નગેન્દ્ર વિજયની કસાયેલી કલામે લખાયેલી આ યદ્ધ કથા હમણાં જ વાંચી. મારા જન્મનાં સતર વર્ષ પહેલા થયેલા યુદ્ધ અંગે મને માંડ આછી-પાતળી જાણકારી હતી. તેથી આ પુસ્તક વાંચવા હું તત્પર હતી. આ પુસ્તકમાં એ યુદ્ધનો આખેઆખો ઘટનાક્રમ વાંચ્યો જે બહુ રોમાંચિત કરી દે તેવો હતો. પુસ્તકની અંદરના ફોટોગ્રાફ્સ અને બોક્સમાં આપેલી માહિતીથી જે-તે પરિસ્થિતિને સમજવા બેકગ્રાઉન્ડ મળી જતું અને તેથી આખી કથા વાંચવાની બહુ મજા આવી.
પુસ્તકના પાના ફરતા ગયા તેમ તેમ મારી અંદર અનેક ભાવો ઉઠતા ગયા. જયારે જયારે આપણી સેનાએ દુશ્મન સેનાને માત આપી તેના વર્ણનો આવે ત્યારે ગર્વનો અનુભવ થતો. એમાંય જયારે પેલી કાતિલ ગાઝી સબમરીનને દરિયાના પાતાળમાં પહોંચાડી દેવામાં આવી તે વાંચીને તો…! 🙂 અને જયારે દુશ્મનોએ આપણા જવાનો-યુદ્ધ સાધનોને નુકસાન પહોંચાડ્યું તેની વાત આવે તો દુખ થતું, કશુક ગુમાવી દીધાનો ભાવ જાગતો. તો વળી ઇન્દિરા ગાંધીએ યુદ્ધ વખતે જે નિર્ણયો લીધા એ જાણી મને પણ બાજપેયીની જેમ એમને દુર્ગા કહેવાનું મન થઇ ગયું.
જોકે છેલ્લું પ્રકરણ વાંચીને હતાશાનો ભાવ જાગ્યો. આપણે દુશ્મન દેશના 93000 સૈનિકોને યુદ્ધ-કેદી બનાવેલા અને જયારે છોડ્યા ત્યારે બધા કેદીઓને માનભેર છોડ્યા. અને આપણા અંદાજે 2228 જેટલા યુદ્ધ-કેદી સૈનિકોની સામે બદમાશ પાકે. ફક્ત 616 કેદીઓને છોડયા તો પણ ગરજ પતી એટલે વૈદ વેરીની જેમ આપણે બાકીના સૈનિકોને પરત લાવવાનો કોઈ જ આગ્રહ રાખ્યો નહિ.. બાકી રહેલા બંદીવાન સૈનિકોને આપડે જાણે પાકને એની હારની ભડાશ ઉતારવા ભેટમાં આપી દીધા. અને આ વાત મને અતિશય હતાશ કરી ગઈ. 😦