પ્રિયંકા ચોપરાની ‘ક્વોન્ટીકો’ નામના ટીવી શોની આપણે ત્યા બહુ ચર્ચા થઇ. તેના પહેલા એપિસોડને 7.14 મિલિયન વ્યુઅર્સ જેવો બહોળો આવકાર પણ મળ્યો! આગળના એપીસોડસ પણ આટલા જ હીટ જાય તેવી પ્રિયંકાને શુભેચ્છા! આ સાતમી ઓક્ટોબરે અમેરિકાના બીજા એવા જ એક સુપર હીટ શો ‘ધ એરો’ની ચોથી સીઝન ચાલુ થશે. આ સિરીઝની ત્રણ સીઝન અત્યાર સુધી આવી ગઈ અને ત્રણેયને સરેરાશ 3.5 મિલિયન વ્યૂઅર્સ મળ્યા છે. એવું તો શું ખાસ છે આ સીરીઝમાં કે તેની પાછલી ત્રણેય સીઝન સુપરહિટ થઈ?
વેલ, આ સવાલના ઘણા જવાબ છે મારી પાસે! આમ તો એક્શન મુવીઝમાં મને ઝાઝો રસ ના પડે પણ એરોની ત્રણેય સીરીઝમાં મને અશ્વિની ભટ્ટની નોવેલમાં પડે તેવો જ રસ પડ્યો છે. અને જેમ અશ્વિની ભટ્ટની નવલકથા તમે હાથમાં પકડો પછી તેને સળંગ રાતે જાગીનેય વાંચી જ લેવી પડે તેવી રીતે ઘણીવાર આ ‘એરો’નાંય સળંગ ચાર એપિસોડ એક સાથે જોઈ લીધા હોય તેવું પણ બન્યું છે. એટલે એરોના અને તેના મુખ્ય પાત્ર ‘ઓલીવર ક્વીન’ના ચાહક તરીકે આ શોની ચોથી સીરીઝનો મને ‘બાહુબલી પાર્ટ ટુ’ જેટલો જ ઇન્તજાર છે.
આ શોની થીમ સુપરમેન, બેટમેન, સ્પાઈડરમેન જેવા સુપરહીરો જેવી જ છે. દુનિયાનો મસીહા બનીને આવતો સુપરહીરોની વાર્તા છે આમાં. પણ આ શોના પ્રોડ્યુસર્સને આ સુપરહીરોને મોર રીઅલ, મોર હ્યુમન ટચ આપવો હતો એટલે આના હીરો પાસે કોઈ સ્પેશ્યલ સુપરપાવર્સ નથી. તેની સુપરસ્કીલ છે એરોઈંગ એટલે કે બાણવિદ્યા કે જેમાં તે અર્જુન જેટલો માહિર છે અને તેની યુએસપી છે “ફેલીસીટી સ્મોક” નામનું એક સ્ત્રીપાત્ર. એરોઈંગની સ્કીલના અને ફેલીસીટીના જોરે શોનો હીરો ‘ઓલીવર ક્વીન’ પોતાના શહેર સ્ટારલિંક સીટીની રક્ષા કરવા નીકળ્યો છે. એના ભાથાના તીરો એકદમ હાઇટેક છે કે તેના અને પોતાના બાવડાના બળે તે સૌથી ખૂંખાર વિલન્સનો સામનો કરે છે.
તેની વાર્તા કૈક આવી છે: ઓલીવર ક્વીન નામનો ખૂબ પૈસાદાર, બેજવાબદાર અને પ્લેબોયની ઈમેજ ધરાવતો નબીરો પોતાના પપ્પા અને પોતાની ગર્લફ્રેન્ડ જોડે પ્રાઇવેટ શીપ પર દરિયાઈ સફરે નીકળ્યો છે. મધદરિયે તેનું જહાજ તૂટી જાય.છે. આ અકસ્માતમાં તેના પપ્પા સહીત બીજા બધા સાથીદારોના મૃત્યુ થાય છે અને તે એકલો એક અજાણ્યા ટાપુ પર પહોંચી જાય છે. એના ઘરવાળાઓએ તો માની જ લીધું છે કે એ પણ એ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે, એ ટાપુ પર વિતાવવા પડેલા પાંચ વર્ષોમાં તે સંપૂર્ણપણે બદલાઈ જાય છે! અને પોતાના શહેર ‘સ્ટારલીંક સીટી’માં પાછો આવી ધનવાન અને ભ્રષ્ટાચારી લોકો સામે પોતાની લડતા શરૂ કરે છે. આ કામમાં સાથ આપે છે ‘ફેલીસીટી સ્મોક’ નામની ક્યુટ આઈટી ગીક અને એક્સ આર્મી ઓફિસર ‘જ્હોન ડીગલ’. પોતાની આ મસીહા વાળી બાજુ તે પોતાના ફેમીલીથી બચાવીને રાખવા માંગે છે કે જેથી ફેમિલીને કોઈ પ્રોબ્લેમ ન થાય. પણ પછી એકતા કપૂરનેય ટપી જાય તેવા પારિવારિક રહસ્યો પરથી પડદો ઉઠે છે અને ઓલીવરની સાથે આપણેય હતપ્રભ થઇ જઈએ છે! વળી એકતા કપૂરની સીરીયલ્સની જેમ અમુક મરી ગયેલ પાત્રો ય જીવતા થઈને સરપ્રાઈઝ આપવા પાછા આવી જાય છે! ક્રાઈમ સાથેની લડતમાં તે પ્રેમ- પરિવાર-મિત્ર બધું જ ગુમાવે છે, સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય છે, હારનો પણ સામનો કરવો પડે છે, નિરાશ થઈને તે પરિસ્થિતિથી ભાગી પણ છૂટે છે. પણ એની સારપ, એની માનવીય સંવેદનાઓ અને તેના સાથીદારો તેનામાં રહેલા મસીહાને જીવતો રાખે છે. અને દરેક હાર પછી એ વધારે સ્ટ્રોંગ બનીને બહાર આવે છે.
મૂળ ફેમસ DC કોમિક્સના ‘ધ ગ્રીન એરો’ પરથી ડીઝાઇન કરવામાં આવેલા આ શોની એક્શન સીક્વન્સ, બધાજ કલાકારોનો અભિનય, ત્રણેય ભાગની સ્ટોરી, ટેકનોલોજીનો ઉપયોગ બધું જ સુપર્બ છે. હીરોના પાસ્ટ અને પ્રેઝન્ટ બંને વાર્તાઓ સમાંતર ચાલે છે તેથી હવે આગળ શું થશેની સાથે પહેલા શું થયું હતું તે જાણવાની પણ ઈંતજારી દર્શકને થતી રહે તે રીતે આખી વાર્તા કહેવાઈ હોવાથી સ્ટોરીટેલિંગ ઈન્ટરેસ્ટીંગ લાગે છે। થ્રિલ, એક્શન, રોમેન્સ અને ડ્રામાથી ભરપૂર તેવા તેના દરેક સિંગલ એપીસોડની ક્વોલીટી આપણી ઘણી ફૂલ લેન્થ મુવીઝની ક્વોલીટી કરતાંયે વધારે સારી લાગે! આ બધા કારણોથી જ છેલ્લા છ વર્ષથી ‘એરો’ CW ચેનલનો મોસ્ટ પોપ્યુલર ટીવી શો છે.
આપણે ત્યાં એક ચેનલ પર ઈચ્છાધારી નાગિનના કન્સેપ્ટ પર સીરીયલ આવવાની છે, તેની જાહેરાતો અને અત્યારની સીરીયલો જોઇને સાલું દિલમાં એક ટીસ ઉઠે છે કે ક્યારે આવા ક્રેપ પ્રોગ્રામો બનાવવાનું અને જોવાનું બંધ થશે? આખીર કબ સુધરેંગે હમ?