હેપ્પી હોલી !
હેપ્પી હોલી !
ખબર તો હતી જ કે હાથ પીળા થશે પણ આટલા બધા થશે એ નહોતી ખબર! દીકરી સહિત મારો લગ્ન અવસર તો સાવ સાદગીપૂર્ણ એટલે નામની જ પીઠી. હા, દીકરાના વિવાહ ટાણે ‘હલ્દી’ રાખેલી એટલે હળદરિયા રંગે ખુશી ઘર આંગણ છલોછલ હતી. હમણાં એક સંબંધીએ ઉદેપુરના ડેસ્ટિનેશન વેડિંગ હતું. ત્યાં ફક્ત પીળા ફૂલો સાથે રમાયેલી હોળી- ‘હલ્દી’ યાદગાર. હજીય આંખોમાં ફૂલોનો પીળો દરિયો હિલોળે ચડાવે એવી. અરે,ઠીક યાદ આવ્યું…મારું લગ્ન નક્કી થયું ને પત્ની પહેલીવાર ઘરે આવેલી, હલદી રંગની સાડી પહેરીને! ને પછી પહેલી ફિલ્મ પાકીઝા_ ચલતે ચલતે યુંહીં કોઈ…
જો કે મને કમળો થયો ત્યારે બિલીરૂબિનનું પ્રમાણ વધી લગભગ ચાર અઠવાડિયા સુધી સ્થિર થઇ ગયેલું. પીળાશ આખા શરીરે. આંગળીના નખ તો ખાસ્સા વધારે! લાંબી સારવાર બાદ સારો થયો ત્યારે ડૉક્ટર સાહેબે કહ્યું હતું – જઈને પાછો આવ્યો! એટલે આમ પીળા રંગ સાથે મારું જોડાણ; જરા જેટલી જ કૈંક અંદર વલોવાતી ચીડ, સાથેની ભરપૂર લાગણી જેવું !
પણ હવે થોડી નવરાશની પળોમાં જરાતરા ગાર્ડનિંગ તરફ વળવાનું થયું એટલે રંગબેરંગી ફૂલો અને રંગીન લીલેરા છોડપાન સાથે રોજ રૂબરૂ થવાનું આવ્યું. એ કારણે વિવિધ રંગ સાથે લગાવ વધ્યો. તેમાં પીળો બાદ થોડો રહે? તેમાંય ખરેલું એક એક સૂકું પર્ણ ખાતર માટે સોના બરાબર.
ગત ચોમાસાના અંતે પ્રયોગ ખાતર મેં કુંડામાં ચાર ગાંઠ નાખેલી. સાલેમની છે- અમે લીલી હળદર ખાવા માટે લાવ્યા ત્યારે એવું કશું એ ખેડૂત મિત્રએ કહેલું. ઉપરથી પ્રાયોગિક ધોરણે તૈયાર કરેલ ઘરનું ઑર્ગેનિક ખાતર થોડું નાખેલું બસ. બીજા છોડની સરખામણીમાં સવિશેષ કાળજી તો જરાય નહીં. થાય તો ઠીક, નહીં તો વાંધો નહીં! એવી બેદરકારી સાથે માંડેલું એ કામ. છતાં એણેય મારું મારું દિલ જીતવાની જીદ કરી હોય એમ, પ્રરોહ ફૂટ્યાંને એ છોડવા કુંડાની માટી ચીરી ઝપાટાભેર ઊંચે વધવા માંડયા. મારું હૈયું પણ ઝાલ્યું થોડું રહે? મારું વહાલ પણ એની તરફ થોડું વધારે છલકાયું. કુંડામાં એ હરિદ્રાના ખાસા મોટા થયેલ રોપાઓ મનમોહક લાગતા હતા. મારી કેડસમાણાં એના પાંદડાં પણ ખાસા પહોળા. પણ કુંડામાં વધારે જગ્યા તો ક્યાંથી મળે? એટલે જયાંથી મળી ત્યાંથી સૌ છોડવા આમતેમ ચારે બાજુ વિકસે. મરજી મુજબ, ખુલ્લાં દિલે વિસ્તરવાથી નવસર્જનની તક મળતી હશે કે શું?
મારી બેકાળજી છતાં મારી એના તરફની લાગણીની ભીનાશ જરાય શુષ્ક ન થાય એવી જાણે એની પણ નેમ. વહેલી સવારનું જળ છંટકાવ, બાદ એનાં પાંદડે પાંદડાં ચમકી ઊઠે. ને જો સૂર્ય કિરણો એની પર વહાલપૂર્વક હાથ પર પસવારતા હોય તો એ ઉમળકાભેર ઔર ખીલી ઊઠે. ખૂબસૂરતી જ એ નોખી. વધેલા છોડની લહેરાતી હરિયાળી એવી કે 92 વર્ષનાં બાને પણ એવો રાજીપો કરાવી દીધો. બા પણ એની સાથે ફોટો ક્લિક કરાવી એને વહાલ કરવાની લાલચ રોકી ના શક્યા!
નિયત સમય ( આશરે સાતેક મહિના) પછી છાબડી ભરાઈ એટલી ગાંઠ નીકળી. ઉગાડવી સરળ છે. એ પછીનું સુકવેલા હળદરના ગાંગડાને પીસીને તેમાંથી કેસરિયા, પીળાશ પડતા રંગનો ભૂકો મેળવવાં કામ કડાકૂટવાડું હતું. મેં એ કામ ઘરવાળી માટે છોડ્યું. એય થાકી નહીં. ઉમળકો એની આંખોમાં પણ કમ નહોતો. એના કંદમાંથી, દળતી વેળાએ તેણે મારી સામે હળદી રંગ્યા, પોતાના હાથ એણે મારી સામે ધર્યા- આ તો જુઓ! કેટલી સરસ! તો હુંય થોડો બાકી રહું? સાથે મેં પણ હાથ પીળા કરી લીધા. એમાં રહેલ અગત્યનું કુદરતી સક્રિય સંયોજન -કર્ક્યુમિન; તેને પીળો રંગ આપે અને સાથે મોટાભાગના સ્વાસ્થ્ય લાભો તો ખરા જ. એટલે એની પીળાશ પરથી અનુમાન બાંધ્યું કે એમાં કર્ક્યુમિન સારું જ હશે. તેય પાછું ઘરનું ઓર્ગેનિક ખાતર વડે ઉપજેલું સોનું. આશરે એકાદ કિલો લીલી હળદની ગાંઠમાંથી, 150 ગ્રામ જેટલી હળદર માંડ થઈ હશે… પણ અમે બંને રાજી રાજી! હેપ્પી હોલી -ધુળેટી!
‘કર્ક્યુમા લોન્ગા’ મૂળ નામ પણ “ભારતીય કેસર” એટલે કે હળદર વધુ જાણીતું નામ. એ હળદ સિવાય શર્વરી, હરિદ્રા,કાંચની,નિશા, વરવર્ણિની, હલદી જેવા નામથી પણ જાણીતી. તેનો જીવંત રંગ સાથે તે આપણાં ભોજનનો અભિન્ન ભાગ. આપણી સાંસ્કૃતિક અને ધાર્મિક વિધિઓમાં હજારો વર્ષથી ઉપયોગી. કર્ક્યુમિન, તેના બળતરા વિરોધી, એન્ટીઑકિસડન્ટ અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણધર્મો ને તેના સ્વાસ્થ્ય લાભો માટે સોના બરાબર છે જવાબદાર. એટલે જ જાદુઈ મસાલા કે “ગોલ્ડન મસાલા”ના વર્ગમાં આવે.
એનું પરંપરાગત આયુર્વેદિક દવામાં મહત્વ હું આ.બાપાલાલ વૈદ્ય અને શ્રી લાભશંકર ઠાકરનાં પુસ્તકો પરથી સમજેલો ત્યારથી નરણાં કોઠે ટી સ્પૂન જેટલી લેવાની વર્ષોથી આદત. આ વખતે પાક તો થોડો જ પણ કેસરિયા પીળાશ મબલખ! એવી કે ઝટ હાથનો સાથ ના છોડે! એ કેસરિયા પીળપ જોઈ મારી જરા જેટલી હળદિયા રંગ પ્રત્યેની ઉપર તળે થતી, જરા જેટલી બાકી રહેલી, માંદગી વેળાની ખીજ ઓગાળી જ ગઈ! ઘરની રોજ સવારે આ હળદરની ફાકી લેતી વખતે હું સગર્વ થોડો વધુ જ ખુશખુશાલ હોઉં છું.
(હળદરનો ગાંઠિયો મળ્યો તેથી શું ગાંધી થાય? એવું સાંભળ્યું છે એટલે સાવચેતી ખાતર નોંધ કરવી જ રહી. સામાન્ય રીતે મોટાભાગના લોકો માટે હળદર સલામત હોવાનું કહેવાય છે છતાં વધુ માત્રા કે અમુક દવાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે. માટે સાવચેતી રાખી ઉપયોગ કરવો

