જૂનાગઢ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટની વિરાણી હાઈસ્કૂલના પટાંગણમાં યોજાયેલ વિશાળ ખેડૂત મહાસંમેલનમાં રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાંથી ૫૦ હજાર કરતાં વધુ ખેડૂતો અને ખેતી સાથે જોડાયેલ માનવ મહેરાણ ઉમટી પડ્યા હતાં.
ખેડૂત મહાસંમેલનમાં ઉપસ્થિત જંગી જનમેદનીને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ અને તેની સરકાર ખેડૂત વિરોધી માનસિક્તા ધરાવે છે. ખેડૂતોને તેમની ખેત પેદાશના ભાવ વધુ મળે તે ભાજપને ખૂંચે છે. ખેડૂતોના હકના નાણાને છેતરામણી આભા ઉભી કરીને પ્રજાને લાગણીને ભાજપ છેતરે છે. એક બાજુ ટાટા, બીરલા, અદાણીને ને ટોકન ભાવે જમીનોની લ્હાણી કરી બીજી બાજુ ખેડૂતોને હકના પૈસા માટે કેન્દ્ર સરકાર પર ઢોળે છે. ગુજરાતમાં આપઘાતનો સીલસીલો ચાલુ છે. જે ૭૦૦૦ આપઘાતના આંકડાને આંબી ગયેલ છે. સૌથી વધુ આપઘાત સૌરાષ્ટ્રમાં થયાં છે. તેના ખેડૂતો પણ ભોગ બનેલ છે. કોંગ્રેસ યુ.પી.એ. સરકારે ખેડૂતોના ૧.૫૦ લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હતા. ગુજરાતની પ્રજા અને ખેડૂતો ભાજપના ૧૭ વર્ષના શાસનને અને તેમાં પણ છેલ્લા ૧૨ વર્ષના શાસનને ઓળખી ગયેલ છે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ ૫૦ હજાર કરોડનું વાવેતર કર્યું, મોદી સરકાર કહે છે કે, ખોટા આંકડા છે, વિમા માટે આંખ મીચામણાં કરે છે. ભારત સરકારે ૭૦૦ કરોડ આપ્યા તે નાણાં રાજ્ય સરકાર પાસે જમા છે. ખેડૂતોએ હક માટે મેદાનમાં આવવું પડશે. ભાજપ સરકાર સત્તામાં આવતા પહેલા ૧૬ કલાક વિજળીનો વાયદો કર્યો હતો પણ આજે ખેડૂતોને માત્ર ૬ કલાક વિજળી મળે છે.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાએ આક્રમક શૈલીમાં ખેડૂતોના હિતમાં સરકાર સામે લડત આપવાનુ આહવાન કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોના મતે ગાંધીનગરમાં સરકાર બેઠી છે. કોંગ્રેસ સરકાર ડાર્ક ઝોન કાઢી નાંખે છે. રેવન્યુ માફ કરેલ, યુ.પી.એ.ની સરકારે કપાસમાં ઢગલા મોઢે નાણાં આપેલ છે. ત્યારે ભ્રષ્ટાચારથી લથપથ ભાજપની રાજ્ય સરકાર, માત્ર ઉદ્યોગપતિઓને જ સાર સંભાળ રાખે છે. ખેડૂત સહિત આમ પ્રજાને હળાહળ અન્યાય કરેલ છે. લોકાયુક્તની લડાઈના સરકારે ૪૫ કરોડનો ધુમાડો કરેલ છે. જે પ્રજાના નાણાં છે.
કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શ્રી શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકારની તીવ્ર આલોચના કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનું સુત્ર હતું “જય જવાન-જય કિસાન” જેમાં ખેડૂતો અને દેશના જવાનોની હંમેશ કોંગ્રેસે ચિંતા કરી છે. જ્યારે બીજી બાજુ ભાજપે ધરતીપુત્ર તથા દેશના જવાનોની અવહેલના કરેલ છે. અગાઉ સરકાર દ્વારા જ ૭/૧૨, ૮/ક નો દાખલો, પાણી પત્રક તલાટી દ્વારા વાવેતરની વિગતો લખાતી, હવે સરકારમાં આવી કોઈ ન થવાને કારણે ખેડૂતોને તેમના હક્કના પાકવીમાના નાણાં મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ગુજરાતની ભાજપ સરકાર પાપ કર્મની ભાગીદાર બનેલ છે. ખેતરમાં વિજળી નથી. પાકિસ્તાનને વિજળી આપવાની ગુલબાંગો ફુંકવામાં આવે છે. “ઘરના ઘંટી ચાટે અને દુશ્મનો વિજળી” જેવું કામ ગુજરાતની સરકાર કરે છે.
પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલે ખેડૂત સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેતીની જમીન ઘટી ગઈ છે. નર્મદાનું સિંચાઈનું પાણી ખેડૂતોને મળતુ નથી. ખેડૂતો પર ખોટા કેસો કરવામાં આવે છે. વિજળી મોંઘી છે. ખેડૂત બેહાલ છે. ત્યારે સૌ સાથે મળીને ખેડૂતોના હક્ક માટે આંદોલન કરવું પડશે.
કેન્દ્રીય મંત્રીશ્રી તુષારભાઈ ચૌધરીએ વર્તમાન ભાજપ સરકારની તીવ્ર આલોચના સાથે ખેડૂત સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, તાલુકા કે જિલ્લા કે રાજ્ય કક્ષાએ ખેડૂતોનો અવાજ આ સરકાર સાંભળતી નથી. ખેડૂતોને અગાઉ તેના લાભો કોંગ્રેસના શાસનમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ આપવામાં આવતા હતા. ભાજપ સરકારના ભ્રષ્ટાચારી વહીવટના કારણે ખેડૂતોને સરકારી કચેરીમાં ધક્કા ખાવા પડે છે.
ગુજરાતના પ્રભારી શ્રી ગુરૂદાસજી કામતએ ધારદાર વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર માત્ર જુઠ્ઠા વચનો આપીને પ્રજાને ભરમાવે છે. ખેડૂતોના થતાં અન્યાયને કેન્દ્ર સરકાર સાંખી નહી લે, પાક વીમાના મુદ્દે સરકારે કેન્દ્રને સાચા રિપોર્ટ આપેલ નથી. કેન્દ્ર સરકાર માને છે કે, સાચો રીપોર્ટ આપવાની ફરજ ગુજરાત સરકારની છે. વણઝારાના પત્રની ગુજરાતની પ્રજાની આંખો ખુલી ગઈ છે. કાળી અને સફેદ દાઢીના કરતુતો હવે ખુલ્લા પડી ગયાં છે. સ્વતંત્રતાને “ગણતંત્ર” કહેનાર લાલ કિલ્લા પર ભાષણ કરવાના “દિવા સ્વપ્ન” જુએ છે. જો સરકાર સાચો રીપોર્ટ આપશે, તો કેન્દ્રની જવાબદારી છે. ખેડૂતોને ન્યાય મળશે.
ગુજરાતના સહ પ્રભારી શ્રી અશ્વિની શેખરીજીએ જણાવ્યું હતું કે, અત્રે ૫૦ હજારથી વધુ જનમેદનીને સલામ છે. દુનિયાનો સૌથી વધુ “ફેકુ” ગુજરાતની પ્રજાને છેતરે છે. ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવશે. તો મફત વિજળી આપવામાં આવશે, ખેતરોના મીટરો કાઢી નાંખવામાં આવશે. મનરેગા દ્વારા રોજગારીનો હક ગ્રામ્ય જનતાને અસરકારક્તાથી આપવામાં આવશે.
ખેડૂત સંમેલનમાં-સાંસદ શ્રી કુવરજીભાઈ બાવળીયા, વિક્રમ માડમ, સોમાભાઈ પટેલ, તથા ધારા સભ્યશ્રી પરેશ ધાનાણી, રાઘવજી પટેલ, બાવકુભાઈ ઉઘાડ, તેજશ્રીબેન પટેલ, ભોળાભાઈ ગોહિલ, જશાભાઈ બારડ, પુંજાભાઈ વંશ, જાવેદ પીરઝાદા, શૈલેષ પરમાર વિગેરેએ ઉદબોધન કરેલ હતું.
કાર્યક્રમના નિરીક્ષક પૂર્વમંત્રીશ્રી ચંદ્રિકાબેન ચુડાસમા, ભીખુભાઈ વારોત્તરીયા, શ્રી વી.વી. રબારી,મોહમંદ હુસેન બલોચ, પૂર્વ સાંસદશ્રી વિરજી ઠુમ્મર, બ્રિજેશ મેરઝા, સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ખેડૂત મહાસંમેલનનું સફળ સંચાલન ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કર્યું હતું.