Posted Feb 16, 2020 by Esha Dadawala
Categories: પ્રકિર્ણ

એષા દાદાવાળા
કાર્યક્ષમતા વધારવા શિસ્ત સાથે ક્રૂરતા પણ જોઇએ !


કોરોના વાઇરસ ફેલાયો ત્યારે ચીને દસ જ દિવસમાં આખેઆખી હોસ્પિટલ ઊભી કરી દીધી. સોશિયલ મિડીયામાં આ સમાચાર ખૂબ વાઇરલ થયા. કોરોના વાઇરસ સામે ઝનૂનથી લડી શકાય એ માટે ચીને કરેલી તૈયારીઓ, ચીનની સમયસૂચકતા, ચીનની કાર્યક્ષમતા, ચીનનાં કમિટમેન્ટ, ચીનની ઝડપ વગેરે વગેરેને લોકોએ ખૂબ વખાણ્યા. ભારત સાથે એની સરખામણી પણ કરી. સરખામણી બાદ આપણાં નઘરોળ તંત્રની ટીકા પણ કરાઇ. બેશક-ટીકા સામે કોઇ વાંધો નથી. પણ-ચીનનાં વખાણ કરવામાં ને કરવામાં સોશિયલ મિડીયા એક મહત્વનાં સમાચાર ચૂકી ગયું. કોરોના વાઇરસ અંગે ચીને પોતાનાં કાયદામાં એવી જોગવાઇ કરી છે કે-કોરોના વિશે અફવા ફેલાવનારને ચીન ફાંસીની સજા ફરમાવશે એટલું જ નહીં એ સજાને તાત્કાલિક અસરથી લાગુ પણ કરાશે. દસ જ દિવસમાં હોસ્પિટલ ઊભી કરી દેનાર ચીન ખોટી અફવા ફેલાવનારને દસ જ મિનિટમાં નેસ્ત-નાબૂદ કરી નાંખશે.
કોઇપણ કાર્યક્ષમતા દયાહીનતામાંથી જન્મે છે અને દયાહીનતા વિના આક્રમક થઇ શકાતું નથી. તમે આક્રમક થતા નથી તો સચોટ કાર્યક્ષમતા પૈદા કરી શકતા નથી. જો તમારે દસ જ દિવસમાં બંધાઇ ગયેલી હોસ્પિટલનાં વખાણ કરવા હોય તો અફવા ફેલાવનારને તાત્કાલિક અસરથી ફાંસીવાળી વાતનો સ્વીકાર કરવો જ પડે.
આપણામાં અને ચીનમાં આ એક મોટો ફરક છે. આપણને દસ દિવસમાં ઊભી થઇ ગયેલી હોસ્પિટલ ગમે છે પણ ક્રૂર આક્રમકતા, ક્રૂર શિસ્ત ગમતું નથી. ભયાનક કાર્યક્ષમતા પૈદા કરવા માટે તમારે ક્રૂર થવું પડે છે-જાત સાથે. દયાને ઉઠાવીને બાજુએ મૂકી દેવી પડે છે.
શિસ્તને પાળવામાં અને શિસ્તભંગ થાય તો સજા ફરમાવી દેવામાં ચીન આપણાં કરતા આગળ છે. છેલ્લાં ઘણાં વર્ષોમાં સુરતને શાંઘાઇ બનાવવાની વાત ચાલી રહી છે. સુરતને શાંઘાઇ બનાવવા શું કરવું જોઇએ એ જાણવા અડધું સુરત ચીન ફરી પણ આવ્યું છે. સૌ ચીનની ચમક-દમક, એની પ્રોડક્ટિવિટીથી અંજાઇ જાય છે પણ ચીનીઓની શિસ્તને-ચીનીઓની ક્રૂરતાને ઇગ્નોર કરી દે છે.
ચીની કંપનીઓનાં અને ચીનનાં હરણફાળ વિકાસ સામે ટીએનએનમેન સ્ક્વેરનો આખો કલંકિત ઇતિહાસ ધરબાયેલો પડ્યો છે. ચીને લોકશાહીનાં સમર્થક યુવાનો પર ટેન્કો ફેરવી દીધી હતી. અધિકારોને કચડવામાં ચીન કઇ હદે જઇ શકે છે એ જાણવું હોય તો તમારે ટીએનએનમેન સ્ક્વેરનાં ઉદાહરણને સમજવું જ પડશે. ચીનમાં રહેતી કોઇ વ્યક્તિ જો ગુગલ પર પણ ટીએનએનમેન સ્ક્વેર સર્ચ કરે છે તો ગુગલ એને ફૂલોનો બાગ બતાવે છે. ત્યાં શું થયું હતું અને કેટલી ટેન્કો ફરી હતી એ કહેવાની પરમિશન ચીને ગુગલને પણ આપી નથી.
આપણે ત્યાં આવું નથી. નિર્ભયાનાં ગુનેગારોને ફાંસી આપવામાં આપણે વર્ષો લીધા છે. હજી આજે પણ દયાઅરજીનાં અધિકારોની રમતો ચાલ્યા કરે છે અને ફાંસી આપી શકાતી નથી. આપણે ક્રૂર થઇ શકતા નથી. આપણે શિસ્તમાં રહી શકતા નથી અને એટલે જ આપણે ક્યારેય ચીન નહીં બની શકીએ. આપણે ત્યાં લોકશાહી રહેશે. લોકશાહીનાં તમામ અધિકારો પણ રહેશે-પોણી જીંદગી એ અધિકારોને બચાવવામાં આપણે પસાર કરી નાંખીશું અને એટલે જ આપણે વિકાસ તો કરી શકીશું પણ વિકાસની હરણફાળ નહીં ભરી શકીએ.
આપણામાં અને ચીનમાં એક ફરક છે. આપણે ત્યાં સરકારે કહેલી વાતોનાં મિમ બની જતા વાર નથી લાગતી. ચીન સાવ જુદું છે. ચીનમાં સરકારે કહેલી વાતની વિરુધ્ધનું કશું પણ અફવા છે. ચીનમાં સરકાર વિરોધી તમારું રિસર્ચ, તમારી માન્યતા કે તમારા અભ્યાસને અફવા ગણી લેવાય છે-આપણે ત્યાં એ રિસર્ચને માન્ય કરી એને ડોક્ટરેટની પદવી અપાય છે. કોરોના વાઇરસ ફેલાવાનો છે એવી અફવા વચ્ચે આપણે ત્યાં કેટલાક લોકો માસ્ક પહેરીને ફરતા થઇ ગયા પણ ચીનમાં આવું ન થઇ શકે. કોરોના વાઇરસ ફેલાવાનો છે એવી પહેલી જાણ કરનાર ડોક્ટરને અફવા ફેલાવી રહ્યો છે એવું કહી પોલિસે પ્રતાડિત કરેલો-જે પાછળથી કોરોનામાં જ ગુજરી ગયો. ચીન એટલું બધું ક્રૂર છે કે સત્ય સામે પણ રૂથલેસ થઇ જાય છે. ચીન એટલું બધું બેપરવા છે કે અફવા સામે ફાંસીની જોગવાઇ સામે વિરોધ કરાશે તો પણ ફાંસી આપશે જ અને કેટલાને ફાંસી અપાઇ એનાં આંકડાં પણ જાહેર નહીં કરે.
આપણે ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છીએ. આપણે ભ્રષ્ટાચારીઓને રંગેહાથે પકડી લઇએ છીએ-પણ પકડાયેલામાંથી નેવું ટકા લોકો કાયદાનો સહારો લઇ છટકી જાય છે. ચીનમાં કાયદો છટકબારી આપતો નથી. ત્યાં કેપિટલ પનિશમેન્ટ થાય છે.
આપણે ત્યાં દરેક ત્રીજો લલ્લુ-પંજુ ગાળો દેવાની બદમાશીને પણ અભિવ્યક્તિનો અધિકાર ગણાવે છે અને એટલે જ દસ દિવસમાં હોસ્પિટલ કે તરતની મિનિટે ફાંસી ભારતમાં શક્ય નથી.
જો હરણફાળ વિકાસ કરવો હશે તો આપણે આપણાં ધારા-ધોરણો બદલવા પડશે. જાત સાથે ક્રૂર થવું પડશે. શિસ્ત પાળવી પડશે અને શિસ્તમાં જ જીવવું પડશે.
જો ખૂબ પૈસા કમાવવા હશે તો શિસ્ત જોઇશે. સમયનું મેનેજમેન્ટ જોઇશે, પ્રાયોરિટીઝનું ગણિત જોઇશે. કમાયેલા પૈસાનું પ્લાનિંગ જોઇશે. પૈસા ખર્ચવાનાં પ્રલોભનોમાંથી મુક્તિ જોઇશે. શિસ્ત કે ક્રૂરતા માત્ર ધંધા કે નોકરીમાં જરૂરી નથી. એ સંબંધોમાં પણ જોઇશે. સંબંધો ટકાવવા શિસ્ત જોઇશે અને ગળે ફંદો બની વિકાસમાં રોકી રાખતા સંબંધોને ફેંકી દેવા માટે ક્રૂરતા પણ જોઇશે.
ચીનની હોસ્પિટલનાં વખાણ કરનાર દરેક જણે અફવા સામે ફાંસીની ક્રૂરતાને પણ વખાણવી પડશે. વિકાસ માત્ર આવડતથી આવતો નથી-એમાં શિસ્ત અને ક્રૂરતા પણ જરૂરી હોય છે એ વાત સમજી લેવાની જરૂર છે.

Column

Posted Feb 12, 2020 by Esha Dadawala
Categories: પ્રકિર્ણ

Esha dadawala

#esha #eshadadawala

પોર્ન સાઇટ પર પ્રતિબંધ : દુષ્કર્મી રાવણ સામેની લક્ષ્મણરેખા

‘પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધ મૂકાવો જોઇએ.’ સામાજિક નિસ્બત સાથે દિવ્ય ભાસ્કરે આ અભિયાન શરૂ કર્યું છે. એક અહેવાલ પ્રમાણે ભારતમાં દર પંદર મિનિટે એક બળાત્કાર થાય છે. આ વાત વિચારવા જેવી છે. આપણે બધું જ કરીએ છીએ. બળાત્કારીઓને ફાંસી જેવી અંતિમ-આકરી સજા ફટકારી દઇએ છીએ. દીકરીઓને જાતીય શિક્ષણનાં પાઠ ભણાવીએ છીએ. સેલ્ફ ડિફેન્સની ઢગલેબંધ ટેકનિકો શીખવીએ છીએ, પત્નીઓ-બહેનોનાં પર્સમાં પેપર સ્પ્રે ગોઠવી આપી સમયસૂચકતા સાથે એનો કેવી રીતે ઉપયોગ કરવો એ પણ સમજાવી દઇએ છીએ અને છતાં બળાત્કારનાં કિસ્સાઓ વધતાં જ રહે છે. આવું કેમ થાય છે? આટલું બધું કરવા છતાં આપણે ઠેરનાં ઠેર આવીને કેમ ઊભા રહી જઇએ છીએ? આ સવાલનો સીધો અને સહેલો જવાબ એક જ છે કે-ગાબડું જ્યાં પડ્યું છે એ જગ્યા પર સિમેન્ટ મારવાની જગ્યાએ આપણે કિલોમીટરો દૂર સિમેન્ટની દિવાલો ઊભી કરી રહ્યા છીએ.
સીતાને દોરી આપેલી લક્ષ્મણરેખા રાવણને વેશ બદલતા અટકાવી શકે જ નહીં. રાવણને વેશ બદલીને ખુલ્લેઆમ ફરતા રોકવો હશે તો લક્ષ્મણરેખા રાવણો માટે દોરવી પડશે-સીતા માટે નહીં. પોર્ન સાઇટ પરનો પ્રતિબંધ એ રાવણો માટે એક લક્ષ્મણરેખા સાબિત થઇ શકે કદાચ. ઇન્ટરનેટની સરળતાને કારણે પોર્ન સાઇટ્સ હાથવગી થઇ ગઇ છે. પોર્ન જોયા પછી તરત જ જાતીય ઇચ્છા ન સંતોષાય તો કેટલાક માણસો હેવાન બની શકે છે.
સૌથી વધારે પોર્ન સાઇટ જોનારા દેશોમાં ભારત ત્રીજા નંબરે આવે છે. સી.એન.એન સાથે કામ કરી ચૂકેલા 36 વર્ષનાં જર્નાલિસ્ટ રવિ અગ્રવાલે ઇન્ડિયા કનેક્ટ નામનાં પુસ્તકમાં લખ્યું છે કે-ભારતમાં હોળી, દિવાળી જેવા તહેવારો પર લોકો સૌથી વધારે સંસ્કારી થઇ જાય છે-કારણ કે આ દિવસે સૌથી ઓછા લોકો પોર્ન સાઇટ પર જાય છે. પણ-15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનાં દિવસોએ પોર્ન સાઇટ પર સૌથી વધારે ટ્રાફિક જોવા મળે છે.
એક રિસર્ચ પ્રમાણે પોર્ન જોનારામાંથી 70 ટકા લોકોએ પહેલીવાર દસ વર્ષની ઉંમરે પોર્ન જોયું હોય છે. ટીન એજર્સ માટે પહેલીવારનું પોર્ન કુતૂહલ જ હોય છે. પણ-આ કુતૂહલતાને એડિક્શનમાં પલટાતા વાર નથી લાગતી. સ્ત્રીનાં નગ્ન શરીરને એ સૌથી પહેલીવાર પોર્ન સાઇટ પર જુએ છે. નગ્નતા વિશે કે સેક્સુઅલ એક્ટ વિશેનો સૌથી પહેલો ખોટો ખ્યાલ અહીંથી જ બંધાય છે. સેક્સ શબ્દ સાંભળીને મમ્મીએ આપેલું રિએક્શન કે ચશ્મા પાછળથી ઉંચા થયેલા પપ્પાનાં ડોળા એવું સમજાવી દે છે કે-આ શબ્દ જાહેરમાં ચર્ચવા જેવો નથી. જેના વિશે જાહેરમાં વાત પણ નથી કરી શકાતી એવા વિષય માટે બાળકનું કૂતુહલ વધતું જાય છે. આવા સમયે મમ્મી-પપ્પાનો રોલ અતિમહત્વનો સાબિત થતો હોય છે. બાળકને આ જોખમથી દૂર રાખવા તમે કઇ રીત અપનાવો છો-એ સૌથી અગત્યનું છે. મા-બાપ તરીકે આપણે પ્રલોભનને પ્રલોભનથી મારવાની કોશિષ કરતા હોઇએ છીએ અને એટલે પછીથી પેરેન્ટિંગનું શિક્ષણ લેવાની જરૂર ઊભી થાય છે.
રાજ્યકર્તાઓને સૌથી વધારે ડર એમનાં વારસદારોથી લાગે. વારસદારોનાં ડરને દૂર કરવા એક આચાર્યએ કહેલું કે-એમને વિલાસી-પ્રમાદી બનાવવા દૂરનાં રાજ્યમાં મોકલી આપો. બીજાએ સલાહ આપેલી કે-એમનો વધ કરી નાંખો.પણ અર્થશાસ્ત્રમાં કૌટિલ્ય કહે છે કે-આમાનું કશું કરવાની જરૂર નથી. એમને સંસ્કાર આપો. કૌટિલ્યની વાત બહુ સાચી છે. પોર્ન સાઇટ્સ જેવા પ્રલોભનો વચ્ચે મા-બાપે બાળકને સંસ્કાર આપવાની જરૂર છે. અહીં એકવાત ખાસ સમજી લેવાની જરૂર છે કે સંસ્કારનો અર્થ ધાર્મિક શિક્ષણ, ભગવાનની બીક-એવો નથી થતો. સંસ્કાર એટલે સાચું અને ખોટું પસંદ કરવાની સમજણ. બાળક પોર્ન સાઇટ્સ ન જુએ એ માટે એની સેક્સુઆલિટી ખતમ નથી કરી નાંખવાની-એ કેમ ન જોવી જોઇએ એવી એને સમજણ આપવાની છે બસ. પોર્ન સાઇટ ખરાબ છે એવું એકવાર સમજાવી દેવાથી કે આવી સાઇટો પર નથી જ જવાનું એવું ડોળાં કાઢી કહી દેવા માત્રથી વાત પૂરી થઇ જતી નથી. બાળકને સીધી અને આડકતરી-બેઉ રીતે આ વાત સમજાવી પડે છે અને વારંવાર સમજાવી પડે છે. તમે જો એનું નેટ બંધ કરી દેશો તો એ હોટસ્પોટ વાપરશે. સફારી બ્લોક કરાવશો તો વોટ્સએપ પર ક્લીપ મંગાવશે. તમારી પાસે ના પાડવાની રીત એક જ હશે-પણ ધારેલું કરી લેવાની રીત એની પાસે હજ્જારો હશે.
આપણે ત્યાં જો દીકરીઓને સેલ્ફ ડિફેન્સની ટેકનિક શીખવાડાતી હોય તો દીકરાઓને સેક્સુઅલ વૃત્તિઓને કાબૂમાં રાખવાની ટેકનિક્સ શીખવવી જોઇએ. પોર્ન સાઇટ્સ જોઇ-જોઇને સેક્સુઆલિટીનો ખ્યાલ મેળવનાર બાળકો સેક્સ વિશે, સ્ત્રી વિશે, નગ્નતા વિશે ખોટી સમજણ પૈદા કરી લે છે. આવા બાળકો એક્સપરિમેન્ટ્સનાં નામે જુદી જુદી વિકૃતિઓનો શિકાર બનતા જાય છે અને ધીમે-ધીમે પોર્ન સાઇટ્સ બળાત્કાર સુધી લઇ જાય છે. આવા બળાત્કારો રસ્તા પર, ગાડીમાં કે ઝાડીમાં જ થાય છે એવું નથી-એ બેડરૂમમાં પણ થતા રહે છે અને એની ફરિયાદ કોઇ ચોપડે નોંધાતી નથી.
પોર્ન જોવા માટે પુખ્ત વયની વ્યક્તિઓ પાસે જુદા-જુદા કારણો હોય છે. આવી વ્યક્તિઓ કૂતુહલને કારણે, એડિક્શનને કારણે કે ડિસ-સેટિસ્ફેક્શનને કારણે પોર્ન જોતા હોય છે. કેટલાક લોકો સેક્સ એજ્યુકેશનને નામે પોર્ન જોવાનું ધુપ્પલ ચલાવે છે. સેક્સ એજ્યુકેશન માટે પોર્ન જોવી એ ભારતનો ઇતિહાસ જાણવા માંગનારાઓને ઠગ્સ ઓફ હિન્દુસ્તાન જોવા મોકલી આપવા જેવી હોરિબલ ઘટના છે.
જ્યારે બળાત્કાર થાય છે ત્યારે એક આખું ટોળું છોકરીઓને સલાહ આપવા નીકળી પડે છે. એકલા ન જવું જોઇએ, સેલ્ફ ડિફેન્સ શીખી લેવું જોઇએ, ટૂંકા કપડા ન પહેરવા જોઇએ-પણ થોડી સિમેન્ટ વિકૃતિ જ્યાંથી પૈદા થાય છે ત્યાં પણ મારવાની જરૂર છે. રાજ્યએ હવે પગલા લેવાની જરૂર છે. પોર્ન સાઇટ્સ પર બેન મૂકાશે તો વિકૃતિઓનાં જન્મસ્થળને તાળું લાગી શકે એમ છે. છોકરીઓને સલામત રાખવી હોય તો આવું કરી જોવું જોઇએ.

પગફેરો..!!

Posted Jan 8, 2010 by Esha Dadawala
Categories: અછાંદસ

દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,
સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?
અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!
એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…
નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…
પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી
એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક
નિસાસો નંખાય જાય છે…
ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયાં…
અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!

ડેથ સર્ટિફિકેટ…!

Posted Jan 8, 2010 by Esha Dadawala
Categories: અછાંદસ

પ્રિય દિકરા,
યાદ છે તને?
તું નાની હતી અને આપણે પાના રમતા,
તું હંમેશા જીતી જતી અને હું હંમેશા હારી જતો,
ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ,
તું કોઈ પણ હરિફાઈમાં જતી ત્યારે તમામ શિલ્ડ અને સર્ટિફિકેટ,
તું મારા હાથમાં મુકી દેતી,
અને ત્યારે મને તારા બાપ હોવાનો ગર્વ થતો.
મને થતું હું દુનિયાનો સૌથી સુખી બાપ છું.
આપણને કોઈ દુ:ખ હોય કોઈ તકલીફ હોય,
તો એક બાપની હેસિયતથી તારે મને તો કહેવું જોઈતું હતું…
આમ અચાનક,
તારા બાપને આટલી ખરાબ હદે
હરાવીને જીતાતું હશે…મારા દીકરા…?
તારાં બધાં શિલ્ડ અને સર્ટિફિકેટસ
મેં હજી સાચવી રાખ્યાં છે,
પણ એનો અર્થ એ તો નથી ને,
કે તારું ડેથ સર્ટિફિકેટ
પણ મારે જ સાચવવાનું…?!!

Posted Jan 8, 2010 by Esha Dadawala
Categories: અછાંદસ

આજે ઘણા દિવસો પછી હું બ્લોગ ઉપર એક કવિતા મુકું છું.

સપનું…!!

ફૂટપાથની ધારે રાત્રે સાવ ભુખ્યા સૂઈ ગયેલા
બાળકની આંખોમાં
કેવાં સપનાં આવતા હશે, ખબર છે ?
એના સપનાંમાં પરીઓ આવી
બરાબર સિન્ડ્રેલાની વાર્તાની જેમ જ
એમને નવાંનક્કોર કપડાં પહેરવી
પિઝા-બર્ગર-પેસ્ટ્રી એવું ખવડાવી જતી હશે ?
કે પછી
સવારે જ એની ઉંમરનાં બાળકને
એની મમ્મી સાથે હસતું-રમતું જતાં જોઈને
એના મનમાં જે કલ્પના ચાલેલી
એવું જ કંઈક
સપનાંમાં આવીને સાન્તાક્લોઝ
સાચું કરી જાય ?
પણ હમણાં તો,
એને સપનાંમાં દેખાય છે
કપ-રકાબી ધોતાં-ધોતાં તૂટી ગયેલાં
બે નંગ કપ-રકાબીનાં પૈસા
મહિનાના જરા-અમથા પગારમાંથી કપાઈ જવાના છે તે.
ચોકલેટ લેવા માટે બચાવી રાખેલા પૈસાનો
બાપ દારુ પી ગયો છે –
આ બધાં જ સંપનાઓ હમણાં હમણાં તો એને ઊંઘમાંથી ઝબકાવીને
જગાડી દે છે
પણ, ચિંતા ન કરો
થોડા દિવસ પછી એ ઝબકીને નહીં જાગે,
કારણ કે
એને સપનાંઓ જ નહીં આવે !

?

Posted Aug 25, 2009 by Esha Dadawala
Categories: અછાંદસ

હું હમણાં આઉં છું,
એવું કહીને ‘કોઈ’ જાય
પછી પાછું આવે જ નહીં,
આપણે રાહ જોતાં હોઈએ તો પણ…!
દિવસો વર્ષો થઈ જાય તો પણ…!
ત્યારે એવું થાય કે,
સૂકાઈ ગયેલાં આંસુઓ
આંખ સાથેનો છેડો ફાડી નાંખે.
પછી,
મોબાઈલ પર ફ્લેશ થતાં પ્રત્યેક નામમાં –
મેસેજનાં બીપમાં –
મંદિરનાં ઘંટમાં –
ડોરબેલનાં અવાજમાંથી
મરી પરવારેલી
એમનાં પાછા ફરવાની આતુરતાને
અગ્નિદાહ દેવાની ય જરૂર નહીં પડે…!
અને તો ય –
એ હવે પાછાં નહીં જ ફરે એવું મન મનાવી લીધાં પછી પણ,
અચાનક
એકાદી સાંજે
કારણ વગર બંધ દરવાજાં સુધી પહોંચી ગયેલી નજરને
પાછી વાળતાં
આંખ ભારી કેમ થઈ જાય છે?
મન,
એમને ફરીવાર કઈ રીતે મળી શકાયનાં પેંતરાઓ રચવામાં જ
આખો દિવસ કેમ વ્યસ્ત રહે છે,
એ સમજાતું નથી…!!

તને ચુપકે થી રોવાનું ફાવે?

Posted Aug 19, 2009 by Esha Dadawala
Categories: ગીત

લાગણીના તંતુઓ તુટતા કે તોડતા
                           સંબંધને રડવું ના આવે?
             આંખો તો નાની છે કેટલીયે નાની
                          તો ય સઘળું યે એમાં સમાવે
                            બોલ, તને ચુપકે થી રોવાનું ફાવે?

           વણદીધેલા કોલનો ડૂમો ભરાય ને
                            યાદ આવે દીધેલા કોલ
            ઝાંપે થી પાછું કોઈ આવશે નહિ
                           નહિ સંભળાશે શરણાઈ કે ઢોલ..
            ખુલ્લી અગાશીએ સાંજ પડે તો યે આકાશ ના ઝૂકવા આવે 
                                        હિંચકાને ખાલીપો સાલે..!

            તંતુ જો સ્નેહના તુટતા હો આમ
                      તો પાન નું ખરવું યે સમજી જવાય
              જીવતરના દાખલા ખોટા પડે
                      તો આંકડા ને બદલી ફરી ગણી શકાય?
             હૈયાની તિરાડો લંબાતી જાય, એનો એક્ષ રે ક્યાંથી કઢાવે?
                            કોઈ ફોટા માં લાગણી દેખાડે ! 
                            તને ચુપકેથી રોવાનું ફાવે?

આજે હું બ્લોગ ઉપર ‘પેન-ડ્રાઈવ’ ના મારા આર્ટીકલ્સના થોડા અંશો મુકું છું.

Posted Aug 19, 2009 by Esha Dadawala
Categories: પેન-ડ્રાઈવ, પ્રકિર્ણ

જે થાય છે એ બધું સારા માટે જ થતું હોય છે એ વાત પર શ્રદ્ધા રાખશો તો જિંદગીની લડાઈઓ સામે ટકી જશો. સામા પ્રવાહે તરવા કરતા પ્રવાહની દિશામાં વહ્યા કરવું એમાં જ શાણપણ છે. એવું સમજાય જાય પછી જીંદગી એક નવા જ અર્થ માં સમજાતી  હોય છે. અને એ અર્થ ચોક્કસ જ મજાનો  હોય છે.

———

ઘણીવાર ઘણા સંબંધોમાં પ્રતીક્ષા જરૂરી હોય છે. પ્રતીક્ષાની તીવ્રતા તમારા સંબંધની મજબૂતાઈ નક્કી કરતી હોય છે. અફેક્શન અને પ્રેમ વચ્ચેનો ભેદ નક્કી કરવા હવે ના ઘણા ટિનેજેર્સ્ પ્રતીક્ષાનો સહારો લેતા હોય છે. ગમતી વ્યક્તિની રાહ જોવાની પણ એક મજા હોય છે. રાહ જોતા હોઈએ ત્યારે આપણી
રિસ્ટવોચનો સમય અટકી જતો હોય છે. કેલેન્ડરમાં તારીખો ફરતે થયેલા કુંડાળા પાછળથી આંખોની ફરતે ગોઠવાય જતા હોય છે. પછી તો મોબઈલની પ્રત્યેક રિંગ, મેસેજના પ્રત્યેક બીપ, દરવાજાની પ્રત્યેક ડોરબેલ એમના આવ્યાની પ્રતીતિ કરાવે છે અને તોયે એ તો ક્યાય હોતા જ નથી. ત્યારે ધબકારા ને ગુસ્સો આવે છે. આંખોમાં ઉતરી આવેલી ભીનાશ ગળાને સાવ સુક્કું કરી જાય છે. મન ચીસો પાડી પાડીને એમને બુમો પડતું હોય છે ત્યારે ચાર દીવાલોની વચ્ચે રહેલી શૂન્યતા પવનમાં ઠોકાતી બારીની જેમ મન સાથે ઠોકાયા કરે છે. મને રાહ જોવાની ગમે છે પણ એ પાછા આવશે જ ની ખાતરી હોય તો જ..
——-

ઉગતો સુરજ મને ગમે છે. આંખોમાં સપનાઓના ડૂબવાનો સમય થાય ત્યારે સુરજના ઉગવાનો સમય થતો હોય છે. આ કોઈ જોગાનુજોગ તો નથી જ. આંખોમાં ઉજાગરો અંજાયેલો હોય ત્યારે સવારને આવકારવાનું થોડું અઘરું બને છે. મન ઉપર સ્મૃતિઓનો બોજો વધી જાય ત્યારે આજ ઉપર ગઈકાલ હાવી થઇ જતી હોય છે. હું હંમેશા ગઈકાલને બાજુએ રાખીને આજને આવકારવાની કોશિશ કરું છું. અને તોયે ઘણીવાર અજાણતા જ ગઈકાલનું અનુસંધાન આજ સાથે જોડી દેતી હોઉં છું. ઘણીવાર મને સવાર કોઈ તાજી ઉગેલી કુંપણ જેવી લાગે છે. ઉગતા સુરજને જોવાની પણ એક મજા હોય છે. કશુક ડૂબે પછી કશુક ઉગતું જ હોય છેની પ્રતીતિ સાથે સવાર આવે છે. સુરજ એક જ હોય છે પણ દરેક સવાર નવી હોય છે.

——

જીંદગી ઘણીવાર ડાબો કાન જમણા હાથે પકડાવે છે. આપણી ધારણા કરતા સાવ જુદી રીતે રી-એક્ટ કરવાની જિંદગીને આદત પડી હોય ત્યારે જિંદગીનો વાંક કાઢવાને બદલે આપણી ધારણાઓ બદલી નાખવામાં શાણપણ છે. ચશ્માં પહેરેલી આંખોને સપનાઓ સાફ દેખાય એવું નથી..ચશ્માં પહેર્યા પછી પણ …ઘણીવાર ધુમ્મસને ઉકેલી શકાતું નથી. ઘણીવાર એવું બને કે રકમ અને જવાબ બેઉ ખબર હોય અને તોયે તાળો ના મળે,આવું થાય ત્યારે રકમ બદલી નાખવાને બદલે જવાબ લખી ઊંધેથી ગણિત માંડવું જોઈએ

—-

દેશ, તું મને સમજાય છે જયારે હું કોઈ પારકા દેશની ધરતી પર હોઉં છું ત્યારે.ત્યારે હું મારા ભૂરા રંગના પાસપોર્ટની ડાબી બાજુએ નેશનાલીટીના ખાનાની સામે લખેલા “ઇન્ડિયન” શબ્દને વાંચ્યા કરું છું એકધારું..મને રસ છે તારી સાથેનું મારું અનુસંધાન જળવાય રહે એમાં. તું મારા માટે ખાસ છે કારણકે મારો સંબંધ તારી માટી સાથેનો છે. આજે મારે તારી સાથે થોડી વાતો શેર કરવી છે. થોડો ફેરફાર કરવો છે તારામાં. આમ તો  આપણે જેને પ્રેમ કરીએ એ વ્યક્તિને એવીને એવી જ સ્વીકારી લેવાની હોય પણ મારે તને શીખવવું છે લાગણીઓને કોરાણે મુકીને થોડું કડક થતા.

–આંખોને સપનાઓ ફૂટે એ અવસ્થા મને ગમી છે હમેશા અને સપનાઓ ફૂટવાની એ અવસ્થાને હું જીંદગી કહું છું. તું મને ગમે છે. મેં તને ચાહી પણ છે અને ધિક્કારી પણ છે. મેં તને દિલ ફાડીને પ્રેમ કર્યો છે. તારું મારી સાથે હોવું સતત જરૂરી છે એટલે નહિ પણ જયારે તું મારી સાથે રહી છે એ પ્રત્યેક પળ મને જીવવી ગમી છે એટલા માટે. જોકે મને હજી પણ તારી હયાતી સમજાય નથી. શ્વાસ અને ઉચ્છવાસની વચ્ચેના સમય દરમિયાન તું જન્મે છે. બર્થ-ડે કેક પર ગોઠવાયેલી મીણબત્તીને ફૂંક મરાયા પછી તારા હોવાપણાની ઉજવણી થાય છે. પણ તું મને સમજાવ કે વીતી ગયા છે એ વર્ષો જીંદગી છે કે જે જીવવાના બાકી છે એ વર્ષો જીંદગી છે?

થોડી ગપસપ

Posted Aug 18, 2009 by Esha Dadawala
Categories: પ્રકિર્ણ

પ્રિય વાચકમિત્રો,

છેલ્લા પંદરેક દિવસમાં મને પંદર ઈ-મેઈલ મળી. “તમે દર શનિવારે બ્લોગ પર પત્ર મુકવાનું વચન આપ્યું તો હવે પાળતા કેમ નથી?” બે-ત્રણ ઈ-મેઈલ કોલેજીયન્સની હતી. એક બાજુ મને આનંદ થયો, અને નવાઈ પણ લાગી. નવાઈ એટલા માટે કે ઊર્મીએ આ બ્લોગ બનાવીને ઓર્ડર કર્યો કે હવે નિયમિત રીતે એને અપડેટ કરતી રહેજે, પરંતુ ત્યારે વાચકોના આવા રિસ્પોન્સ વિષે જરા પણ ખ્યાલ નો’તો. સૌથી પહેલા હું મારા બધા વાચકોને થેંક-યુ કહેવા માંગું છું.અને નિયમિતપણે બ્લોગ અપડેટ નથી કરી શકતી એ માટે માફી પણ માંગું છું. આ શનિવારે હું ચોક્કસ જ પત્ર પોસ્ટ કરીશ એની ખાતરી આપું છું. આ પત્ર એક સાસુ દીકરી બનીને આવતી એની પુત્રવધુ ને આવકારવા માટે લખે છે… તો શનિવારે પાક્કો વાયદો..

મારી કવિતાઓ…

Posted Aug 17, 2009 by Esha Dadawala
Categories: પ્રકિર્ણ

બીજી વેબસાઈટ પર મારી કવિતાઓ વાંચવા ક્લિક કરો…

http://layastaro.com/?cat=46

http://urmisaagar.com/saagar/?cat=144


Design a site like this with WordPress.com
Get started