
અચાનક લાગણીનાં પૂરની આયાત આવી છે!
વિરહમાં ડૂબતી એ નાવ સાતેસાત આવી છે.
હ્રદય પર કેટલો મોટો બની આઘાત આવી છે,
ખરેખર એ મને ભૂલી ગયાની વાત આવી છે.
તિમિર તું વાંચ આજે ધ્યાનથી આકાશનું છાપું,
અમાસે ચાંદ ઊગશે એવી જાહેરાત આવી છે.
ખબર ન્હોતી ખરી પડશે ખુશી આંસુ બની જઈને,
દીધેલા ફૂલ પર ઝાકળ સમી સોગાત આવી છે.
હવે તો નીંદ સાથે દુશ્મની તૂટે તો કૈં સારું,
નવા સપનાં સજાવીને ફરીથી રાત આવી છે.
યામિની વ્યાસ

