શિક્ષકદિન નીમીત્તે હાર્દીક શુભેચ્છા…. ૫મી સપ્ટેમ્બર – ર૦૧૩,

આજે શિક્ષકદિન. ભારતના બીજા ક્રમાંકે રાષ્ટ્રપતિ રહી ચૂકેલ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં આ દિન દાયકાઓથી ઉજવાય છે. શિક્ષકદિન નીમીત્તે હાર્દીક શુભેચ્છા….

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્નો જન્મ ૫ સપ્ટેમ્બર ૧૮૮૮ના રોજ તમિલનાડુના તિરુત ગામે થયો હતો. આ મહાપુરૂષે પોતાની કારકિર્દીનો પ્રારંભ શિક્ષકની નોકરીથી કર્યો હતો અને દેશના સર્વોચ્ચ ( રાષ્ટ્રપતિ ) પદે પહોંચ્યા હતા. આથી શિક્ષકનું ગૌરવ વધારનાર આ દિવસને શિક્ષકદિન તરીકે મનાવવામાં આવે છે. તેથી મારા મત મુજબ દરેક શિક્ષકે એવો સંકલ્પ કરવો જોઇએ કે પોતે ભારતના રાષ્ટ્રપતિ ન બની શકે તો કાંઇ નહી પરંતુ વિદ્યાર્થીઓને એવુ શિક્ષણ આપે કે જેથી પોતાના વિદ્યાર્થીઓ માટે આદર્શ શિક્ષક જરૂર બની શકે અને પોતાના વિદ્યાર્થીઓને આદર્શ નાગરિક અને રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવા સક્ષમ બનાવી શકે. – શિક્ષકદિન નીમીત્તે હાર્દીક શુભેચ્છા…. ૫ સપ્ટેમ્બર ર૦૧૩,

– દેવાંક્ષી ઉનડકટ
સહતંત્રી – શરૂઆત દૈનિક, અખબાર ભવન.ગિરનાર રોડ, જુનાગઢ

અમાસે પીપળે પાણી રેડી પિતૃઓને તર્પણ કરવા જુનાગઢમાં દામોદર કુંડ ખાતે પિતૃતર્પણ માટે દોઢ લાખ ભાવિકોનું આગમન

જુનાગઢ :

જુનાગઢમાં દામોદર કુંડ ખાતે  પિતૃતર્પણ માટે તા.૫-૦૯-૨૦૧૩ ગુરૂવારે આજે વહેલી સવારથી ભાવિકોનું આગમન શરૂ થયુ છે અને અમાસે પીપળે પાણી રેડી પિતૃઓને તર્પણ કરવા માટે દોઢ લાખ  ભાવિકોએ સ્‍નાન કરી પિતૃઓને તર્પણ‍ વિઘી કરી છે. હિંદુ ધર્મ ગ્રંથ મુજબ ચારધામ કે અન્‍ય ધાર્મિક યાત્રા કર્યા બાદ જયાં સુધી ગિરીનગર જુનાગઢમાં ગરવા ગિરનારના સાનિધ્‍યે આવેલ પવિત્ર દામોદર કુંડમાં સ્‍નાન કરવામાં ન આવે ત્‍યાં સુધી ભાવિકની ધાર્મિક યાત્રા પુર્ણ થતી નથી તેવી ધાર્મિક માન્‍યતા પ્રવર્તે છે. આમ અનેક રીતે ધાર્મિક મહત્તા ધરાવતા દામોદર કુંડ ખાતે સ્‍નાન કરી અને કુંડના કાંઠે બિરાજતા પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કરાવવુ ખુબજ મહાત્‍મ્‍ય છે. એમાય ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે અમાસના દિવસે દામોદર કુંડ ખાતે પાણી રેડવા માટે દેશના ખુણે-ખુણેથી ભાવિકો ઉમટી પડે છે.

 ભાદરવી (શ્રાવણી) અમાસના રોજ  આ વર્ષની કુશ ગ્રાહિણી અમાસ નિમિતે જુનાગઢમાં દામોદર કુંડના પવિત્ર જળમાં સ્‍નાન કરી પાવન થઇને કુંડના કાંઠે આવેલ પીપળો અને તુલસીના વૃક્ષના પાણી રેડી પિતૃ તર્પણ કરવા માટે આજે શ્રાવણ વદ તેરસની વહેલી સવારથી ભાવિકોનું આગમન શરૂ થયુ છે. આ દિવસો દરમ્‍યાન દામોદર કુંડ વિસ્‍તારમાં વ્‍યવસ્‍થા તેમજ ટ્રાફિક નિયમન જળવાય રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પુરતો પ્રબંધ કરવામાં આવેલ છે.

આ વર્ષ વ્‍યાપક વરસાદથી ગિરનાર જંગલના પર્વતમાંથી આવતુ પાણી દામોદર કુંડમાં ખળાખળ વહી રહ્યુ છે. શુધ્‍ધ જળમાં સ્‍નાન કરી અને પીપળે પાણી રેડવા અલભ્‍ય લ્‍હાવો પ્રાપ્‍ત થશે. આજે શ્રાવણ વદ તેરસ અને ચૌદશ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ એટલે કે અમાસના પાવન દિવસે દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ માટે ભાવિકોનો ખુબજ ઘસારો રહેશે.

ઓપન સૌરાષ્ટ્ર સોલો ડાન્‍સ, ગ્રુપ ડાન્‍સ, ડુએટ, કલાસીકલ, સ્‍પેશ્‍યલ મોમ્‍સ ડાન્‍સ કોમ્‍પીટીશનનું આયોજન

જુનાગઢ  

જુનાગઢ જેસીઆઇ મહિલા મેમ્‍બર શ્રીમતી અલ્‍પાબેન ઉનડકટે જણાવ્‍યુ છે કે, ભારત દેશ અને રાજયભરમાં ડાન્‍સીંગ ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર અને જુનાગઢ જીલ્લાનું નામ રોશન થાય તેવા શુભ આશયથી શ્રી જેસીઆઇ મહિલા તેમજ જેસીઆઇ મેમ્‍બર આયોજીત તમામ સમાજના બાળકો ભાગ લઇ શકે તેવા હેતુથી ઓપન સૌરાષ્ટ્ર ડાન્‍સ કોમ્‍પીટીશન રાખેલ છે. આ ડાન્‍સ કોમ્‍પીટીશનમાં ૩ ગ્રુપ રાખેલ છે. જેમાં ૩ થી ૧૦ વર્ષ અને ૧૦ થી ૧૬ વર્ષ તેમજ ૧૭ વર્ષથી ઉપરના લોકો ભાગ લઇ શકશે. દરેક સ્‍પર્ધકને સર્ટીફીકેટ અપાશે. આ ડાન્‍સ કોમ્‍પીટીશનમાં સોલો ડાન્‍સ, ગ્રુપ ડાન્‍સ, ડુએટ, કલાસીકલ, સ્‍પેશયલ મોમ્‍સ ડાન્‍સ કોમ્‍પીટીશન રાખેલ છે.

આ ડાન્‍સ કોમ્‍પીટીશન તા. ૧૧-૯ ના રોજ સેમી ફાઇનલ આઇ. એમ. એ. હોલ ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે રખાશે. જયારે તા. ૧પ-૯ ના રોજ ફાઇનલ ટાઉન હોલ, જુનાગઢ ખાતે રાખેલ છે.

ફોર્મ મેળવવાનું સ્‍થળ :- અલ્‍પાબેન ઉનડકટ અખબાર ભવન, ગિરનાર રોડ, જુનાગઢનો. ૯૮૭૯પ ૪૦૭૭૧, ૯૪ર૭૯ ૭૪૮૮૧, ડો. સીમાબેન પીપલીયા સ્‍પર્સ ફિજીયોથેરાપીક કલીનીક, નહેરૂ પાર્ક સોસા. ગરબી ચોક મો. ૯૮રપ૬ ૩પ૩૩૩, શ્રી દીલ આહુજા મારવેલસ ડાન્‍સ એકેડેમી, કાળવા ચોક, સીટી સ્‍ટાર કોમ્‍લેક્ષ પારો, ફોન નં. ૯૯૭૪૯ ૮૧૧૩૩, જુનાગઢ

સફળ બનાવવા જેસી અરવિંદભાઇ સોની અને જયશ્રીબેન સંઘવી, જાનવીબેન ભૈરવાની, ડો. સીમાબેન પીપલીયા, કેતન ચોલેરા, રઘુ ખીમાણી, વિજય ચાવડા, કેતનભાઇ રાજપરા, પ્રકાશ ચૌહાણ, યતીન કારીયા, કિશોરભાઇ ચોટલીયા, કમલભાઇ સેજપાલ અને અલ્‍પાબેન ઉનડકટે પ્રયાસ હાથ ધરેલ છે.

લોહાણા મહાપરિષદનું ઐતિહાસિક અઘિવેશન આગામી તા.૨૮, ૨૯-૦૯-ર૦૧૩ના રોજ જૂનાગઢ શહેરમાં યોજાશે.

જૂનાગઢ

મહાપરિષદના પ્રમુખ યોગેશભાઇ લાખાણીના અધ્યક્ષસ્થાને લોહાણા મહાજન વાડી જૂનાગઢ ખાતે ગત તા. ૩૧-૦૮-ર૦૧૩ના રોજ એક મીટીંગ મળેલ તેમાં જૂનાગઢ ખાતે લોહાણા મહાપરિષદનું ઐતિહાસિક અઘિવેશન આગામી તા.૨૮, ૨૯-૦૯-ર૦૧૩ના રોજ મળનાર છે તે અંગે વિવિઘ સુચનો કરાયા હતા.

આ બેઠકમાં લોહાણા મહાપરિષદ પ્રમુખ યોગેશભાઇ લાખાણીએ તેમજ મહાપરિષદની કોરોબારીના તેમની સાથે આવેલા તમામ સભ્‍યોશ્રીએ જૂનાગઢ લોહાણા મહાજનના તમામ સભ્‍યોને તેમજ જૂનાગઢના લોહાણા અગ્રણીઓને અભિનંદન પાઠવીને કહયું હતું કે, મહાપરિષદનું ઐતિહાસિક અઘિવેશન બોલાવવાનું અમોને આમંત્રણ આપી આમંત્રીત કરાયા તે માટે અભિનંદન, લોહાણા સમાજના ઉત્કર્ષ માટે એક એક સમાજ અગ્રણી કટીબઘ્‍ઘ બન્‍યો છે.

સમાજના હિરલાઓને ‘સ્પેશિયલ એવોર્ડ’ઓ, પુસ્તકો , મોમેન્ટો, અર્પણ કરી, જ્ઞાતિને એકતાના તાંતે બાંધવા હાકલ કરી હતી અને સેવા, સહકાર, સંગઠન અને શિક્ષણના માધ્યમથી જ્ઞાતિને ગોરવવંતી બનાવવા ઉપસ્થિત જ્ઞાતિ શ્રેષ્ઠિઓને અપીલ કરવામાં આવી હતી. આગામી અધિવેશન જૂનાગઢ ખાતે યોજાશે તેવું જણાવ્યું હતું. આ જાહેરાત કરવાની સાથે જ તેને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યો હતો.

જૂનાગઢ લોહાણા મહાજન પ્રમુખ મહેન્‍દ્ભાઇ મશરુ અને જુનાગઢ મહાજન કારોબારી ટીમ દ્વારા મહાપરિષદના હોદ્દેદારોનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. 

આ બેઠકમાં પ્રમુખ, વરિષ્ઠ ઉપપ્રમુખ, ટ્રસ્ટી, રાષ્ટ્રીય ઉપપ્રમુખ તેમજ મહાપરિષદની વિવિધ સમિતિના અધ્યક્ષ હાજર રહ્યા હતા. ‘અખિલ વિશ્વ લોહાણા મહાપરિષદ’ની કારોબારી બેઠક મહાપરિષદના પ્રમુખ યોગેશભાઇ લાખાણીના અધ્યક્ષસ્થાને અને જૂનાગઢ લોહાણા મહાજનના યજમાનપદે શનિવારે જૂનાગઢ શહેર ખાતે યોજાવામાં આવી હતી. જેમાં શહેરના રઘુવંશી આગેવાનો – ઉદ્યોગપતિ – વેપારી અગ્રણી, લોહાણા સમાજની વિવિધ સંસ્‍થાના અગ્રણી, બહુ મોટી સંખ્યામાં લોહાણા મહાજનો અને જ્ઞાતિ શ્રેષ્ઠિઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને હાજરી આપી હતી.

 જૂનાગઢ ખાતે લોહાણા મહાપરિષદ ઐતિહાસિક અઘિવેશન આગામી તા.૨૮, ૨૯-૦૯-ર૦૧૩ના રોજ મળનાર છે તેને સફળ બનાવવા લોહાણા મહાજન પ્રમુખ મહેન્‍દ્ભભાઇ મશરુ, શરદભાઈ આડતીયા, ગિરીશભાઈ કોટેચા, વિનુભાઈ હિંડોચા, અમુભાઈ કારીયા, આશીસભાઈ કારીયા, જુનાગઢ શ્રીલોહાણા મહિલા મંડળના પ્રમુખ અલ્‍પાબેન ઉનડકટ, રસીલાબેન સોઢા, પ્રતિબેન સાંગાણી વિગેરેએ પ્રયાસો હાથ ઘરેલ છે.

સોમનાથ આવતાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી માટે લોકોમાં ઉત્‍સાહ ખારવા સમાજ તેની બોટો દરીયામાં લઇ જઇને સોમનાથ આકારની પ્રતિકૃતિ બનાવશે.

જુનાગઢ,

જુનાગઢ મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરથી તા.૨/૯/૧૩ના રોજ નિકળીને હેલીકોપ્ટર દ્વારા સોમનાથ ખાતે સવારે ૯.૪૫ કલાકે પહોચી સોમનાથ મંહાદેવની પૂજા અર્ચના-દર્શન કરી ધ્‍વજારોહણ પ્રસંગે ઉપસ્‍થીત રહેશે બાદમાં ૧૦.૪૫ કલાકે યોજાયેલ અભિવાદન કાર્યક્રમમાં સંબોધન કરશે, આ પ્રસંગે ગીર-સોમનાથ જીલ્લાના ઉધોગ જગતના, વેપારી સમાજના, ખારવા સમાજ, માછીમાર બોટ એસો. તેમજ વર્ષોથી વેરાવળ ખાતે રહેતા કેરલીયન ,મહારાષ્‍ટ્ર રાજસ્‍થાની  સમાજના વિવિધ આગેવાનો દ્રારા મુખ્‍ય મંત્રીશ્રીનું અભિવાદન કરાશે.

      આ અભિવાદન કાર્યક્રમમાં સાંસદશ્રી દિનુભાઇ સોલંકી, પૂર્વ ધારાસભ્‍યશ્રી રાજશીભાઇ જોટવા, જીલ્‍લા ભાજપના પ્રમુખ શ્રીઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ સાંસદશ્રી ગોરધનભાઇ જાવીયા વેરાવલના સમસ્‍ત ખારવા સમાજ, માછીમાર સમાજ તથા બોટ એસોસીએશનના પ્રમુખો સમાજ શ્રેષ્‍ઠીઓ મુખ્‍યમંત્રીશ્રીનુ અભિવાદન કરશે.

     આ અભિવાદન સમારંભમાં રાજયના કૃષિ, પાણી પુરવઠા મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા, કૃષિ રાજય મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ, રાજય કક્ષાના શિક્ષણ મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો વસુ બહેન ત્રિવેદી, પણ  ઉપસ્‍થીત રહેશે

      આ પ્રસંગે સમગ્ર શહેરને સુશોભીત કરવામાં આવ્‍યુ છે. નવરચીત ગીર સોમનાથ જીલ્‍લાના સમગ્ર  લોકોમાં અનેરો ઉત્‍સાહ જાગ્‍યો છે. આ પ્રસંગે સમસ્‍ત ખારવા સમાજ તેની બોટો દરીયામાં લઇ જઇને સોમનાથ આકારની  પ્રતિકૃતિ બનાવી લોકોમાં અનેરૂ આકર્ષણ પુરુ પાડશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે જીલ્‍લા કલેકટરશ્રી સીપી. પટેલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિલીપ રાણા, એસ પી શ્રી  સૌરભ તોલંબીયાની આગેવાનીમાં સમગ્ર તંત્ર કટીબધ્ધ થયુ છે.

                                       ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

ગોતા ખાતે ૬૨૨ લાભાર્થીઓએ આરોગ્‍ય મેળાનો લાભ લીધો

અમદાવાદ

ગોતા ખાતે અમદાવાદ મ્‍યુ. કોર્પોરેશન દ્વારા આયોજીત આરોગ્‍ય મેળાનો ૬૨૨ લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાંથી ૮૭ લાભાર્થીઓને પુન: વધુ સારવાર માટે શહેરની હોસ્‍પિટલમાં મોકલવામાં આવશે.

જિલ્‍લા પ્રભારી મંત્રીશ્રી અને મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આરોગ્‍યમેળાની મુલાકાત લઇ લાભાર્થીઓ અને ફરજ પરના કર્મીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આરોગ્‍યમેળાના નિરીક્ષણમાં તેમણે ઉપસ્‍થિત લાભાર્થીઓને હૂંફ પૂરી પાડી યોગ્‍ય તકેદારીથી આરોગ્‍ય સાચવવા પર ભાર મૂક્યો હતો.

આરોગ્યમેળામાં મેડીસીન, બાળરોગ, હાડકા, પ્રસૂતિ, ચામડી, સર્જરી, હોમિયોપેથી, આંખ-કાન-ગળા અને આયુર્વેદ વિભાગના સ્‍ટોલ પર લાભાર્થીઓએ સારવાર લીધી હતી. જેમાં ૩૧ મેડીસીન, ૧૨ સર્જરી અને ૧૨ હોમિયોપેથી સહિત કુલ ૮૭ લાભાર્થીઓને પુન: વધુ સારવારનો લાભ આપવામાં આવશે એમ રોગચાળા વિભાગના ઇન્‍ચાર્જ નાયબ આરોગ્‍ય અધિકારી શ્રી ભરતભાઇ બોડાએ જણાવ્‍યું હતું.

આરોગ્‍યમેળામાં મંત્રીશ્રી સાથે મેયર મીનાક્ષીબેન પટેલ, અમદાવાદ મ્‍યુ. કોર્પોરેશન કમિટીના ચેરમેન સર્વશ્રીઓ, કોર્પોરેટર સર્વશ્રી અને કાઉન્‍સિલરશ્રીઓ હાજર રહ્યા હતા.

સાબરમતી રીવરફ્રન્‍ટના પુન:સ્થાપિત લાભાર્થીઓ માટે રૂ. ૯.૫૦ કરોડનો ચેક અર્પણ

સરકારી આવાસ યોજનાના મકાનને બહેનો ઘર બનાવી  વસવાટ કરશેઃ આનંદીબેન પટેલ

અમદાવાદ

પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય આવાસ યોજના હેઠળ સાબરમતી રીવરફ્રન્‍ટના પુનઃસ્‍થાપિત ૨૧૧૨ લાભાર્થી કુટુંબો માટે રૂ. ૯.૫૦ કરોડના ચેક વિતરણનો કાર્યક્રમ શેઠ મંગળદાસ  ટાઉનહોલ ખાતે યોજાયો હતો.

સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્‍યાણ, ગાંધીનગરના ઉપક્રમે સાબરમતી રીવરફ્રન્‍ટ, અમદાવાદના અસરગ્રસ્તોના પુન:સ્‍થાપન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાકા મકાનો બનાવી પુન: સ્થાપિત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગોના કુટુંબો માટેનો ચેક મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલને અર્પણ કરવામાં આવ્‍યો હતો.

કાર્યક્રમના અધ્‍યક્ષસ્‍થાનેથી મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્‍યું હતું કે, સરકારી આવાસ યોજનાના મકાનને બહેનો ઘર બનાવી વસવાટ કરશે. પ્રજાનું ચિંતન અને ચિંતા કરનાર ગુજરાત સરકાર ગરીબો સર્વાંગી વિકાસ કરવા સક્રિય છે. સમાજના દરેક વર્ગના લોકોને શિક્ષિત અને સ્‍વસ્‍થ કરવાનું અભિયાન સરકાર ચલાવી રહી છે.વંચિતોના વિકાસને વરેલી સરકાર પ્રજાને તમામ પ્રાથમિક સગવડો સાથે શૈક્ષણિક સગવડો અને રોજગારી પૂરી પાડવા કટિબદ્ધ છે.

આ પ્રસંગે તેમણે બે લાખ સુધીની વિનામૂલ્‍યે તબીબી સારવાર પૂરી પાડતી મુખ્‍યમંત્રી અમૃતમ્ યોજનાનો લાભ લેવા જણાવ્‍યું હતું. તેમણે નાગરિકોને વૃક્ષ વાવો, વધુ ભણો અને યુવાનોને રોજગારલક્ષી તાલીમ અપાવવા અપીલ કરી હતી.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી રમણલાલ વોરાએ જણાવ્‍યું હતું કે, ગરીબોને ઘરઆપવા સરકાર કટિબદ્ધ છે. પ્રત્‍યેક ગરીબને ઘરના સંકલ્પને સાકાર કરતી ૧૯ આવાસ યોજનાઓ પૈકી સરકારે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય આવાસ યોજના હેઠળ વર્ષમાં કુલ રૂ. ૩૩ કરોડની સહાય કરવામાં આવી છે. વસંત ગજેન્‍દ્રનગર, સ્‍વર્ણિમનગર, સિકંદરબખ્‍ત નગર, સદભાવના નગર જેવી ૧૯ આવાસ યોજના હેઠળ સરકારે ગરીબોના આવાસનું લક્ષ્‍ય હાંસલ કર્યું છે. આ વર્ષે ૨૧૧૨ લાભાર્થી કુટુંબોને રૂ. ૯.૫૦ કરોડની સહાય સહિત કુલ ૧૨ હજાર કુટુંબોને વૈકલ્‍પિક આવાસોની ફાળવણી કરી છે.

અમદાવાદના મેયર મીનાક્ષીબેન પટેલે સ્‍વાગત પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશન કુટુંબદીઠ બેરૂમ રસોડાવાળા પાકા વૈકલ્‍પિક આવાસો સાબરમતી રીવરફ્રન્‍ટ ડેવલપમેન્‍ટ પ્રોજેક્ટ તથા કાંકરિયા લેઇક ફ્રન્‍ટ પ્રોજેક્ટ અન્‍વયે ૧૨ હજારથી વધુ શહેરી ગરીબોને ફાળવશે.

આ પ્રસંગે કાયદા મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, શ્રી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અગ્ર સચિવશ્રી  સંજય પ્રસાદ, મ્‍યુનિસિપલ કમિશનરશ્રી ડૉ. ગુરુપ્રસાદ મહાપાત્ર, સંસદસભ્‍યશ્રી ડૉ. કિરીટ સોલંકી, ૨૦ મુદ્દા અમલીકરણ કાર્યક્રમ અધ્‍યક્ષશ્રી કૌશિકભાઇ પટેલ, ધારાસભ્‍યશ્રી રાકેશ શાહ, વિકસતિજાતિ નિયામકશ્રી કે. જી. વણઝારા, ડે. મ્‍યુ. કમિનશનરશ્રી એમ. થેન્‍નારસન તેમજ વિશાળ સંખ્‍યામાં પ્રજાજનો ઉપસ્‍િથત રહ્યા હતા.

નેશનલ ઓરીએન્‍ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામ ફોર પેટાન્‍કયુ રેફરી કેમ્‍પનું સમાપન

રાજ્યમાં પેટાન્‍કયુ રમત પ્રત્‍યે લોકોની રૂચિ વધે તે માટે  સરકાર પ્રયત્‍નશીલ છેઃ શ્રી રમણલાલ વોરા

અમદાવાદ
સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત તથા પેટાન્‍કયુ ફેડરેશન ઓફ ઇન્‍ડિયાના સંયુકત ઉપક્રમે અમદાવાદ ખાતે નેશનલ ઓરીએન્‍ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામ પેટાન્‍કયુ રેફરી કેમ્‍પનું આજે સમાપન થયું હતું. ભાગ લેનારા તમામને પ્રમાણપત્ર મંત્રીશ્રીના હસ્‍તે અપાયા હતા.

કાંકરીયા સ્‍થિત અંબુભાઈ પુરાણી વ્‍યાયામ વિદ્યાલય ખાતે યોજાયેલી ત્રિ-દિવસીય કેમ્‍પનું સમાપન કરતાં યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી રમણલાલ વોરાએ જણાવ્‍યું હતું કે, રમત ગમતને ગુજરાત સરકારે પ્રાધાન્‍ય આપ્‍યું છે. રાજ્યનો રમતવીર રાષ્‍ટ્રીય કક્ષાએ તેનું હીર ઝળકાવી શકે તે માટે ગુજરાત સરકારે ખેલ મહાકુંભનું આયોજન કર્યું છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં પેટાન્‍કયુ રમતનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં આ રમત પ્રત્‍યે લોકોની રૂચિ વધે તે માટે ગુજરાત સરકાર પ્રયત્‍નશીલ છે. રાજ્યમાં રમત ગમતના વિકાસ માટે હાથ ધરાયેલા પ્રયાસોની રૂપરેખા આપતાં જણાવ્‍યું હતું કે, રાજ્યનો કોઇ પણ રમતવીર આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ ભાગ લઇ શકે તે માટે ગુજરાત સરકાર તમામ રીતે સહાયરૂપ થાય છે.

પેટાન્‍કયુ ગુજરાતના પ્રમુખ શ્રી ગિરીશભાઈ પરમારે જણાવ્‍યું હતું કે, પેટાન્‍કયુ રમત એ આંતરરાષ્‍ટ્રીય રમત છે. આ રમતનું વૈશ્વિક મથક ફ્રાન્‍સમાં છે. જયારે ભારતમાં છેલ્લા સાત વર્ષથી આ રમત રમાય છે. આગામી નવેમ્‍બર માસથી સ્‍કૂલ ગેમમાં પણ તેનો સમાવેશ થાય તે માટે પ્રયાસો કરાયા છે.

આ કેમ્‍પમાં દેશભરમાંથી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે જિલ્‍લા રમત ગમત અધિકારી શ્રી બળદેવભાઈ, આ રમત સાથે સંકળાયેલા અન્‍ય તજજ્ઞો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

સાત ફેરા સમૂહ લગ્ન અને કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત ૫૯ કન્‍યાઓને ચેક વિતરણ

ગરીબ પછાત વર્ગોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છેઃ શ્રી રમણલાલ વોરા

અમદાવાદ

ગરીબ પરિવારોને સહાયરૂપ થવા ગુજરાત સરકાર દ્વારા અમલી બનાવાયેલી સાત ફેરા સમૂહ લગ્ન તથા કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત ૫૯ જેટલી કન્‍યાઓનો પ્રત્‍યેકને રૂ. ર૦,૦૦૦/-ના ચેક આજે મંત્રીશ્રીઓના હસ્‍તે અપાયા હતા. 
સરગરા વિકાસ પરિષદ, અમદાવાદ આયોજીત સમારોહમાં બોલતાં સમાજકલ્‍યાણ અને સમાજસુરક્ષા મંત્રી શ્રી રમણલાલ વોરાએ જણાવ્‍યું હતું કે, ગરીબ-પછાત વર્ગોના સર્વાંગી ઉત્‍કર્ષ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે.
સાત ફેરા સમૂહ લગ્ન અને કુંવરબાઇનું મામેરૂ યોજનાની જાણકારી આપતાં મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, ગરીબ-પછાત લોકોને લગ્‍નના ખર્ચમાં સહાયરૂપ થવા રાજ્ય સરકારે આ યોજના અમલી બનાવી છે, ત્‍યારે તેનો મહત્તમ લાભ લઇ સમૂહલગ્‍નમાં જ લગ્‍ન કરીને આર્થિક સંકડામણથી બચવું જોઇએ. મંત્રીશ્રીએ ગરીબ કલ્‍યાણ મેળામાં અપાતા લાભો ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અમલી વિકાસલક્ષી, કલ્‍યાણકારી યોજનાઓની જાણકારી આપી હતી.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, ગરીબ પરિવારોના ઘરના ઘરનું સ્‍વપ્ન પ્રવર્તમાન ગુજરાત સરકારે સાકાર કર્યું છે. ગરીબ પછાત વર્ગના જે લોકો કાચા મકાનમાં રહે છે ત્‍યાં પાકા મકાન બનાવી આપવા રાજ્ય સરકારે કામગીરી હાથ ધરી છે.
જમાલપુર-ખાડીયાના ધારાસભ્‍ય શ્રી ભૂષણ ભટ્ટે જણાવ્‍યું હતું કે, મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સૌનો સાથ- સૌનો વિકાસ મંત્ર સાચા અર્થમાં પરિણામલક્ષી બનાવ્‍યો છે. વિકસતી જાતિના નિયામક શ્રી કે. જી. વણઝારાએ ગરીબ-પછાત વર્ગો માટે અમલમાં મુકાયેલી યોજનાની ટૂંકી રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે અમદાવાદના સંસદસભ્‍ય ર્ડા. કિરીટભાઈ સોલંકી, ઔડાના ચેરમેન શ્રી ધર્મેન્‍દ્ર શાહ, સરગરા મહાસભાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી સોમાજી ચૌહાણ, અગ્રણી શ્રી છગનજી અસરસા, સરગરા વિકાસ પરિષદ, અમદાવાદના પ્રમુખ શ્રી ઇશ્‍વરભાઈ ભુરા, મહામંત્રી શ્રી ભરતભાઈ ભાટી, અન્‍ય અગ્રણીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

નવરચિત મોરબી જિલ્‍લાનો ગરિમાપૂર્ણ અભિવાદન સમારોહ સંપન્ન

ગતિશીલ વિકાસ માટે વહીવટના વિકેન્‍દ્રીકરણનો ઉત્તમ માર્ગ ગુજરાતે બતાવ્‍યો – નરેન્‍દ્રભાઈ મોદી

મોરબી
મુખ્‍ય મંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ નવરચિત મોરબી જિલ્‍લાનો ગરિમામય શુભારંભ કરાવતાં જાહેર કર્યું હતું કે, ગતિશીલ વિકાસ અને જનશક્તિને વિકાસમાં ભાગીદાર બનાવવા ઉત્તમ વહીવટી વિકેન્‍દ્રીકરણ ગુજરાતે કર્યું છે. ભારતના વિકાસ માટે ગુજરાત જે રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ ગુજરાતની જનતાને જે નરી આંખે દેખાય છે તે ગુજરાત વિરોધીઓને દેખાતું નથી.
મોરબીના શહેરી ગરીબો માટે રૂ. ર૫ કરોડના ખર્ચે ૧૦૦૮ પાકાં આવાસો બાંધવાના પ્રોજેકટની નવા જિલ્લાના શુભારંભ અવસરે મુખ્‍ય મંત્રીએ ભેટ આપી હતી.
નાના જિલ્‍લાઓ અને વહીવટી વિકેન્‍દ્રીકરણથી જનશાસન વધુ લોકાભિમુખ અને વેગવંતું બનશે એની ખાતરી ૫ણ આપી હતી.
મુખ્‍ય મંત્રીશ્રીએ ૧૫મી ઓગસ્‍ટના આઝાદી પર્વથી ગુજરાતમાં સાત નવા જિલ્‍લાની રચના કરી છે અને મોરબી ખાતે આજે શ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું આગમન થતાં જ સમગ્ર મોરબી શહેર આનંદોત્‍સવમાં રમમાણ બની ગયું હતું.
મોરબી જિલ્‍લામાં રાજકોટ જિલ્‍લામાંથી મોરબી, વાંકાનેર, ટંકારા, માળિયા-મિયાણા, જામનગર જિલ્‍લામાંથી જોડીયા અને સુરેન્‍દ્રનગર જિલ્‍લામાંથી હળવદ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. નવરચિત જિલ્‍લાના ૩૫૭ ગામોની કુલ વસતિ નવ લાખ ૪૮ હજાર ૮૪૬ અને વિસ્‍તાર ર,૯૭,ર૮૭.૧ ચો.કિ. થાય છે.
શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની જિલ્‍લાનો સહુ નાગરિક સંસ્‍થાઓ, મંડળો, સ્‍વૈચ્‍છિક સંગઠનોએ અભિવાદન પ્રતિકરૂપે રજતતુલા કરવામાં આવી હતી. મુખ્‍ય મંત્રીનું અભિવાદન કરવા ૧૦૦થી વધુ સંસ્‍થાઓ અને આગેવાન-પ્રતિનિધિઓએ સન્‍માન કર્યું હતું. સમગ્ર નગર-રૂટ ઉપર હજારોની સંખ્‍યામાં નાગરિક સમુદાયો અભૂતપૂર્વ ઉત્‍સાહથી ઉમટયાં હતાં. નરેન્‍દ્રભાઈ મોદીએ આ નાગરિકશક્તિના દર્શનથી અભિભૂત થઇને તેમનું અભિવાદન કર્યું હતું.
જનતાને નવરચિત મોરબી જિલ્‍લાના શુભારંભને જાજરમાન બનાવવામાં હૈયાનો ઉમંગ છલકાવ્‍યો છે તેનું ગૌરવ કરતાં મુખ્‍ય મંત્રીશ્રીએ મોરબીના નવા જિલ્‍લાની આગવી ઓળખ ઉભી થવાની છે. અંધશ્રદ્ધા અને કુરિવાજો સામે ક્રાંતિકારી જ્ઞાન-પ્રકાશની જયોતિ પ્રગટાવનારા સ્‍વામી દયાનંદ સરસ્‍વતીની આ ભૂમિમાં વિકાસનું પણ અનોખું સામર્થ્‍ય છે તેને અવસર મળ્યો છે, એમ તેમણે જણાવ્‍યું હતું.
મોરબી જિલ્‍લાની અનેક વિશેષતા ઓળખાવતા મુખ્‍ય મંત્રીએ જણાવ્‍યું કે, આઝાદીની લડતમાં સત્‍યાગ્રહ અને જનચેતના જગાવનારા મહાત્‍મા ગાંધીજી જેને ગુરૂ માનતા એવા શ્રીમદ્ રાજચંદ્રની પણ આ ભૂમિ છે. મોરબીમાં તળીયાથી નળીયા સુધી સામાન્‍ય માનવીની સાથે નાતો જોડે છે. સમગ્ર હિન્‍દુસ્‍તાનનો સમય મોરબી સાચવે છે. એક આર્થિક પ્રવૃત્તિથી ધબકતો આ નવો જિલ્લો કચ્‍છના શાખ પડોશી જિલ્‍લા તરીકે પોતાની આગવી વિકાસની હરણફાળ ભરશે એવો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.
વિકાસ સ્‍થગિત હોઇ શકે નહીં, વ્‍યક્તિલક્ષી હોઇ શકે નહીં, પણ વિકાસ સર્વસમાવેશક, સર્વસ્‍પર્શી હોય એ દિશામાં ગુજરાતે સફળતાપૂર્વક વહીવટી સુધારણા અને વ્‍યવસ્‍થાપન કરી બતાવ્‍યું છે, એમ મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.
નવા સાત જિલ્‍લામાંથી ચાર જિલ્‍લા તો સૌરાષ્‍ટ્રમાં કાર્યરત થઇ ગયા છે. વિકાસ માટે વહીવટનું વિકેન્‍દ્રીકરણ કરીને ઇ-ગવર્નન્‍સથી સેવા, સુવિધા અને સુખાકારીમાં ગુણાત્‍મક પરિવર્તન લાવવામાં ગુજરાત મોખરે છે. તાલુકા સરકાર અને આપણો તાલુકો- વાઇબ્રન્‍ટ તાલુકાથી ૫ર-માંથી બમણા ૧૦ર પ્રાન્‍ત બનાવી દીધા છે. તાલુકાઓ વચ્‍ચે વિકાસની સ્‍પર્ધા શરૂ થઇ છે.
ભારતની જનતાની આંખમાં ધૂળ ઝોંકનારાને ગુજરાતની જનતાએ જાકારો આપી દીધો છે અને છ મહિના પહેલાં જ આખી જૂઠાણા ફેલાવનારી ફોજને ફેંકી દીધી એ આ ગુજરાતની જનતા છે. હવે દેશની જનતાને ભ્રમિત કરવા નીકળ્યા છે, પણ ર૦૧રમાં ગુજરાતની જનતાને અમારા કામોનો હિસાબ આપીને જનતા જનાર્દનનો વિશ્વાસ મેળવ્યો છે. હવે ર૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કેન્‍દ્રની સરકાર પાસે જનતા હિસાબ માંગી રહી છે અને અવસર આવ્‍યે તેનો હિસાબ ચૂકતે કરી દેશે એમ મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.
દેશમાં રૂપિયાની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે અને રૂપિયાને જીવલેણ બિમારીનો ભોગ બનાવી દીધો છે એવો યુપીએ સરકારની સરિયામ નિષ્‍ફળતા ઉપર આક્રોશ વ્‍યકત કરતાં મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, આ દેશને સંકટોમાંથી બચાવવો હશે તો આ નિષ્‍ફળ શાસકોથી મુક્ત થવું પડશે.
ચાંદીની રજતતુલાથી મળેલી ૯૫ કિલો ચાંદીનું ટ્રસ્‍ટીશીપ તરીકે જેટલું મૂલ્‍ય થાય તે ભંડોળનો ઉપયોગ લોહપુરૂષ સરદાર પટેલના ભવ્‍ય સ્‍મારક સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના નિર્માણમાં વાપરવાના સંકલ્‍પની મુખ્‍ય મંત્રીશ્રીએ જાહેરાત કરી હતી.
ઊર્જા રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, ગુજરાતનું સૌથી વધુ ઝડપી વિકાસ પામી રહેલું શહેર મોરબી છે. આ વિસ્‍તારના સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગના કારણે વિદેશી હૂંડિયામણ ભારતને મળે છે. આવા સંજોગોમાં મોરબી સહિત ગુજરાતને દેશમાં ઉત્‍પાદિત થતાં ગેસની આવશ્યકતા હોવાનું કહ્યું હતું. તેમણે ગુજરાતને સસ્તા ભાવનો ગેસ પૂરો પાડવામાં કેન્‍દ્ર સરકાર અંતરાય બને છે, તેમ જણાવ્‍યું હતું. તેમણે વિકાસ આયોજન, શિક્ષણ, ઊર્જા, જળ સંચય ક્ષેત્રની યોજનાની વિગતો પણ પ્રવચનમાં દર્શાવી હતી.
ગ્રામ વિકાસ મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયાએ મોરબીને જિલ્‍લો બનાવવા બદલ મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને વિસ્‍તારની જનતા વતી હર્ષની લાગણી વ્‍યકત કરી, અભિનંદન આપ્‍યા હતા.
કૃષિ રાજ્ય મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલે જણાવ્‍યું કે, અનેક કુદરતી આફતોનો સામનો કરી મોરબીએ વિકાસ સાધ્‍યો છે તથા હવે નવો જિલ્‍લો બનતાં રાજ્ય સરકારની નીતિના પરિણામે મોરબીના વિકાસના દ્વાર ખુલ્‍યા છે. મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દૂરંદેશી અને દ્રઢ ઇચ્‍છાશક્તિના કારણે નવા જિલ્લાઓ અસ્‍તિત્‍વમાં આવ્‍યા છે અને આ નિર્ણય વિકાસ માટે ઇંધણ બનશે, તેમ તેમણે જણાવ્‍યું હતું.
ધારાસભ્‍ય શ્રી કાંતિભાઇ અમૃતિયાએ સરકારે મોરબી જિલ્લો બનાવતાં હવે વિકાસને વેગ મળશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.
ધારાસભ્‍ય શ્રી મોહનભાઈ કુંડારિયાએ મોરબી જિલ્‍લો બનતાં હવે તે વિકાસમાં નંબર વન બનશે તેવી આશા સેવી હતી.
મોરબીના નવનિયુક્ત કલેકટર શ્રી શૈલેષ રાવળે શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું.
આ અભિવાદન સમારોહમાં માર્ગ વાહન વ્‍યવહાર નિગમના અધ્‍યક્ષ શ્રી બાબુભાઈ ઘોડાસરા, સાંસદ શ્રી શંકરભાઈ વેગડ, ધારાસભ્‍યો શ્રી પ્રવિણ માંકડીયા, જિતુભાઈ વાઘાણી તથા ભાવનાબહેન તેમજ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, પદાધિકારીઓ તથા જિલ્લા તંત્રના અધિકારીઓ અને નવરચિત જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્‍થિત રહ્યાં હતાં.
-શરૂઆત દૈનિક કાર્યાલય, અખબાર ભવન,ગિરનાર રોડ, જુનાગઢ. (ગુજરાત)
ફોન : (૦૨૮૫) ૨૬૨૫૪૦૦, રેસી. ૨૬૫૨૪૦૦, મો: ૯૮૨૫૨ ૨૦૭૭૧, ૯૪૨૬૭ ૭૬૫૯૮