“વાસ્તવીક જિંદગીની મુશ્કેલીઓ સામે
ઝઝુમતા વર્ગ માટે હંમેશા સદ્ભાવ
સેવ્યો છે, અને તેના જ પરિણામ રૂપે
મારી કલમમાંથી જે સરી પડ્યું તે
મારું સર્જન. સર્વહારા વર્ગના વિવિધ
સંઘર્ષ, માગણીઓ, લાગણીઓ ને તેને
કચડતી – ભચડતી આપણા સમાજની
રીતરસમો સામે લખાતા સાહિત્યને ગુજરાતી
વાચકો સમક્ષ રજૂ કરવાના પ્રયાસો …….
બંગાળી અને મરાઠી ભાષાની નવલકથાઓ, નાટકો
કાવ્યો અને ગીતોના અનુવાદ પુસ્તક આકારે
અને મેગેઝીનોમાં પ્રગટ થયેલા છે.”
———————————-
અને તેણે પોતાના કાળા વાળને ખભા ઉપર ફેલાવી દીધા. બધીજ બારીઓ ઉપરના પડદાઓ ખોલી નાખ્યા. છત્તા એને શ્વાસ લેવા માટે હવા ઓછી પડતી હતી. તેનો તરફડાટ, ગુંગળામણ વધતા જતા હતા. તેને બે કલાક પછી પોતાના જ વિદાય સમારંભમાં જવાનું હતુ. અકળામણે માઝા મૂકી દીધી. તે ખુલ્લા વરંડામાં દોડી ગઇ. શિશિરના ઠંડા પવને તેને ઘેરી લીધી. તેના વાળની લટો ને અસ્તવ્યસ્ત કરી મૂકી – બરાબર તેના મનની જેમ જ. તેણે સ્વસ્થતા જાળવવાના વ્યર્થ પ્રયત્ન રૂપે રસ્તાની બન્ને બાજુએ જોવા માંડ્યુ. રસ્તા ઉપર દોડતા વાહનોએ તેના મનમાં વિચરોની હારમાળા સર્જી.
હા! આજથી બરાબર દસ વર્ષ પહેલાની જિંદગીમાં એ ડૂબી ગઇ. ત્યારે તે નવપરણિતા બની સૌ પ્રથમ આ શહેરમાં આવી હતી. આ મકાન – રસ્તાઓ – શહેર – લોકો – બધાથી અપરિચિત હતી. પણ સમાજ તો બધે સરખો જ હોવાનો. તેના લગ્ન પણ એવા જ એક સામાજિક ચોકઠાનું પરિણામ હતુ. અને તેથી જ તેના મનમાં કોઇ કોડ નહોતા – કોઇ ઉમંગ નહોતો. અલબત, એને પોતાના પતિ સામે કોઇ ફરિયાદ પણ નહોતી. હા, એને ફરિયાદ હતી સમાજ સામે – રૂઢીઓ સામે. પણ ત્યાં એનો અવાજ ઘણો ક્ષિણ પડતો હતો.
જોકે એનો સંસાર સુવ્યવસ્થિત ચાલતો હતો. છતાં બધું અધૂરુ – અધૂરું, ખાલી – ખાલી લાગતું હતું. એની પાસે સરસ ઘટીલો બંગલો, કાર, પતિની સધ્ધર નોકરી, સામાજીક મોભો – આમ કહેવાતી તમામ સુખસાહેબીઓ હતી. છતાં તેને જીવનમાં સતત ખાલીપો લાગતો હતો. આમ જીવનની ગડમથલ ચાલતી હતી ત્યાં જ અચાનક – હા, અચાનક એક વર્ષના ટૂંકા ગાળામાં તે માતા બની. જરૂર તે અચાનક જ માતા બની હતી. કારણ કે તે પણ લગ્નની જેમ જ લૂખ્ખું – લૂખ્ખું, પૂર્વ તૈયારીઓ – પૂર્વ ઇચ્છાઓ વગરનું માતૃત્વ હતું.
પણ બાળકના આગમને તેના સ્ત્રી હૃદયને ઝણઝણાવી મૂક્યું. તેની મતૃમમતા સોળે કળાએ ખીલી ઉઠી. તે જિંદગીની તમામ વિષમતાઓ ગળી ગઈ. તેણે પોતાના શૂષ્ક લગ્ન જિવનને દફનાવી દીધું, ને ખરેખર જ એક સાંજે તેના ઘરની સામે એક એમ્બ્યુલન્સ આવીને ઉભી રહી. તે પોતાના બાળક સાથે તન્મય હતી, ત્યાં દરવાજાની ઘંટડી રણકી ઉઠી. બારણું ઉઘાડતાં વેંત જ તેને સમાચાર મળ્યા કે – સપન વર્માનું અકસ્માતમાં અવસાન થયું છે. તેના ષબનો કબજો સંભાળી લો. સમાચાર આપનાર બે પોલિસ અધિકારીઓએ પોતાના યુનિફોર્મ જેવા જ સાફ સૂથરા અવાજમાં કહ્યું. પણ એ પોતે જણે એક ઉંડી ખાઇમાં ગબડી પડી. માત્ર બાવીસ વર્ષની ઉંમરે આ સમાચાર જીરવવા એ સહેલી વાત નહોતી.
આમ સપન સાથેનું લગ્ન જીવન એક સ્વપ્ન બની ગયું. હવે તૃષા સામે પોતાના બાળકના ઉછેરની જવાબદારી આવી ગઇ. તેણે માતાપિતા બંનેની ફરજ બજાવવાની હતી. એના મનમાં વિચારોના વંટોળ જાગ્યા. તેણે સમાજ સામે સૌથી પહેલો સંઘર્ષ આરંભ્યો, ને વૈધવ્યનાં વસ્ત્રોનો અને નિયમોનો ત્યાગ કર્યો. તે નહોતી ઇચ્છતી કે તેનું બાળક એને શૂષ્ક જુએ. અને આમેય તેને સપન સાથે સામાજિક સંબંધો સિવાય બીજું શું હતું? તેને સપન સામે કોઇ ફરિયાદ નહોતી, તેમ જ આત્મિયતા પણ નહોતી. બસ, માત્ર રૂઢિગતતા હતી.
હવે તેણે પોતાનો સમય પુત્ર કર્તવ્યને ઉછેરવામાં, તેના વિષેની આર્થિક જવાબદારીઓ પૂરી પાડવામાં ગાળવા માંડ્યો. તે આ બધી જવાબદારીઓ અદા કરવામાં ઓતપ્રોત થઇ ગઇ. તેણે કર્તવ્યને ખૂબ જતનથી વિજ્ઞાનીક અભિગમથી ઉછેર્યો. તેનું શારીરિક બંધારણ, માનસિક વલણ, લાગણીઓ, અભ્યાસ, આમ વિવિધ ક્ષેત્રોમાં ઉંડી સૂઝ સાથે ઉછેર્યો અને તેથી જ કર્તવ્યની શક્તિઓ પણ વિવિધ ક્ષેત્રોમાં ખિલવા માંડી. અભ્યાસમાં તો પ્રથમ રહેતો જ ને સાથે અન્ય પ્રવૃત્તીઓમાં પણ કૌશલ્યતા દાખવતો.
આ બાજુ તૃષાએ પણ પોતાની પ્રવૃત્તિઓમાં વૈવિધ્ય લાવવા માંડ્યુ. વાચન તો વિશાળ હતું જ, તેમાં વિચારોની વિશાળતા ભળી, તેણે પોતાની આવડતને નવો વળાંક આપ્યો. અને સામાજિક કાર્ય કરવા માંડ્યુ. તેના બંડખોર સ્વભાવે તેને અન્યાય સામે લડવાનું જોમ આપ્યુ. તેની હૂંફ કિશોરીઓ, યુવતીઓ, વૃધ્ધાઓ આમ દરેક વય અને વર્ગની સ્ત્રીઓને મળતી. તે શેરીએ શેરીએ અને ઘરેઘરમાં કચડાયેલી સ્ત્રીઓના પ્રશ્નો લેતી. તેને સમજાવટ કે સંઘર્ષથી ને વખત આવે અદાલતી કામ ચલવીને પણ ઉકેલતી. તેનાં મૂલ્યો બદલાયા હતાં. ને તે સમાજનાં મૂલ્યો બદલાવવા માંગતી હતી.
આમ તે શિક્ષિત, જાગ્રત, સંઘર્ષશીલ સ્ત્રી હતી. અને છતા આજે તે ભિષણ ગૂંગળામણ અનૂભવતી હતી. કારણ …? કારણ, એના જીવનમાં એક પ્રસંગ બન્યો હતો, તેના રોજીંદા જીવનમાં એક વંટોળ ફૂંકાયો હતો. તેણે પોતાના મૂલ્યો ટકાવવા હોય તો કંઇક કિંમત ચૂકવવાની આવી હતી. જે સ્ત્રી-સ્વાતંત્ર માટે તે અત્યાર સુધી લડી હતી તે સ્વાતંત્રનો પડકાર આજે એની જીંદગીમાં આવ્યો હતો. અનેક સ્ત્રીઓને જેણે હૂંફ આપી, તેને જ આજે હૂંફની જરુર ઉભી થઇ હતી. અને આ પડકારનો જવાબ જ તૃષાના વિચારોની નક્કરતા કે પકળતા છતી કરશે.
તેનાં મનમાં બે વિચારોનું તાંડવ રચાઇ રહ્યું હતું. તેને રહી રહીને યાદ આવતું હતું કે પોતે તો એક વિધવા છે. ભલે તે યુવાન, તંદુરસ્ત, લાગણીશીલ – માત્ર બત્રીસ વર્ષની સ્ત્રી છે છતાં એ હકિકત છે કે પોતે વિધવા છે. વિધવા ઉપદેશો આપી શકે અને આપણો સમાજ તેને દેવી ગણીને પૂજે પણ ખરો, પણ તે જ વિધવા યૌવના પોતાના કોઇ પ્રિય પાત્રનું બીજ ધારણ કરીને ગર્ભવતી બને તો ??? ને આજે તેણે આ પ્રશ્ન વિષે જ નક્કી કરવાનુ હતું, કે પોતાના પેટમાં આકાર પામી રહેલા ગર્ભને પૃથ્વી પર અવતરવા દેવો કે નહી. તેની ગૂંગળામણ વધતી જતી હતી. તેની માનસીક સ્વસ્થતા ચાલી ગઇ હતી. અનેક ડામાડોળ સ્થિતીને પસાર કરીને અંતે તૃષાએ સ્થીરતા ધારણ કરી. તે મક્કમ બની. તેણે નોકરીમાંથી રાજીનામું આપી પોતાની કર્મભૂમી છોડી જવાનો નિર્ણય કરી લીધો. પોતાના બાળકને પૃથ્વી ઉપર લાવાવાનો નિર્ણય કર્યો. અલબત, તેની જાણ સમાજમાં કોઇ ને નહોતી. છતાં તેની મક્કમતા વળીવળીને ડગમગવા લાગતી. અને તેથી જ હજુ પણ તેનાં મનમાં તુમુલ યુધ્ધ ચાલતું હતું.
આજે તૃષાના માનમાં વિદાય સમારંભ યોજાયો છે. સમારંભમાં તૃષા અને કર્ત્તવ્યને આમંત્રણ મળ્યુ છે, છતા એ પોતાની સાથે પ્રગટ ચૌધરીને લઇ જાય છે. તેના મનને ક્યારેય એવું નથી લાગતું કે પોતે કંઇ ગુનો કરી રહી હોય. અને તેથી જ એ ભરીસભામાં જહેર કરી દે છે કે પોતે અને પ્રગટ એક બીજાના………
અત્યંત માનસીક યંત્રણાને લીધે એ આગળ બોલી શકતી નથી. પ્રત્યાઘાતનો વિચાર કર્યા વગર એ હોલમાંથી બહાર નીકળવા દોડી જાય છે. પણ મેદની તેને ઘેરી વળે છે. અભિનંદનના દરિયામાં તૃષાને ડૂબાડી મૂકે છે. ને ત્યારે તૃષા એક પરમ શીતળતા, હળવાશ, આહ્લલાદ, આનંદ અનુભવે છે અને અત્યંત ભાવપૂર્વક પુત્ર કર્તવ્યને વળગી પડે છે.
*************************************************************************************