Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

…પતંગિલુ આકાશ

 

પતંગોના ફૂવારે થયુ રંગીલુ આકાશ.

સૂરોના સથવારે થયુ સૂરીલુ આકાશ.

 

ઝિંઝવાં,ચીકી ‘ને ચિંચીયારીઓ વચ્ચે,

‘કાંઈપો છે’-થી થયુ મોજીલુ આકાશ.

 

આંખોમાં તડકા ભરીને ઉમટ્યું યૌવન,

નજર ટકરાઇ ‘ને થયુ મસ્તીલુ આકાશ.

 

ધારદાર નજરોની દોરથી ચીરાયુ ભિતર,

‘ને હુંફાળા સ્પર્શે થયુ ગમતીલુ આકાશ.

 

તુક્ક્લના સુસવાટામાં ધ્રુજતી હડપચી,

હાથોમાં હાથ લૈ માણ્યું બર્ફિલુ આકાશ.

 

કાચની દિવાલો વચ્ચે લરજે ‘આરઝુ’,

કોઇ પાછુ આપો મારુ પતંગિલુ આકાશ.

 

રાજેશ જોશી “આરઝુ”

લખ્યા તારિખ – ૧૪/૦૧/૨૦૧૫

લખ્યા સમય – ૧૦-૩૦ સવારે.

નુતનપ્રભાત

ક્યાંક રણમાં પણ સરવાણી મળે.
ક્યારેક સમંદર સાવ ખાલી મળે.

યાદ આવી પરથમની મુલાકાત,
હૈયે પુનમ રાત રઢીયાળી મળે.

લંબાવુ જો હાથ હમદર્દીથી મારો,
તો હાથને બદલે હાથતાળી મળે.

ફંફોસી જો સંદુક સ્મરણોની જરા,
તસ્વીર એની જરી-પુરાણી મળે.

અમાસ ઓઢી ‘ને પોઢી તો જાઉ,
ત્યાં હજાર દિવાની દિવાળી મળે.

એમ ‘આરઝુ’ આશ નંદવાય ના.
નુતનપ્રભાત તો અંજવાળી મળે.

રાજેશ જોશી ‘આરઝુ’

લખ્યા તારિખ ; ૨૭-૯-૨૦૧૧                લખ્યા સમય ; ૧૧.૧૧ સવારે.

વર્ષગાંઠે

શબ્દોનાં પુષ્પો આપ્યા’તા, વર્ષગાંઠે.
શબ્દોમાં મોતીઓ મઢ્યા’તા વર્ષગાંઠે.

ન્હો’તી કેક, કાર્ડ કે આડંબરી ગુલદસ્તાં,
બસ, ભિંતરમાં ભાવ ભર્યા’તા વર્ષગાંઠે.

દોસ્ત હતાં આપણે, દોસ્ત રહ્યાં આજસુધી,
અંતરના ઉમળકાથી આવકાર્યા’તા વર્ષગાંઠે.

કેટલાયે ચડાવ ઉતાર પાર કર્યા આપણે,
છતાંય તમે યાદ આવ્યા’તા વર્ષગાંઠે.

લાખ કોશિશ છતા, ‘આરઝુ’ તુટી ગયા,
પાંપણે કેવા બંધ બાંધ્યા’તા, વર્ષગાંઠે.

રાજેશ જોશી ‘આરઝુ’

Design a site like this with WordPress.com
શરૂ કરો