નવરાત્રી September 25, 2006
Posted by Jaydeep in રાસ-ગરબા.add a comment
આજે ત્રીજું નોરતું: ‘રંગ રસિયાનો રાસ’:
હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો?
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો… હો રંગ રસિયા
આજ અમે ગ્યા’તા સોનીડાને હાટ જો,
આ ઝાલઝૂમણા વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં… હો રંગ રસિયા
આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો,
આ ચૂડલડો ઉતરાવતાં, વ્હાણલાં વાહી ગયાં… હો રંગ રસિયા
આજ અમે ગ્યા’તાં કસુંબીને હાટ જો,
આ ચૂંદલડી વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં…હો રંગ રસિયા
આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો,
આ મોજડિયું મૂલવતાંને, વ્હાણલાં વાહી ગયાં… હો રંગ રસિયા
*********
આજ ગરબો બીજા સ્વરૂપમાં:
હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો,
આંખલડી રાતી રે, ઉજાગરો ક્યાં જઈ કિધો?…હો રંગ રસિયા
અમે ગ્યા’તાં કાંઈ નરસૈયાને ઘેર જો,
શામળિયો પરણાવતાં વ્હાણલા વહી રે ગયા… હો રંગ રસિયા
અમે ગ્યા’તા કાંઈ બોડાણાને ઘેર જો,
ગાડામાં જાતાં રે વ્હાણલાં વહી રે ગયા… હો રંગ રસિયા
અમે ગ્યા’તા કાંઈ મીરાંબાઈને ઘેર જો,
ચોપાટો રમતાં રે વ્હાણલાં વહી રે ગયા… હો રંગ રસિયા
*********
નવરાત્રી September 24, 2006
Posted by Jaydeep in રાસ-ગરબા.1 comment so far
આજે બીજા નોરતે, ‘મસ્તાન’ રચિત અંબામાનો ગરબો અને તે જ ઢાળમાં એક લોક ગરબો:
અંબા માનાં ઊંચા મંદિર નીચા મોલ,
ઝરૂખડે દીવા બળે રે લોલ…
અંબા માના ગોખ ગબ્બર અણમોલ,
કે શિખરે શોભા ઘણી રે લોલ…
આવી આવી નવરાત્રીની રાત,
કે બાળકો રાસ રમે રે લોલ…
અંબે મા ગરબે રમવા આવો
કે બાળ તારાં વીનવે રે લોલ…
અંબે માને શોભે છે શણગાર
કે પગલે કંકુ ઝરે રે લોલ…
રાંદલમા રાસે રમવા આવો
કે મુખડે ફૂલડાં ઝરે રે લોલ…
બહુચર ગરબે રમવા આવો
કે આંખથી અમી ઝરે રે લોલ…
મા તારું દીવ્ય અનુપમ તેજ
તે જોઈ મારી આંખ ઠરે રે લોલ…
ગરબો તારો બાળ ગવરાવે
કે ‘મસ્તાન’ તારા પાયે પડે રે લોલ…
–-મસ્તાન
રાધાજીના ઊંચા મંદિર નીચા મોલ,
ઝરૂખડે દીવા બળે રે લોલ !
રાધાગોરી, ગરબે રમવા આવો,
સાહેલી સહુ ટોળે વળી રે લોલ !
ગરબે રમે મુકેશભાઈના ગોરી !
હાથડિયે હીરા જડ્યા રે લોલ !
ગરબે રમે અનિલભાઈના ગોરી
આંખડિયે અમી ઝરે રે લોલ !
ગરબે રમે મુકેશભાઈના ગોરી,
પગલડે પદમ જડ્યા રે લોલ !
ગરબે રમે અનિલભાઈના ગોરી,
મુખલડે મોતી ઝરે રે લોલ !
રાધાજીના ઊંચા મંદિર નીચા મોલ,
ઝરુખડે દીવા બળે રે લોલ !
*****
નવરાત્રી September 23, 2006
Posted by Jaydeep in રાસ-ગરબા.2 comments
નવલા નોરતાંનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત અને ગરબાને ક્યારેય અલગ કરી શકાય નહી. અત્યારે યાદ આવે છે, અમદાવાદની નવરાત્રીની રાતો, કે જે ક્યારેક મિત્રોના સંગાથે આખી રાત ઘૂમવામાં ગાળી હતી… જે મિત્રો ગુજરાતમાં છે તેમને આગ્રહ, કે નોરતા ભરપૂર માણજો…
છેલછબીલો ગુજરાતી
કંઠે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર,
ઘૂંઘટમાં જોબનની જ્વાળા ઝાંઝરનો ઝનકાર.
લાંબો છેડો છાયલનો ને ગજરો ભારોભાર,
લટક મટકતી ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર.
લાંબો ડગલો ને મૂછો વાંકડી શિરે પાઘડી રાતી,
બોલ બોલતો તોળી તોળી છેલછબીલો ગુજરાતી.
અરે, તન છોટું પણ મન મોટું, છે ખમરવંતી જાતિ,
ભલે લાગતો ભોળો હું તો છેલછબીલો ગુજરાતી…
***********************************