મા — સાસુમાને પ્રણામ

“જીવતા જીવ માતા અને પિતાની આંતરડી ઠારે”. મર્યા પછી શ્રાદ્ધ કરે તેનો શો અર્થ ? 

માતા અને પિતા એટલે સાસુ અને સસરા પણ આવી જાય ! શું સાસુ અને સસરા માતા 

અને પિતા નથી. જેમ દીકરીની મા ૯ મહિના ગર્ભ ધારણ કરે છે, એ જ રીતે દીકરાની મા 

પણ બાળકને ૯ મહિના ગર્ભમાં પ્રેમથી પોષે છે. 

“વહુ, આ વાત ક્યારે સમજશે ‘ ? સદીઓથી ચાલી રહેલી રીત બદલવાનો સમય આવી ગયો

છે. શું આ ભણો છો, તમે કોલેજમાં ? મને યાદ છે, વિલ્સન કોલેજમાં બી.એ. ના છેલ્લા વર્ષમાં

હતી. કોલેજને એ વર્ષે ૧૦૦ વર્ષ થયા હતા. ‘મેરેજ સેમિનાર હતો’ બે દિવસ માટે. બહેનપણી 

સાથે ગઈ. અનુભવી વક્તા ખૂબ સુંદર રીતે લગ્ન પછીનું વર્તન સમજાવી રહ્યા હતા. 

આજે મને ખૂબ આનંદ છે, માતા અને પિતાના સંસ્કાર સાથે એ  વાત આણામાં લઈને સાસરે

ગઈ હતી. જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ તમને સમજાવે ત્યારે એ વાત ગળામાં શીરાની જેમ ઉતરી જાય. આજે શ્રાદ્ધ દરમિયાન કુટુંબમાં વિદાય પામેલી દરેક સ્ત્રીને યાદ કરી  પ્રણામ કરું છું

બાળપણમાં દાદી અને નાની બંનેને ગુમાવ્યા. મારા ઘરે ‘નાની’ કહેવાનો રિવાજ નહોતો. 

બંને ‘બા’. કોઈ ભેદભાવ ભણ્યા ન હતા. લગ્ન પછી સાસરે સાસુમાને ઘરમાં બધા ‘બા’ કહેતા મને  ગમતું.  પછી તો વણઝાર ચાલી મામી. કાકી, માસી ફોઇ,મોટી બહેન, ભાભી, જેઠાણી, નણંદ સહુ વિદાય થયા. ઈશ્વરની કૃપાથી પ્રેમ સહુનો પામી હતી. આજે એ બદ્ધાને શ્રદ્ધા  સુમન અર્પું છું.  

આજે ખાસ સ્ત્રીનો દિવસ છે એવું મારી મમ્મી કહેતી હતી. એટલે સહુ સ્ત્રી વર્ગને પ્રણામ . મને પણ ૮૧ થયા, આવતે વર્ષે મારું નામ પણ એ યાદીમાં ઉમેરાય તો નવાઈ નહીં લાગે. 

તૈયારી રાખી છે. પછી ઈશ્વરની મરજી. શ્રદ્ધા પૂર્વક યાદ કરી સહુની પાછળ કોઈની આંતરડી

ઠારવાની ઈચ્છા થઈ છે.  જે પૂરી કરી. અજાણતા જો કદી દુભવ્યા હોય તો અંતરથી ક્ષમા  માગું છું. આ સોળ દિવસ વિદાય પામેલા આત્માની શાંતિ પ્રાર્થના.  ક્યાં ગયા ? કેમ છે ? બસ જ્યાં હોય ત્યાં શાંતિ શાંતિ શાંતિ. 

અંતે એક સાવ ખાનગી વાત,” મારી મમ્મી તેમજ બાનું નામ ચંદનબેન છે”.

મૌન મંગળસૂત્ર

શાલિની મંગળસૂત્ર  જોઈ રહી હતી. ખૂબ સુંદર લાગતું હતું.  સાસરીવાળા હીરાનુ પેન્ડલ  પસંદ કરવા તેને ફોન પર, આવવાનું આમંત્રણ આપી રહ્યા હતા. ‘મમ્મી, ડ્રાઈવરને કહે ગાડી તૈયાર રાખે મારે જવું પડશે’. 

શાલિનીના મમ્મી વિચારી રહ્યા, કેમ આટલી ઉતાવળ કરે છે. શાલિની તૈયાર થઈ રહી હતી . નિકળતી વખતે કારણ બતાવ્યું. મમ્મીને આનંદ થયો. મમ્મીની નજર ગળાના મંગળસૂત્ર પર ગઈ, પ્રેમથી એક સરસ મજાની બચ્ચી કરી.

મંગળસૂત્ર પહેરી ખુશ થઈ રહેલી શાલિની આજે તેને કાઢીને કબાટમાં મૂકી દીધું. સાહિલને નવાઈ લાગી. ‘અરે શાલિની, ગમતું મંગળસૂત્ર કબાટમાં કેમ મૂક્યું? અચાનક શું થઈ ગયું?’

સાહિલ, ‘નોકરી પર સાડી પહેરીને નથી જતી. મંગળસૂત્ર સાડી પર શોભે ‘. ‘મંગળસૂત્રને શાલિનીના શબ્દ ખંજરની જેમ ખૂંચ્યા. ‘

સાહિલને આ જવાબ ગમ્યો નહી. માત્ર મૌનનું ધારણ કર્યું. આ મૌન મંગળસૂત્રની વેદના દર્શાવી રહ્યું. ૨૧મી સદી, સ્ત્રીની ઉડાન, તેનું ભણતર તેની ફેશન પ્રત્યેની ચાહ અને આંધળી આધુનિકતા તરફ દોડ ! હવે ‘ ન બોલવામાં નવ ગુણ છે’ સમજતા વાર ન લાગી.  નાની શી વાત, મંગળસૂત્રએ મનોમન નક્કી કર્યું આજના જમાનામાં ‘મૌનં પરમ ભૂષણં”.આજમા સમયમાં ન બોલીએ તો તમે જગ જીતી જશો. બોલીએ તો બે સાંભળવાની તૈયારી રાખવી. બેજાન મંગળસૂત્રને આ વાત સમજતા વાર ન લાગી.

એક વાર લગ્ન થયા એટલે શું આ નિશાની ગળામાં રાખવી જરૂરી ? સ્નેહના પ્રશ્નથી આંચકો લાગ્યો છતાં ચૂપ રહી. તેને યાદ આવ્યું, લગ્ન વખતે સૌરભ પાસે પૈસા ન હોવાથી મંગળસૂત્ર આપી શક્યો ન હતો.  સૌરભે વચન આપ્યું હતું ,’જેવી પૈસાની છૂટ થશે, સહુ પ્રથમ સ્નેહના ગળામાં તેનું ગમતું મંગળસૂત્ર પહેરવે. લગભગ બે વર્ષ  પસાર થઈ ગયા.  બંને લોનાવાલા જઈ રહ્યા હતા. સામાન્ય રીતે સૌરભ શનિ અને રવિવારે ઘરે આરામ કરવામાં માને. આ વખતે સામે ચાલીને લોનાવાલા જવાનું નક્કી કર્યું.

રાતના જમીને રૂમમાં  આવ્યા પછી સ્નેહને એકાએક વળગી પડ્યો અને ‘મંગળસૂત્ર સ્નેહના  ગળામાં પહેરાવ્યું. ‘

સ્નેહ ખુશ થઈ બે દિવસ લોનાવાલા રહી પાછા આવ્યા. ત્યારથી આજ સુધી કદી ગળામાંથી કાઢ્યું ન હતું. ગયા વર્ષે લગ્નના ૩૫ વર્ષ ઉજવ્યા. અચાનક સૌરભ માંદો પડ્યો. માંદગીમાં અલવિદા કહી વિદાય થયો. ગળેથી મંગળસૂત્ર કાઢતા જે વેદના થઈ હતી, તેનું વર્ણન નહી કરી શકાય. 

એ મંગળસૂત્ર આજે અચાનક મૌન થઈ ગયું હતું. તેનામાં કોઈ શક્તિ રહી ન હતી. સ્ત્રીઓ તેને કબાટના કોઈ ખૂણામાં મૂકી ભૂલી ગઈ. પહેરવાનું તો ઠીક ક્યાં હશે તે પણ યાદ નહીં હોય. મંગળસૂત્રના મૌનમાં જે શક્તિ છે તે ક્યારે જ્વાલામુખી બનશે, કહી ન શકાય ! તેની કિંમત ઓછી આંકવામાં આવે, કોઈ સંજોગોમાં કબૂલ નથી. 

આજે પણ આપણા દેશમાં સ્ત્રી ગૌરવપૂર્વક તે પહેરે છે. તેની ઝલક ચહેરા ઉપર સ્પષ્ટ તરી આવે છે. સાચું કહું તો ‘આપણું ભારત હજી નાના શહરોમાં અને ગામડામાં ધબકે છે. મંગળસૂત્રની કિમત જાણે છે. જુઓ ફેશનમાં ફરતી આજની યુવા પેઢી તેનું મૂલ્ય શું જાણે ?

યાદ છે ને , ‘જૂનું તે સોનુ’. રહિમન હીરા કબ કહે ‘લાખ ટકા મેરા મોલ ‘મંગળસૂત્ર તું મંગલ કર્તા છે. તું પવિત્ર બંધનની મૂક સાક્ષી પૂરે છે.  તારું સ્થાન અવિચલ છે. તારી શાખ સદીઓથી ચાલી આવે છે. નવા જમાનાની હવા તરો વાળ પણ વાંકો નહી કરી શકે. તારું મૌન આપણી સભ્યતાની શાખ છે.

આજની પ્રજા તેનું મહત્વ શું જાણે ? તેમને કશું કહેવામાં શાણપણ નથી. મંગળસૂત્ર પહેરેલી સ્ત્રીનું ગૌરવ ભર્યું મુખ નિહાળવું એ એક લહાવો છે. હા, હું જૂનવાણી છું. મને તેનું અભિમાન છે. વહુ તેમજ દીકરીઓને તેના વિશે કહેવાનું ઉચિત નથી માનતી. ” હે મંગળસૂત્ર ,બે હાથ જોડી માફી માગું છું. ૨૧મી સદીમાં ભલે તારું સ્થાન અને મહત્વ ન જળવાય ! યાદ રહે વર્ષો પછી, પાછું તારું મૂળ સ્થાન પામીશ . એવા અંતરના આશીર્વાદ છે’.

દેવાદાર

માનવ અધિકારના બણગાં ફૂંકતા નેતાજી ઘરમાં ૧૨ વર્ષના દેવાને ધમકાવી

રહ્યા હતા. સુખાનો દીકરો ‘દેવ’ ગામની શાળામાં ભણતો હતો. મુંબઈ તેને વધુ

અભ્યાસ  માટે સુખો લાવ્યો હતો. ભણવામાં હોંશિયાર દેવને સરકારી શાળામાં

ભરતી કરવાની ઈચ્છા હતી.  

આવું સરસ ઘર જોઈને દેવ કૂદકા મારતો હતો. તે જોઈને શેઠના દિમાગનો પારો 

ચડી ગયો. શેઠ તેના પર તાડૂક્યા. દેવ પાષાણની મૂર્તિની જેમ સ્થિર થઈ ગયો.સુખો

પાણી લેવા ગયો હતો. શેઠનો અવાજ સાંભળી દોડતો આવ્યો. દેવને વહાલથી ગળે

લગાવી બે હાથ જોડી શેઠની માફી માગી. ‘સાહેબ મારો દીકરો હજુ ૧૨ વર્ષનો છે. 

આવું ઘર પહેલી વાર જોયું એટલે કૂદતો હતો. હવે કોઈ દિવસ આવું નહીં કરે. 

શેઠ છોભીલા પડી ગયા. ‘સારું સારું; કહી પોતાના કામમાં પરોવાયા. 

સુખો, શેઠનો માનીતો નોકર હતો. શેઠની બધી કાળજી કરતો. દેવને લાવ્યો તો ખરા

શેઠાણીની મંજૂરી મળી હતી. શેઠને પૂછવાની તેનામાં તાકાત ન હતી. શેઠાણીનો

દીકરો પણ ૧૨ વર્ષનો હતો. બીજા કોઈ બાળક ન હોવાથી .શેઠાણીને એમ કે બંને 

સાથે ભણશે અને રમશે. 

શેઠ લોકોને બે વસ્તુની ખબર હોય, પૈસા કેમ કમાવા અને ગુસ્સો ગમે ત્યારે કરવો. 

કોના પર કરે છે તે જોવાનું નહીં. કોઈ વાર નોકર, પોતાનું બાળક કે બૈરી ઝપટમાં 

આવી જાય. આજે દેવ તેની ઝપટમાં આવી ગયો.

દેવને, રોહન સાથે રમવાની અને ભણવાની મજા આવતી હતી. મુશ્કેલી ત્યારે આવે

જ્યારે તોફાન રોહન કરે અને ઝપટમાં દેવ આવે. દેવ ખૂબ હોંશિયાર હતો. પિતાજી

અંહી નોકરી કરતા એટલે બોલ્યા વગર સહન કરતો. જ્યારે પરીક્ષાનું પરિણામ આવે

ત્યારે  બાપ ફરવા લઈ જતો. 

દેવ સરકારી શાળામાં ભણે. શેઠનો દિકરો ખાનગી શાળામાં ભણે. તેને ઘરે બે શિક્ષક 

રાખ્યા હતા.  છતાં કોઈ સારા નંબર લાવી શકતો નથી. દેવો, શેઠાણી બતાવે એ બધું 

કામ કરતો.  રોહનને પોતાની સાથે બેસાડી ઘરકામમાં મદદ કરતો. રોહનનું ચિત્ત ભણવામાં ઓછું, ફોન પર રમત રમવામાં વધારે.  વર્ષોના વહાણા વાઈ ગયા. રોહન ધક્કા મારીને  માંડ પાસ થતો. દેવો તો મહેનત કરીને સારા ગુણ

મેળવતો. કોલેજકાળમાં પ્રથમ આવી તેને ડોક્ટરી માટે કોઈ પણ જાતના પૈસા આપ્યા વગર દાખલો

મળી ગયો. ડોક્ટર થવા માટે ઘણી મહેનત કરી.  શેઠાણી દીકરા જેવું વહાલ કરતા. ભણવાનો બધો ખર્ચ આપતા. દેવો આ ઉપકાર ભૂલી ન શક્યો.  તેને મન આ શેઠ અને શેઠાણી સર્વસ્વ હતા. સુખો જાણતો તેને પુત્ર ઉપર ગર્વ થયો.

મોટી ઉંમરે જ્યારે શેઠ બીમાર પડ્યા ત્યારે સગા દીકારાની જેમ ચાકરી કરી. રોહન સાથે ગાઢ દોસ્તી હતી. ભલે નેતાજીએ કાયદાનો ભંગ કર્યો પણ અંતે દેવાની જિંદગી સુધારી. સુખો શેઠનો આભાર માનતા થાકતો નથી. 

બંગડીનો બડબડાટ

અરે આવી સરસ માઝમ રાત છે. ચાંદની પૂરબહારમાં ખીલી છે. તારાઓ 

ટમટમે છે. આજે હું ખૂબ ખુશ છું. પુનિત દિલના ભાવ વિના સંકોચે દર્શાવી

રહ્યો હતો. 

પારુલ ખુશ હતી. આજે લગ્નના દસ વર્ષ ઉજવ્યા હતા. પુનિત સરસ મજાનું

હીરાનું ‘બ્રેસલેટ’ ભેટમાં આપી રહ્યો. અચાનક કબાટમાંથી રડવાનો અવાજ

આવ્યો. સાથે અસ્પષ્ટ શબ્દો પણ સંભળાયા. પારુલ વિચારવા લાગી,’શું તેને

ભ્રમ થાય છે’ ?

ધીરે ધીરે ડુસકાંનો અવાજ આવ્યો. પુનિત સામે જોઈ રહી. પુનિત ઈશારા કરી 

રહ્યો. આખરે પારુલ ઊભી થઈ અને કબાટ ખોલ્યું. ખાનામાંથી અવાજ આવતો 

હતો. ખાનું ખોલ્યું તો બંગડીનો ડબ્બો હાલતો હતો. એકદમ ગભરાઈ ગઈ. 

ધીરેથી ડબ્બાને બહાર કાઢી ખોલ્યો. બંગડીઓ ઉછળતી હતી. ધક્કામુક્કીમાં

ડબ્બામાંથી બહાર આવી. પારુલને સમજ ન પડી.

‘કેમ શું છે’?

બધી બંગડીઓ ભેગી થઈ બડબડાટ કરી રહી. અમે કેટલાક વર્ષોથી ડબ્બામાં 

પુરાય છે. આજે લગ્નની દસમી વર્ષગાંઠ પર યાદ ન આવ્યા ?’

‘અરે પણ આજે પુનિત મારા માટે હીરાનું બ્રેસલેટ લાવ્યો’.

‘એટલે અમને ભૂલી જવાનું ? યાદ છે લગન થયા ત્યારે સવારે જુદી, પરણતી વખતે

જુદી, રિસેપ્શન સમયે અલગ કેટલી બંગડીઓ ખરીદી હતી ? મુંબઈમાં ભૂલેશ્વર ગઈ ,

ક્રોફોર્ડ માર્કેટ ગઈ, પરેલ પરના નવા ઈન્ફીનીટી મોલમાં જઈ ખરીદી, તું કેટલી ખુશ થઈ હતી.’

‘આજે તું બધું ભૂલી ગઈ. મમ્મી કેટલું ગુસ્સે થઈ હતી. પપ્પાએ તો પૈસા આપવાની

ના પાડી હતી. તારી પાસે ખિસ્સા ખર્ચ, બચત હતી તેમાંથી ચૂકવ્યા હતા. ગાંડાની 

જેમ પૈસા વાપર્યા હતા. આજે તું અમારી સામે પણ નથી જોતી’.

પુનિત બાઘાની જેમ જોઈ રહ્યો હતો. બધા સંવાદ, બંગડીઓ અને પારુલ વચ્ચેનો

હતો. તેને એમાં શું ગતાગમ પડે. પારુલ બંગડીઓ સાથે વ્યસ્ત હતી. પુનિત ઘસઘસાટ

નસકોરાં બોલાવી રહ્યો. 

બંગડીઓ આજે ન્યાય માગતી હતી. તેનું સ્વમાન ઘવાયું હતું. લગ્નના ફોટામાં તેનો

રુઆબ અનેરો હતો. રંગોનો સુમેળ, સુંદર કારીગરીની જેમ ગોઠવી પારુલના હાથ પર

શોભી રહી હતી. પારુલ તેને બરાબર સજાવી અલગ ડબ્બામાં રાખી હતી. લગ્નના દિવસે ધમાલમાં ગોઠવણી કરવાનો સમય ન મળે. 

બધી બંગડીઓ એક પછી એક ઉછળીને પારુલના ખોળામાં સમાઈ ગઈ.  પારુલને ભાન

થયું બધાને વહાલથી પંપાળી રહી. તેને સાંત્વના આપી રહી. બીજીવાર આવું નહીં થાય 

તેની ખાતરી આપી. 

  આ થઈ લગ્ન વખતની ખાસ બંગડીઓની વાત. ચૂડી વાળા યાદ છે. લાંબા ખંભા પર ચૂડી પરોવીને લાવતા. નાની ડાળી જેવું હોય તેમાં નાની દીકરીઓ અને નાના કાંડાવાળી સ્ત્રીઓ માટે હોય. લાલ, લીલી, પીળી, નારંગી, ભૂરી, સફેદ અને કાળી. સુંદર કલામય ગોઠવણી હોય. જોઈને ખરીદવાનું મન થઈ જાય. 

કાચની હોય, તેનો ખણખણતો મધુર અવાજ આજે પણ હૈયાને ટાઢક આપે છે. બંગડીવાળો આવે ને હાથમાંનું કામ પડતું મૂકી સ્ત્રી ઘર બહાર આવે. દ્રશ્ય ખૂબ મધુરા લાગે. 

“ચુડીવાલા આયા હૈ રંગબેરંગી ચુડિયાં લાયા હૈ !”

 ચૂડી બને કાચની કે લાખની. કાચની તો પહેરાવે ત્યાં બે, ત્રણ બટકી જાય. ચુડીવાળાના માન કેટલાં ! ગરીબ, તવંગર સહુ પ્રેમથી હાથ લંબાવે તેને નવી ચુડી પહેરાવે. મને યાદ છે ત્રણ વર્ષ પહેલાં પૂના મારા ભાઈને ત્યાં ગઈ હતી. ત્યાં હજુ કોઈવાર ચૂડી વેચવાવાળૉ નજરે ચડૅ. ઘરમાં કામ કરતી માલતી બોલી, ‘ભાભી માલા ચૂડી પાહિજે’. મને ખૂબ આનંદ થયો. તેની સાથે નીચે આવી, ‘તુલા પાહિજે તેવડી ગે’. ભાંગ્યું ટૂટ્યું મરાઠી હજુ આવડે છે. ખુશ થઈ ગઈ. તેણે મનગમતી ચૂડી ખરીદી. તેના મુખ પરની ખુશી મને ખુશ કરી ગઈ. હવે તો આવા દૃશ્ય સિનેમામાં પણ જોવાનું ભાગ્ય નથી. 

તમે જ કહો, ‘બંગડીઓ બડબડાટ ન કરે તો બીજું શું કરે ?’ જમાના પ્રમાણે ચાલવું પડે, છતાં એક વાત કબૂલ કરું છું.  લગ્ન પ્રસંગે તેમના માન ખૂબ વધી જાય. જેના પ્રતાપે તેનો ભાવ સાંભળી પરસેવો છૂટી જાય. ક્યાંક તો સરભર કરવું પડે ! 

મારું પ્રિય

જુઓ તો ખરા મહારાણીની જેમ નિરાંતે ઘોરે છે ! કેમ તમને શું વાંધો છે ?

આજે પંદર દિવસ પછી ઘરે આવી છે. રોજના ૧૦ થી ૧૨ કલાક કામ કરતી

હતી. હવે બધો થાક ઉતારે છે. પોતાનો ખાટલો ને મનગમતું ઓશિકું, જો

જો તેને પરેશાન કરશો નહી. નોકરી પર જવાનું નથી. નિરાંતે ઘોરવા દો.

ઓશિકું શબ્દ કાને પડતાં ૬’* ૬’ ની જગ્યા શોધવા મંડી ના પડતાં.
ક્યાં જગ્યા દેખાય અને માથા નીચે દબાવીને નસ્કોરાં બોલાવવા લાગી
જઈએ.એ ન હોય નવશેકુ,એ તો મજાનું સાટિનનું કે મખમલનું ! જેવું
સુંવાળું મઝાનું ઓશિકું માથા નીચે મોક્યું હોય ત્યારે સ્વપનાના દેશમાં
સૂતાની સાથે તરત પહોંચી જવાય. ત્યાં જવા માટે ટિકિટ લેવાની કોઈ
માથાઝીંક નહીં.વાસ્તવિકતાથી દૂર સુહાના દેશમાં સહેલ કરવાની વગર
પૈસે ખૂબ મઝા પડે!

બધાંને જ કાંઈ નરમ અને સુંવાળું ઓશિકું ન જોઈએ. કોઈને ગમે
પથ્થર જેવું તો કોઈને ગમે શીમળાના રૂ નું બનાવેલું. દરેકની અપની
અપની પસંદ. મારા ઘરવાળાને બે જોઈએ માથા નીચે અને બે પગમાં.
એવી મઝાની તાણે કે જાણે સંગીતનો જલસો ના ચાલતો હોય. નગારા
અને હાર્મોનિયમના સૂર સંભળાય. અરે પેલા પોલિસદાદાની સીસોટીનો
અવાજ પણ આવે.

ઓશિકાના ચક્રવ્યુહમાં ભરાઈ પડ્યા તો હાલ બેહાલ થશે. કોઈ ગોળ તો
કોઈ ચોરસ, પેલા જાડા તકિયા જોયા છે? પેલા ઢોલિયાનો રૂઆબ કાંઈ
ઔર. શું છટાદાર બેઠક અને તેનાં પર બેસવાની કળા, આફરીન થઈ જવાય.
એમાં વળી અમેરિકાથી આવેલો પેલો ‘વીની,’ દાદીમા પાસે તેના જેટલું લાંબુ
ઓશિકું બનાવડાવીને જ જંપ્યો. મને તો મનમાં એમ થયું કે જો આવડું મોટું
ઓશિકું બાજુમાં હોય તો ઘરવાળાની ગેરહાજરી વરતાય નહીં. એની લંબાઈ
અને પહોળાઈ જોઈને મારી તો આંખો ચકરાઈ ગઈ.

રખે માનતા કે ઓશિકું જેટલું મોંઘુ હોય તેટલી ઉંઘ સારી આવે? ખોટા ભ્રમમાં
રાચતા નહીં. જો મહેનતુ હશે તો સાદા ઓશિકાથી પણ ગાઢ નિંદ્રા માણી શ્કશે.
આળસુ તથા કામકાજ વગરનાં માનવીને ૫૦૦રૂ. નું ઓશિકું પણ તારા ગણાવશે.
પેલી સુનયના તો વળી ઓશિકાની જરૂરત નથી હોતી. હાથનું ઓશિકું બનાવે!

એક ખાનગી વાત કહેવી છે આ તો તમે રહ્યાં ઘરના એટલે કહ્યા વગર રહી શકતી
નથી.અમારા પેલા ચંપકકાકા જ્યાં જાય ત્યાં પોતાનું ઓશિકું બગલમાં દબાવીને
લઈને જાય. તમે ભલેને કહો કે, કાકા મેં આ વર્ષેજ નવા ઓશિકા બનાવડાવ્યા
છે. સણસણતો જવાબ આપશે, ડાહ્યો થા માને, ગાદલું ગમે તેવું ફાવે ઓશિકું તો
મારું જ જોઈએ. કાકી પણ ખૂબ રંગીન કાકાના ઓશિકાની ખોળને હાથેથી ભરે ને
વળી ઝીણી કિનાર પણ ચોડે.પછી કાકાને તેજ ઓશિકું ફાવે ને?

એ તો ભાઈ જેવા જેમના શોખ. આપણા રામને તો કોઈની ગુલામી ના ગમે.
ગમે ત્યાં રાત ગુજારવાની હોય, ઓશિકું મળે યા ન મળે. હાથ માથા નીચે મુક્યો
નથી ને ઉંઘ આવી નથી.મને ખબર છે તમને ઉંઘ આવે છે પણ ઓશિકાનાં દિલની
વાત સાંભળ્યા વગર ઉંઘવા નહીં દંઉ.

સજ્જન માણસો સૂવા આવે અને મને વૈકુંઠ ની સફરે લઈ જાય.પેલા ડાહ્યાકાકા
એક વાળ શોધ્યો ના જડે તેવા માથે મારા પર પ્રહાર કરે. શાંતિલાલ માથામાં બે
કીલો તેલ ચોપડીને આવે. પેલો મુન્નો મારું લાતોથી સ્વાગત કરે. ઉંવા ઉંવા કરતું
બાળ જ્યારે મારા પર મસ્તક ટેકવે ત્યારે મારું રોમરોમ હરખાઈ ઉઠે. પેલો મારો
પાંચ વરસનો અનુજ મને હવામાં ફંગોળે તો હું આજીજી કરું ભાઈલા મારી દયા ખા.
મારી લાડલી વેદાને પરીઓના દેશની સહેલ કરાવું ને હું રાજીના રેડ થઈ જાંઉ.

મને ખબર છે તમને બગાસા આવે છે. તમને તો મારા વગર ઉંઘ ન આવે ! જુઓ
આજે ખાટલામાં માંકડ થયા હતા ને એટલે મને પણ ધગધગતા તાપમાં અગાસીમાં
નાખ્યો હતો. હમણાં જ ઘરમાં આવ્યો તમારો પ્રિય તકિયો અને ઓશિકું. જરા આસ્તેથી
માથું પટકાવજો! દાઝો તો મારા પર ઉકળશો નહી.પાંચ મિનિટ પછી પ્રેમથી માથુ મૂકજો.
‘હું તમારી સેવામાં હાજર !

ચશ્માનો ચંચુપાત

અરે ક્યાં ગયા ? મુન્ની, રાજા, પાયલ, જાનુ કેમ કોઈ જણાતું નથી ?

શું છે પપ્પા ? મુન્ની દોડતી આવી. 

‘જોને બેટા ક્યાં ગયા’?

રાજા, જાનુ, પાયલ સહુ ગભરાઈને દોડી આવ્યા. શાને માટે આટલી ધમાલ ચાલે છે. બધા સાથે બોલી ઉઠ્યા, પપ્પા શું થયું ? શું જોઈએ છે ?  

‘અરે રાજા ખબર નથી બેટા, હું  રૂમમાં હતો’ !

‘જાનુ આપણે બંને સાથે બેસીને ચા અને ગાંઠિયા ખાતા હતા.

‘ઊભી રે પાયલ, તું પણ બધા જેવી કેમ થઈ ગઈ’ ?

એક પછી એક તીરની જેમ વાક્બાણ નીકળ્યા. કોઈને સમજ ન પડી પપ્પા કહેવા શું માગે છે ?

ત્યાં  સોનુ આવ્યો, તેના હાથમાં પપ્પાના ‘ચશ્મા’ હતા. પપ્પા જોરથી હસ્યા, સોનુને કહે.’ આ ઘરમાં તારા જેવું કોઈ નથી. લે આ દસ રૂપિયા જઈને આઈસક્રિમ ખાજે’. 

સોનુ હસતો રહ્યો. દસની નોટ કિસામાં સેરવી દીધી.   

નવા નવા ચશ્મા આવ્યા હતા. તેના વગર કશું સ્પષ્ટ દેખાય નહીં, અધુરામાં પુરું ક્યાં મૂક્યા છે તે યાદ રહે નહીં.  હવે એનો ઈલાજ શું કરવો?

પાયલ ચતુર હતી, રૂમમાં જઈ સરસ મજાની દોરી લઈ આવી. પપ્પાના ચશ્મા ને બાંધી આપી.

‘પપ્પા, લો આને હવે ગળામાં પહેરી રાખો. ચશ્મા ક્યારે પણ નહી ખોવાઈ જાય.સહુને થયું હાશ, હવે શાંતિ !

એમ કાંઈ શાંતિ સસ્તી છે. રાતના પપા સૂવ ગયા, કાઢી બાજુમાં મૂક્યા. રાતના ઉંઘ  ગાઢ આવી હતી. કોને ખબર સવારમાં ઉઠતા પહેલા, ‘કોઈ અહીં છે, શોધી આપો’? જાનુ, બાજુમાં

હતી. 

‘શું જોઈએ છે?’ લાઈટ ચાલુ કરો’.

‘બીજું શું હોય’ ? સ્વીચ દેખાતી નથી. 

જાનુ ઊભી થઈ, ક્યાંય દેખાઈ નહીં. ચારે તરફ જોયું, ખાટલા નીચે જોયું, ખાનામાં જોયું. પત્તો ન મળ્યો. હાથ પકડીને ચા પીવા લઈ ગઈ. સોનું ખાટલાની ચાદર સરખી કરવા કમરામાં ગયો. ગોદડું ઉચક્યું તેમાંથી દોરી સાથે સરી પડ્યા. દોડતો દોડતો ઝુલાવતો આવ્યો. 

પપ્પા, જોરથી હસ્યા. આ ઘરમાં તારા જેવું કોઈ નથી. વીસની નોટ કાઢીને સિનેમા જોવા જજે. સોનુ હસવા લાગ્યો. 

સવારના પહોરમાં છાપુ વાંચવા બેઠા. ગુજરાતીમાં બે અને ઈંગ્લીશમાં એક એમ ત્રણ છાપા આવે. ગુરુવાર હોય એટલે ચિત્રલેખા આવે. પપ્પા ચશ્મા સાથે લઈને ઉઠ્યા. લાવ બાથરૂમ જઈને વાંચવા બેસું.  બાથરૂમમાં ગયા.  નહાવાનું મન થઈ ગયું. ચશ્માને લટકાવ્યા ખીલી 

પર. નહાઈને ટુવાલ લીધો લટકાવેલા ચશ્મા પડી ગયા. 

‘અરે અંહી તો મૂક્યા હતા.’  પાછી રાડ સંભળાઈ. જાનુ એટલે તેમના પત્ની. ‘પાછું શું થયું’ ?

‘અંહી ખીલી પર લટક્યા હતા? ક્યાં ગયા’? 

જાનુ, જો ને . જાનુ, કાંઇ ન કહું તેમાં જ માલ છે.  

રોજની આ ઉપાધિથી ઘરના બધા પરેશાન થઈ ગયા હતા. સોનુને જલસો પડી ગયો. નાની પાયલ ચબરાક હતી. ધીરેથી રાજુને બોલાવી કહે, ‘એક ઉપાય છે ?’  

સહુ સાંભળવા આતુર હતા. ધીરેથી સહુના કાનમાં ઉપાય બતાવ્યો. તેના પર અમલ શરૂ કર્યો. 

આજે રવિવાર હતો. 

“જાનુ, જો ને પાછા ક્યાં ગયા ?’ 

પપ્પાને ચશ્મા બોલવું ગમતું નથી. ખરું પૂછો તો ચશ્મા ગમતા નથી. બીજો કોઈ ઈલાજ પણ ન હતો. પળનો વિલંબ કર્યા વગર જાનુ ચશ્મા લઈ આવી. સોનુ મોડો પડ્યો. પપ્પા જાનુ પર ખુશ થઈ ગયા. ‘અરે મારી વહાલી, તારા પર જાન કુરબાન. લે ૫૦૦ રુપિયા. ‘ જાનુ પત્ની હતી. 

હવે જ્યારે પણ પપ્પા બોલે ‘ક્યાં ગયા ?’ તો કોઈને કોઈ દોડીને શોધી લાવે . ઈનામ મેળવીને ખુશ થાય.  ખાનગી વાત કહી દઉં ! જેટલી વ્યક્તિ હતી એટલા ચશ્મા કર્યા. દિવસ દરમિયાન કામ કરતા સોનું શોધી લાવે.  જાનુ તેની પાસેથી લઈ લે. 

દીકરી નથી

ભારત જવાનું સૌભાગ્ય હંમેશા પ્રાપ્ત થયું છે. આજે આપણી ‘બુલેટ ટ્રેનમાં’ બેસવાની મજા 

માણવી હતી. મારી જગ્યા બારી પાસે હતી. બરાબર સામે એક મા દીકરી બેઠા હતા. અચાનક

મારે કાને માનો અવાજ અથડાયો,  ‘બેટા જો ઈમેલ કેમ બરાબર ચાલતું નથી’.   

દીકરી ફોન પર મિત્રો સાથે ‘ચેટ’ કરવામાં મશગૂલ હતી. મા અજાણ હતી. દીકરીને ગમતું ન હતું. બોલી ઊઠી, ‘ મા તને કેટલી વાર સમજાવ્યું ? તું મારું માથું ના ખા’ હમણાં રહેવા દે, ઘરે જઈને વાત.

મને સંવાદ પસંદ ન પડ્યો. ધીરેથી કહ્યું,’ તમને વાંધો ન હોય તો મને બતાવો’. માના મોઢા પરથી સ્પષ્ટ જણાતું હતું, ‘તેને દુઃખ થયું છે’.   

હસીને બોલી, ‘આવડે છે’ ?  ડોકું ધુણાવી હા પાડી. તરત તેમનો ફોન મને આપી મારી બાજુમાં આવીને બેઠાં. જોતાવેંત મને ખબર પડી ગઈ તેનો ‘પાસવર્ડ’ ખોટો હતો. ફરીથી લખવાનું કહ્યું, ફોન પર મેલ ચાલુ થઈ ગઈ. 

વાત સાવ નાની હતી, મને અંદરથી હલાવી ગઈ. હંમેશા થતું મને ભગવાન દીકરી નથી આપી. 

જો કે હવે એવું નથી થતું, બે દીકરા ખૂબ વહાલ અને સન્માન આપે છે. ૮૧ વર્ષની ઉમરે આ ફોન, કંપ્યુટર બધામાં અનેક મુશ્કેલીઓ આવે છે. હંમેશા કોઈ હરિનો લાલ શોધું  જે  મદદ કરે.  

શ્રીનાથજીની કૃપાથી બે પુત્રવધુ કોઈ પણ જાતની પ્રતિક્રિયા વગર મદદ કરે છે. આટલા વર્ષમાં એક પણ વાર એવું નથી કહ્યું, ‘ મમ્મી તમે શા માટે આ બધું વાપરો છો ?  તમને કેટલી વાર સમજાવવાનું’ ? ‘સાસુમા છું, આમાન્યા જાળવે સહજ છે. પણ ગુસ્સો કર્યા વગર કે તોછડાઈથી જવાબ આપ્યો નથી’. 

જે દીકરીને જન્મ આપી, ખાતાં, પિતા, ચાલતા, હસતાં, બોલતા બધી રીતે પારંગત કરી એ દીકરી આજે એવું કહે ? ૨૧મી સદી જેટ યુગનો જમાનો છે. હવે પાકા ઘડે કાંઠા ન ચડે. આજના જમાના સાથે કદમ મિલાવવા તો બાજુ રહ્યા, તેની કોઈ વાત સમજાતી નથી. 

જીવનના સંધ્યાટાણે કેટલું નવું શીખવું ? શીખવું ગમે છે. યાદ રહે નહીં. હવે આનો શો 

ઈલાજ ? 

મનમાં એક અવાજ સદા ઘૂમરાતો, ‘દીકરી હોય તો જન્મદાત્રીને  સમજે’ .સદા યાદ અપાવે છે ,”હું મારા માતા અને પિતાની દીકરી છું. માતાની કેળવણી અને સંસ્કાર આજે જીવન દીપાવે છે. પિતાના પ્યારનું ભાથાં આખી જિંદગી સુધી ચાલ્યું છે. કોને ખબર હજી કેટલા વર્ષ તે માણીશ ? “

જરુરિયાત

આજે બાળપણનો એક પ્રસંગ નજરો સમક્ષ તરવરી રહ્યો. શાળાએથી ચાલીને ઘરે આવતી હતી.શાળા બહુ દૂર ન હતી. એકલી જતી કોઈનો ડર ન લાગતો. શિયાળાના દિવસો હતા. એક માજી ઠંડીમાં ધ્રુજી રહ્યા હતા. મારા હાથમાં સ્વેટર હતું. મને ઠંડી બહુ ન લાગે. મમ્મી જબરદસ્તીથી સાથે રાખવાનું કહે. 

માજીને જોઈ  મને થયું, ‘હું તો આ સ્વેટર પહેરતી નથી. ભલેને માજી પહેરે. તેમને ઠંડી લાગે છે’. માજીની પાસે જઈને, તેને સ્વેટર પહેરાવ્યું. સામે ચા વાળાની દુકાન હતી,  એક આનો હતો ખિસામાં, ચા લઈ આવીને પિવડાવી. 

માજીના મુખ પર વ્હાલ ભર્યું સ્મિત ફરકી ગયું. આજે પણ એ ચહેરો બરાબર યાદ છે. લગભગ ૭૫ વર્ષ પહેલાનો એ બનાવ યાદ આવવાનું એક કારણ છે. 

છેલ્લા ૧૨ વર્ષથી Y M C A માં સવારે કસરત માટૅ જવાની આદત છે. ઠંડીની મોસમ આવે એટલે ત્યાં, મોટા ખોખા મૂક્યા હોય. સ્વેટર કે જેકેટ તેમાં મૂકવાના. જરૂરતમંદોને જઈને આપી આવે. છેલ્લા બે દિવસથી નજર હતી પણ ઘરેથી લેતા ભૂલી જતી. આજે છેલ્લો દિવસ હતો. 

જો આજે નહિ મુકું તો આવતી કાલે આ ખોખા અહીં નજરે નહીં પડે. પલભરનો વિચાર કર્યા વગર પહેરેલા જેકેટને ખોખામાં મૂકી દીધું. 

જરૂરિયાતનું તો એવું છે ને વધારો એટલી વધુ,ઘટાડો એટલી ઘટે ! હવે કાઢ્યા એટલા કાઢવાના નથી, એ ચોક્કસ છે. હંમેશા તેને ત્રાજવે તોલો ! તમારે ખરેખર તેની જરૂર છે ? દેખાદેખી છોડો ! જે છે તેમાં સંતોષ.

૨૧મી સદીમાં જરૂરિયાત વધી ગઈ છે. યાદ છે બાળપણમાં બે જોડી જૂતા હતા, આજે ઓછામાં ઓછા ૨૫ જોડી જૂતા લોકો વસાવે છે. કપડાંની તો વાત જ નહી કરતા ! સ્ત્રીઓને દાગીના સાચા પોષાય નહી, ખોટા તો અ ધ ધ ધ તમને મળશે. પૈસા પાણીની જેમ વાપરે. આની યાદી લખવા બેસીશ તો રાત પડી જશે. તમને વાંચવાનો કંટાળો આવશે.

આપણે સહુ આના શિકાર છીએ. જાગીએ તો સારું, બાકી સહુ પોતપોતાના મનના માલિક છે.

આપણું લોક જીવન

અમેરિકામાં રહીને કે ભારતમાં કરોડોપતિઓના મહેમાન થઈએ ત્યારે ખબર ન પડે 

કે આપણા ભારતના લોક જીવનની સુંદરતા શું છે ? લોક જીવનની સુગંધ માણવી હોય 

તો લોકોની વચ્ચે વાસ કરવો પડે. તેની સાથે ભળી ,તેના જેવા પોશાક ધારણ કરો, પછી 

જુઓ તેની દિનચર્યા . ખુલ્લા દિલે માહિતી પૂરી પાડશે.

આવો તેની સુંદર ઝલક જાણિએ. ૧૯૯૯૭માં પોરબંદર પૂ, રમેશભાઈજીની રામાયણ,

સપ્તાહ માટે ગઈ હતી.  અમેરિકાથી આવેલા માટે ખાસ સગવડ હતી. મેં માન્ય ન રાખી, 

સામાન્ય વ્યક્તિની માફક આખું અઠવાડિયું રહી. ખરેખર ભારતીય સાથે આ સહુ પ્રથમ 

અનુભવ હતો. એક કમરામાં દસ જણા રહે. બધા વચ્ચે ચાર બાથરુમ , નાહવા ધોવાની

સારી વ્યવસ્થા. કોઈ પણ જાતનો અણગમો નજરમાં ન દેખાય. ” તુલસી કૃત રામાયણ”

તેમની સંગે ગાઈને સાંભળ્યું. જીવનનો અણમોલ લ્હાવો માણ્યો. દસ દિવસ સુધી લોકોની

વચ્ચે રહી લોક જીવનનો અનુભવ મળ્યો.

૨૦૦૫માં ભાવનગર ગઈ હતી. ત્રણ મહિના એકલી રહી. પારૂલ બહેન અને ફાલ્ગુન ભાઈ

‘શૈશવ’ નામની સંસ્થા ચલાવે છે. ગરીબ ઝુપડપટ્ટીના બાળકો માટે કાર્યરત છે.

હ્યુસ્ટન આવ્યા ત્યારે મુલાકાત થઈ હતી. મને ત્યાં જઈ કામ કરવાનું મન થયું. મારી મરજી

જાણી આવવા માટે આમંત્રણ મળ્યું. નસીબ  સારા હ્યુસ્ટનમાં વસતા ભાવનગરના રહેવાસીએ

પોતાના બંગલાની ચાવી મને મોકલી. તેને હું હ્યુસ્ટનમાં મળી પણ ન હતી. 

ત્રણ મહિના રહી, રસ્તા પર લારીવાળા આવે એટલે ફળ ખરીદતી શાકભાજીવાળા

પાસેથી સલાડનો સામાન લેતી. ગલીને નાકે દૂધવાળાની દુકાન હતી. સામેના મકાનમાં

ભાવના બહેન ટિફિન મોકલી આપે. ભાવનગર એટલે ચેવડો, ભુસુ, પેંડા ઘરમાં રાખું. 

ત્યાંના ગુજરાતી સાહિત્યના લોકો સાથે ઓળખાણ થઈ અને ‘બુધ સભા’માં જતી. 

નવા લેખક અને કવિ મિત્રોની ઓળખાણ થઈ. સામાન્ય જન જીવનની ઝલક માણવા 

પામી. ભાવનગરની ઝુંપડપટ્ટી કુંભારવાડાની રોજ મુલાકાત લેતી. બાળકોની સાથે

વાતચીત કરતી. તેમના સ્વપ્ન સાકાર થઈ શકે તે માટે પ્રોત્સાહન આપતી. 

ઘરકામ માટે રમીલાબહેન મળી ગયા. તેને બાળક આવવાનું હતું. શાકભાજી, ફળફળાદી 

અને ભોજન ખવડાવતી. મારું કામ હોંશથી કરતા. ભાવનગરનો ત્રણ મહિનાનો અનુભવ

મારી જીંદગીનો એક અણમોલ હિસ્સો બની ગયા.

૬૩ વર્ષની ઉમરે ભારત, બેંગ્લોર ‘યોગનો’ અભ્યાસ કરવા પહોંચી ગઈ. મારા વર્ગમાં ૨૦ વર્ષના

વિદ્યાર્થીઓ હતા. તેમણે મને ભરપૂર પ્રેમથી આવકારી. એક વર્ષ તેમની વચ્ચે રહી જીવન શું છે

તે જાણ્યું. ખરેખર નસીબ સારું છે. જીવનમાં અનેક અનુભવ થયા. શીખવા મળ્યું અને જીવનન્માં

જે પામી છું તેનો આનંદ થયો. તે સમયે મને ત્રણ પૌત્ર અને ૨ પૌત્રી હતા. આજે તેઓ સહુ જુવાનિયા

થઈ ગયા છે. એક વર્ષ રહી. ભારતના યુવાનોની સંગત માણી. તેમની રહેણી કરણી, વિચારો વિશે

 અભ્યાસ કરવાનો સુહાનો અનુભવ મળ્યો. જીવનમાં તેમને પડતી મુશ્કેલીમાંથી માર્ગ કેમ કાઢવો તે

વિશે ખુલ્લાદિલે ચર્ચા થતી. સાથે ‘યોગ”માં સ્નાતક થઈ પાછી ઘરે આવી. 

જીવનમાં ક્યારે પણ કોલેજના વિદ્યાર્થી તરિકે ત્યાં રહી ભણવાનો અનુભવ મળ્યો ન હતો. ૬૪વર્ષની

ઉમરે, ‘P G DYT’ની ડીગ્રી મેળવી પાછી હ્યુસ્ટન આવી. આજ સુધી યોગના અમેરિકામાં અઠવાડિયાના

‘પાંચ’ વર્ગ ચલાવી રહી છું. એ બહાને અંહીની પ્રજાની સેવાની તક સાંપડી. આ દેશે ઘણું આપ્યું છે. આજે

ફૂલ નહી તો ફૂલની પાંખડી સ્વરુપે ચરણે ધરું છું.

ભારત માતૃભૂમિ છે. અમેરિકા કર્મભૂમિ છે. ૪૯ વર્ષ થયા અમેરિકામાં. ભારત વારંવાર જવાની સુવિધા

હોવા છતાં, જનજીવનની આ ઝલક દિલને સ્પર્શી ગઈ. આપણા લોક જીવનની સુગંધ માણી.

 

કાનો આવ્યો

શ્રાવણ વદ આઠમ અને કૃષ્ણ જન્મની રાત.
સાહેલી દોડી  આવ કહું  એક  ખાનગી વાત

વાસુદેવ અને દેવકીની કુખે જનમશે મધરાત
તનના  તાપ દૂર  થશે ને  મનને  થાશે  હાશ

સાત સાત બાળકોનાં કંસે કર્યા ઘોર અપરાધ
કાળો કેર વરતાવ્યો, ઉદ્ધારવા આવ્યા શ્રીનાથ

મથુરાના કારાગારને મધુરા સંગીતથી ઉભરાવી

જેલના સંત્રીઓને ભરનિદ્રામાં સપને ઝુલાવી

નંદ જશોદાની ઓસરીએ ગુંજી ઉઠી ગાયકી
જાગો,નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી

જળ જમનાની ધરામાં કાળિ્યા નાગનો વાસ
ગોકુળ નગરી ઉગારી સહુએ લીધો ઉંડો શ્વાસ

ભૂરી કાળી ગોરી ગાવડી લઈ નિકળે પ્રભાત
માખણ મિસરી રીઝ્યા બંસી છડીની સંગાથ

ગોપ ગોવાલણ સાટુ ટચલીએ ગોવર્ધન ધારી
૨૧મી સદીમાં પધાર્યા આજે શ્રીકૃષણ મુરારી

Design a site like this with WordPress.com
શરૂ કરો