૂઝ’ સુધીની યાત્રા.
‘ઉઝરડા’માં ઘા છે, વિયોગ છે, એકલતા છે, આંતરિક વેદના છે. પછીના સંગ્રહ ‘રૂઝ’માં એ જ વેદનામાંથી જાણે શાંતિ અને સ્વીકારનો અજવાસ જન્મે છે.
2006ની વિનાશક પૂર-પરિસ્થિતિમાં ‘રૂઝ’ની ઘણી મૂળ રચનાઓ નષ્ટ થઈ ગઈ હતી. પરંતુ તેમની પત્ની મીનુબહેને સ્મૃતિમાં સચવાયેલી રચનાઓને ફરી યાદ કરીને લખી અને સંગ્રહને પુનઃસર્જવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ ઘટના અમરની સર્જનયાત્રામાં પણ જાણે ‘ઉઝરડા’માંથી ‘રૂઝ’ તરફના રૂપાંતરનું સુંદર પ્રતીક બની જાય છે.
સુરત અને ‘સપ્તર્ષિ’
અમર પાલનપુરીનું નામ સુરતના સાંસ્કૃતિક જીવન સાથે પણ ગાઢ રીતે જોડાયેલું છે. તેઓ ‘સપ્તર્ષિ’ સંસ્થાના સ્થાપક-પ્રમુખ રહ્યા અને ગઝલ, કવિતા, સંગીત અને સાહિત્યના અનેક કલાકારોને મંચ આપ્યો. દક્ષિણ ગુજરાતમાં ગઝલને લોકપ્રિય બનાવવામાં તેમનું યોગદાન વિશેષ ગણાય છે. સુરતે દેશ અને દુનિયાના મહાન કલાકારોને આ તખ્તે માણ્યા છે, જેમાં ગુલામ અલી, જગજીત સિંહ, અનુપ ઝાલોટા, ભુપેન્દ્ર, મિતાલી મુખર્જી સહિતના અનેક નામી ગાયકો સમાયા છે. આ રીતે અમર માત્ર સર્જક ન રહ્યા—સર્જકોને સાંભળનાર અને સાંભળાવનાર પણ બન્યા. અર્ધી સદીથી સપ્તર્ષિ યાદગાર મંચ સજ્જા સાથેના કાર્યક્રમો રસિક સુરતીઓ સમક્ષ રજૂ કરતુ રહ્યું છે. તે માટે અમરભાઈ અને ટીમ સપ્તર્ષિને વંદન.
ગઝલનું અમરત્વ:2004માં તેમને મિર્ઝા ગાલિબ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ગત વર્ષે ‘વલી ગુજરાતી સન્માન’ અપાયું. જીવનભર અમરભાઈનું સતત સન્માન થતું રહ્યું છે અને થતું રહેશે. પણ તેમના શેર યાદ પણ આવી જાય અને દિલથી ‘વાહ’ નીકળી જાય એવું તેમનું સન્માન ક્યાં કશે નોંધાય છે!
અમરની ગઝલનું રહસ્ય કદાચ બહુ સીધું છે:
દર્દ હતું —પણ ફરિયાદ નહોતી.
પ્રેમ હતો—પણ દેખાડો નહોતો.
વિયોગ હતો—પણ શબ્દોમાં સંગીત હતું.
અને જીવન હતું—એટલે મૃત્યુ પણ તેમની ગઝલમાં ઊંઘ બની ગયું.
કેટલાક ‘અમર’ શેર:
“ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ
જાન ગયો છે એક ઉઝરડે.”
*
“દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.”
*
“રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે,
નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે.”
*
“દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,
આવી શકે તો આવ, આ ખાલી મકાન છે.”
*
“ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ,
નહિતર કાં એની લાશને તરવાનું મન થયું.”
*
“પવન ફરકે તો એ રીતે ફરકજે, પાન ના ખખડે;
કોઈને સ્વપ્નમાં માંગી, અમર હમણાં જ સૂતો છે.”
*
“ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા!
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.”
*
“ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા!
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.”
*
“નાનો છું કે મોટો છું,
અંતે તો પરપોટો છું.”
*
“પૂછી રહ્યા છે સૌ મને આ શાનું દર્દ છે?
કેવી રીતે કહું કે બહુ છાનું દર્દ છે.”
*
“એ ક્ષોભથી મેં ના કર્યો ઉલ્લેખ આપનો,
લાગે ન ક્યાંક ફૂલને નાનમ વસંતમાં.”
*
“મારા જીવનનું પારખું ત્યારે થશે,
સાથે તમે રહો ભલે સામો પવન રહે.”
ઘણું જીવો અમરભાઈ.. હજી સુવાને વાર છે! મીનુબેનના ગયા બાદ તમે એકલા પડ્યા છો પણ મિત્રો તમારી મહેફિલ ભરી ભરી રાખે છે.
– સંકલન: નરેશ કાપડીઆ ૧.૯.૨૦૨૬
·
Filed under Uncategorized








